બુધવાર, ઑગસ્ટ 27, 2008

શું છે? - રમેશ પારેખ

આજે વળી પાછા રમેશ પારેખ અને એમની ગઝલ. રોજ-બરોજ આદતવશ બોલી જનારા શબ્દોમાં કોઈ દિવસ ઊંડા ઉતરી જોયું કે ખરેખર એ શું છે? અમેરિકામાં એકથી બીજાના ઘરે જવા માટે 'યાહુ મેપ'નો સહારો લેનારા દરેક જણને નકશા ફોબિયાનો શેર સાવ પોતિકો લાગવાનો. ઘડિયાળ હાથે બાંધીને ફરો અને એમ માનો કે સમયને તમારા વશમાં કર્યો છે, પણ તમને ખબર છે કે પળ શું છે?

પ્રણામ, આપ જે કહેતા હતા એ જળ શું છે?

તળાવ શું છે, છલકવું શું છે, કમળ શું છે?


હું સાંગોપાંગ નકશાફોબિયાનો માણસ છું

તમારા શહેરમાં રસ્તાઓનું વલણ શું છે?


નજીવી ઠેસમાં ઓળખ બધી જ ભાંગી ગઈ

આ ફાટી આંખ પૂછે છે કે આ સકળ શું છે?


છે ખુદ-બ-ખુદ હથેળી જ એનો એક જવાબ

છતાંય પ્રશ્ન કરે છે મને -સકળ શું છે?


મગજ સડેલ છે તેથી રમેશ ગુંચવાયો

ન ક્યાસ આવ્યો સત્ય શું છે અને છળ શું છે?


રમેશ, કાંડે તું ઘડિયાળ બાંધી ફરતો, પણ

તને ખબર પડી નહીં કદી કે પળ શું છે?

3 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત8/28/2008 12:53 AM

    મગજ માટે-સડેલ શબ્દનો પ્રયોગ જ ઘણું બધું કહી જાય છે !!!
    અત્યારની પરિસ્થિતિના સંદર્ભમાં જો લઈ જુઓ તો,એ સડેલ શબ્દની વ્યાખ્યામાં કેટલું મૂકી શકાય? આપણાં સહિત !!!!!!
    બ્રેવો -ર.પા.!!!!

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત8/28/2008 6:47 PM

    સુંદર ગઝલ...


    ગુંજનભાઈ, નક્શાફોબિયાનો અર્ઠ સમજવામાં ક્યાંક ભૂલ થઈ હોય એવું લાગે છે. ફોબિયા એટલે ડર...

    જવાબ આપોકાઢી નાખો
  3. ના દોસ્ત - ફોબિયા એટલે ડર એ તો ખબર જ હોય ને. પણ નકશો જોઈને શહેરમાં ફરવાની વાત આપણને અમદાવાદ, સુરત કે રાજકોટ, અમરેલીમાં સમજાય એના કરતા અમેરિકાના લોકો જલ્દી સમજશે - એમને એ વાત પોતાની લાગશે.

    જવાબ આપોકાઢી નાખો