શનિવાર, મે 18, 2013

નિર્જળ તરતા રહે..


મણકા માળાને આગળ પાછળ કરતા રહે,
જળ પર જાણે કે કોઈ નિર્જળ તરતા રહે.

આખે આખી અવઢવને ઓગાળી નાખી,
પગલે પગલાથી તો પણ પગરવ ડરતા રહે.

હોડી પહોંચી સાગર વચ્ચે સૂક્કી બોલો
ને કાંઠા કેવા હાંફળ ફાંફળ ફરતા રહે.

પાના ને વર્ષો ઊભા છે બસ ત્યાં ને ત્યાં,
હરણા વેગે રણઝણ થઈ સ્મરણો સરતા રહે.

ધારોકે પારેવા થઈ કાગળ વીંઝે પાંખ,
ફૂલો જેવું ઝરમર શબ્દો પણ ઝરતા રહે.

(૦૨-૧૮.૦૨.૨૦૧૩)

2 ટિપ્પણીઓ: