રવિવાર, સપ્ટેમ્બર 16, 2007

તારાપણાના શહેરમાં...

આજે વાત કરવી છે, મુંબઈના કવિ શ્રી જવાહર બક્ષીની...હમણાં જ ક્રોસવર્ડમાંથી એમનો ગઝલ સંગ્રહ - તારાપણાના શહેરમાં ખરીદવાનું સદભાગ્ય મળ્યું..

આ કવિએ પ્રસ્તાવનામાં અદભૂત વાત લખી છે...એમણે પહેલી ગઝલ લખી 1959માં અને પોતે પોતાની પહેલી ગઝલ માન્ય્ રાખી 1967માં!! અને પહેલો ગઝલ સંગ્રહ આપે છે પહેલી ગઝલ લખ્યાના ચાલીસ વર્ષ પછી અને પહેલી માન્ય કરેલી ગઝલના બત્રીસ વર્ષ પછી ..

એ કહે છે એમણે શબ્દની આરાધના કરી છે અને એના અનેક સ્વરૂપનુ પાન કર્યુ છે અને પછી ગઝલ લખી છે..વળી લખ્યા પછી કોઈ પણને આપ્યા પહેલા - પોતે એના પ્રથમ ભાવક બન્યા અને વિવેચક બન્યા અને એ પણ એક ખૂબ કડક વિવેચક..એમની પ્રસ્તાવના પૂરી કરતા એ કહે છે કે એમણે લખેલી સાડાઆઠસો ગઝલોમાંથી એમને પોતાને ના ગમેલી સાતસો જેટલી ગઝલોને સમયના ગર્ભમાં વિલય કરી દીધી છે, બાકીમાંથી આ રહી 108 ગઝલો...

જે પોતાની ગઝલના દરેક શબ્દ માટે આટલા સજાગ હોય, જેમની કવિ તરીકેની એટલી સજ્જતા હોય કે પોતે લખેલી 8-9 ગઝલમાંથી 1-2 ગઝલ વિવેચક તરીકે (પોતે પોતાને શ્રોતા જ માને છે) માન્ય રાખે, એમની ગઝલ વીશે કાંઈ પણ લખવાની ગુસ્તાખી કર્યા વગર એમની મને બહુ જ ગમતી ગઝલો - જેમની તેમ તમારી સમક્ષ....


હવે પછીની ગઝલ - જેના માટે પોતાની તેજાબી જબાન અને કલમ માટે જાણીતા શ્રી ચંદ્રકાંત બક્ષીએ એમ કહ્યું હતું કે મહદ અંશે ગુજરાતી કવિતા કુવામાંના દેડકા જેવી છે (એમના ઘણા બધા વિવાદાસ્પદ વિધાનોમાં આનો સમાવેશ કરી શકાય, પણ અત્યારે વાત એની નથી..આટલા કડક વિવેચકને પણ સ્પર્શી ગયેલી રચનાની વાત છે) , વિશ્વ કક્ષાની કવિતાની હરોળમાં ઊભી રહે એવી કવિતાનો એક દાખલો જોવો હોય તો એ આ છે...

આજના માણસની ગઝલ

ટોળાની શૂન્યતા છું, જવા દો કશું નથી
મારા જીવનનો મર્મ છું, હું છું ને હું નથી

હું તો નગરનું ઢોલ છું દાંડી પીટો મને
ખાલીપણું બીજા તો કોઈ કામનું નથી

શૂળી ઉપર અજીવું છું ને લંબાતો હાથ છું
મારામાં ને ઈશુમાં બીજું કૈં નવું નથી

નામર્દ શહેનશાહનું ફરમાન થઈ જઈશ
હું ઢોલ છું, પીટો મને કૈં પણ થતું નથી

સાંત્વનના પોલાં થીગડાંમાં સૂઈ ગઈ છે રાત
બીડીના ઠૂંઠિયામાં કોઈ બોલતું નથી


એક બીજી ગઝલ - વિરાજ અને બીજલ ઉપાધ્યાયે ખૂબ સુંદર રીતે ગાઈ છે, પુરુષોતમ ઉપાધ્યાય અને આશિત દેસાઈ દ્વારા પ્રસ્તુત "તારા શહેરમાં"


વિરહોત્કંઠિતા ગઝલ...

કોઈ હમણાં આવશે, ભીંતો ભણકારાય
એક અમસ્તી શક્યતા, આખું ઘર પડઘાય

દરિયો ઊમટે આંખમાં દેખું તારા વ્હાણ
પરદેશીનું સ્વપ્ન પણ પરદેશી થઈ જાય

સંતાતો ફરતો રહું, પગલે પગલે બીક
આ ઝાકળિયા દેશમાં ક્યાંક સૂરજ મળી જાય

દેશવટોઅ પૂરો થતાં પાછા ફરશે શબ્દ
રામ કરેને કૈંક તો કહેવા જેવું થાય

આજકાલમાં પીગળે સદી સદીનાં મીણ
કોઈ હમણાં આવશે વાટ સળગતી જાય

6 ટિપ્પણીઓ:

  1. ખૂબ સુંદર વાત લઈને આવ્યા, મિત્ર ! કવિ આકરા વિવેચક બને તો જ આટલો સુંદર સંગ્રહ સંભવી શકે...

    જવાબ આપોકાઢી નાખો
  2. જવાહરભાઈ ગઝલ તો સુંદર લખે જ છે પણ તે વ્યક્તિ તરીકે પણ અનોખા છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. this is realy great work u r doing vivek after looking yr blog i come 2 know that "gujarati kavita ma haju dam chhe"

    congarts dear keep it up

    જવાબ આપોકાઢી નાખો
  4. coangrats for every thing! u have made me to acept that still gujarati kavita maa dam chhe dear

    keep it up

    જવાબ આપોકાઢી નાખો
  5. Hey Man ! It's gr8 job. Keep it up. Still Gujarati Kavita is gr8.

    જવાબ આપોકાઢી નાખો
  6. હમણાં થોડા દીવસ પહેલં જ તેમને ડલાસમાં સાંભળવાનો લ્હાવો મળ્યો. 25 વર્શની ઉમ્મરે, જ્યારે માણસ ભૌતીકતાથી લથબથ હોય ત્યારે અંતરની વાણી સાંભળી લગભગ સન્યસ્ત કહી શકાય તેવી કારકીર્દી 15 વરસ સુધી નીભાવે !
    અદ્ ભુત વ્યક્તી છે. અને શું જીવન.

    જવાબ આપોકાઢી નાખો