શનિવાર, ઑગસ્ટ 23, 2008

મરણ પર મક્તા - 'બેફામ'

આજે ડૉ. રશીદ મીરના પુસ્તક - 'આપણા ગઝલ સર્જકો'ની મદદ લઈએ.

બેફામે મૃત્યુ વિષય પર અસંખ્ય મક્તા લખ્યા છે. પરંતુ વિશિષ્ટતા એ છે કે દરેક વખતે મૃત્યુ જેવા શુષ્ક અને અશુભ વિષયને એ નવા નવા વિચારો અને કલ્પનાઓ દ્વારા આસ્વાધ્ય અને વેધક બનાવી દે છે.



છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ,

હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4)



કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,

મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31)



આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,

એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10)



રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. (ઘટા, 21)



મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,

જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ. (ઘટા, 75)



જો કે બેફામ હું જીવન હારીને જોતો હતો,

તે છતાં લોકોની કાંધે મારી અસવારી હતી. (ઘટા, 82)



બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (માનસર, 80)

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/24/2008 2:17 AM

    સરસ સંચય.
    અભિનંદન !
    શાહ પ્રવીણચંદ્ર ક્સ્તુરચંદ

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/27/2008 6:44 PM

    સુંદર સંકલન... પણ બેફામસાહેબના મૃત્યુ વિષયક મત્લાઓ લખવા હોય તો કદાચ પાનાંના પાનાં ખૂટી પડે.

    જવાબ આપોકાઢી નાખો