મંગળવાર, ઑક્ટોબર 20, 2015

ઘણીએ odd લાગે છે...

ઘણીએ odd લાગે છે, 
જીવનની દોડ લાગે છે. 

અમે તૂટીને જોડાયા, 
તને તડજોડ લાગે છે? 

હજી માણસ નથી તેથી, 
બધાને God લાગે છે? 

'વગેરે'માં 'વગેરે' છે, 
છતાં બેજોડ લાગે છે. 

નદી આકાશ સામે થઈ, 
હવે એ Road લાગે છે. 

નથી error છતાં de-bug? 
જીવનનો Code લાગે છે. 


 (October 20, 2015)

કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ...

કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ,
લોહી સુકાયું છે એ જગા ખાસ તો જુઓ.

કાંટા વગરના થોરનો ઇતિહાસ તો જુઓ,
સાદો સરળ સચોટ છે, ઉપહાસ તો જુઓ

ચશ્માં ને આંખ ચેન્જ કરી પણ ફરક નથી?
ઓછો નથીને રૂમમાં અજવાસ તો જુઓ?

હેંગર ઉપર કરે છે જીવન બસ પસાર એ,
મેરેજ સૂટનો કોઈ વનવાસ તો જુઓ.

એને વખત નથી તો એ મળતા નથી ખરું,
મારા સમયનો દીર્ધ આ ઉપવાસ તો જુઓ.

(6 April, 2015) 


બધા વૃક્ષને એ સવાલો થયા છે...

બધા વૃક્ષને એ સવાલો થયા છે,
અમારી હજી કોઈ શાખા જ ક્યાં છે?

જગતને પડેલા નવા ઘાવ જોઈ,
ને દર્દો અમારા સુંવાળા થયા છે.

એ ઈશ્વરની સામે જ નમતા નથી પણ,
ઘણાની તરફ તો ય વળતાં રહ્યા છે.

અમારી તરફ છો એ દેખાવ ખાતર?
અમારી તરફ પણ અમે ક્યાં ઢળ્યાં છે.

બહાના કરી ના મળો દર વખત પણ,
ઘણા ખૂબસૂરત બહાના મળ્યા છે.

(18 June 2015) 



Discussion મૌન સાથે થયું...



Discussion મૌન સાથે થયું,
ભીડમાં મારી demand બહુ.

એક sun, એક shadow થશે,
હો હજારો જો sun, shadow છૂ.

સંભળાતી નથી,જે સમજ,
દેખતા હોય છે એને સહુ.

અવતરે આભથી જો કશું,
તો જ થોડું થશે એનું ભલું?

Selfie તો ઝડપથી લીધી, 
એમ 'image'નું પણ થયું?

(22 August, 2015) 

ફૂલ પાસે જે કળી છે...




ફૂલ પાસે જે કળી છે,
શું થયું, તે ખળભળી છે?

પહેર ઈચ્છાઓની વીંટી,
ખૂબ લીસી આંગળી છે.

ભાર સમજણનો વધ્યો તો,
વૃદ્ધની કેડો વળી છે.

ભાર સમજણનો વધ્યો તો,
કેડથી વાંકી વળી છે.

વાત ના સમજી શક્યો,
વેદના મેં સાંભળી છે.

ધર્મ કોઈ લાલ પીળો,
ધર્મ કોઈ વાદળી છે.

(12 સપ્ટેમ્બર, 2015) 

ગુરુવાર, માર્ચ 12, 2015

દટાયું છે....

બરફ જેવું છવાયું છે,

છતાં લીલા થવાયું છે.

બધું પત્થર થયું છે,

પછી શું ખળખળાયું છે?

હજી લોથલમાં ખોદો તો,

મળે જે સત દટાયું છે.

હતું પંખીપણું અંદર,

તો થોડું કલબલાયું છે.

અમે સીધા ગયા તેથી,

તમારાથી વળાયું છે.



March 11, 2015


મંગળવાર, માર્ચ 10, 2015

વેલેનટાઇન જેવું લાગશે......

તું વજન ઉચકે નહીં તો શું થશે?
ભાર પોતાનો જ એને પાડશે.

તું નજર ઠપકા ભરેલી નાખ ના,
જો સમય ધબકાર જેવું ચૂકશે.

તું હથેળીમાં રહે પારા સમી,
સહેજ વેલેનટાઇન જેવું લાગશે.

સાવ કોરો રાખશું એને અમે,
તો ય એ ચહેરાને સાચો વાંચશે.

ભીંતમાં દરવાજા જેવું કંઈ નથી,
જે નવી આવી હવા, પાછી જશે.

February 26, 2015

સોમવાર, માર્ચ 09, 2015

કઈ કઈ સજામાં છે...

નદી, દરિયો, તપેલી, ડોલ, બોટલ જે કશામાં છે,

કહો જળ કે કહો પાણી, એ બે રીતે મજામાં છે.


બધું છોડ્યાનો એ સંતોષ ત્યારે થરથરી ઉઠશે,

ખબર જ્યારે મળે કે ત્યાગ તારો દુર્દશામાં છે.


ઘણી ઝડપે વધી ઉંમર ભલે નાની તમારી વય,

કશું સમજાય નહી લાગે સમજ મારા ગજામાં છે.


ચબરખી પ્રેમની કોરી મળે તો ફાડશો નહી,

સમજવું એય આમાં કેટલી ઊંચી દશામાં છે.


નગર જ્યારે મળે સામે મને પૂછ્યા કરે છે,

નવું ઘર, કાર, સારી જોબ - તું કઈ કઈ સજામાં છે.

December 25, 2015

રવિવાર, માર્ચ 08, 2015

ભડકો થશે...

પાંપણો મીંચ્યા પછી નહી ઊઘડે,

ભેજ જેવું કંઈક એમાં રાખજે.


મૌનને ધારણ કરી લેજે પછી

શબ્દના વસ્ત્રો કદી ટૂકા પડે.


ના અઢેલી બેસ એને આ રીતે,

ભીંત ધારોકે હવાની નીકળે.


ટોચ પરની રીત છે ઊભા રહો,

ઊતર્યા આરામ કરવા લો અમે.


સહેજ પણ અભ્યાસ, તૈયારી વગર,

તું વિષય અડકીશ તો ભડકો થશે.

October 1, 2015

શનિવાર, ડિસેમ્બર 13, 2014

તો દિવસ ઉગશે નવો....



સૂર્યને ઝાકળ જો નવડાવી અને ચોક્ખો કરે, તો દિવસ ઉગશે નવો.
બારણે તાળા હશે એ બોમ્બ થઈને ફૂટશે, તો દિવસ ઉગશે નવો.

રાતને છેવાડે પહોંચેલી હતી એ વાત કહે ધારકે હું ના પૂરી થઈ,
ચંદ્ર અટકી સૂર્યને આવી જતા જો રોકશે, તો દિવસ ઉગશે નવો?

એ નથી જીતી શક્યો એની જ નીચે છે જે અંધારુ - દીવાની કથા,
એ કથાનો અંત જો બીજી જ રીતે આવશે, તો દિવસ ઉગશે નવો.

મીણબત્તી સૂર્યનો પર્યાય બનવા 'ના' કહે, આગિયા ને દીવા પણ,
માન એનું રાખવા પણ જો બરફ હામી ભરે, તો દિવસ ઉગશે નવો.