ગુરુવાર, ઑગસ્ટ 28, 2008

અંજની - મનોજ ખંડેરિયા

આજે મનોજ ખંડેરિયાએ ખેડેલા એક કાવ્ય પ્રકારની વાત - અંજની.


પ્રસ્તાવનામાં સુરેશ દલાલ લખે છે કે, રામનારાયણ પાઠકે 'બૃહત પિંગલ'માં લખ્યું છે કે, "અર્વાચીન સમયમાં કેટલીક નવીન રચનાઓ અન્ય સાહિત્યમાંથી આવી છે એમાં જે ચતુષ્પાદ રચનાઓનો ઉલ્લેખ કરવો જોઈએ...એમાં પહેલી અંજની ગીત છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે...પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાના એક પ્રાસથી સાંધેલી છે. એમાં ચાર ચતુષ્કળ સંધિઓ આવે છે....ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે...આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી વધારે ગાઢ રીતે સંધાયેલી છે એમ બતાવવા ત્રીજી પંક્તિ આગળ '-' આવું ચિહન પણ કરેલું છે...." અને પછે સુરેશભાઈ એમ કહી અટકે છે કે "વર્ષો પછી મનોજ ખંડેરિયાની કલમને 'અંજની'નો યોગ થયો છે, અને એ કેવળ પ્રયોગની ભૂમિકા પર નથી, પણ કાવ્યની ભૂમિકા પર છે એનો આનંદ છે....



વન વન રણ ને ઘર પણ ધ્રૂજ્યાં
ક્ષણ ક્ષણ ધ્રૂજી, કારણ ધ્રૂજ્યાં
ધાર્યું'તું ક્યાં એક ધડાકે -
મારો લોપ થશે

હું હાથ જરા અડકાડત ના
જોખમ એવું ઉઠાવત ના
ખબર હતી ક્યાં એવી, કાગળ-
જીવતી તોપ હશે.


**************************************



ભીંતો સસલું થઈ દોડી ગઈ
લહેર અરીસાને ફોડી ગઈ
ખળખળ કરતું તૂટી પડતું
ગંજીપાનું ઘર

ક્ષિતિજ હલી, અજવાળું ધ્રૂજ્યું
સપનાનું પરવાળું ધ્રૂજ્યું
પટંગિયાનું શબ તેં ચોડ્યું
મારી છાતી પર

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/29/2008 7:01 PM

    સુંદર કાવ્યો... આ પ્રકાર વિશે ક્યાંક વાંચ્યું હતું પણ વિગતવાર સંપર્ક આજે જ થયો... આભાર, દોસ્ત!

    ગુંજારવ હવે વધુ ને વધુ સુમધુર થઈ રહ્યો છે...

    જવાબ આપોકાઢી નાખો
  2. નવું
    જાણ્યુ
    માણ્યું
    મઝા

    મઝા...

    જવાબ આપોકાઢી નાખો