શનિવાર, ઑગસ્ટ 16, 2008

ટેબલ વિશે ગઝલ.....નયન દેસાઈ

એક પ્રયોગખોર ગઝલકારની ગઝલ -

થાક હવે ડૂબતા સૂરજની જેમ ઢળે છે, લ્યો, ટેબલને તાળું મારો !
સાંજ પડી ને છતમાંથી એકાંત ગળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આમ જુઓ તો આ ટેબલ પર ડાઘ પડ્યા છે કૈં વરસોના, કૈં સ્વપ્નોના,
એમ વિચારો ત્યાં ભીતરથી કૈંક બળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

કાલ ઊઠીને આ ટેબલને ડાળ ફૂટે તો એને ટેકે જીવતર ચાલે.
કઈ ઓફિસમાં હોવાની સી.એલ. મળે છે ? લ્યો, ટેબલને તાળું મારો !

રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલ પૂરમાં, આખી ઓફિસ ડૂબવા માંડી,
હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

આ જ હતું ટેબલ કે જેણે ફૂલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
આજ હવે ખાનામાં 'જનકલ્યાણ' મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

2 ટિપ્પણીઓ:

  1. વાહ. જીવનને ટેબલની ઉપમા નયન ભાઈ જ આપી શકે.

    જવાબ આપોકાઢી નાખો
  2. રોજની જેમ જ લોઢ ઊછળતા ટેબલ પૂરમાં, આખી ઓફિસ ડૂબવા માંડી,
    હાથ હજી પણ ફાઈલના વનમાં રઝળે છે, લ્યો, ટેબલને તાળું મારો !

    આ જ હતું ટેબલ કે જેણે ફૂલગુલાબી મઘમઘતા કૈં પત્રો વાંચ્યા,
    આજ હવે ખાનામાં 'જનકલ્યાણ' મળે છે, લ્યો, ટેબલને તાળું મારો !
    વાહ
    pragnaju

    જવાબ આપોકાઢી નાખો