રવિવાર, ઑગસ્ટ 31, 2008

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી

બહુ જ સુંદર અને બારીક કામ નાટકમાં કરતો માણસ એટલે કે સૌમ્ય જોશી. 'દોસ્ત, અહિં ચોક્ક્સ નગર વસતું હશે' જેવા ઓફબીટ નાટકથી નાટ્ય ક્ષેત્રે અલગ, આગવી ઓળખ ઊભી કરનાર - મુન્નાભાઈની ગાંધીગીરીનો concept અને અદભૂત સ્ક્રિપ્ટ આપનાર અભિજાત જોશીનો આ નાનો ભાઈ - કવિતામાં પણ એવું જ કામ કરી રહ્યો છે...વર્ષો પહેલા આ એક-બે શેરથી હું એમના પર ઓવારી અને એમની કવિતાનો ચાહક બની ગયો -

શું કરું? ક્યાંથી ઉકેલું? કેવો આ સંબંધ છે?
તું લખે છે Brailમાં, ને હાથ મારા અંધ છે.

હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આઈનો અકબંધ છે.

ગઝલમાં આવું કામ કરનાર સૌમ્ય જોશીને એમના બળકટ અછાંદસથી અને રજૂ કરવાની આગવી અદાથી મુશાયરામાં છવાઈ જતા જોવા એ એક લ્હાવો છે - એ લહાવો પહેલી વાર બ્લોગ જગતમાં વિડિયોના રૂપે - લાઈવ મુશાયરામાંથી સીધો આપની પાસે.
આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું!
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહું’સું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સી તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!

5 ટિપ્પણીઓ:

 1. સૌમ્યનો અંદાજે બયાં .... બહુત ખૂબ...!!

  એમાં પણ live તો ખૂબ જ મજા આવે
  ગમે તેટલી વાર રુબરુ જોયું હોય તો પણ વારંવાર જોવું ગમે...

  અને આ રચના માટે તો ડિમાન્ડ હોય જ અને એ પણ once more.....સાથે

  જવાબ આપોકાઢી નાખો
 2. અજ્ઞાત9/01/2008 3:00 PM

  ગુંજનભાઈ
  ઘણા વખતે રમેશ પારેખ જેવી ક્રિએટિવિટી નજરે ચઢી. મારા વતી સૌમ્ય જોશીને અભિનંદન પાઠવજો.
  ખૂબ સરસ અછાંદસ- ઉ.જો.ના નાટક-વિવાદના બેકડ્રોપમાં જાણે આ કાવ્ય ના લખાયું હોય!

  પંચમ શુક્લ

  જવાબ આપોકાઢી નાખો
 3. સૌમ્યનું આ કાવ્ય એના મુખે જે દિવસથી સાંભળ્યું હતું ત્યારથી લયસ્તરો પર મૂકવાની ઈચ્છા હતી પણ ક્યાંય વાંચવામાં જ ન આવ્યું...


  આ કવિતા વાંચવા કરતાં એના મોઢે સાંભળવાની જ ખરી મજા છે. જે તળપદો લહેકો અને મીઠાશ એના અવાજમાં છે એ આ કવિતાને વધુ ગળચટ્ટી કરી દે છે...

  જવાબ આપોકાઢી નાખો
 4. sir realy its very nice poem & even i m fane of yr "KUTARO"(dog) poem if possibel then put it on hear.

  જવાબ આપોકાઢી નાખો