લેબલ ઉર્વીશ વસાવડા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ ઉર્વીશ વસાવડા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

બુધવાર, સપ્ટેમ્બર 24, 2008

ગઝલ - ઉર્વીશ વસાવડા

શ્રી ઉર્વીશ વસાવડાની એક તાજી ગઝલ-


આ ચરણને શું થયું છે એ જ સમજાયું નહીં,
બારણા ખોલ્યા પછી પણ બહાર નીકળાયું નહીં.

રંગ, પીંછી, કાગળો, ને આંખ સામે એ હતા,
ચિત્ર એનું તે છતાં મારાથી ચિતરાયું નહીં.

ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.

કૈક તો ઓછપ હશે આ આપણી પીડા મહીં,
એટલે તો આંસુઓનું પાત્ર છલકાયું નહીં.

પત્રની પહેલી લીટીના સહેજ સંબોધન પછી,
એ અભિવ્યક્તિનું ધોરણ ક્યાંય જળવાયું નહીં.