લેબલ શ્યામ સાધુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ શ્યામ સાધુ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શુક્રવાર, સપ્ટેમ્બર 12, 2008

ગઝલ - શ્યામ સાધુ

શ્રી શ્યામ સાધુની એક ગઝલ - દરેકે દરેક શેર નવિનતા અને કલ્પનોથી ભરપૂર. એક જ શેર લઈ લો ને મત્લઅ - પહેલા મિસરામાં એમ કહીને તમારુ કુતુહલ વધારે છે કે સમયના હાથમાં કંઈ નથી. તમને થાય કે આટલી મોટી વાત - હવે બીજા મિસરામાં કવિ સાબિત કઈ રીતે કરશે...પછી માછલીની વાત આવે એટલે તમને લાગે કે કુદરતની કંઈ વાત હશે..અને અચાનક કાચ નામનો શબ્દ આવે અને આખો શેર ઉઘાડી આપે..આપણી અંદર બત્તી થાય , અજવાળું થાય અને કવિને દિલપૂર્વક દાદ અપાઈ જાય...આવા જ બીજા શેરો માણો અને ઉઘાડો..

કૈં નથી હોતું સમયના હાથમાં,
માછલી જોયા કરું છું કાચમાં.

એમ લાગે છ સૂરજ ઊંઘી ગયો,
એકલું આકાશ ઊઘડ્યું આંખમાં.

પાંદડા ખખડે અને ચોંકી પડું,
કેટલાં વૃક્ષો ઊગ્યાં છે યાદમાં!

ધારણાની શેરીએ સીધા જજો,
શક્યતાનું ઘર હશે ત્યાં પાસમાં.

કાંચળી માફક તમારું શહેર આ,
મારું હોવું તો હવાની વાતમાં.

મંગળવાર, ઑગસ્ટ 05, 2008

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું...શ્યામ સાધુ

જુનાગઢે ગુજરાતને ગુજરાતી કવિતા આપી - નરસિંહ મહેતાથી....અને એને એટલી જ જડબેસલાક રીતે જે કવિતાને એમના પોતાના રસ્તે લઈ ગયા એવા કવિ શ્યામ સાધુની એક ગઝલ. બહુ જ સુંદર મત્લઅ, એની પાસે અટક્યા જ કરો અને આગળનો કોઈ પણ શેર ના વાંચો તો પણ છલોછલ છલકાઈ જાઓ! એ છતાં ઘરોઘર અને અગોચર કાફિયાવાળા શેર સુધી જવાનું ભૂલતા નહિ હોં?

સ્વપ્ન પણ કેવું બરોબર નીકળ્યું,
મારા ઘર સામે સરોવર નીકળ્યું!

શ્વાસ છે તો શિર પર આકાશ છે,
કેટલું કૌતુક મનોહર નીકળ્યું!

પુત્ર હીના જેવી દુનિયા એટલે,
આજ પણ મીઠું ઘરોઘર નીકળ્યું!

કલ્પના વચ્ચે ન જાણે શું હશે?
અર્થ વચ્ચે તો અગોચર નીકળ્યું!

જિંદગીના બોજને ઊંચકી લીધો,
હા, મરણ સાચું સહોદર નીકળ્યું!

બુધવાર, ફેબ્રુઆરી 07, 2007

ઉદાસી...

શ્યામ સાધુનું નામ આવે એ સાથે, વીજળીનો ઝબકારો થાય એમ આ એક ગઝલ મગજમાં અચૂક આવે...

કોઇની યાદની ઉદાસી ઉપરનો આટલો સુંદર શેર જવલ્લે જ મળે...

ક્યાંક ઝરણાની ઉદાસી પત્થરોની વચ્ચે પડી છે,
ક્યાંક તારી યાદની મોસમ રડી છે.

દોસ્ત, મ્રુગજળની કથા વચ્ચે તમે છો,
આ જુઓ અહિંયા તરસ, ત્યાં વાદળી ઉંચે ચડી છે.

આવ, મારા રેશમી દિવસોના કારણ,
જિંદગી જેને કહો છો એ અહીં ઠેબે ચડી છે.

ઓ નગરજન હું અજાણ્યા દેશનો થાક્યો પ્રવાસી,
લાગણી નામે હવેલી ક્યાં ખડી છે