સોમવાર, ઑગસ્ટ 25, 2008

ગઝલ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આજે શ્રી રાજેશ વ્યાસની ગઝલ. એમની ગઝલમાંથી પસાર થતા આ માણસ કંઈક ભાળી ગયો છે અથવા એ દિશામાં બહુ જ મનપૂર્વક આગળ વધી રહયો હોય એમ લાગ્યા કરે. એમને સુખ-દુ:ખની બહાર થવું છે, દરિયો પણ થવું છે ને પાર પણ થવું છે! આપણે ભલે આપણને વ્યક્ત કરવા, 'શબ્દ' નામની એક 'ચાલી જાય' એવી વ્યવસ્થાનો સહારો લઈને બેઠા છીએ, પણ દિલ પર હાથ મૂકીને સાચ્ચે-સાચું કહેજો સાહેબ, એ વ્યવસ્થા શું કાયમ કામ આવે છે?
ના, તો એનો જવાબ પણ આ શાયર આપે છે....


તો ગઝલ -



સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,

દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.


ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,

તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.


એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,

પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.


શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,

એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.


મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?

લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો?

5 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/26/2008 12:52 AM

    એક ધડાયેલી,કસાયેલી અને નિવડેલી કલમ નું જાજરમાન નજરાણું કહી શકો- એથી ઓછું કંઈ ન કહી શકો એવી,નખશિખ રાજેશ વ્યાસ"મિસ્કીન"માં ઝબોળાઈને અર્થના ઐશ્વર્યથી નિતરતી 'દાદુ'ગઝલ!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/26/2008 7:44 AM

    એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
    પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

    સુંદર

    જવાબ આપોકાઢી નાખો
  3. અજ્ઞાત8/27/2008 3:28 PM

    શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,

    એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.
    મૌનમાં શાણપણવાળી વાત ખૂબ સરસ છે.

    જવાબ આપોકાઢી નાખો
  4. અજ્ઞાત8/28/2008 6:50 PM

    એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,
    પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.

    શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,
    એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.

    - વાહ કવિ! અદભુત શેર...

    જવાબ આપોકાઢી નાખો