રવિવાર, નવેમ્બર 18, 2007

કવિ સંમેલન - 17 નવેમ્બર, 2007




અમદાવાદમાં મારું પહેલું કવિ સંમેલન, જી.એલ.એસ હોલ, લો ગાર્ડન પાસે, 17 નવેમ્બરના રોજ યોજાયું એમાં રજૂ કરેલી રચનાઓ અહિં ફરી તમારા માટે,


[1]
એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે

આ ગઝલ આ પહેલા આપે અહિં માણી હતી...

____________________________________________________________________

[2]
આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.

સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.

આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.

સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.

આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત નીકળવાનું હોય છે.

________________________________________________________________________

[3]
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

આ પહેલા આપે લયસ્તરો પર માણી હતી.



___________________________________________________________________________________

બીજા કવિઓ - ચીનુ મોદી, કૃષ્ણ દવે, સૌમ્ય જોશી, હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, છાયા ત્રિવેદી, અનિલ ચાવડા અને મહેમાન કવિઓ - સુધિર દવે (USA), રમેશ શાહ

કવિ સંમેલનના વધારે પિકચર્સ માટે જાઓ - Flickr Account પર - જ્યાં દરેક કવિના લાક્ષણિક અદામાં ફોટોસ માણવા મળશે...

http://www.flickr.com/gp/20993498@N03/P3250q

રવિવાર, નવેમ્બર 04, 2007

ઘેરાઈ ગયા ને?

શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે..આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ બળકટ કામ ચાલે છે..તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને? આ વખતે એ ગઝલ હતી..આવો માણીએ..(કૃષ્ણભાઈનો ખાસ આભાર..મારી વિનંતિને માન આપીને આ ગઝલ મોકલી આપવા અને આ બ્લોગ પર મૂકવાની અનુમતિ આપવા માટે..)


સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયાને?
કપડા પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયાને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઉગેલા જુટ્ઠાણાઓથી ઘેરાઈ ગયાને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેળાઈ ગયાને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજુ થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયાને?

મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મીલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયાને?

ઘણી વાર સમજાવ્યુ'તુંને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઉતર્યા તો વચ્ચેથી વે'રાઈ ગયાને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને -
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયાને?

તમે નથીની સાબીતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયાને?


રવિવાર, ઑક્ટોબર 28, 2007

જાણી બુઝીને અમે અળગા

શ્રી હરિન્દ્ર દવેનું આ બહુ જ જાણીતુ ગીત “જાણી બુઝીને અમે અળગા ચાલ્યા”– ટહુકો.કોમ પર 30મી જૂને મૂકાયું હતું...ફરી મુકવાનું કારણ?? કારણ.. મારા બ્લોગનો એક નવો પડાવ..એ શું? મારી પાસે ઓડિયો કેસેટના સ્વરૂપે ઘણા ગીતો પડ્યા હતા..જયશ્રીએ ભારતની મુલાકાત વખતે ખાસ્સું પ્રોત્સાહન આપ્યું એને digitize કરવાનું અને એનું પરિણામ તમારી સામે છે..વેલ..વેલ વેલ..પરેશ ભટ્ટના પોતાના અવાજમાં એમનું આ composition!!!!!... વચ્ચે એમણે આ ગીતને ખૂબ સુંદર રીતે સમજાવ્યું પણ છે...બહુજ જૂની કેસેટ જેની quality જ બહુ સરસ નથી (જયારથી મારી પાસે આવી 1992-93માં ત્યારથી જ), તો એનું mp3 ફોર્મેટ ખૂબ સુંદર ના જ હોય..પણ સાંભળતી વખતે ફક્ત એની historic value ધ્યાનમાં રાખવા વિનંતિ..તો હવે તમારી અને પરેશ ભટ્ટની વચ્ચે વધુ આવ્યા વિના, લો આ પ્રસ્તુત છે....





જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


આ ગીત માટે આભાર..
ટહુકો.કોમ

શનિવાર, ઑક્ટોબર 20, 2007

લાગણી તો જડભરત છે

એક તાજી oven-fresh ગઝલ, ટૂંકી બહેરની...


શ્વાસ સાથેની લડત છે
જીવ માટેની મમત છે

તેં મને આપેલ વર્ષો
એક-બે સારા પરત છે

તૂં કહે નાજૂક નમણી
લાગણી તો જડભરત છે

એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે

ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે

તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે


---લખ્યા તારીખ : 20 ઓક્ટોબર, 2007

મંગળવાર, ઑક્ટોબર 16, 2007

એ લખું છું...

8મી સપ્ટેમ્બરથી લખાતી એક ગઝલ..જેને બનતા 3 અઠવાડિયા થયા અને આખરી ઓપ અપાયો ગઈ કાલે રાતે 2-30 વાગે...એટલેકે એક તાજી ગઝલ પેશ કરું છું..



દર્દને સંકોરવાથી શું મળ્યું છે, એ લખું છું
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે, એ લખું છું

આપણા હોવાપણાની શક્યતાની સાવ વચ્ચે,
કોઈ આવીને અહીં ટોળે વળ્યું છે, એ લખું છું

રાતને સુંદર કર્યાની ચંદ્ર credit લઈ ગયો,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે, એ લખું છું

ભીંત પર જે પણ લખ્યું વાંચી ગયા એ તો બરાબર
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે? એ લખું છું

એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું


શુક્રવાર, ઑક્ટોબર 12, 2007

એક બીજાની ઉપર આધાર છે..

આજે મારી એક ગઝલ..થોડા મહિના પહેલા લખાયેલી..શની સભામાં ચીનુ મોદી, કૃષ્ણ દવે, હરદ્વાર ગોસ્વામી અને બીજા મીત્રો દ્વારા વખાણાયેલી અને કૃષ્ણ દવેનો આભાર કે જેમના આમંત્રણથી શ્રી મોરારી બાપુને એક અંગત બેઠક, જે ખાસ મોરારી બાપુ અમદાવાદમાં હતા ત્યારે એમને કવિતા સાંભળવાની ઈચ્છા થયેલી અને કૃષ્ણ દવેએ બેઠકનું આયોજન કર્યું હતું તેમાં બાપુને સંભળાવવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું હતું એ ગઝલ રજૂ કરું છું...


એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે



તાજા કલમ - વર્ષો જુનું મારું એક સ્વપ્ન - મારી લખેલી ગઝલને હું compose કરું અને મારા ઘરના ખૂણામાં બેસીને પણ જાતે એને ગાઉં..આ સ્વપ્ન આ ગઝલથી પૂરું થયું..એક વર્ષથી શાસ્ત્રીય સંગીત શીખવાનું ચાલુ કર્યુ છે ..આ ગઝલને મેં રાગ બાગેશ્રીમાં compose કરવાનો પ્રયત્ન કર્યો છે...

રવિવાર, સપ્ટેમ્બર 16, 2007

તારાપણાના શહેરમાં...

આજે વાત કરવી છે, મુંબઈના કવિ શ્રી જવાહર બક્ષીની...હમણાં જ ક્રોસવર્ડમાંથી એમનો ગઝલ સંગ્રહ - તારાપણાના શહેરમાં ખરીદવાનું સદભાગ્ય મળ્યું..

આ કવિએ પ્રસ્તાવનામાં અદભૂત વાત લખી છે...એમણે પહેલી ગઝલ લખી 1959માં અને પોતે પોતાની પહેલી ગઝલ માન્ય્ રાખી 1967માં!! અને પહેલો ગઝલ સંગ્રહ આપે છે પહેલી ગઝલ લખ્યાના ચાલીસ વર્ષ પછી અને પહેલી માન્ય કરેલી ગઝલના બત્રીસ વર્ષ પછી ..

એ કહે છે એમણે શબ્દની આરાધના કરી છે અને એના અનેક સ્વરૂપનુ પાન કર્યુ છે અને પછી ગઝલ લખી છે..વળી લખ્યા પછી કોઈ પણને આપ્યા પહેલા - પોતે એના પ્રથમ ભાવક બન્યા અને વિવેચક બન્યા અને એ પણ એક ખૂબ કડક વિવેચક..એમની પ્રસ્તાવના પૂરી કરતા એ કહે છે કે એમણે લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી એમને પોતાને ના ગમેલી સાતસો જેટલી ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દીધી છે, બાકીમાંથી આ રહી 108 ગઝલો...

જે પોતાની ગઝલના દરેક શબ્દ માટે આટલા સજાગ હોય, જેમની કવિ તરીકેની એટલી સજ્જતા હોય કે પોતે લખેલી 8-9 ગઝલમાંથી 1-2 ગઝલ વિવેચક તરીકે (પોતે પોતાને શ્રોતા જ માને છે) માન્ય રાખે, એમની ગઝલ વીશે કાંઈ પણ લખવાની ગુસ્તાખી કર્યા વગર એમની મને બહુ જ ગમતી ગઝલો - જેમની તેમ તમારી સમક્ષ....


હવે પછીની ગઝલ - જેના માટે પોતાની તેજાબી જબાન અને કલમ માટે જાણીતા શ્રી ચંદ્રકાંત બક્ષીએ એમ કહ્યું હતું કે મહદ અંશે ગુજરાતી કવિતા કુવામાંના દેડકા જેવી છે (એમના ઘણા બધા વિવાદાસ્પદ વિધાનોમાં આનો સમાવેશ કરી શકાય, પણ અત્યારે વાત એની નથી..આટલા કડક વિવેચકને પણ સ્પર્શી ગયેલી રચનાની વાત છે) , વિશ્વ કક્ષાની કવિતાની હરોળમાં ઊભી રહે એવી કવિતાનો એક દાખલો જોવો હોય તો એ આ છે...

આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી


એક બીજી ગઝલ - વિરાજ અને બીજલ ઉપાધ્યાયે ખૂબ સુંદર રીતે ગાઈ છે, પુરુષોતમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ દ્વારા પ્રસ્તુત "તારા શહેરમાં"


વિરહોત્કંઠિતા ગઝલ...

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

શુક્રવાર, સપ્ટેમ્બર 07, 2007

જૂની પૂરાણી વારતા

આજે એક મારી જૂની પૂરાણી ગઝલ જેનું મે વર્ષો પહેલા - 2003માં - શિકાગોમાં શ્રી સુરેશ દલાલ સંચાલિત મુશાયરામાં પઠન કર્યું હતું


આપણો સંબંધ શું? જૂની પૂરાણી વારતા,
લાગણીનું નામ શું? જૂની પૂરાણી વારતા

આભ આખું પામવામાં સહેજ છેટૂં રહી ગયું,
તારું ન હોવું વાગતું, જૂની પૂરાણી વારતા

એક આખી શક્યતાને સાવ ઓળંગી ગયો,
એનું પછીથી આવવું, જૂની પૂરાણી વારતા

આ નગર વચ્ચે નગર છે એક તારી યાદનું,
એમાં જવું ને આવવું, જૂની પૂરાણી વારતા

શનિવાર, ઑગસ્ટ 11, 2007

ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં..

શિકાગોના તત્વજ્ઞાની કવિ શ્રી અશરફ ડબાવાલાની એક ખૂબ ગમતી ગઝલની આજે વાત કરીએ...

પહેલા શેરમાં વાત એવા પ્રસંગની છે જ્યારે બહુ જ આંસુ વહાવ્યા પછી પણ દિલનો ભાર હલકો ના થાય અને તમને કલમ પકડવાની ટેવ હોય તો ખડિયા ભરી ભરીને શાહી વપરાય એટલું લખાઈ જાય અને કદાચ.....દિલનો ભાર હળવો થાય..


ઘરમાં એવાં કો'ક દિવસ ચોઘડિયાં આવે,
ખૂટે આંખમાં પાણી ત્યારે ખડિયા આવે.


હવે પછીનો અદભૂત શેર...અશરફભાઈએ પોતે આ શેર વીશે એમ વાત કરી હતી કે, તમે કોઈ માણસને પૂજ્ય માનતા હો અને એના વિશે બહુ ઊંચો અભિપ્રાય રાખતા હો, એ વ્યક્તિ ખરેખર તો સામાન્ય માણસ જેટલી પણ નથી એવી ખબર પડે ત્યારે તમારી લાગણીઓ પર ઊંડો આઘાત થાય છે અને આ વાત તમને દિવસો સુધી ખૂંચ્યા કરે છે. પછી જ્યારે આવો શેર બને ત્યારે તમારી દુભાયેલી લાગણીઓનો મોક્ષ થાય છે!!


ડૂબી ડૂબીને ડૂબવાનું શું માણસમાં;
એક વેંત ઊતરોને ત્યાં તો તળિયા આવે.


આજના યુગના જાણીતા philosofers, self help and positive thinking book writers આ બધા એવું કહે કે નાસીપાસ ના થાવ, તમે જે મેળવવા માંગતા હો એને પામવા માટે મહેનત ચાલુ રાખો અને યાદ રાખો કે તમે જ્યારે સૌથી વધુ નાસીપાસ હશો અને એ દિશાની મહેનત મૂકી દેવા ગંભીરતાથી વિચારતા હશો અને તમને લાગશે કે, હવે એ દિશામાં આગળનો પ્રવાસ અંધકારમય છે ત્યારે જ જો તમે મહેનત હજુ ચાલુ રાખશો તો, અંધકારભર્યો લાગતો રસ્તો એવો વળાંક લેશે જ્યાં અજવાળારૂપી મંઝિલ હાથવગી જ હશે!! હવે...હવે આ જ વાતને romantic સંદર્ભમાં કેવી રીતે મૂકવી હોય એ જાણવું હોય તો અશરફ ડબાવાલાના આ શેર પાસે જવું પડે..


ડગલું એક ભરી શકવાના હોશ નથી, પણ
ડગલું એક ભરું તો તારાં ફળિયાં આવે.


અને..ગઝલના શેરો લખવા માટે મહેનત કવિની હોય છે..આવડત અને માવજત કવિની હોય છે..પણ આ બધાના હોવાથી દરેક કવિની દરેક ગઝલ અદભૂત નથી બનતી..પણ જ્યારે કવિ પોતાને ઈશ્વરની વધારે નજીક અનુભવે છે એ વખતે લખાતો શેર ઘણી વખત સમયાતીત બની જાય છે..આ વાતને શાયર હવેના શેરમાં કેવી રીતે મૂકે છે એ જુઓ..એ કહે છે મારી બધી આવડત અને કળા અને શબ્દોનો ભંડોળ એ નરસિંહ મહેતાની હૂંડી જેવો છે, એમાં ભગવાન શામળિયા શેઠ બનીને યોગદાન આપે તો મારી ગઝલ ધન્ય બને...


શ્બ્દોની હુંડી લઈ ભાષા સામે ઊભો;
પાછો વળવા જાઉં અને શામળિયા આવે.

શનિવાર, ઑગસ્ટ 04, 2007

ઉદાસી આ સૂરજની આંખે ચડી છે...

સૂરતના શ્રી ભગવતીકુમાર શર્મા જેમની માણસ વીશેની ગઝલ આપણે જૂની postમાં માણી હતી તેમની એક બીજી ગઝલ માણીએ..આ ગઝલને શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે બહુ સરસ compose કરી છે..આજે પણ આ ગઝલ યાદ આવે તો હંસા દવેના ઘંટાયેલો અવાજ અને ઉદાસી શબ્દ ઉપરનો આલાપ એનો હિસ્સો અચૂક હોય છે...

શાયરે ઉદાસીની વાત કરી છે અને એ ઘણી બધી રીતની હોય..પણ કોઈ પ્રીય પાત્રની રાહ જોવાતી હોય અને આવવાનો નીર્ધારીત સમય વીતી ગયો હોય ત્યારે ઉત્કંઠા પછી ઉદાસી બની જાય છે..હવે માણસ છે એટલે પોતે ઉદાસ છે અને એ ઉદાસી ક્યારે ડુસકા બની ગઈ એ બધુ કહેતા ego આડે આવે.. એટેલે શાયરે સાંજને ઉદાસ બનાવી છે..કવિ અને કવિતાની આ જ ખૂબી છે.



ઉદાસી આ સૂરજની આંખે ચડી છે
તમારા વિના સાંજ ડૂસકે ચડી છે.


હવે ઉદાસ મન હોય અને એ અવસ્થામાં વિહવળ થઈને...વરંડામાં રાહ જોતી વ્યક્તિ સ્વાભવિક રીતે ઝરૂખામાં જાય ... પ્રતીક્ષામાં બેચેન મન આટલું તો કરાવે..પણ again માણસ છે..પોતે વિહવળ થ્ઈ પ્રતીક્ષામાં ઝરૂખે જાય એવું કોઈને ખબર પડી જાય તો કેવું લાગે..અને એટલે શાયર આ અદભૂત શેર આપે છે...


મને ઉંબરે એકલો છોડી દઈને,
હવે ખુદ પ્રતીક્ષા ઝરૂખે ચડી છે


હવે પ્રતીક્ષા હોય, ઉદાસી હોય આ બધી હાલતમાં સારા ખરાબ વિચારોની સાથે વીજળીની માફક સાથે વિતાવેલી સારી પળ યાદ આવે..અને જો તમે ભગવતીકુમાર શર્મા જેવા સમર્થ શાયર હો તો આ શેર આવે..
સાથે આ શેર એ પણ બતાવે છે કે આ પ્રતીક્ષા સવારે ગયેલ માણસના પાછા આવવાની નહિ પણ ઘણા સમય પહેલા ચાલી ગયેલી વ્યક્તિ જે લગભગ પાછી નથી આવવાની એવું દિમાગ કહે છે પણ દિલ એની પ્રતીક્ષાને છેક ઝરૂખે લઈ જાય છે...પણ જવા દો આ બધી વાત અને દિલ ભરીને આ શેર માણો..


તમે નામ મારું લખ્યું'તું કદી જ્યાં
મધુમાલતી એ જ ભીંતે ચઢી છે


અને છેલ્લો શેર...ઉપર કરેલી ઉદાસ યાદોની વાત એક જૂદી જ રીતે .


જરા ગણગણી લઉં તમારી સભામાં
ભૂલાયેલ પંકતિઓ હોઠે ચડી છે