લેબલ ચંદ્રેશ મકવાણા 'નારાજ' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ચંદ્રેશ મકવાણા 'નારાજ' સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

ગુરુવાર, નવેમ્બર 20, 2008

ગઝલ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ચંદ્રેશ મકવાણાની એક ગઝલ-મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો'તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

'નારાજ' કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

શુક્રવાર, ઑગસ્ટ 15, 2008

પછી પણ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ગુજરાતી કવિતાનો નવો અવાજ અને મિજાજ.એકાદ સ્વપ્ન આંખને અડકી ગયા પછી પણ,
હું જીવતો રહ્યો છું, સળગી ગયા પછી પણ.

કોરો હતો હું, પલળ્યો, પાછો થયો છું કોરો,
ક્યાં ફેર કંઈ પડ્યો છે, સુધરી ગયા પછી પણ.

એકાદ પાંદડીએ અકબંધ તો નથી ને?
આવી રહ્યા છે જોવા, મસળી ગયા પછી પણ.

જાકારો આપવાની જગ્યા જ ક્યાં રહી છે?
ભટકી રહ્યા છે રાઘવ, શબરી ગયા પછી પણ.

પાંપણ જરા ન ફરકી, નિષ્ઠુર ગાળિયાની,
આખા નગરની આંખો પલળી ગયા પછી પણ.

મૂરખો છે સાવ મૂરખો 'નારાજ' મૂળમાંથી,
બોલી રહ્યો છે સત્યો, સમજી ગયા પછી પણ.