રવિવાર, ઑગસ્ટ 31, 2008

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી

બહુ જ સુંદર અને બારીક કામ નાટકમાં કરતો માણસ એટલે કે સૌમ્ય જોશી. 'દોસ્ત, અહિં ચોક્ક્સ નગર વસતું હશે' જેવા ઓફબીટ નાટકથી નાટ્ય ક્ષેત્રે અલગ, આગવી ઓળખ ઊભી કરનાર - મુન્નાભાઈની ગાંધીગીરીનો concept અને અદભૂત સ્ક્રિપ્ટ આપનાર અભિજાત જોશીનો આ નાનો ભાઈ - કવિતામાં પણ એવું જ કામ કરી રહ્યો છે...વર્ષો પહેલા આ એક-બે શેરથી હું એમના પર ઓવારી અને એમની કવિતાનો ચાહક બની ગયો -

શું કરું? ક્યાંથી ઉકેલું? કેવો આ સંબંધ છે?
તું લખે છે Brailમાં, ને હાથ મારા અંધ છે.

હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આઈનો અકબંધ છે.

ગઝલમાં આવું કામ કરનાર સૌમ્ય જોશીને એમના બળકટ અછાંદસથી અને રજૂ કરવાની આગવી અદાથી મુશાયરામાં છવાઈ જતા જોવા એ એક લ્હાવો છે - એ લહાવો પહેલી વાર બ્લોગ જગતમાં વિડિયોના રૂપે - લાઈવ મુશાયરામાંથી સીધો આપની પાસે.




આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું!
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહું’સું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સી તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!

શનિવાર, ઑગસ્ટ 30, 2008

હું જીવતો છું...રાવજી પટેલ

આ અછાંદસ દ્વારા રાવજી પટેલ એની કલમની અમરતા સિધ્ધ કરે છે...દરેકે દરેક જણને, દરેકે દરેક ક્ષેત્રમાં ક્યારેકને ક્યારેક લાચારીનો સામનો કરવો પડે છે..એ લાચારી અને એ પણ કવિની જો વધી જાય તો કલમના તીક્ષ્ણ છેડેથી એનાથી ય તીણા શબ્દ બનીને બહાર આવે છે અને વાગે છે ભાવકને રુંવાડે-રુંવાડે....



ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે.

અને

ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી

પ્રત્યેક ક્ષણે

મને વિતાડે છે.

હોય. બગાઈ છે બાપડી. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


હું મારા Boss-જીનો Personal Telephone

તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી

નોકરીને પાલવું છું.

હોય. બોસ છે બિચારો. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


ઘરમાં મોટેથી તો હસાય જ નહીં.

લેંઘામાં ખણજ આવે ને તોય માળું

વલુરાય જ નહીં.

હોય ત્યારે ઘર છે બિચારું, ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


યદા યદા હિ ધર્મસ્ય

મૂકં કરોતિ વાળો શ્લોક સ્મરતો હોઉં ત્યારે

કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી

મને રોજ ઠૂંસા મારીને રાત બગાડે છે.

હોય સાલી એ છે તે ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


રસ્તા પર ગુલમ્હોર છે ને ?

બાવળીઓ કહેવું હોય તો જાવ - પણ છે ને?

નં. 4. ત્રીજો માળ, લીલીછમ બારી, એ પા તો

જોવાય જ નહીં.

ક કરવતનો ક બોલાય

ને ન ખાવું હોય તો ય બિસ્કિટ લેવાય

ને પાનના ગલ્લા આગળ - ક્ષણિક ઓસરીમાં

રહ્યો રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કૂદાકૂદ

કરી લેવાય. પણ ઘોડીનું લીલી પા

જોવાય જ નહીં. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!

ને ખુરશીમાં ડાળીઓ ઝૂલતી જોઉં છું પાછી.

શુક્રવાર, ઑગસ્ટ 29, 2008

'છે તો છે' વાળો ભાવેશ ભટ્ટ 'મન'

આજે એક અજબ મિજાજ - સરસ સ્વભાવ અને સબળ અવાજ વાળો કવિ મીત્ર એટલે કે ભાવેશ ભટ્ટ. તમારી પાસે એની કંપનીના કામે - સેલ્સ કોલ પર આવ્યો હોય એની ટીમને લઈને તો કહી ના શકો કે આ જ માણસ - આવી ધારદાર ગઝલોનો સર્જક હશે. પાછો ઉર્દુ ગઝલોનો ઉંડો અભ્યાસુ..મૂડમાં હોય તો એની જબાને એક પછી એક - એક-એકથી ચઢે એવા શેર નીકળતા જતા હોય, સાથે એના શાયરની ચર્ચા અને શેરની શેરિયતની ચર્ચા તો ખરી જ, જે એ પોતાની ગઝલની વાત હોય ત્યારે નથી કરતો. એના ગઝલ સંગ્રહ 'છે તો છે'માંથી દરેક કાવ્ય રસિકે પસાર થવું જરૂરી છે - એનો નમૂનો જોઈ લો, અહીંયા જ -


એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.

કેમ સમયજી ખુશ લાગો છો?
કોને મારી ટક્કર આવ્યા?

કંઈક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.

ભેજ ગયો ના જીવનમાંથી,
સૌ વરસાદી અવસર આવ્યા.

ગુરુવાર, ઑગસ્ટ 28, 2008

અંજની - મનોજ ખંડેરિયા

આજે મનોજ ખંડેરિયાએ ખેડેલા એક કાવ્ય પ્રકારની વાત - અંજની.


પ્રસ્તાવનામાં સુરેશ દલાલ લખે છે કે, રામનારાયણ પાઠકે 'બૃહત પિંગલ'માં લખ્યું છે કે, "અર્વાચીન સમયમાં કેટલીક નવીન રચનાઓ અન્ય સાહિત્યમાંથી આવી છે એમાં જે ચતુષ્પાદ રચનાઓનો ઉલ્લેખ કરવો જોઈએ...એમાં પહેલી અંજની ગીત છે. અંજની ગીત સૌથી પહેલું કાન્તે લખ્યું જણાય છે...પહેલી ત્રણ પંક્તિઓ સોળ સોળ માત્રાના એક પ્રાસથી સાંધેલી છે. એમાં ચાર ચતુષ્કળ સંધિઓ આવે છે....ચોથી પંક્તિ ટૂંકી છે, દસ માત્રાની છે, ઉપરના પ્રાસથી વિખૂટી છે...આની ખાસ ખૂબી એ છે કે ત્રીજી પંક્તિ પ્રાસથી વધારે ગાઢ રીતે સંધાયેલી છે એમ બતાવવા ત્રીજી પંક્તિ આગળ '-' આવું ચિહન પણ કરેલું છે...." અને પછે સુરેશભાઈ એમ કહી અટકે છે કે "વર્ષો પછી મનોજ ખંડેરિયાની કલમને 'અંજની'નો યોગ થયો છે, અને એ કેવળ પ્રયોગની ભૂમિકા પર નથી, પણ કાવ્યની ભૂમિકા પર છે એનો આનંદ છે....



વન વન રણ ને ઘર પણ ધ્રૂજ્યાં
ક્ષણ ક્ષણ ધ્રૂજી, કારણ ધ્રૂજ્યાં
ધાર્યું'તું ક્યાં એક ધડાકે -
મારો લોપ થશે

હું હાથ જરા અડકાડત ના
જોખમ એવું ઉઠાવત ના
ખબર હતી ક્યાં એવી, કાગળ-
જીવતી તોપ હશે.


**************************************



ભીંતો સસલું થઈ દોડી ગઈ
લહેર અરીસાને ફોડી ગઈ
ખળખળ કરતું તૂટી પડતું
ગંજીપાનું ઘર

ક્ષિતિજ હલી, અજવાળું ધ્રૂજ્યું
સપનાનું પરવાળું ધ્રૂજ્યું
પટંગિયાનું શબ તેં ચોડ્યું
મારી છાતી પર

બુધવાર, ઑગસ્ટ 27, 2008

શું છે? - રમેશ પારેખ

આજે વળી પાછા રમેશ પારેખ અને એમની ગઝલ. રોજ-બરોજ આદતવશ બોલી જનારા શબ્દોમાં કોઈ દિવસ ઊંડા ઉતરી જોયું કે ખરેખર એ શું છે? અમેરિકામાં એકથી બીજાના ઘરે જવા માટે 'યાહુ મેપ'નો સહારો લેનારા દરેક જણને નકશા ફોબિયાનો શેર સાવ પોતિકો લાગવાનો. ઘડિયાળ હાથે બાંધીને ફરો અને એમ માનો કે સમયને તમારા વશમાં કર્યો છે, પણ તમને ખબર છે કે પળ શું છે?

પ્રણામ, આપ જે કહેતા હતા એ જળ શું છે?

તળાવ શું છે, છલકવું શું છે, કમળ શું છે?


હું સાંગોપાંગ નકશાફોબિયાનો માણસ છું

તમારા શહેરમાં રસ્તાઓનું વલણ શું છે?


નજીવી ઠેસમાં ઓળખ બધી જ ભાંગી ગઈ

આ ફાટી આંખ પૂછે છે કે આ સકળ શું છે?


છે ખુદ-બ-ખુદ હથેળી જ એનો એક જવાબ

છતાંય પ્રશ્ન કરે છે મને -સકળ શું છે?


મગજ સડેલ છે તેથી રમેશ ગુંચવાયો

ન ક્યાસ આવ્યો સત્ય શું છે અને છળ શું છે?


રમેશ, કાંડે તું ઘડિયાળ બાંધી ફરતો, પણ

તને ખબર પડી નહીં કદી કે પળ શું છે?

મંગળવાર, ઑગસ્ટ 26, 2008

ગઝલ - અંકિત ત્રિવેદી

સુંદર કવિતાઓ આપવાની સાથે સુંદર સંચાલન સંભાળતો જણ એટલેકે અંકિત ત્રિવેદી. એનો અંદાઝે-બયાં જુદો છે..બોલચાલની લાગતી વાતને વાંચતા આગળ વધો અને અચાનક એવું આશ્ચર્ય આપે કે ક્યાં તો આહ કે પછી વાહ થઈ જવાય. એને સપના આંસુવાળા આવે છે, જ્યાં સુધી કોઈની યાદનું પીંછુ ખરતું નથી..અને પછી એ અધૂરી બાજી છોડીને આગળ વધી જાય છે, મૂંગા હોઠ લઈને - અને એકલો ટોળે વળી જાય છે.



અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે
એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે -


આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે -


બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે -


અટકી ગયેલી વાત ના આગળ વધી શકી.
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?


મારા વિના હું એકલો ટોળે વળી ગયો
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

સોમવાર, ઑગસ્ટ 25, 2008

ગઝલ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આજે શ્રી રાજેશ વ્યાસની ગઝલ. એમની ગઝલમાંથી પસાર થતા આ માણસ કંઈક ભાળી ગયો છે અથવા એ દિશામાં બહુ જ મનપૂર્વક આગળ વધી રહયો હોય એમ લાગ્યા કરે. એમને સુખ-દુ:ખની બહાર થવું છે, દરિયો પણ થવું છે ને પાર પણ થવું છે! આપણે ભલે આપણને વ્યક્ત કરવા, 'શબ્દ' નામની એક 'ચાલી જાય' એવી વ્યવસ્થાનો સહારો લઈને બેઠા છીએ, પણ દિલ પર હાથ મૂકીને સાચ્ચે-સાચું કહેજો સાહેબ, એ વ્યવસ્થા શું કાયમ કામ આવે છે?
ના, તો એનો જવાબ પણ આ શાયર આપે છે....


તો ગઝલ -



સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,

દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.


ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,

તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.


એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,

પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.


શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,

એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.


મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?

લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો?

રવિવાર, ઑગસ્ટ 24, 2008

શ્યામ મારો આ કોરો કાગળ...સુરેશ દલાલ

આજે જન્માષ્ટમીના દિવસે શ્યામને સુરેશ દલાલના શ્બ્દોમાં આવું કહીએ....



શ્યામ મારો આ કોરો કાગળ

એમાં દોરો તમે કુંડળી

અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા

એને કહો ખોલશો ક્યારે?



રાહુ ચંદ્રને ગળી જાય તો

તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને

એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;

અમને કાંઈ સમજ નહીં,

ગ્રહો વિરહના ટળશે

એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર

અને બળવાન શુક્રને કરો

મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?

- તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો

તમને પણ અમને મળવાનું

મન કદીય થાય ખરું કે નહીં?

અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ

તમને પણ ક્યાંક ઊભા રહીને

આંખોમાં આંખો રોપીને

માનમલાજો મર્યાદાને લોપી દઈને

ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું

મન કદીય થાય ખરું કે નહીં?

શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે

ને કયા જનમમાં સગપણ ફળશે?

રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?

- મને કૈં કહેશો ક્યારે?

શનિવાર, ઑગસ્ટ 23, 2008

મરણ પર મક્તા - 'બેફામ'

આજે ડૉ. રશીદ મીરના પુસ્તક - 'આપણા ગઝલ સર્જકો'ની મદદ લઈએ.

બેફામે મૃત્યુ વિષય પર અસંખ્ય મક્તા લખ્યા છે. પરંતુ વિશિષ્ટતા એ છે કે દરેક વખતે મૃત્યુ જેવા શુષ્ક અને અશુભ વિષયને એ નવા નવા વિચારો અને કલ્પનાઓ દ્વારા આસ્વાધ્ય અને વેધક બનાવી દે છે.



છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ,

હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4)



કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,

મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31)



આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,

એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10)



રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. (ઘટા, 21)



મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,

જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ. (ઘટા, 75)



જો કે બેફામ હું જીવન હારીને જોતો હતો,

તે છતાં લોકોની કાંધે મારી અસવારી હતી. (ઘટા, 82)



બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (માનસર, 80)

શુક્રવાર, ઑગસ્ટ 22, 2008

અછાંદસ - અશરફ ડબાવાલા

TV Interview-ના પ્રશ્નો

ખરેલા પાનને :

- તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ?

- ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો?

- નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશ છે?


સરકસના સિંહને :

- જંગલ અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

- તાળીઓ સાંભળીને તમે શું અનુભવો છો?

- તમે રિંગમાસ્ટરને તેનાં બાળકો સાથે રમતાં જોયો છે?


જન્મથી અંધ બાળકને :

- તમે ક્યારેય આકાશને સપનામાં જોયું છે?

- તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે?

- તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો?



[This was written in year 1977, we thought it is only Today's TV reporters who started this kind of questions - what did you feel when you were inside the well!!!]