લેબલ મુકેશ જોશી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મુકેશ જોશી સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, સપ્ટેમ્બર 17, 2008

ગીત - મુકેશ જોશી

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી

અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે

સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે

નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

બુધવાર, ઑગસ્ટ 20, 2008

ગીત - મુકેશ જોશી

તારું ઘર છે મંદિર જેવું
માણસ છું હું ક્યાં જઈ રહેવું?


કાલી ઘેલી ભૂલ કરું છું
પત્થરને પણ ફૂલ ધરું છું
આંખે ખારું સુખ ભરું છું

ઝળહળિયું માંગે તો દઈએ
સપનું પાછું ક્યાંથી દેવું....તારું ઘર


શ્વાસોને ઝળહળવા માટે
તું ચાલે છે મળવા માટે
મારી ચાલ તડપવા માટે


તારું મન છે રૂનો ઢગલો
હું તણખો છું કોને કહેવું...તારું ઘર


[સાભાર - કવિતા ઓગષ્ટ-સપ્ટે. 2007]

સોમવાર, જુલાઈ 28, 2008

પીંછામાંથી મોર...મુકેશ જોશી

ગયા અઠવાડિયે હિતેનભાઈ મારે ત્યાં હતા, ત્યારે મુકેશ જોશી, જે એમના બહુ નજીકના મિત્ર છે, એમની સ્વાભાવિકપણે જ વાત નીકળી. બહુ સરસ વાત કરી હિતેનભાઈએ, કે કોલેજ પૂરી કરી ત્યારથી બંને એકબીજાને ઓળખે અને બંનેએ કવિતા કરવાની શરુઆત ત્યારે જ કરી..ઘણા કવિઓએ કવિતા લખવાની શરુ કરી હોય ત્યારની રચનાઓ જુઓ તો શરુઆતની રચનાઓ થોડી નબળી લાગે..પણ મુકેશ જોશીએ શરુઆતથી જ એકસરખી સારી રચનાઓ જ આપી છે..આમ કહી એમણે જે કવિતા સંભળાવી એ તમારી સમક્ષ મુકું છું..કદાચ મુકેશભાઈ જોડે હોય અને હિતેન આનંદપરાની વાત નીકળે તો એ પણ આવી કોઈ હિતેનભાઈના શરુઆતના દિવસોની સુંદર રચના કહે જ!

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?


આછેરો સુણીને પગરવ ધડકી ઊઠતા હૈયાની
તું વાત માનવા હોય ભલે ના રાજી
ઢળતા સૂરજ સાથે તારી આંખોના મધુવનમાં
જોને મહેક લઈને ઉગી ઊઠે વનરાજી
પડી ભાંગતી મિલન તણી જો આશ, હૃદયની ચારેપા ભીનાશ
સમય બપોર થયો કે નહીં....બોલ....


સ્મિત તણાં પારેવાં તું ઉડાવે એને
આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
અને કોઈ ગમતાંની સાથે સીવી લેતી હોઠ
શબદ તો જાણે બધ્ધા હોઠ અને તું નામ ઘૂંટે મન માંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે
એ છોને મનગમતો પણ ચોર થયો કે નહીં...બોલ...

રવિવાર, માર્ચ 25, 2007

સાલું લાગી આવે

શ્રી મુકેશ જોશી એટલે શ્રી સુરેશ દલાલના શબ્દો માં ગુજરાતી ભાષાની ઉજ્જળ આવતી કાલનું અજવાળુ...

ગુજરાતી ગઝલ એના પ્રારંભિક તબક્કામાં ઉર્દુ શબ્દોથી છવાયેલી હતી પણ ધીમે ધીમે શયદા સાહેબના સમયમાં શુધ્ધ ગુજરાતીમાં લખાવા લાગી જેમકે શયદા સાહેબનો જ ઈશ્વર હોવાની તરફેણમાં લખાયેલો આ શેર,હાથમાં લઈને જરા શ્રીફળ વિચાર,
કોણ ત્યાં જઈને ભરે છે જળ વિચાર


પછી તો ઘણા માતબર નામોએ ગુજરાતી ગઝલમાં અભૂતપૂર્વ યોગદાન આપ્યું. એક નવી તરહનો પડાવ પણ આવ્યો શ્રી નયન દેસાઈ..જે આ રીતના શેર આપે કે,


જીવ્યાનું જોયા હસવું થઈ તૂટ્યાનું પાર્સલ કરી દો, મુકામ પોસ્ટ માણસ
ભીંતોને પડછાયા સારા છે સૂરજ ઊગ્યાનું લખી દો, મુકામ પોસ્ટ માણસ

આ વાત એટલા માટે કરી કે અત્યારે જે ગઝલનો રસાસ્વાદ કરવાના છીએ તે એટલે કે આજની ગુજરાતી ગઝલ...અત્યારની બોલચાલની ભાષા, હું-તમે રોજિંદા વ્યવહારમાં વાપરીએ તે ભાષામાં જ પણ તો પણ વિચારની એક નવી સૃષ્ટીમાં લઈ જાય એવી વાત લઈને આવે છે..વાતમાં વધુ મોણ નાખ્યા વગર સીધા ગઝલ માણીએ..

મત્લાનો શેર જુઓ.. ઝાડ જે એનાં પાંદડાને લીધે ભર્યું ભર્યું છે..એને જ્યારે પાનખર બેસે ત્યારે પાન વગરના ઝાડને જોઈને શું થાય? સાલું લાગી આવે..અને જંગલ જેની પ્રક્રુતિ એકાંતપ્રિય છે, ત્યાં માણસ પહોંચે..પિકનિક કરવા અને જંગલના વ્હાલકડા એકાંતને ખળભળાવે તો શું થાય? સાલું લાગી આવે..


પાનખરોમાં પાન ખરેને, ઝાડનો આખો વાન ખરે ને, ત્યારે સાલું લાગી આવે
જંગલને બાઝીને બેઠું, વ્હાલકડું એકાંત ખરે ને, ત્યારે સાલું લાગી આવે

કોઈ માણસને તમે વર્ષોથી જોતા હો, કોઈ ધ્યેય પામવા માટે..અને એમ જ લાગતું હોય કે ગમે ત્યારે એ મંઝિલ મેળવી લેશે..અને તમને ખબર પડે કે કોઈ સંજોગોવશાત કે મનવશાત એનુ ધ્યાન ભંગ થયુ અને એ ધ્યેય માટે હવે એ મહેનત નથી કરતો તો?

વર્ષોથી પર્વત ચઢનારા માણસની ચારે બાજુ હો ખાઈ ખાઈ ને ઊંડી ખીણો,
એક જ ડગલું બાકી હો ને અંતે એનું ધ્યાન ચળે ને, ત્યારે સાલું લાગી આવે

હવે પછીના શેરને માટે કંઈ લખવા જેવું નથી...

સામેની ફૂટપાથ ઉપર સૂતાં હો બાળક ભૂખ્યા પેટે આંસુ પીને ઊના શ્વાસે
સામેની ફૂટપાથે કોઈ હોટલ આલીશાન મળેને, ત્યારે સાલું લાગી આવે


અને ગઝલનો છેલ્લો શેર..જાને ગઝલ શેર..
તમારે કોઈ સાથે દુશ્મની હોય વર્ષોથી અને નાની લડાઈઓથી તમે કંટાળ્યા હો અને એક વાર નક્કી કરો કે આ પાર કે પેલે પારની એક આખરી લડાઈ કરી લઈએ..અને તમે બધ્ધી તૈયારીઓ કરો અને પછી દુશ્મનને પડકારી લાવો સમરાંગણ..રહસ્યના સ્ફોટ માટે શેર જ માણીએ...


તમે હોવ મુશ્તાક, તમારી તલવારો પર, દુશ્મનને પડકારી લાવો રણની વચ્ચે,
હાથ જરા સરકાવો પાછળ, સાવ જ ખાલી મ્યાન મળેને, ત્યારે સાલું લાગી આવે