લેબલ નયન દેસાઈ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ નયન દેસાઈ સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

શનિવાર, ઑગસ્ટ 16, 2008

ટેબલ વિશે ગઝલ.....નયન દેસાઈ

એક પ્રયોગખોર ગઝલકારની ગઝલ -

થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો !
સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના,
એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર ચાલે.
કઈ ઓફિસમાં હોવાની સી.એલ. મળે છે ? લ્યો, ટેબલને તાળું મારો !

રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલ પૂરમાં, આખી ઓફિસ ડૂબવા માંડી,
હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આ જ હતું ટેબલ કે જેણે ફૂલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
આજ હવે ખાનામાં 'જનકલ્યાણ' મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

મંગળવાર, જુલાઈ 15, 2008

સૂના ઘરમાં ખાલી ખાલી......

વાત કરવી છે આજે – સૂરતના શ્રી નયન દેસાઈની. તમે કહેશો કે નયન દેસાઈ એટલે – Experimental Ghazals. પણ ઘર ઉપરનું આ એમનું ગીત – શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં સાંભળો અને તમારા perception પર કડકડતી વિજળી ના પડે તો જ નવાઈ.

તમે કાયમ ઘર પ્રત્યે તમને કેટલી લાગણી છે – ધરતીનો છેડો એટલે ઘર – એવી બધી વાતો કરો. ત્યારે આ કવિ, તમે ઘરની બહાર નીકળો ત્યારે ઘરને શું-શું થતું હશે એની વાત માંડે છે....





સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. - તમે જશો, ને ઉંબર ઉપર..


ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. - તમે જશો, ને ઉંબર ઉપર..

(આ ગીત વર્ષોથી એટલું ગમે છે અને હૃદયસ્થ થઈ ગયું છે – કે જાતે જ ગણગણતા લખ્યું છે. જો તમને ગવાતા ગીત અને લખેલા ગીતમાં કોઈ ભૂલ મળે તો ધ્યાન દોરવા વિનંતી. અને બીજી એક આડવાત – જ્યાં સુધી શ્યામલભાઈ એ મારું ધ્યાન ના દોર્યું ત્યાં સુધી હું બીજો બંધ કંઈ આવી રીતે સાંભળતો હતો -

(ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,)

“ખડી ઝાંપલીમાં જૂવોને, પગદંડી, ખેતર, શેઢા,"

અને એમ સમજતો હતો કે તમે ઘરની-ગામની બહાર છો અને રોજ ખેતરે નથી જતા – તો રોજની પગદંડી, ખેતર, શેઢા તમારા વિરહમાં સામેથી ઝાંપલીમાં ડોકિયું કરવા આવી ગયા છે !!! - જાતે કવિતા આવડતી હોવાના (કે એવો ભ્રમ હોવાના) ગેરફાયદા?

શનિવાર, માર્ચ 03, 2007

એક ભૌમિતિક ગઝલ...

ફરી સૂરતનો વારો...એવું એક નામ જેણે ગઝલના માળખાને એમનુ એમ રાખીને, અંદરના કલેવરને ધરમૂળથી બદલી નાંખ્યુ..માન્યામાં નથી આવતું ને..તો જાણી લો એ નામ એટલે શ્રી નયન દેસાઈ અને માણો આ ગઝલ...



લંબચોરસ ઓરડામાં એક સમય ઘૂંટાય છે
વક્ર રેખાઓ ક્ષણોની શ્વાસમાં છેદાય છે

શક્યતાનું એક પણ વર્તુળ નથી પૂરું થતું
હરક્ષણે કંપાસની તીણી અણી ભોંકાય છે

ચાલ, સંબંધોનું કોઇ કોણ માપક શોધીએ
કે, હ્ર્દયને કેટલા અંશો સુધી છેદાય છે

આરઝૂના કાટખૂણે જિંદગી તૂટી પડે-
ને પછી એ મોતના બિંદુ સુધી લંબાય છે

બે સમાંતર રેખની વચ્ચેનો હું અવકાશ છું,
શૂન્યતાની સાંકળો મારા વડે બંધાય છે