લેબલ અનિલ ચાવડા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો
લેબલ અનિલ ચાવડા સાથે પોસ્ટ્સ બતાવી રહ્યું છે. બધી પોસ્ટ્સ બતાવો

રવિવાર, જુલાઈ 25, 2010

હજી થોડાક એવા મીત્ર છે - અનિલ ચાવડા

અમદાવાદના આજના શાયર - અનિલ ચાવડા, જેની આવતી કાલ અતિશય ઉજ્જવળ છે એવું ઘણાનું નિઃશંકપણે માનવું છે. એ માન્યતા સાચી ઠેરવે એવી મીત્ર અનિલની એક હમણાં હમણાં લખાયેલ ગઝલ.હજી થોડાક એવા મીત્ર છે - અનિલ ચાવડાગમે ત્યાં ને ગમે ત્યારે ફસાવી દે, હજી થોડાક એવા મીત્ર છે,
ઉદાસી ફૂંક મારીને ઉડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

મને પૂછ્યા વગર લઈ જાય Bike મારી ને આખો દિવસ એ ફેરવે,
ખૂટે પેટ્રોલ ત્યારે માંડ ચાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

પ્રથમ તો ફોસલાવીને મને એ મારી અંગત વાત જાણે, ને પછી?
પછી આખી દુનિયાને જણાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કદી મારા ઘરે મહેમાન થઈ આવે પછી હુ મૂકવા જઉં અને,
મને ખૂદને જ એ બસમાં ચડાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

કરે હેરાન હરપલ એટલું કે આંખમાં આંસુ જ આવી જાય, પણ;
રડું તો આંસુને ઝાકળ બનાવી દે, હજી થોડાક એવા મીત્ર છે.

શનિવાર, સપ્ટેમ્બર 20, 2008

સાવ તાજી ગઝલ - અનિલ ચાવડા

આજે કાવ્યધારામાં કવિસંમેલન કર્યા પછી અનિલ અને બીજા મિત્રો સાથે ચાની લારી પર ઊભા હતા ત્યારે અનિલે અમને કવિઓને ઈર્ષ્યા આવે એવી વાત કરી, કે આજે બપોરે ત્રણ વાગ્યા પછી એણે સાંજ સુધીમાં ત્રણ ગઝલ લખી!ચાની સાથે એ ગઝલો માણ્યા પછી આજે એમાંની એક તમારી સમક્ષ..કોઈ પણ પબ્લીશરને ઈર્ષ્યા આવે એવી ઝડપે એના એ જ દિવસે..


દુઃખ અને સુખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે,
તેં મને ભીડી દીધો છે, સૂડીના બે પાંખિયા વચ્ચે.

ક્યાં, જવું ક્યાં ? જ્યાં સુધી પહોંચે નજર દરિયો જ દરિયો છે,
ચોતરફ્થી પણ હું ઘેરાઈ ગયો છું ચાંચિયા વચ્ચે.

તારી આ અંગત ગણાતી ડાયરીના પેજ અંદર પણ,
સાવ અતડો રાખી મૂક્યો છે મને તેં હાંસિયા વચ્ચે.

મારું આ ખાલીપણું મેં એક બાળક જેમ ઉછેર્યું છે,
છું અહીં હું એકલો સંતાનવાળો વાંઝિયા વચ્ચે.

રવિવાર, ડિસેમ્બર 30, 2007

તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા..

ગુજરાતી કવિતાનો નવો-નક્કોર શાયર એટલે અનિલ ચાવડા..ગુજરાતી કવિતાએ તાજો જ ઈસ્ત્રી કરીને આપણને આપેલો શાયર એટલે અનિલ ચાવડા..એની ગઝલમાં તમને આજની વાત સંભળાય.....મારો-તમારો અત્યારનો સવાલ સંભળાય....એને રુબરુમાં મળો ત્યારે એક્દમ સીધો સાદો લાગતો લબરમૂછીયો આ જુવાન જ્યારે ગઝલ વાંચવાની શરુ કરે ત્યારે અચાનક તમારી નજરોમાં એનું વ્યકતિત્વ એક નવું જ રુપ ધારણ કરે...
એણે ગુજરાતી ગઝલની આપેલો યાદગાર શેર..

શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે,
કોઈ અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો?


હવે જો આ કવિની ગઝલ તમને એના પોતાના જ અવાજમાં સાંભળવા મળે તો? તો માણો આ ગઝલ એના પોતાના અવાજમાં....

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા.

કોઈ બીલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

એમણે એવું કહ્યું જીવન નહી શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દિવાલ પર આવી ગયા.