રવિવાર, ઑગસ્ટ 31, 2008

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી

બહુ જ સુંદર અને બારીક કામ નાટકમાં કરતો માણસ એટલે કે સૌમ્ય જોશી. 'દોસ્ત, અહિં ચોક્ક્સ નગર વસતું હશે' જેવા ઓફબીટ નાટકથી નાટ્ય ક્ષેત્રે અલગ, આગવી ઓળખ ઊભી કરનાર - મુન્નાભાઈની ગાંધીગીરીનો concept અને અદભૂત સ્ક્રિપ્ટ આપનાર અભિજાત જોશીનો આ નાનો ભાઈ - કવિતામાં પણ એવું જ કામ કરી રહ્યો છે...વર્ષો પહેલા આ એક-બે શેરથી હું એમના પર ઓવારી અને એમની કવિતાનો ચાહક બની ગયો -

શું કરું? ક્યાંથી ઉકેલું? કેવો આ સંબંધ છે?
તું લખે છે Brailમાં, ને હાથ મારા અંધ છે.

હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આઈનો અકબંધ છે.

ગઝલમાં આવું કામ કરનાર સૌમ્ય જોશીને એમના બળકટ અછાંદસથી અને રજૂ કરવાની આગવી અદાથી મુશાયરામાં છવાઈ જતા જોવા એ એક લ્હાવો છે - એ લહાવો પહેલી વાર બ્લોગ જગતમાં વિડિયોના રૂપે - લાઈવ મુશાયરામાંથી સીધો આપની પાસે.




આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું!
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહું’સું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સી તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!

શનિવાર, ઑગસ્ટ 30, 2008

હું જીવતો છું...રાવજી પટેલ

આ અછાંદસ દ્વારા રાવજી પટેલ એની કલમની અમરતા સિધ્ધ કરે છે...દરેકે દરેક જણને, દરેકે દરેક ક્ષેત્રમાં ક્યારેકને ક્યારેક લાચારીનો સામનો કરવો પડે છે..એ લાચારી અને એ પણ કવિની જો વધી જાય તો કલમના તીક્ષ્ણ છેડેથી એનાથી ય તીણા શબ્દ બનીને બહાર આવે છે અને વાગે છે ભાવકને રુંવાડે-રુંવાડે....



ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે.

અને

ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી

પ્રત્યેક ક્ષણે

મને વિતાડે છે.

હોય. બગાઈ છે બાપડી. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


હું મારા Boss-જીનો Personal Telephone

તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી

નોકરીને પાલવું છું.

હોય. બોસ છે બિચારો. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


ઘરમાં મોટેથી તો હસાય જ નહીં.

લેંઘામાં ખણજ આવે ને તોય માળું

વલુરાય જ નહીં.

હોય ત્યારે ઘર છે બિચારું, ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


યદા યદા હિ ધર્મસ્ય

મૂકં કરોતિ વાળો શ્લોક સ્મરતો હોઉં ત્યારે

કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી

મને રોજ ઠૂંસા મારીને રાત બગાડે છે.

હોય સાલી એ છે તે ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


રસ્તા પર ગુલમ્હોર છે ને ?

બાવળીઓ કહેવું હોય તો જાવ - પણ છે ને?

નં. 4. ત્રીજો માળ, લીલીછમ બારી, એ પા તો

જોવાય જ નહીં.

ક કરવતનો ક બોલાય

ને ન ખાવું હોય તો ય બિસ્કિટ લેવાય

ને પાનના ગલ્લા આગળ - ક્ષણિક ઓસરીમાં

રહ્યો રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કૂદાકૂદ

કરી લેવાય. પણ ઘોડીનું લીલી પા

જોવાય જ નહીં. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!

ને ખુરશીમાં ડાળીઓ ઝૂલતી જોઉં છું પાછી.

શુક્રવાર, ઑગસ્ટ 29, 2008

'છે તો છે' વાળો ભાવેશ ભટ્ટ 'મન'

આજે એક અજબ મિજાજ - સરસ સ્વભાવ અને સબળ અવાજ વાળો કવિ મીત્ર એટલે કે ભાવેશ ભટ્ટ. તમારી પાસે એની કંપનીના કામે - સેલ્સ કોલ પર આવ્યો હોય એની ટીમને લઈને તો કહી ના શકો કે આ જ માણસ - આવી ધારદાર ગઝલોનો સર્જક હશે. પાછો ઉર્દુ ગઝલોનો ઉંડો અભ્યાસુ..મૂડમાં હોય તો એની જબાને એક પછી એક - એક-એકથી ચઢે એવા શેર નીકળતા જતા હોય, સાથે એના શાયરની ચર્ચા અને શેરની શેરિયતની ચર્ચા તો ખરી જ, જે એ પોતાની ગઝલની વાત હોય ત્યારે નથી કરતો. એના ગઝલ સંગ્રહ 'છે તો છે'માંથી દરેક કાવ્ય રસિકે પસાર થવું જરૂરી છે - એનો નમૂનો જોઈ લો, અહીંયા જ -


એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.

કેમ સમયજી ખુશ લાગો છો?
કોને મારી ટક્કર આવ્યા?

કંઈક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.

ભેજ ગયો ના જીવનમાંથી,
સૌ વરસાદી અવસર આવ્યા.

ગુરુવાર, ઑગસ્ટ 28, 2008

અંજની - મનોજ ખંડેરિયા

આજે મનોજ ખંડેરિયાએ ખેડેલા એક કાવ્ય પ્રકારની વાત - અંજની.


પ્રસ્તાવનામાં સુરેશ દલાલ લખે છે કે, રામનારાયણ પાઠકે 'બૃહત પિંગલ'માં લખ્યું છે કે, "અર્વાચીન સમયમાં કેટલીક નવીન રચનાઓ અન્ય સાહિત્યમાંથી આવી છે એમાં જે ચતુષ્પાદ રચનાઓનો ઉલ્લેખ કરવો જોઈએ...એમાં પહેલી અંજની ગીત છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે...પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાના એક પ્રાસથી સાંધેલી છે. એમાં ચાર ચતુષ્કળ સંધિઓ આવે છે....ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે...આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી વધારે ગાઢ રીતે સંધાયેલી છે એમ બતાવવા ત્રીજી પંક્તિ આગળ '-' આવું ચિહન પણ કરેલું છે...." અને પછે સુરેશભાઈ એમ કહી અટકે છે કે "વર્ષો પછી મનોજ ખંડેરિયાની કલમને 'અંજની'નો યોગ થયો છે, અને એ કેવળ પ્રયોગની ભૂમિકા પર નથી, પણ કાવ્યની ભૂમિકા પર છે એનો આનંદ છે....



વન વન રણ ને ઘર પણ ધ્રૂજ્યાં
ક્ષણ ક્ષણ ધ્રૂજી, કારણ ધ્રૂજ્યાં
ધાર્યું'તું ક્યાં એક ધડાકે -
મારો લોપ થશે

હું હાથ જરા અડકાડત ના
જોખમ એવું ઉઠાવત ના
ખબર હતી ક્યાં એવી, કાગળ-
જીવતી તોપ હશે.


**************************************



ભીંતો સસલું થઈ દોડી ગઈ
લહેર અરીસાને ફોડી ગઈ
ખળખળ કરતું તૂટી પડતું
ગંજીપાનું ઘર

ક્ષિતિજ હલી, અજવાળું ધ્રૂજ્યું
સપનાનું પરવાળું ધ્રૂજ્યું
પટંગિયાનું શબ તેં ચોડ્યું
મારી છાતી પર

બુધવાર, ઑગસ્ટ 27, 2008

શું છે? - રમેશ પારેખ

આજે વળી પાછા રમેશ પારેખ અને એમની ગઝલ. રોજ-બરોજ આદતવશ બોલી જનારા શબ્દોમાં કોઈ દિવસ ઊંડા ઉતરી જોયું કે ખરેખર એ શું છે? અમેરિકામાં એકથી બીજાના ઘરે જવા માટે 'યાહુ મેપ'નો સહારો લેનારા દરેક જણને નકશા ફોબિયાનો શેર સાવ પોતિકો લાગવાનો. ઘડિયાળ હાથે બાંધીને ફરો અને એમ માનો કે સમયને તમારા વશમાં કર્યો છે, પણ તમને ખબર છે કે પળ શું છે?

પ્રણામ, આપ જે કહેતા હતા એ જળ શું છે?

તળાવ શું છે, છલકવું શું છે, કમળ શું છે?


હું સાંગોપાંગ નકશાફોબિયાનો માણસ છું

તમારા શહેરમાં રસ્તાઓનું વલણ શું છે?


નજીવી ઠેસમાં ઓળખ બધી જ ભાંગી ગઈ

આ ફાટી આંખ પૂછે છે કે આ સકળ શું છે?


છે ખુદ-બ-ખુદ હથેળી જ એનો એક જવાબ

છતાંય પ્રશ્ન કરે છે મને -સકળ શું છે?


મગજ સડેલ છે તેથી રમેશ ગુંચવાયો

ન ક્યાસ આવ્યો સત્ય શું છે અને છળ શું છે?


રમેશ, કાંડે તું ઘડિયાળ બાંધી ફરતો, પણ

તને ખબર પડી નહીં કદી કે પળ શું છે?

મંગળવાર, ઑગસ્ટ 26, 2008

ગઝલ - અંકિત ત્રિવેદી

સુંદર કવિતાઓ આપવાની સાથે સુંદર સંચાલન સંભાળતો જણ એટલેકે અંકિત ત્રિવેદી. એનો અંદાઝે-બયાં જુદો છે..બોલચાલની લાગતી વાતને વાંચતા આગળ વધો અને અચાનક એવું આશ્ચર્ય આપે કે ક્યાં તો આહ કે પછી વાહ થઈ જવાય. એને સપના આંસુવાળા આવે છે, જ્યાં સુધી કોઈની યાદનું પીંછુ ખરતું નથી..અને પછી એ અધૂરી બાજી છોડીને આગળ વધી જાય છે, મૂંગા હોઠ લઈને - અને એકલો ટોળે વળી જાય છે.



અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે
એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે -


આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે -


બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે -


અટકી ગયેલી વાત ના આગળ વધી શકી.
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?


મારા વિના હું એકલો ટોળે વળી ગયો
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

સોમવાર, ઑગસ્ટ 25, 2008

ગઝલ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આજે શ્રી રાજેશ વ્યાસની ગઝલ. એમની ગઝલમાંથી પસાર થતા આ માણસ કંઈક ભાળી ગયો છે અથવા એ દિશામાં બહુ જ મનપૂર્વક આગળ વધી રહયો હોય એમ લાગ્યા કરે. એમને સુખ-દુ:ખની બહાર થવું છે, દરિયો પણ થવું છે ને પાર પણ થવું છે! આપણે ભલે આપણને વ્યક્ત કરવા, 'શબ્દ' નામની એક 'ચાલી જાય' એવી વ્યવસ્થાનો સહારો લઈને બેઠા છીએ, પણ દિલ પર હાથ મૂકીને સાચ્ચે-સાચું કહેજો સાહેબ, એ વ્યવસ્થા શું કાયમ કામ આવે છે?
ના, તો એનો જવાબ પણ આ શાયર આપે છે....


તો ગઝલ -



સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,

દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.


ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,

તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.


એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,

પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.


શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,

એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.


મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?

લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો?

રવિવાર, ઑગસ્ટ 24, 2008

શ્યામ મારો આ કોરો કાગળ...સુરેશ દલાલ

આજે જન્માષ્ટમીના દિવસે શ્યામને સુરેશ દલાલના શ્બ્દોમાં આવું કહીએ....



શ્યામ મારો આ કોરો કાગળ

એમાં દોરો તમે કુંડળી

અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા

એને કહો ખોલશો ક્યારે?



રાહુ ચંદ્રને ગળી જાય તો

તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને

એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;

અમને કાંઈ સમજ નહીં,

ગ્રહો વિરહના ટળશે

એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર

અને બળવાન શુક્રને કરો

મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?

- તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો

તમને પણ અમને મળવાનું

મન કદીય થાય ખરું કે નહીં?

અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ

તમને પણ ક્યાંક ઊભા રહીને

આંખોમાં આંખો રોપીને

માનમલાજો મર્યાદાને લોપી દઈને

ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું

મન કદીય થાય ખરું કે નહીં?

શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે

ને કયા જનમમાં સગપણ ફળશે?

રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?

- મને કૈં કહેશો ક્યારે?

શનિવાર, ઑગસ્ટ 23, 2008

મરણ પર મક્તા - 'બેફામ'

આજે ડૉ. રશીદ મીરના પુસ્તક - 'આપણા ગઝલ સર્જકો'ની મદદ લઈએ.

બેફામે મૃત્યુ વિષય પર અસંખ્ય મક્તા લખ્યા છે. પરંતુ વિશિષ્ટતા એ છે કે દરેક વખતે મૃત્યુ જેવા શુષ્ક અને અશુભ વિષયને એ નવા નવા વિચારો અને કલ્પનાઓ દ્વારા આસ્વાધ્ય અને વેધક બનાવી દે છે.



છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ,

હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4)



કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,

મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31)



આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,

એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10)



રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. (ઘટા, 21)



મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,

જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ. (ઘટા, 75)



જો કે બેફામ હું જીવન હારીને જોતો હતો,

તે છતાં લોકોની કાંધે મારી અસવારી હતી. (ઘટા, 82)



બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (માનસર, 80)

શુક્રવાર, ઑગસ્ટ 22, 2008

અછાંદસ - અશરફ ડબાવાલા

TV Interview-ના પ્રશ્નો

ખરેલા પાનને :

- તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ?

- ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો?

- નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશ છે?


સરકસના સિંહને :

- જંગલ અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

- તાળીઓ સાંભળીને તમે શું અનુભવો છો?

- તમે રિંગમાસ્ટરને તેનાં બાળકો સાથે રમતાં જોયો છે?


જન્મથી અંધ બાળકને :

- તમે ક્યારેય આકાશને સપનામાં જોયું છે?

- તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે?

- તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો?



[This was written in year 1977, we thought it is only Today's TV reporters who started this kind of questions - what did you feel when you were inside the well!!!]

ગુરુવાર, ઑગસ્ટ 21, 2008

મીરા કાવ્ય - રમેશ પારેખ

ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરી કટ્ટ

એક અમે પોતે અને બીજો તારો વટ્ટ


નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ

નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ


વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ

આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ


નખ ઊગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ

ઉપર મારે આંચકા અણિયાળો અષાઢ


તારા વટને કચ્છની સૂડી સરખી ધાર

અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?


મીરા કહે કે સાંવરા, વાગે વીજળી બહુ

બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું

બુધવાર, ઑગસ્ટ 20, 2008

ગીત - મુકેશ જોશી

તારું ઘર છે મંદિર જેવું
માણસ છું હું ક્યાં જઈ રહેવું?


કાલી ઘેલી ભૂલ કરું છું
પત્થરને પણ ફૂલ ધરું છું
આંખે ખારું સુખ ભરું છું

ઝળહળિયું માંગે તો દઈએ
સપનું પાછું ક્યાંથી દેવું....તારું ઘર


શ્વાસોને ઝળહળવા માટે
તું ચાલે છે મળવા માટે
મારી ચાલ તડપવા માટે


તારું મન છે રૂનો ઢગલો
હું તણખો છું કોને કહેવું...તારું ઘર


[સાભાર - કવિતા ઓગષ્ટ-સપ્ટે. 2007]

મંગળવાર, ઑગસ્ટ 19, 2008

અશોક ચાવડા 'બેદિલ' - મારામાં

નવી ગુજરાતી કવિતાનો નવો કવિ - સાથે સાથે પત્રકારત્વ, સંપાદન જેવી બીજી અનેક ખૂબીઓવાળો અને ઉમદા વ્યક્તિત્વ તો ખરું જ - એના એક ખૂબ જાણીતા શેર સાથે અશોક ચાવડા 'બેદિલ'ને પેશ કરું છું, એના અવાજમાં.
એણે આ જ શેરના નામે એટલે કે 'પગલાં તળાવમાં' નામે સુંદર કાવ્ય સંગ્રહ પણ આપેલો છે.

કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.

અને હવે ગઝલ -


ક્યાં છે હોશો હવાસ મારામાં,
હું જ કરતો વિનાશ મારામાં.

સાવ ખંડેરસમ બધું લાગ્યું,
મેં કરી જ્યાં તપાસ મારામાં.

આ અરિસો ય રોજ પૂછે છે,
કોણ બેઠું ઉદાસ મારામાં.

કેમ દફનાવવી વિચારું છું,
હોય મારી જ લાશ મારામાં.

કોઈ 'બેદિલ' મને બતાવે ના,
શું થયું છે ખલાસ મારામાં.

સોમવાર, ઑગસ્ટ 18, 2008

ઝેન ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની એક વિશિષ્ટ ગઝલ - એમાં શું નવતર છે, એ કહેશો જરા?


બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે


ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે


મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
'સૂરજ નથી' ના શ્વાસમાં મૂંગો મરાઉં રે


'સૂરજ નથી' ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે


તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે


આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં...હું સંભળાઉં રે

રવિવાર, ઑગસ્ટ 17, 2008

નિસ્બત છે અમારે ધરતીથી - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી - પરંપરાના શાયર. બહુ જ સુંદર સંચાલન પણ કરતા એમ પણ સાંભળ્યું છે. એમની એક નખશીખ સુંદર ગઝલને લઈ સૌમિલ-શ્યામલ મુનશીએ સંગીતના વાઘા પહેરાવીને એની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે.


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

નોંધ : જયશ્રીએ એને શબ્દ સ્વરૂપે ટહૂકો પર અહીં મૂકી હતી.

શનિવાર, ઑગસ્ટ 16, 2008

ટેબલ વિશે ગઝલ.....નયન દેસાઈ

એક પ્રયોગખોર ગઝલકારની ગઝલ -

થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો !
સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના,
એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર ચાલે.
કઈ ઓફિસમાં હોવાની સી.એલ. મળે છે ? લ્યો, ટેબલને તાળું મારો !

રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલ પૂરમાં, આખી ઓફિસ ડૂબવા માંડી,
હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આ જ હતું ટેબલ કે જેણે ફૂલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
આજ હવે ખાનામાં 'જનકલ્યાણ' મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

શુક્રવાર, ઑગસ્ટ 15, 2008

પછી પણ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ગુજરાતી કવિતાનો નવો અવાજ અને મિજાજ.



એકાદ સ્વપ્ન આંખને અડકી ગયા પછી પણ,
હું જીવતો રહ્યો છું, સળગી ગયા પછી પણ.

કોરો હતો હું, પલળ્યો, પાછો થયો છું કોરો,
ક્યાં ફેર કંઈ પડ્યો છે, સુધરી ગયા પછી પણ.

એકાદ પાંદડીએ અકબંધ તો નથી ને?
આવી રહ્યા છે જોવા, મસળી ગયા પછી પણ.

જાકારો આપવાની જગ્યા જ ક્યાં રહી છે?
ભટકી રહ્યા છે રાઘવ, શબરી ગયા પછી પણ.

પાંપણ જરા ન ફરકી, નિષ્ઠુર ગાળિયાની,
આખા નગરની આંખો પલળી ગયા પછી પણ.

મૂરખો છે સાવ મૂરખો 'નારાજ' મૂળમાંથી,
બોલી રહ્યો છે સત્યો, સમજી ગયા પછી પણ.

ગુરુવાર, ઑગસ્ટ 14, 2008

મારું જીવન એ જ મારી વાણી - ઉમાશંકર જોશી

આઝાદી નામની ઘટના માટે જેનું મોટું યોગદાન હતું એવા વ્યક્તિત્વને યાદ કરીએ, શ્રી ઉમાશંકર જોશીના શબ્દોમાં.

સંગીત અને સ્વર : પરેશ ભટ્ટ


મારું જીવન એ જ મારી વાણી,
બીજું એ તો ઝાકળ પાણી.

મારા શબ્દો ભલે નાશ પામો,
કાળ ઉદર માંહી વીરામો.
મારા કૃત્ય બોલી રહે તો ય,
જગ એ જ કેવળ સત્યનો જય.
મારો એ જ ટકો આધાર,
જેમાં સત્યનો જયજયકાર.
મારું જીવન એ જ મારી વાણી...........

સત્ય ટકો, છો જાય આ દાસ,
સત્ય એ જ હો છેલ્લો શ્વાસ.
એને રાખવાનું કોણ બાંધી,
એને મળી રહેશે એના ગાંધી.
જન્મી પામવો મૃત્યુ સ્વદેશ,
મારું જીવન એ જ સંદેશ.
મારું જીવન એ જ મારી વાણી...........

બુધવાર, ઑગસ્ટ 13, 2008

નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો - શેખાદમ આબુવાલા

શ્રી શેખાદમ આબુવાલાનું નામ સાંભળ્યું છે, અવાજ સાંભળ્યો છે? જો હા, તો એની યાદ તાજા કરો અને જો ના, તો એ કેવો હશે એવો પોતાની જાતને કોઈ વખત પૂછાઈ જતા પ્રશ્નનો ઉત્તર આપો.


તા.ક. : અને હા કોઈ વખત સૌમિલ મુનશી મળી જાય ને મૂડમાં હોય તો અદ્દલ શેખાદમની સ્ટાઈલમાં એમની ગઝલ સાંભળવી ભૂલશો નહિં.


નો'તી જરી જરૂર છતાં પણ ખુદા મળ્યો,
એ રીતે કંઈકવાર અકારણ ખુદા મળ્યો.

આ બે ઘડીને માટે જમાના વીતી ગયા,
લાખો યુગો વીત્યા પછી બે ક્ષણ ખુદા મળ્યો.

છે સર્વવ્યાપી એટલે એમાં નવું નથી,
મંદિરમાં ઝાંખી જોયું તો ત્યાં પણ ખુદા મળ્યો.

થાકીને બંદગીથી અમે કોશિશો કરી,
જ્યારે અમારું થઈ ગયુ તારણ, ખુદા મળ્યો.

એ છે, નથી, હશે અને ના હોઈ પણ શકે,
કરવા ગયો જ્યાં એનું નિવારણ ખુદા મળ્યો.

પયગંબરી નથી મળી તો પણ થઈ કમાલ,
ઊંચુ હશે અમારુંય ધોરણ, ખુદા મળ્યો.

આદમ ગજબની વાત છે આસ્તિક હતા અમે,
નસ્તિક બની ગયા અમે કારણ ખુદા મળ્યો.

[સાભાર - સર્જક અને શબ્દ સંપુટ 4]

નોંધ - શ્રી સુભાષ શાહે 'સર્જક અને શબ્દ' અભિયાન હેઠળ પાંચ સંપુટ આપ્યા છે - જે દરેક સંપુટમાં દસ ઓડિયો સીડી છે અને એક સંપુટની કિંમત 500 રુપિયા. એમનો સંપર્ક કરી શકાય - 9426080185. યુ.એસ.એ. કે ઓસ્ટ્રેલિયાની સંપર્ક માહિતિ અને દરેક સંપુટની વધારે વિગતો http://gujaratexclusive.com/contact.html

મંગળવાર, ઑગસ્ટ 12, 2008

અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા



ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Quiz – મક્તાનો (છેલ્લો) શેર વાંચીને તરત ‘વરસોના વરસ લાગે’ ગઝલનો કોઈ શેર યાદ આવે છે??

સોમવાર, ઑગસ્ટ 11, 2008

ગઝલમ શરણમ ગચ્છામી - હરદ્વાર ગોસ્વામી

મારા પ્રિય મીત્ર કવિ અને સફળ સંચાલક હરદ્વાર ગોસ્વામીની એક સુંદર ગઝલ આજે એના પોતાના અવાજમાં -


દોસ્ત, ધજા થઈ ગઈ પત્થરની, ગઝલમ શરણમ ગચ્છામી,
પોલ ખૂલી ગઈ સહુ ઈશ્વરની, ગઝલમ શરણમ ગચ્છામી.

આંસુને અત્તર કરવા સપનાનો સૂરમો આંજ્યો, પણ-
ઉંઘ ઉડી ગઈ છે બિસ્તરની, ગઝલમ શરણમ ગચ્છામી.

નવસો નવ્વાણું દરવાજે તારા સ્વસ્તિક ચિતરાશે,
સાંકળ વાસી દે તું ઘરની, ગઝલમ શરણમ ગચ્છામી.

કલ્પતરુના છાયા ઓઢ્યા તો પણ તડકા રગરગમાં,
અઢળક પીડાઓ અંદરની, ગઝલમ શરણમ ગચ્છામી.

એકે તો ઓગળવું પડશે, કેમ સમાશું બન્ને જણ,
ગલી સાંકડી પ્રેમ નગરની, ગઝલમ શરણમ ગચ્છામી.

હવે પાંપણોમાં અદાલત ભરાશે....રમેશ પારેખ/પુરુષોત્તમ ઉપાધ્યાય

સૌ પ્રથમવાર આ બ્લોગ પર શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વરાંકન અને એમના જ અવાજમાં એક રમેશ પારેખની ગઝલ -



હથેળી બહુ વ્હેમવાળી જગા છે,
અહીં સ્પર્શ વસતા એ પ્રેતો થયા છે.*

હવે પાંપણોમાં અદાલત ભરાશે,
મેં સ્વપ્નો નીરખવાના ગુના કર્યા છે.

મને આ નગરમાં નિરાધાર છોડી,
-ને રસ્તા બધા કોની પાછળ ગયા છે.

આ તડકામાં આંખોપણું યે સુકાયું,
હતી આંખ ને ફક્ત ખાડા રહ્યા છે.*

છે, આકાશમાં છે ને આંખોમાં પણ છે,
સૂરજ માટે ઉગવાના સ્થાનો ઘણાં છે.

કહે છે કે તું પાર પામી ગયો છે,
પરંતુ અસલમાં એ દરિયો જ ક્યાં છે.*

પહાડો ઊભા રહીને થાક્યા છે એવા,
કે પરસેવા નદીઓની પેઠે વહ્યા છે.

મને ખીણ જેવી પ્રતીતિ થઈ છે,
કે હું છું ને ચારે તરફ ડુંગરા છે.

ગઝલ હું લખું છું અને આજુબાજુ,
બધા મારા ચહેરાઓ ઊંઘી રહ્યા છે.

નોંધ: છ અક્ષરના નામે લખેલા * કરેલા શેર, પુરુષોત્તમ ઉપાધ્યાયે ગાયા નથી.

શનિવાર, ઑગસ્ટ 09, 2008

ગઝલરૂપ! - ફકીર

વાત આજે માંડવી છે 19મી સદીના અંત અને 20મી સદીની શરૂઆતમાં થયેલી ગઝલ(જેવી) રચનાઓની. કહેવાય છે કે શયદા સાહેબે ગુજરાતી ગઝલને એના સાચા અંતર સ્વરૂપ (ગુજરાતી પણું) અને બાહ્યરૂપ (શુધ્ધ છંદ, રદીફ, કાફિયા) સાથે રજૂ કરી - એમનો આજથી કેટલાય દાયકાઓ પહેલા લખાયેલો આ શેર જુઓ - એનો અદભૂત આધુનિક રદિફ જુઓ :
હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ, વિચાર.

પણ એમની પહેલાના કવિઓ એટલે કે કલાપી, બાલાશંકર કંથારિયા, દિવાનો, ફફીર વગેરે ઘણા બધાએ મહદઅંશે ગઝલનું રૂપ જાળવીને જે રચનાઓ આપી - એક રીતે જોતા આજની લખાતી ગુજરાતી ગઝલની ઈમારતના પાયા જેવી - એ પાયામાંની એક ઈંટ આજે સ્મરીએ.. રચના છે ફકીરની. એમનામાં ચીનુ મોદીને આદીલ સાહેબનો પૂર્વજ દેખાય છે - તમને શું લાગે છે?

વ્યથાઓ જીવનની અદા થઈ ગઈ;
અદાઓ તમારી બલા થઈ ગઈ.

વફાની ન ખાહિશ રહી છે હવે -
વફાઓ અમારી ખતા થઈ ગઈ.

તસલ્લી હતી દિલને તદબીરથી-
ઘડીભરની કિસ્મત ફના થઈ ગઈ.

વિરહની નવાજિશ થઈ પ્રેમમાં -
ખુશી જિંદગીથી ખફા થઈ ગઈ.

હૃદયની તમન્નાને દફનાવવા-
હજાર આફતો છે જમા થઈ ગઈ.

ભમે છે નિગાહો હવે ચોતરફ;
દિવાની અરેરે! હયા થઈ ગઈ.

તિમિર કંઈ દિસે છે નજરમાં હવે;
વિરહ-રાત્રિઓ, શું ઉષા થઈ ગઈ.

નિહાળીને એને ગઝલ-રૂપમાં -
'ફકીર' જાન મારી ફિદા થઈ ગઈ.

શુક્રવાર, ઑગસ્ટ 08, 2008

લાગણીની તિજોરી - સરૂપ ધ્રુવ

પોતાની તેજાબી કલમ માટે જાણીતા કવિયત્રી શ્રી સરૂપ ધ્રુવની એક ગઝલ,


સતતનું સ્મરણ છે, સતતનો ધખારો,
આ શાની અગન છે? આ શાનો ધખારો?

અડાબીડ રેતી પૂછે છે ખુલાસો;
ફરી કોનાં પગલાં? ફરી શો તમાશો?

મળ્યાં રોજ રસ્તે બરફના જ લોકો;
અરે! પીગળી ક્યાં બરફની વખારો?

હતી ચોતરફ બસ, સફેદી-સફેદી...
અહીં ગોઠવી'તી મેં મારી જ લાશો.

કશે લાગણીની તિજોરી ખૂટી ગૈ,
અને શબ્દ આપી શક્યા ના દિલાસો.

ચલો! લો, ઉઠાવો આ લંગર ગઝલનું,
અંજળ ઊઠ્યાં છે, રુઠ્યો છે કિનારો!

[નવનીત સમર્પણ, માર્ચ, '85માંથી સાભાર]

ગુરુવાર, ઑગસ્ટ 07, 2008

કાગળના કોડિયાનો - રવિન્દ્ર પારેખ/આશિત દેસાઈ

આજે શ્રી આશિત દેસાઈનું એક ખૂબસૂરત સ્વરાંકન એમના જ અવાજમાં – શ્રી રવિન્દ્ર પારેખના શબ્દો. ગીતમાં તાલનો કરેલો વિશિષ્ટ ઉપયોગ અને આલાપ દેસાઈએ એમાં જે રીતે સાથ નિભાવ્યો છે એ પણ દાદ પાત્ર છે....અને રસાસ્વાદ શ્રી તુષાર શુક્લ દ્વારા એમના પોતાના મિજાજમાં!



કાગળના કોડિયાનો લીધો અવતાર, પછી દાઝ્યાથી દૂર કેમ રહીએ?,
ખોળિયાએ પહેર્યું જ્યાં પંખેરી નામ, પછી ટહૂકાથી દૂર કેમ રહીએ?

ઉકલેલા ઊન જેવું જીવતર ખૂલે એનો છેડો ભીંજાશ સુધી રાખમા,
પાણી લઈ સૂરજને ધોવાનું ભોળું વરદાન મળે બળતા વૈશાખમાં,
બળવું જો કાજળની હોડી થઈ જાય, ત્યારે દરિયાથી દૂર કેમ રહીએ.
કાગળના કોડિયાનો....

શ્વાસોની સળીયુંને ભેગી મેલીને કોઈ બાંધે છે હૈયામાં માળો,
ઝાડવાને ફૂટે જેમ લીલેરું ઘેન, એમ યાતનાને રંગ ફૂટે કાળો,
ઘરને રે મોભ ચડી બોલે કાળાશ, ત્યારે મરવાથી દૂર કેમ રહીયે.
કાગળના કોડિયાનો....

નોંધ: શબ્દો સાંભળીને લખ્યા હોવાથી ક્યાંક ભૂલ જેવું લાગે તો તુરંત ધ્યાન દોરવા વિનંતિ.

બુધવાર, ઑગસ્ટ 06, 2008

હાંફી રહેલી આ મારી ક્ષણોને....

આજે મેં વર્ષો પહેલા લખેલું એક કાવ્ય....


હાંફી રહેલી આ મારી ક્ષણોને
તમે આશાનો સૂર એક આપો.
હું ક્યા કહુ છુ કે ગીત એક આપો,
આખું આ આયખુ આપો
આપી શકો તો સાથ બે ઘડીનો આપો,
થોડુ સાથે ચાલ્યાનું સુખ આપો

ક્ષણને તમે નામ દરિયાનું આપો, પણ અમને એ લાગે છે ટીપું,
દરિયો તમારો એ ઓગળે ટીપામાં એવો ઈલાજ કોઇ આપો.

ક્ષણ બને વરસો ને ક્ષણ બને આયખું એવી એકાદ ક્ષણ આપો

કાંઈ નહી તો મારી ઈચ્છા અધુરીનો વારસો મને પાછો આપો,
અડધા ફાલેલા બંધ હોઠોના સ્મીતથી 'તને કેમ ભૂલૂં?' સંદેશો આપો,

આટલું મળે યુદ્ધ જીંદગીનું જીતું, મને આટલો સરંજામ તો આપો.


- Was written in 1992 - 93

મંગળવાર, ઑગસ્ટ 05, 2008

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું...શ્યામ સાધુ

જુનાગઢે ગુજરાતને ગુજરાતી કવિતા આપી - નરસિંહ મહેતાથી....અને એને એટલી જ જડબેસલાક રીતે જે કવિતાને એમના પોતાના રસ્તે લઈ ગયા એવા કવિ શ્યામ સાધુની એક ગઝલ. બહુ જ સુંદર મત્લઅ, એની પાસે અટક્યા જ કરો અને આગળનો કોઈ પણ શેર ના વાંચો તો પણ છલોછલ છલકાઈ જાઓ! એ છતાં ઘરોઘર અને અગોચર કાફિયાવાળા શેર સુધી જવાનું ભૂલતા નહિ હોં?

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું!

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું!

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું!

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું!

સોમવાર, ઑગસ્ટ 04, 2008

ધબકારાનો વારસ.... અશરફ ડબાવાલા

આજે મારા પ્રિય શાયર, શિકાગોવાસી શ્રી અશરફ ડબાવાલા...એમના કાવ્ય સંગ્રહનું શિર્ષક જે ગઝલ પરથી આવ્યું એ ગઝલ પેશ છે.


છે તારી અંદર માણસ છે તું ઢાંકપિછોડો રે'વા દે,
એ અજવાળું નહિ ફાનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું સોપો છાતી સરસો ચાંપી રાખ હૃદયની સોંસરવો;
એ ધબકારાનો વારસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

આ પથરાળા રસ્તાની ઠેસે આપ્યો જયજયકાર તને;
પણ તારું સપનું આરસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

મનથી મન એક થવાનો ઉત્સવ ઊજવી લે મનની ખાતર;
સૌને પોતાનું માનસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

તું એક ઠરેલી જામગરી પર ગઝલ લખે ને ગામ રડે;
ને તારે ગજવે બાકસ છે તું ઢાંકપિછોડો રે'વા દે.

રવિવાર, ઑગસ્ટ 03, 2008

ઘાયલોની મુલાકતે જતા પહેલા...કૃષ્ણ દવે



જી સાહેબ...
બધું જ તૈયાર કરી દીધું છે...
મગરના આંસુની બોટલ,
ચહેરા પર લગાડવાનો ગમગીનીનો પાવડર,
વખોડી કાઢવાના શબ્દોના પેકેટસ,
વિરોધીઓ પર આક્ષેપ કરવાનું પોટલું,
અને સાંત્વનાનું ભાષણ.

આ બધું જ તૈયાર કરીને આપના સામાનમાં પેક કરી દીધું છે.

અને હા સાહેબ, આપને ત્યાંથી સીધું જ ક્યાંક બીજે જવાનું થાય,
તો મૃતકો અને ઘાયલોની સંખ્યા તથા શહેરનું નામ - એટલું જ બદલવાનું રહેશે,
બાકી બધ્ધું જ એમનું એમ રહેશે, એમનું એમ......

શનિવાર, ઑગસ્ટ 02, 2008

બોમ્બ વિસ્ફોટ...કૃષ્ણ દવે

ગયા અઠવાડિયે બનેલી ઘટના પર શ્રી કૃષ્ણ દવેનું સંવેદન એમના જ અવાજમાં...હજી એનાથી ય આગળની ઘટના એમના જ અવાજમાં આવતી કાલે..









Powered by Podbean.com



ના રે ના કશું જ નથી થયું.
બધું જ રાબેતા મુજબ....


હા આજે ચિંટુનો જન્મ દિવસ!
તે, થોડા ફુગ્ગાઓ અને રંગીન કાગળોથી સજાવેલો હતો ડ્રોઈંગ રૂમ.

બરાબર 8-15 વાગે ડોરબેલ રણકી ઉઠી, તે હોંશભેર બારણું ખોલ્યું મમ્મીએ।
હેપ્પી બર્થ ડે કહી મોટું ગીફ્ટ બોક્ષ મમ્મીના હાથમાં પકડાવતા એક યુવતી બોલી, ક્યાં ગયો ચીંટુ?
ચિંટુ તો ક્યારનો ય છૂપાઈને બેઠો હતો કબાટની પાછળ.
મમ્મી એ કહ્યું, પણ તમે કોણ?
ઓહ! મને ના ઓળખી? હું એકવીસમી સદી,
હમણાં જ રહેવા આવી છું તમારી સોસાયટીમાં.
મમ્મી એ કહ્યું, આવોને. એણે કહ્યું, ના ઉતાવળમાં છું, ફરી ક્યારેક, અને એ જતી રહી.

અને મમ્મીએ ગીફ્ટબોક્ષ ખોલ્યું, તો અંદરથી નીકળ્યું,
લોહીમાં ઝબોળાયેલું પપ્પાનું આઈ કાર્ડ,
કપાયેલા હાથના કાંડા ઉપર 7-40 વાગે અટકી પડેલું ઘડીયાળ,
મુઠ્ઠીમાં સજ્જડ પકડાયેલું હેપ્પી બર્થ ડે લખેલું ગીફટ પેકેટ,

અને મમ્મી ધડામ દઈને નીચે ફસડાઈ પડી।


કબાટ પાછળથી દોડી આવેલો ચિંટુ બોલી ઉઠ્યો, શું થયું? મમ્મી શું થયું?


ના રે ના બીજું કશું જ નથી થયું,
નાના ઘરોમાં નાના નાના વિસ્ફોટ સિવાય!!!!!????

શુક્રવાર, ઑગસ્ટ 01, 2008

ડેવલપ - રઈશ મનીઆર

એક નવા પ્રકારના રદિફ સાથે, રઈશભાઈની નિતાંત સુંદર ગઝલ..આભાર સહ કવિતા અંક 245.

જો બરાબર થશે આ જ ક્ષણ ડેવલપ
એ જ કરશે સદીનું વલણ ડેવલપ

કો'ક્નો તેજમાં રંગ ઊડી ગયો
ને તિમિરમાં કો'ક જણ ડેવલપ

ઉપસે છે પળેપળ જીવનની છબી
થાય છે સાથે સાથે મરણ ડેવલપ

ફેંક જૂની છબી, નિત્ય માણસને જો
હરપળે થાય છે એક જણ ડેવલપ

વાઘ જેવા આ મોભીને એક જ ફિકર
વનમાં થાતાં રહે છે બસ હરણ ડેવલપ

વર્લ્ડમાં એમ વિકસ્યા રિલિજિયન બધા
કે પ્રભુ પર થયું આવરણ ડેવલપ

આપણે પણ રઈશ બોલશું, કંઈ જરૂર
થાય જો યોગ્ય વાતાવરણ ડેવલપ