લેબલ મનોજ ખંડેરિયા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મનોજ ખંડેરિયા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, જૂન 21, 2010

ભૂલી જા - મનોજ ખંડેરિયા

શ્રી ચીનુ મોદીની ષષ્ટીપૂર્તી નીમિત્તે યોજાયેલ કવિ સંમેલનમાં શ્રી મનોજ ખંડેરિયાના મુખે સાંભળેલ આ ગઝલ -

દુઃખ ભૂલી જા - દીવાલ ભૂલી જા;
થઈ જશે તું ય ન્યાલ, ભૂલી જા.

જીવ, કર મા ધમાલ, ભૂલી જા,
એનો ક્યાં છે નિકાલ, ભૂલી જા.

જો સુખી થઈ જવું હો તારે તો,
જે થતા તે સવાલ, ભૂલી જા.

મૌન રહી મિત્રતાનું ગૌરવ કર,
કોણે ચાલી'તી ચાલ, ભૂલી જા.

રાખ મા યાદ ઘા કર્યો કોણે,
તું બન્યો કોની ઢાલ, ભૂલી જા.

એ નથી પહોંચવાની એને ત્યાં,
તેં લખી'તી ટપાલ, ભૂલી જા.

તું હવા જેમ જઈ ફરી વળ ત્યાં,
ઊભી થઈ છે દીવાલ, ભૂલી જા.

રાસ તારે નીરખવો હોય ખરો,
કર બળ્યો કે મશાલ, ભૂલી જા.

ઘેર જઈ ધોઈ નાંખ પહેરણ તું,
કોણે છાંટ્યો ગુલાલ, ભૂલી જા.

બે લખી ગઝલ, મોથ શું મારી,
તારી ક્યાં છે કમાલ, ભૂલી જા.

મંગળવાર, નવેમ્બર 11, 2008

ગઝલ - મનોજ ખંડેરિયા

શ્રી મનોજ ખંડેરિયાની એક ગઝલ માણીએ. જાણે શ્રી આદિલ મનસૂરીને પહેલો અને છેલ્લો શેર અર્પણ કર્યો હોય એમ લાગે.


જિંદગી દીધી નાશવંત મને,
પણ ગઝલ રાખતી જીવંત મને.

જ્યારથી રૂપ તારું ગાયું મેં,
જોતી રહી ઈર્ષ્યાથી વસંત મને.

શબ્દમાં કાયમી સળગવાની,
શું સજા મળી છે જ્વલંત મને.

આ હયાતી તો છે રહસ્ય-કથા,
આમ કહી દે ન એનો અંત મને.

માત્ર મેં તો લખી છે તારી વાત,
લોક સમજી રહ્યા છે સંત મને.

અંતમાં તેં વિખેરી નાખીને-
વિશ્વભરમાં કર્યો અનંત મને.

શુક્રવાર, સપ્ટેમ્બર 26, 2008

વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા

આ લો શ્રી મનોજ ખંડેરિયાની એક સાદ્યંત સુંદર ગઝલ. મત્લામાં કહે છે સત્યનો પણ સૂર્યની જેમ કોઇ વિકલ્પ નથી. વળી બીજા એક શેરમાં કહે છે...આપણા શરીર અને આત્મા વચ્ચેનું યુધ્ધ આજે નહિં તો કાલે, આ નહીં તો આવતા જન્મે, થવાનું તો છે જ.



બધાનો હોઇ શકે સત્યનો વિકલ્પ નથી,
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પતાળે શાખ બધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચલે ગઝલની રગરગમાં.
જરુરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.

ગુરુવાર, ઑગસ્ટ 28, 2008

અંજની - મનોજ ખંડેરિયા

આજે મનોજ ખંડેરિયાએ ખેડેલા એક કાવ્ય પ્રકારની વાત - અંજની.


પ્રસ્તાવનામાં સુરેશ દલાલ લખે છે કે, રામનારાયણ પાઠકે 'બૃહત પિંગલ'માં લખ્યું છે કે, "અર્વાચીન સમયમાં કેટલીક નવીન રચનાઓ અન્ય સાહિત્યમાંથી આવી છે એમાં જે ચતુષ્પાદ રચનાઓનો ઉલ્લેખ કરવો જોઈએ...એમાં પહેલી અંજની ગીત છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે...પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાના એક પ્રાસથી સાંધેલી છે. એમાં ચાર ચતુષ્કળ સંધિઓ આવે છે....ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે...આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી વધારે ગાઢ રીતે સંધાયેલી છે એમ બતાવવા ત્રીજી પંક્તિ આગળ '-' આવું ચિહન પણ કરેલું છે...." અને પછે સુરેશભાઈ એમ કહી અટકે છે કે "વર્ષો પછી મનોજ ખંડેરિયાની કલમને 'અંજની'નો યોગ થયો છે, અને એ કેવળ પ્રયોગની ભૂમિકા પર નથી, પણ કાવ્યની ભૂમિકા પર છે એનો આનંદ છે....



વન વન રણ ને ઘર પણ ધ્રૂજ્યાં
ક્ષણ ક્ષણ ધ્રૂજી, કારણ ધ્રૂજ્યાં
ધાર્યું'તું ક્યાં એક ધડાકે -
મારો લોપ થશે

હું હાથ જરા અડકાડત ના
જોખમ એવું ઉઠાવત ના
ખબર હતી ક્યાં એવી, કાગળ-
જીવતી તોપ હશે.


**************************************



ભીંતો સસલું થઈ દોડી ગઈ
લહેર અરીસાને ફોડી ગઈ
ખળખળ કરતું તૂટી પડતું
ગંજીપાનું ઘર

ક્ષિતિજ હલી, અજવાળું ધ્રૂજ્યું
સપનાનું પરવાળું ધ્રૂજ્યું
પટંગિયાનું શબ તેં ચોડ્યું
મારી છાતી પર

મંગળવાર, ઑગસ્ટ 12, 2008

અમને દોડાવ્યા – મનોજ ખંડેરિયા



ક્ષિતિજે ઘાસ જેવી લીલી ક્ષણ દઈ અમને દોડાવ્યા;
અમારામાં જ ઈચ્છાનાં હરણ દઈ અમને દોડાવ્યા.

અમે ક્યાં જઈ રહ્યા, ક્યાં પહોંચશું, એની ખબર ક્યાં છે,,
અમારી ફરતું કાયમ આવરણ દઈ અમને દોડાવ્યા.

દીધું છે એક તો બેકાબૂ મન, ના હાથ રહેનારું,
વળી એમાં સલૂણી સાંભરણ દઈ અમને દોડાવ્યા.

અહીં આ રામગિરિની ટોચ પરથી છેક અલકા લગ,
અષાઢી સાંજનું વાતાવરણ દઈ અમને દોડાવ્યા.

બધાને દોડવા માટે દીધાં સપનાં ને આશાઓ,
અમે કમભાગી કે ના કાંઈ પણ દઈ અમને દોડાવ્યા.

ખબર જો હોત કે આવું રૂપાળું છે તો ના ભાગત,
સતત નાહકનું તેં વાંસે મરણ દઈ અમને દોડાવ્યા.

ઘસાતા બન્ને પગ ગોઠણ સુધીના થઈ ગયા પણ તેં-
થયું સારું કવિતાના ચરણ દઈ અમને દોડાવ્યા.

Quiz – મક્તાનો (છેલ્લો) શેર વાંચીને તરત ‘વરસોના વરસ લાગે’ ગઝલનો કોઈ શેર યાદ આવે છે??

બુધવાર, જુલાઈ 16, 2008

બહાર આવ્યો છું...

આજે ફરી એક-વાર શ્રી મનોજ ખંડેરિયા. એમના સમગ્ર સંગ્રહમાંથી પસાર થતા એક મીઠી મૂંઝવણ અડક્યા કરે – કઈ ગઝલને બ્લોગ પર ના મૂકવી? અને અંતે પસંદગી – આ એક મુશાયરામાં એમના સ્વમુખે સાંભળેલી આ ગઝલ.

રદીફ બહુ જ સુંદર છે – બહાર આવ્યો છું. ક્યાંથી બહાર આવવાની વાત કરે છે કવિ? પોતાની પોતા વીશે ઉભી કરેલી છબીમાંથી! એ વસ્તુ કદાચ અગત્યની નથી કે નવી છબી પહેલા કરતા વધુ સુંદર બનશે કે ખરાબ – અગત્યતા છે એકની એક છબીમાં કેદ ના થવાની. બધા શેરો સુંદર, મને અંગત રીતે લાક્ષ્ય, રાસ અને કલમનો ત્રાસ ખૂબ ગમ્યા.

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

શનિવાર, મે 12, 2007

ગઝલ મનોરંજન

થોડી જુની post તપાસો તો માલૂમ થશે કે મેં શ્રી મનોજ ખંડેરિયાની ગઝલના રસાસ્વાદ વખતે એમની બીજી એક ગઝલ જેમાં ગઝલ એ શાયર માટે શું મહત્વ ધરાવે છે એની વાત ફરી ક્યારેક કરવાની મે વાત કરી હતી..અને આજે કદાચ એ 'ફરી ક્યારેક' થઈ લાગે છે..

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે...

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે...આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને 'જીવવું' કહીએ છે પણ..


પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે


હવે પછીનો અદભૂત શેર...વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ...આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર 'જીવો' છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..


આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે


મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે....પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..


આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે


અને છેલ્લો શેર...તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ 'stage' સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..


તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

રવિવાર, ફેબ્રુઆરી 18, 2007

શબ્દો જ કંકુને ચોખા...

વાત આજે માંડવી છે જુનાગઢના રેશમી શાયર..શ્રી મનોજ ખંડેરિયાની, કઠોરમાં કઠોર વાતને પણ એ શાયરે નાજૂકાઇથી જ કાયમ મૂકી આપી છે અને તે પણ સંપૂર્ણ અસરકારક રીતે..

બીજુ એ કે, Corporate Worldમાં કે Managementની વાતોમાં જે Core Competencyની વાતો થઈ છે..જે મુજબ કંપનીએ પોતાના Main Business પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ..બહુ દિશાઓમાં પ્રયત્નો કરીને effort dilute ના કરવા જોઇએ...એ વાતને આ શાયરે પોતાની જીંદગીમાં ઉતારી..માત્ર ગઝલનો જ કાવ્ય પ્રકાર ખેડીને..અને એમાં એમણે હાંસલ કરેલી ઉંચાઈઓ તો મારી તમારી નજર સામે જ છે..

ગઝલ એ મનોજ ખંડેરિયા માટે મનોરંજન નહી પણ પ્રાણવાયુ હતી, એની વાત ફરી ક્યારેક..પણ અહીં જે ગઝલ કહેવી છે એ પણ કવિ માટે કવિતાનો શબ્દ કેટલો અગત્યનો છે એની વાત છે..જીવનમાં માણસ સૌથી વધુ મહત્વ લગ્નપ્રસંગો કે પછી તહેવારોને આપતો હોય છે અને એ મહત્વના પ્રસંગોમાં તીલક કે સાથિયા કે પૂજન માટે કંકૂ અને ચોખાની જરુર પડે..પણ આ કવિને તો જુદી રીત રસમો અનુસરવી છે..


રસમ અહીંની જુદી, નિયમ સાવ નોખા
અમારે તો શબ્દો જ કંકુ ને ચોખા


આપણે બધા માણસો ઉપર ઉપરથી વ્યવસ્થિત લાગીએ - જાણે કે બાકસના up-to-date ખોખા..પણ કવિએ શેરના ઉલા મિસરામાં (પહેલી લાઈનમાં યાર...) પોલ ખોલી નાખી છે અંદરના માલની!


હવાયેલી સળીઓ જ ભીતર ભરી છે
અહીંના જીવન જાણે કે બાકસનાં ખોખાં


સ્વ્પ્નો જોવાની આપણને બધાને ટેવ અને છૂટ...અને એ લીલાછમ પણ હોય છે જ્યાં સુધી એ સ્વ્પ્ન-પાત્ર જીવનનુ મધ્ય કેન્દ્ર હોય છે..પણ એ પાત્રના કાયમી ગમન પછી કે એની શક્યતાઓ સાવ સૂક્કી થઈ જાય તો કદાચ આવો શેર આવે...


લચ્યા'તા જે આંખે લીલા મોલ થઈને
હવે એ જ સપનાં છે સુક્કાં મલોખાં


આ ઈશ્વર નામનો મહા પુરુષ આપવાની વાત આવે ત્યારે અપેક્ષા મુજબની વસ્તુ જ આપે છે પણ એનું સ્વરૂપ બદલી નાખે છે..પણ એ તો એની ટેવ છે..


તું તરસ્યાને આપે છે ચીતરેલાં સરવર
તને ટેવ છે તો કરે કોણ ધોખા


પાપોનું પ્રાયશ્ચિત કરવું હોય કવિને તો..એ કલમમાંથી શબ્દો રૂપી ગંગા વહાવે..કદાચ કવિતા લખવાનું પાપ એનાથી ધોવાઈ જાય...


વહાવ્યા કરું આંગળીમાંથી ગંગા
કે ક્યારેક જો હાથ થઈ જાય ચોખ્ખા