બુધવાર, સપ્ટેમ્બર 10, 2008

ગઝલ - ગુંજન ગાંધી

ઘણા વખત પછી લખાયેલ મારી એક તાજી ગઝલ,

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે?

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે.

માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે.

ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે!

Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lampને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે.

મંગળવાર, સપ્ટેમ્બર 09, 2008

ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની ગઝલ - એમને 'તું'ની બહુ તીવ્ર તલાશ છે.અને એ પણ વાતાવરણમાં મેઘધનુરૂપે કે પરપોટાની હવારૂપે કે ચૂપકીદીરૂપે નહિ એમને તો સામે જોવે એવા 'તું'ની તલાશ છે પછી ભલેને હવામાં રંગના ધાબાં પડે! એ તો એ પણ ભૂલી જશે કે એ શું વાત કરી રહ્યા છે....

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો'તો તને યાદ છે ? કહે

સોમવાર, સપ્ટેમ્બર 08, 2008

અમે બરફના પંખી - અનિલ જોશી

શ્રી અનિલ જોશીનું એક જાણીતું કાવ્ય જે એ જ નામે બહુ જાણીતા થયેલા નાટકમાં લેવાયું.

અમે બરફના પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

રવિવાર, સપ્ટેમ્બર 07, 2008

ગઝલ - વિવેક કાણે 'સહજ'

એક ગઝલ શ્રી વિવેક કાણેની. એમણે બહુ સૂચક રીતે એમનું તખલ્લુસ સહજ રાખ્યું છે. આયાસપૂર્વક ગઝલ ના કરવી અને સહજતાથી આવે એને રોકવું નહિં એવો ભાવ એમની ગઝલ વાંચતા જરૂર નજર આવે.

 

બટન નથી કદી, ક્યારેક કયાંક ગાજ નથી

બધુંય સરખું હો, એવો કોઈ સમાજ નથી.

 

બહેર, રદીફ અને કાફિયા ટકોરાબંધ

અને જુઓ તો ગઝલમાં કશી મઝા જ નથી.


બહેરના અંતમાં લલગા કે ગાગા પણ આવે

લગાલગા લલગાગા લગાલગા જ નથી.


નકાર, જાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ

અમે નસીબને કોઠું તો આપતા જ નથી.


કશુંય આપવા-લેવાનું ક્યાં પ્રયોજન છે?

તમારે દ્વાર કશા હેતુથી ઊભા જ નથી.


તરત નીકળવું, કે થોડીક વાર થોભી જવું?

જવાનું નક્કી છે, એના વિષે વિધા જ નથી.


સમયના નહોર ઘણા તીણા છે એ માન્યું પણ

સમય ભરી ન શકે એવો કોઈ ઘા જ નથી.


જે છે તે આ છે, અને જે સહજ નથી તે નથી

ખપે તો લઈ લો, અમે બીજું બોલતા જ નથી.



શનિવાર, સપ્ટેમ્બર 06, 2008

ગઝલ - રઈશ મનીઆર

રઈશભાઈની એક સુંદર ગઝલ.....

ધૂળ તારે ઉડાડવી પડશે,
કાળને ફૂંક મારવી પડશે.

વીતશે નહીં એ આપમેળે કદી,
આ પળોને વિતાવવી પડશે.

લ્યો! ફરી સામે છીછરું જળ છે,
તોય હોડી તરાવવી પડશે.

દશ્યો કાળાં-સફેદ લાગે છે,
રંગથી આંખ આંજવી પડશે.

મોત લલચાઈ જાય તે માટે,
જીંદગીને સજાવવી પડશે.

તેજ પોતાનું માપવાને 'રઈશ'
બત્તીઓ બુઝાવવી પડશે.

શુક્રવાર, સપ્ટેમ્બર 05, 2008

અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખ

આજે અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખનું એક અછાંદસ. ઈશ્વરનો ન્યાય તો ર.પા. જ કરી શકે..એને ગમતો માણસ હતો એટલે ગાળ પણ આપી શકે...એને ગુનો પણ ફરમાવી શકે અને એને માફ પણ કરી શકે...ર.પા. છે ભાઈ, આપણે તો ભક્તિભાવ પૂર્વક વાંચવાનું અને થોડી ક્ષણો આંખ બંધ કરીને બંનેને યાદ કરવાના - જેના પર કવિતા થઈ છે અને જેણે કવિતા કરી છે....

અભણ અમરેલવીએ કહ્યું............


યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત........
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે.......

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

ગુરુવાર, સપ્ટેમ્બર 04, 2008

મુંબઈની છોકરીનું ગીત - દિલીપ રાવળ

દિલીપ રાવલ - નાટક, એકાંકી, સિરિયલ, કથા-પટકથા-સંવાદ - આટલા બધા ક્ષેત્રે કાર્યરત છે. મુંબઈમાં રહે અને મુંબઈની છોકરીની એક રમતિયાળ રચના આપે છે.



સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી
શોધો કોઈ ક્રેઝી દરિયો ગાંડી થઈ છે નદી


દરિયાને મેં કાર્ડસ મોકલ્યા ફોન કેટલા કિધા
સપનામાં તો કોકટેલ કંઈ I SWEAR મેં પીધા
તને પ્રપોઝલ મોકલવામાં વીતી વીસમી સદી
સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી


તને નરી ખારાશના સમ છે મૂક હવે તો માઝા
ડેટિંગ ડેટિંગ રમવા કેરા મને ઓરતા ઝાઝા
એવરી ડેના મળો તો કંઈ નહીં મળજો કદી કદી
સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી

બુધવાર, સપ્ટેમ્બર 03, 2008

જાગીને જોઉં તો - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાના પ્રથમ કવિ - નરસિંહ મહેતાનું ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનું એક જાણીતું પદ. વાંચીને જરૂર એમ લાગે કે 'એના' વિશેની આટલી ઊંડી વાત, તો ખરેખર 'કંઈ' ભાળી ગયેલો વ્યક્તિ જ કરી શકે.


જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો 'એ તે જ તું,' 'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

મંગળવાર, સપ્ટેમ્બર 02, 2008

ઝાકળ જેવું તો કંઈક - વીરુ પુરોહિત

જુનાગઢના કવિ શ્રી વીરુ પુરોહિતનું એક સુંદર ગીત. હેમાબેને (દેસાઈ) ખૂબ સુંદર રીતે ગાયું છે - એ જો મળી આવે તો સોનામાં સુગંધ જેવું થાય - પણ ત્યાં સુધી આ સોનુ.



મને ઝાકળ જેવું તો કંઈક આપો!

દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,

વાદળ જેવું તો કંઈક આપો.



આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા, એવી છે ખીણ મારી આંખમાં,

ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ, મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત, મને અટકળ જેવું તો કંઈક આપો.


જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,

સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન, મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ, કાગળ જેવું તો કંઈક આપો.

સોમવાર, સપ્ટેમ્બર 01, 2008

શેર અને મુક્તક - ગુંજન ગાંધી

હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે,
લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે.

*********** * *********** * ***********

શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો,
દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો.

એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી,
ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો.

*********** * *********** * ***********

તેં મને જે પણ લખ્યા'તા એ બધા કાગળના સમ,
મેં તને ના મોકલ્યા જે એ બધા વાદળના સમ.

રાતભર જાગ્યા કરી'તી એ પથારી જેમ-તેમ
એક પણ જે ના પડ્યાને એ બધાએ સળના સમ.