બુધવાર, સપ્ટેમ્બર 03, 2008

જાગીને જોઉં તો - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાના પ્રથમ કવિ - નરસિંહ મહેતાનું ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનું એક જાણીતું પદ. વાંચીને જરૂર એમ લાગે કે 'એના' વિશેની આટલી ઊંડી વાત, તો ખરેખર 'કંઈ' ભાળી ગયેલો વ્યક્તિ જ કરી શકે.


જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો 'એ તે જ તું,' 'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

2 ટિપ્પણીઓ:

  1. ખરે જ આ તો આંતરવાણ !
    પરમના અણસાર બાદ જ પ્રગટે!!
    આ પ્રભાતિયું ગાતા આપણને પણ
    વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;
    ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.
    આ વેદવાણી થોડી સમજાય્
    Pragnaju

    જવાબ આપોકાઢી નાખો