લેબલ મારી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ મારી કવિતા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

સોમવાર, ઑક્ટોબર 10, 2016

ગઝલ


મંગળવાર, સપ્ટેમ્બર 13, 2016

મુક્તક

સાંજ પડતામાં સહન થઈ જાય છે,
ધોધ જેવો દિ' વહન થઈ જાય છે.

કો'ક વેળા આમ બસ અપવાદમાં,
દિ' સવારે પણ દહન થઈ જાય છે.


બુધવાર, ઑગસ્ટ 24, 2016

જરા..,,


અવગત કરાવું જાતને હું જાતથી જરા,
જાણે ચિતરતા હાથને આ હાથથી જરા.

આગળ વધી ગયા અમે પડછાયો ત્યાં જ છે,
એને મિલનનો કેફ જો ઘટતો નથી જરા.

દોડે છે પૂરપાટ હવે કાચબા છતાં,
સસલા જ તોય જીતતા બસ જીભથી જરા.

અમને બનાવી સીડી ઉપર નીચે છો કરો,
ખીલા છે બૂટ નીચે હોં, તો ધ્યાનથી જરા.

હા, જળપરીને શોધવી એ વાત શક્ય છે,
દરિયામાં ઢોળ ચાંદની તું પ્રેમથી જરા.

ગુરુવાર, જુલાઈ 21, 2016

ગઝલ


મંગળવાર, મે 10, 2016

ગઝલ

લેખો લલાટના હું, ડસ્ટર લઈને લૂછું,
કોરી સિલેટ હો તો અક્ષર કદાચ ઘૂંટું.

એ કાગડો હજી પણ બારીમા આવે છે ને,
બસ ચેક એ કરે કે, કોઈ પડ્યું છે ભૂલું?

ઘરડા થયા સમયના કાંટા હજીય વાગે,
હોવાપણાના જખમો તાજા છે ક્યાં હું મૂકું?

અગવડ પડી જરા તો પ્રશ્નો મને થયા કે,
ઠોકર છે એને ઝૂકું? મારી છલાંગ કૂદું?

એનો લગાવ છે તો પણ એ ખબર નથી કે,
ક્યારે આ શ્વાસ રાખું, ક્યારે આ શ્વાસ ચૂકું.


મંગળવાર, ડિસેમ્બર 22, 2015

કાન પાછળ આપના પ્રસ્વેદ છે?

કાન પાછળ આપના પ્રસ્વેદ છે?
હાથમાં જે ગ્રંથ છે એ વેદ છે?

જીંદગી ટૂંકી પડે એવું થશે,
ફૂટપટ્ટીથી ય લાંબા ખેદ છે.

સાતમે આકાશ જઈને જોયું તો,
આ જગત તો સાવ નાની કેદ છે.

અંતવાદી અંતમાં એ માનશે?
અંતમાં કે મધ્યમાં ક્યાં ભેદ છે.

બસ નફો સમજાય મૂડીવાદને,
ને છગનને ટંકની ઉમ્મેદ છે.


ગુરુવાર, માર્ચ 12, 2015

દટાયું છે....

બરફ જેવું છવાયું છે,

છતાં લીલા થવાયું છે.

બધું પત્થર થયું છે,

પછી શું ખળખળાયું છે?

હજી લોથલમાં ખોદો તો,

મળે જે સત દટાયું છે.

હતું પંખીપણું અંદર,

તો થોડું કલબલાયું છે.

અમે સીધા ગયા તેથી,

તમારાથી વળાયું છે.March 11, 2015


મંગળવાર, માર્ચ 10, 2015

વેલેનટાઇન જેવું લાગશે......

તું વજન ઉચકે નહીં તો શું થશે?
ભાર પોતાનો જ એને પાડશે.

તું નજર ઠપકા ભરેલી નાખ ના,
જો સમય ધબકાર જેવું ચૂકશે.

તું હથેળીમાં રહે પારા સમી,
સહેજ વેલેનટાઇન જેવું લાગશે.

સાવ કોરો રાખશું એને અમે,
તો ય એ ચહેરાને સાચો વાંચશે.

ભીંતમાં દરવાજા જેવું કંઈ નથી,
જે નવી આવી હવા, પાછી જશે.

February 26, 2015

સોમવાર, માર્ચ 09, 2015

કઈ કઈ સજામાં છે...

નદી, દરિયો, તપેલી, ડોલ, બોટલ જે કશામાં છે,

કહો જળ કે કહો પાણી, એ બે રીતે મજામાં છે.


બધું છોડ્યાનો એ સંતોષ ત્યારે થરથરી ઉઠશે,

ખબર જ્યારે મળે કે ત્યાગ તારો દુર્દશામાં છે.


ઘણી ઝડપે વધી ઉંમર ભલે નાની તમારી વય,

કશું સમજાય નહી લાગે સમજ મારા ગજામાં છે.


ચબરખી પ્રેમની કોરી મળે તો ફાડશો નહી,

સમજવું એય આમાં કેટલી ઊંચી દશામાં છે.


નગર જ્યારે મળે સામે મને પૂછ્યા કરે છે,

નવું ઘર, કાર, સારી જોબ - તું કઈ કઈ સજામાં છે.

December 25, 2015

રવિવાર, માર્ચ 08, 2015

ભડકો થશે...

પાંપણો મીંચ્યા પછી નહી ઊઘડે,

ભેજ જેવું કંઈક એમાં રાખજે.


મૌનને ધારણ કરી લેજે પછી

શબ્દના વસ્ત્રો કદી ટૂકા પડે.


ના અઢેલી બેસ એને આ રીતે,

ભીંત ધારોકે હવાની નીકળે.


ટોચ પરની રીત છે ઊભા રહો,

ઊતર્યા આરામ કરવા લો અમે.


સહેજ પણ અભ્યાસ, તૈયારી વગર,

તું વિષય અડકીશ તો ભડકો થશે.

October 1, 2015

શનિવાર, ડિસેમ્બર 13, 2014

તો દિવસ ઉગશે નવો....સૂર્યને ઝાકળ જો નવડાવી અને ચોક્ખો કરે, તો દિવસ ઉગશે નવો.
બારણે તાળા હશે એ બોમ્બ થઈને ફૂટશે, તો દિવસ ઉગશે નવો.

રાતને છેવાડે પહોંચેલી હતી એ વાત કહે ધારકે હું ના પૂરી થઈ,
ચંદ્ર અટકી સૂર્યને આવી જતા જો રોકશે, તો દિવસ ઉગશે નવો?

એ નથી જીતી શક્યો એની જ નીચે છે જે અંધારુ - દીવાની કથા,
એ કથાનો અંત જો બીજી જ રીતે આવશે, તો દિવસ ઉગશે નવો.

મીણબત્તી સૂર્યનો પર્યાય બનવા 'ના' કહે, આગિયા ને દીવા પણ,
માન એનું રાખવા પણ જો બરફ હામી ભરે, તો દિવસ ઉગશે નવો.


સોમવાર, જુલાઈ 28, 2014

હજી તો gapમાં છે...


બીજા બધામાં છે, ક્યાં shapeમાં છે,
આ generation હજી તો gapમાં છે.

આજે જરા ઉથાપન late રાખો,
ઠાકોરજી હજી પણ napમાં છે.

બદલે છે moodને touch-screenથી જે,
ખૂબી એવી કહો કઈ appમાં છે?

પોકળ ધરાના દાવા સ્વર્ગ બાબત,
શોધો એ ક્યાંય google mapમાં છે?

મંગળવાર, ફેબ્રુઆરી 04, 2014

કર તપાસ...


 જે ખોવાયું છે એ મળશે પહેલા ઘર તપાસ,
કરે છે ઘર છૂપાયેલા એ પહેલા ડર તપાસ.

નથી સપડાયુ કોઈ કેમ સમજાશે કદાચ,
નથી પાણીમાં સોનાની જરા એ કર તપાસ.

પતંગો પર લખી એને ચગાવી જો કદીક,
વિચારો ગોથ મારે કે ચડે અધ્ધર તપાસ.
...
હતા એ યુધ્ધમાં સામે ઘણી વેળા છતાંય,
બધાને કેમ ના લાગે કોઈ ટક્કર તપાસ.

એ ઝાંપો, દાદરો ને હીંચકો ને ભૂતકાળ,
મળે, જો દૃશ્યને ફાડી કરે અંદર તપાસ.

(૦૩-૨૬.૦૧.૧૪)

રવિવાર, ડિસેમ્બર 29, 2013

આંખો જ સાલી છે સજળ...

છોને ઘણું છે બાહુબળ,
આંખો જ સાલી છે સજળ.

અપલોડ વાદળને કરી,
વરસાવે છે આ કોણ જળ.

તકલીફ - સમજત અર્થ તો,
એથી બધું લખતા સરળ.
...
બદલાય છે જો કે સમય,
હાઉ અબાઉટ, એક પળ.

અફસોસ તો અકબંધ છે,
છોને ઘણા ઉકલ્યા પડળ.
(17-29.11.13)

કલ્પન જરી વધારો.........


આવું તો ના પધારો,
પલળી ગયા વિચારો.

સપના ઘણા છે તેથી,
જાગી જ નહી સવારો.

વાંધો ઉઠાવો નાનો,
મોટો થશે સુધારો.
...
પીંછા નથી જ ઉડ્ડયન,
કલ્પન જરી વધારો.

બસની ટિકિટ પાછળ,
કરશો કયા કરારો.

(05-11.12.13)

બુધવાર, ડિસેમ્બર 04, 2013

દરમાયો.......

સૂર્યનો જોવો હતો પડછાયો,
એટલે મલહાર લો મેં ગાયો.

દંડવત હોવા છતાં પણ બોલો,
મૂર્તિ સામે કેમ હું પછડાયો.

જે તરસનો રોડ છોડી દીધો,
એ પછીથી ખૂબ વખણાયો.

હાજરી આપે છે કાયમ એ, હોં!
યાદનો બાંધોને કોઈ દરમાયો.

ફોટા ઈચ્છાઓના પાડી લેજો,
ક્યારે કેવો મૂડ એનો બદલાયો.
(12-29.11.2013)

બુધવાર, સપ્ટેમ્બર 11, 2013

વિચારો બડબડે છે......

અહીં ઓછી પડે છે,
તને ક્યાંથી જડે છે?

દબાવી વાત રાખો,
વિચારો બડબડે છે.

વિરહની રાત છોડો,
સવારો પણ સડે છે.

કદી આ શાંત જળ પણ,
અડું તો તરફડે છે.

નવા નામે મળે તો,
ઉદાસી પરવડે છે.
(26.08-10.09, 2013)

સોમવાર, જૂન 10, 2013

શું કરે હેં! બધા કશ એ સિગરેટના!બધા નીકળે છે લગાવી ગળે દૂરતા,
થશે ક્યારે ઓછી કપાળે એકાદી રેખા?

તમે જોઈને એ જરા પણ ન'તા ખળભળ્યા,
એથી વૃદ્ધના હાથ થોડું હશે ધ્રુજતા?
 
દિવાલો ચણો આંગળા વચ્ચે ધારો તમે,
પછી શું કરે હેં! બધા કશ એ સિગરેટના!
 
કરત તો ય પણ ધર્મ કે દેશથી ભાગ એ?
તફાવત મળત એને લોહીના જો રંગમાં?
 
ટળી જાય આફત, ફળી જાય આફત કદી,
છે અપવાદ રોજીંદી ઘટમાળ માફક ઘટ્યા.


(27.04 -09.05.2013)

શનિવાર, મે 18, 2013

નિર્જળ તરતા રહે..


મણકા માળાને આગળ પાછળ કરતા રહે,
જળ પર જાણે કે કોઈ નિર્જળ તરતા રહે.

આખે આખી અવઢવને ઓગાળી નાખી,
પગલે પગલાથી તો પણ પગરવ ડરતા રહે.

હોડી પહોંચી સાગર વચ્ચે સૂક્કી બોલો
ને કાંઠા કેવા હાંફળ ફાંફળ ફરતા રહે.

પાના ને વર્ષો ઊભા છે બસ ત્યાં ને ત્યાં,
હરણા વેગે રણઝણ થઈ સ્મરણો સરતા રહે.

ધારોકે પારેવા થઈ કાગળ વીંઝે પાંખ,
ફૂલો જેવું ઝરમર શબ્દો પણ ઝરતા રહે.

(૦૨-૧૮.૦૨.૨૦૧૩)

સોમવાર, મે 06, 2013

ગૂગલ કરો….

શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
બહુ મથામણ ના કરો, ગૂગલ કરો.
 
એમણે સરનામુ બદલ્યું છીપનું,
આમ ઊંડે ના તરો, ગૂગલ કરો.
 
એ નદી સૌની ઉપરવટ જાય છે,
એમ કહે છે સાગરો?, ગૂગલ કરો.
 
સાંભળ્યું છે એ ડિજિટલ થઈ ગયા,
ધ્યાન એનું ના ધરો, ગૂગલ કરો.
 
(૨૦.૦૧.૨૦૧૩)