ગુરુવાર, જુલાઈ 31, 2008

ઉપેક્ષામાં નહિ તો... જવાહર બક્ષી

ગુજરાતી કવિતામાં રસ પડવા લાગ્યો - 1990ની આસપાસ...અને તે પણ ગુજરાતી સુગમ સંગીતના માધ્યમથી...અને એ વખતે જે વારંવાર સાંભળવી ગમતી એવી એક ગઝલ... એ વખતે એવી ખબર નહોતી પડતી કે લાંબી બહેરની ગઝલ છે...શ્રી જવાહર બક્ષીની આ ગઝલ છે..કે જવાહર બક્ષીએ 'ફના' ઉપનામથી ગઝલો કરી છે..વગેરે વગેરે..પણ તો ય આ ગઝલ બસ ગમતી હતી...


ઉપેક્ષામાં નહિ તો બીજું તથ્ય શું છે, છે બસ એક એની મનાનો અનુભવ
મળ્યાનો વળી બીજો આનંદ શું છે, સિવાય એ કે એની રજાનો અનુભવ

હવે જો હું માનું તો ખોટું નથી, કે હતું એને મારા તરફ પ્રેમ જેવું
ગમે તેમ હો પણ મને છોડી દઈને, કરે છે એ કોઈ ગુન્હાનો અનુભવ

કદાચિત તને ભૂલવામાં મજા હો, એ માની ઘટાડ્યે ગયો યાદ તારી
હજી પણ મને યાદ આવી રહ્યો છે, તને ભૂલવાની દશાનો અનુભવ

કદી હું તને મેળવી પણ ચૂક્યો છું, એ ત્યારે જ સાચી પ્રતીતિ તો થઈ'તી
મને જે ક્ષણે થઈ ગયો'તો અચાનક, તને ક્યાંક ખોઈ દીધાનો અનુભવ

મેં હમદર્દીની દોસ્ત તારીય પાસે, પ્રથમથી જ ક્યાં કંઈ અપેક્ષા કરી'તી
ફક્ત દેવા માટે દિલાસાઓ દે નહિ, તને ક્યાં છે મારી દશાનો અનુભવ

હરણ તરસે માર્યું આ હાંફી રહ્યું છે, પ્રથમ એને પાણી પિવાડો ઓ લોકો
તરત એ બીચારાને એ તો ન પૂછો, કે કેવો રહ્યો ઝાંઝવાનો અનુભવ

મને થોડી અગવડ પડી રહી'તી એથી 'ફના' ઘર બદલતા મેં બદલી તો નાખ્યું
પરંતુ નવા ઘરના સામાન સાથે મેં બાંધ્યો છે જૂની જગાનો અનુભવ

બુધવાર, જુલાઈ 30, 2008

જીવન-મરણ છે એક.....

કાલે ઘાયલ સાહેબની વાત નીકળી તો તરત પરંપરાના શાયરોમાં પણ અદબ પૂર્વક લેવાતું નામ તરત યાદ આવે...હા જી 'મરીઝ' સાહેબની જ વાત છે..એમની ગઝલ જેના નામ પરથી જગજીતજીએ એમના પહેલા ગુજરાતી આલ્બમનું નામ આપ્યું...પણ એ ગઝલ આશિત દેસાઈના સ્વરાંકનમાં અને હેમાબેનના અવાજમાં સાંભળવાની એક એની જ મજા છે....


તંતોતંત, વસંત અને અનંતના કાફિયા એમણે જે રીતે નિભાવ્યા છે એ વાંચો અને ઉમળકો આવી જાય તો એમને જ્યાં હોય ત્યાં પહોંચે એવી દિલપૂર્વકની દાદ આપો..



જીવન-મરણ છે એક બહુ ભાગ્યવંત છું,
તારી ઉપર મરું છું હું તેથી જીવંત છું.

ખૂશ્બૂ હજી છે બાકી જો સૂંઘી શકો મને
હું પાનખર નથી-હું વીતેલી વસંત છું.

હદથી વધી જઈશ તો તરત જ મટી જઈશ,
બિંદુની મધ્યમાં છું-હું તેથી અનંત છું.

બન્ને દશામાં શોભું છું - ઝુલ્ફોની જેમ હું
વીખરાયેલો કદી છું, કદી તંતોતંત છું.

મારા પ્રયાસ અંગે, ન આપો સમજ મને,
બુધ્ધિનો જેમાં ભાગ નથી એવો ખંત છું

રસ્તે પલાંઠી વાળીને-બેઠો છું હું 'મરીઝ'
ને આમ જોઈએ તો ન સાધુ ન સંત છું.

મંગળવાર, જુલાઈ 29, 2008

ગુપત શું છે, પ્રગટ શું છે? - અમૃત ઘાયલ

આજે ગુજરાતી કવિતાના માતબર પ્રયોગશીલ શાયર...જનાબ અમૃત ઘાયલ. એમણે ગઝલને સહજપણે બોલી શકાય એવી ભાષાનો લહેકો આપ્યો. એમના મત પ્રમાણે "ગઝલને ક્યારેય દુર્બોધતા અભિપ્રેત હતી જ નહિં અને છે પણ નહીં." સંપૂર્ણ ગુજરાતીકરણ સાથે અસ્સલ સોરઠી ભાષાથી ઓપતો એમનો એક શેર જુઓ...

કસુંબલ આંખડીના એ કસબની વાત શી કરવી!
કલેજું કોતરી નાજુક મીનાકારી કરી લીધી.


હવે એમના અલગ મીજાજની એક ગઝલ માણીએ...બીજા બ્લોગ ચલાવતા મીત્રોને પંચમ શુક્લના કાકા શ્રી રાજેન્દ્ર શુક્લએ "શું છે" રદીફથી લખેલી જાણીતી ગઝલ લખવા આ સાથે આમંત્રણ આપું છું...

તલ તિલક લટ તખત મુગટ શું છે?
આ ગુપત શું છે આ પ્રગટ શું છે?

હોય જે સિધ્ધ એ જ જાણે છે,
દૂર શું છે અને નિકટ શું છે?

તેં નથી કેશની તથા જોઈ,
આજ અંધાર શું છે પટ શું છે?

લાટ કન્યાઓ જોવા આવે છે,
એક લાડી છે એની લટ શું છે?

ડૂબવાની ન છૂટ તરવાની....
તો પછી સિંધુ શું છે તટ શું છે?

જૂઠને પણ સાચ માનું છું,
મારી જાણે બલા કપટ શું છે?

વહેલા મોડું જવું જ છે તો રામ!
શી ઉતાવળ છે એવી ઝટ શું છે?

કોઈ પણ વેશ ભજવે છે માનવ,
એ નથી જો મહાન નટ શું છે?

અંત વેળા ખબર પડી 'ઘાયલ',
તત્વત: દીપ શું છે, ઘટ શું છે?

સોમવાર, જુલાઈ 28, 2008

પીંછામાંથી મોર...મુકેશ જોશી

ગયા અઠવાડિયે હિતેનભાઈ મારે ત્યાં હતા, ત્યારે મુકેશ જોશી, જે એમના બહુ નજીકના મિત્ર છે, એમની સ્વાભાવિકપણે જ વાત નીકળી. બહુ સરસ વાત કરી હિતેનભાઈએ, કે કોલેજ પૂરી કરી ત્યારથી બંને એકબીજાને ઓળખે અને બંનેએ કવિતા કરવાની શરુઆત ત્યારે જ કરી..ઘણા કવિઓએ કવિતા લખવાની શરુ કરી હોય ત્યારની રચનાઓ જુઓ તો શરુઆતની રચનાઓ થોડી નબળી લાગે..પણ મુકેશ જોશીએ શરુઆતથી જ એકસરખી સારી રચનાઓ જ આપી છે..આમ કહી એમણે જે કવિતા સંભળાવી એ તમારી સમક્ષ મુકું છું..કદાચ મુકેશભાઈ જોડે હોય અને હિતેન આનંદપરાની વાત નીકળે તો એ પણ આવી કોઈ હિતેનભાઈના શરુઆતના દિવસોની સુંદર રચના કહે જ!

બોલ સખી, તારા હૈયામાં શોર થયો કે નહીં?
કાલ સુધી તું લાગણીઓને પીંછાં પીંછાં કહેતી
એ પીંછાંઓમાંથી મોર થયો કે નહીં?


આછેરો સુણીને પગરવ ધડકી ઊઠતા હૈયાની
તું વાત માનવા હોય ભલે ના રાજી
ઢળતા સૂરજ સાથે તારી આંખોના મધુવનમાં
જોને મહેક લઈને ઉગી ઊઠે વનરાજી
પડી ભાંગતી મિલન તણી જો આશ, હૃદયની ચારેપા ભીનાશ
સમય બપોર થયો કે નહીં....બોલ....


સ્મિત તણાં પારેવાં તું ઉડાવે એને
આંખોના પિંજરમાં કોઈ કેદ કરી લે ચાહે
અને કોઈ ગમતાંની સાથે સીવી લેતી હોઠ
શબદ તો જાણે બધ્ધા હોઠ અને તું નામ ઘૂંટે મન માંહે
તને પૂછ્યા વિણ તારું હૈયું લઈને જે ભાગે
એ છોને મનગમતો પણ ચોર થયો કે નહીં...બોલ...

રવિવાર, જુલાઈ 27, 2008

જોવું જોઈએ! ....ચીનુ મોદી

શ્રી ચીનુ મોદી - ગુજરાતી ગઝલને એક નવા મુકામ પર મૂકી આપનાર નામ. આજે પણ નિયમિતતાથી શનિ સભામાં આવે...શનિ સભાનો નિયમ એ કે તમારી નવી રચના જ રજૂ કરવાની...બાકીના કવિઓ પાસે નવું કાવ્ય હોય કે નહિં, ચીનુકાકા પાસે તો હોય હોય ને હોય જ! સાતત્યએ શું એ નવા કવિઓને શીખવાડવા માટેનો જ જાણે કિમિયો..પોતે ગુજરાતી સાહિત્ય માટે આટલું કર્યું હોવાનો કોઈ છોછ રાખ્યા વગર..કોઈ ભાર રાખ્યા વગર એકદમ સરળતાથી સહજતાથી કોઈ પણ નવા અવાજને સાંભળવા અને આવકરવા હંમેશા તત્પર..ગઝલમાં એ જે નવો મિજાજ લાવ્યા છે એની એક ઝાંખી કરીએ....

ઝેર જાણી ચાખી જોવું જોઈએ.
શ્વાસ છોડી ચાલી જોવું જોઈએ.

તું નથી એવા સમયના સ્થળ વીશે
કલ્પી લેવું, ધારી જોવું જોઈએ.

પારકા બે હાથના સંબંધમાં
લોહી જેવું લાવી જોવું જોઈએ.

ચડિયાને રણમાં રોપો એ પ્રથમ
રેતનું છળ ગાળી જોવું જોઈએ.

ઠાઠ ભભકા એ જ છે ' ઈર્શાદ'ના
ઘર બળે તો તાપી જોવું જોઈએ.

પણ....કૈલાસ પંડિત

મુંબઈના મરહૂમ કવિ શ્રી કૈલાસ પંડિત - જેમની ઘણી ગઝલોને મનહર ઉધાસનો કંઠ પણ સાંપડયો છે એમની એક ગઝલ....કેટલી સહજતાથી માનવ સ્વભાવની વાત માંડે છે, અને અચાનક ત્યાંથી ગામના પાદર તરફ લઈ જાય છે..છેલ્લો શેર તો ગઝલનો શિરમોર સમો.

ભૂલી જવાના જેવો હશે એ બનાવ પણ,
ક્યારેક તમને સાલશે મારો અભાવ પણ.

કહેવાતી 'હા'થી નીકળે 'ના'નોયે ભાવ પણ,
માણસની સાથે હોય છે એનો સ્વભાવ પણ.

કેડી હતી ત્યાં ઘાસને, ઉગ્યા છે ઝાંખરા,
પુરાઈ ગઈ છે ગામના પાદરની વાવ પણ.

ભીનાશ કોરી ખૂંપશે, પાનીમાં કોકદી,
ક્યારેક યાદ આવશે તમને તળાવ પણ.

તારી વ્યથા કબૂલ મને એક હદ સુધી
આંસુ બનીને આંખમાં કાયમ ન આવ પણ.

શુક્રવાર, જુલાઈ 25, 2008

ચાલને ચાલ્યા જઈએ...તુષાર શુકલ

જે નથી આવતો એવો વરસાદ..કદાચ આ ગીત સાંભળીને આવી જાય એવી આશા સાથે...તુષાર શુક્લના શબ્દોથી શોભતું આ ગીત...સ્વર નિયોજન : શ્યામલ-સૌમિલ.



ભીંજીયે ભીંજાઈએ વ્હાલમા વરસાદમાં,
ચાલને ચાલ્યા જઈએ હાથ લઈને હાથમાં.

આવ પહેરાવું તને હું એક લીલુંછમ ગવન,
હું ઘટા ઘેઘૂર, ઓઢું આજ આષાઢી ગગન.
જાણીયે-ના જાણીયે કે આ અગન છે કે લગન,
તુંયે ઓગળ-હુંયે થોડું પીગળું ઉનમાદમાં.....ચાલને ચાલ્યા જઈએ.......

તેં કહ્યું’તું ભાગ્યમાં છે બસ તરસવાનું હજી,
મેં કહ્યું’તું ભાગ્યમાં એથી વરસવાનું વધું.
છે વરસવાનું વધું જો છે તરસવાનું વધું,
ના મજા મોસમની બગડે વ્યર્થના વિખવાદમાં..... ચાલને ચાલ્યા જઈએ.......

શું ચીજ છે?

આજે રમેશ પારેખ અને ઘરડા થવું એ શું ચીજ છે એની ગઝલ......


એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?

ગુરુવાર, જુલાઈ 24, 2008

શોધ...

આજે મારા સદનસીબે, જેમણે મને ગઝલનો ગ શીખવાડ્યો એવા, કવિ શ્રી હિતેન આનંદપરા એ મારે ત્યાં છે..તો આવો એમના એક તાજા જ ગીતનો લ્હાવો એમના જ અવાજમાં લઈએ.



સગડ મળે જો તારા
હું ઓવારી દઉં તારા પર પાંપણના પલકારા

મને કોઈ સમજાવો મારી સમજણ કાચી પાકી
તને શોધવા મારે કેટ્લા જન્મો લેવા બાકી ?
પતંગિયાના કઈ રીતે હું ગણી શકું ધબકારા ?

તળમાં હો કે નભમાં તારા અગણિત રૂપ અપાર
મારી એક જ ઈચ્છા, તારો બનું હું વારસદાર
તને વિનંતી કરું કે થોડા મોકલને અણસારા

મંગળવાર, જુલાઈ 22, 2008

આ તરફ કે તે તરફ?

આજે મારી ગઝલ.....


આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.

સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.

મેં કહ્યું'તુંને તને કે બહુ ઉતાવળ ના કરીશ,
બહુ જ અઘરું એ રમતમાં હારવાનું હોય છે.

આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.

સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.

આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત નીકળવાનું હોય છે.

સોમવાર, જુલાઈ 21, 2008

રમ્ય શાંતિ

આજે રમેશ પારેખને ડંખ્યો હતો એવા કવિની વાત કરવી છે – બોલો જોઉં, કોણ હશે? હંમમ, ખ્યાલના આવ્યો? મારી આંખે કંકુના સુરજ...ગીતના કવિ રાવજી પટેલ..

એક શાંતિનું ગીત – ગ્રામ્ય સંસ્કૃતિના ઉછેરનો આ મોટો ફાયદો! શાંતિ શું – એની વ્યાખ્યા આવડવી એ! શહેર-વાસીઓને એ શાંતિનું પરિકલ્પન પણ નહિ કરી શકવાનો જાણે શ્રાપ મળેલો છે...


એક પંખીની પાંખ હલે ખેતર પર મંથર,
પવન પણે જો પાળ ઉપર ગોવાળ સરીખો સ્તબ્ધ
ઘાસ અવલોકે!
વૃક્ષછાંયમાં બળદ ભળી જઈ લુપ્તકાય વાગોળે....
જાગે સૂર્ય એક્લો.
નજર પહોંચે ત્યાં લગી વિચારો જંપ્યા.
તળાવનું પોયણ જળ સ્વપ્નવધૂના પેટ સરીખું હાલે!
પણે ચરાના શાંત ઘાસમાં સારસ જોડું એક્મેક પર ડોક પાથરી સૂતું.
ઉદગાર કાઢી ન શકું
એટલી રમ્ય શાંતિ
ઘડીભર આવી’તી......

શનિવાર, જુલાઈ 19, 2008

કોઈ જાદુ હશે રબારણમાં...

આજે શોભિત દેસાઈ. એ સંચાલન કરતા હોય ત્યારે લાગે કે કવિતા કરતા સંચાલન સારું કરે અને કાવ્ય-પઠન કરે ત્યારે લાગે કે ના-ના આ તો કવિતા સારી કરે છે...આવી મીઠી મુંઝવણ તમને સતત સ્પર્શયા કરે...પણ બંને બાબતો બખૂબી નિભાવી જાણનારા શાયર/સંચાલક શ્રી શોભિત દેસાઈની જાણીતી ગઝલ.....
(BTW એ આશિત દેસાઈના cousin brother થાય એ તો ખબર છે ને!)



આવું અજવાળું ના ઊગે ધણમાં!
કૈંક જાદુ હશે રબારણમાં!

આજે તેં આંખ ફેરવી લીધી,
કાલે બેઠો’તો તારી પાંપણમાં.

સહે....જ ઉમ્મર વધી હો વર્ષાની,
એવું લાગી રહ્યું છે શ્રાવણમાં.

વૃધ્ધો સામાન્યત: ઊઠી વહેલા,
દીર્ધ દિવસ જીવે છે ઘડપણમાં.

રેતી આવી રૂપાળી તો ના હોય!
ક્યાંક કૂવો છૂપાયો છે રણમાં.

હા, લીલો કાચ જેવો મૂંઝારો,
વેડફી નાખ્યો છે મેં સમજણમાં.

શુક્રવાર, જુલાઈ 18, 2008

જોગી ચલો ગેબને ગામ...

આજે શ્રી વેણીભાઈ પુરોહિતનું એક ગીત, જેના સબળ શબ્દોને પરેશ ભટ્ટનું સ્વરાંકન સાંપડ્યુ. પછી શું થાય?, સોનામાં સુગંધ ભળે એવું જ કઈંક, બરોબરને?

હવે પરેશ ભટ્ટના જ અવાજમાં એમનું પોતાનું સ્વરાંકન સાંભળવા મળે તો? તો શું થાય એનો જવાબ શોધતાં-શોધતા આ ગીત સાંભળો.....







જોગી ચલો ગેબને ગામ,
સમય પોતે છે પ્રશ્નવિરામ, સમયનું ક્યાં છે પૂર્ણવિરામ?

સુખને દુ:ખનું સંગમ તિરથ, જીવન એનું નામ
આવન, જાવન, ગહન અનદિ, કરવું પડે શું કામ?
જોગી ચલો ગેબને ગામ...

તપ લેખો તો તપ છે જીવન, નહિતર તીખો તાપ,
મુસિબતોને પાર કરે તે સુખિયો આપોઆપ.
પોતામાં સુખ શોધીને કર, પોતાને જ પ્રણામ.
જોગી ચલો ગેબને ગામ....

ડાબા-જમણા ખભા ઉપર છે, કંઈ ભવ-ભવનો ભાર,
પાપ-પુણ્યની વચ્ચે ચાલે અરસ-પરસ સંહાર.
તું પોતે છે પરમ પ્રવાસી, તું જ પરમનું ધામ.
જોગી ચલો ગેબને ગામ....

ગુરુવાર, જુલાઈ 17, 2008

પાણીમાં ગાંઠ પડી...

ગુજરાતી કવિતાના સમર્થ ગીત કવિ શ્રી અનિલ જોશીનું એક ગીત.

આમ તો દરિયા કિનારે આવેલા શહેરમાં વસે અને દરિયો એમના ગીતોમાં છૂટથી ડોકાય, પણ એમને ક્યારેક નદી પાસે જવાનો પ્રસંગ થાય – તો એમની બળકટ કલમથી જ નીકળે એવું આ નદી-ગીત મળે...માણીએ.


સૈ, મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ.
ડેલી ઉઘાડ, મારું બેડું ઉતાર, કાળ ચોઘડિયે મેં સુધબુધ ખોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ.

પહેલાં તો એકધારી વહેતી’તી ગંગા ને પાણીનો રજવાડી ઠાઠ!
ઓણસાલ નદીયું નજરાઈ ગઈ એવી કે પાણીમાં પડી મડાગાંઠ

મરચાં ને લીંબુ કોઈ નદીએ જઈ બાંધો
પાણીમાં હોય નહીં બળિયા કે સાંધો
ડાકલા બેસાડીને ભૂવા ધૂણાવો કે પાણીને સીવી ગયું કોઈ
સૈ, મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ.


જાણતલ જોશીડા ઘાટે પધાર્યા ટિપણું ખોલીને વદ્યા વાણી
જળને જન્મોતરીમાં બરફ નડે છે ને બરફને કુંડળીમાં પાણી!
હવે જળની મુસાફરીમાં નડતર બરફ
હવે પાણી પણ કાઢતું નથી એક હરફ
ફળિયામાં સાદડી બેસાડીને પૂછો કે આંખ્યું મે ક્યાં જઈ ધોઈ?
સૈ, મેં તો પાણીમાં ગાંઠ પડી જોઈ.

બુધવાર, જુલાઈ 16, 2008

બહાર આવ્યો છું...

આજે ફરી એક-વાર શ્રી મનોજ ખંડેરિયા. એમના સમગ્ર સંગ્રહમાંથી પસાર થતા એક મીઠી મૂંઝવણ અડક્યા કરે – કઈ ગઝલને બ્લોગ પર ના મૂકવી? અને અંતે પસંદગી – આ એક મુશાયરામાં એમના સ્વમુખે સાંભળેલી આ ગઝલ.

રદીફ બહુ જ સુંદર છે – બહાર આવ્યો છું. ક્યાંથી બહાર આવવાની વાત કરે છે કવિ? પોતાની પોતા વીશે ઉભી કરેલી છબીમાંથી! એ વસ્તુ કદાચ અગત્યની નથી કે નવી છબી પહેલા કરતા વધુ સુંદર બનશે કે ખરાબ – અગત્યતા છે એકની એક છબીમાં કેદ ના થવાની. બધા શેરો સુંદર, મને અંગત રીતે લાક્ષ્ય, રાસ અને કલમનો ત્રાસ ખૂબ ગમ્યા.

હું હોવાના હવડ વિશ્વાસમાંથી બહાર આવ્યો છું;
અરીસો ફૂટતાં આભાસમાંથી બહાર આવ્યો છું.

ગમે ત્યારે હું સળગી ઉઠવાની શક્યતામાં છું,
હજી ક્યાં લાક્ષ્યના આવાસમાંથી બહાર આવ્યો છું.

હું વરસાદી લીલુંછમ તૃણ છું સંભાળીને અડજે,
હજી હમણાં જ તો આ ચાસમાંથી બહાર આવ્યો છું.

હવે થોડાં વરસ વિતાવવા છે મ્હેકની વચ્ચે,
હું ગૂંગળામણના ઝેરી શ્વાસમાંથી બહાર આવ્યો છું.

ઘડીભર મોકળાશે મ્હાલવા દે મુક્ત રીતે તું,
હું જન્મોજન્મની સંકડાશમાંથી બહાર આવ્યો છું.

હકીકત છે નથી પહોંચ્યો પરમ તૃપ્તિની સરહદ પર,
છતાં છે એય સાચું પ્યાસમાંથી બહાર આવ્યો છું.

પડ્યો છું શ્હેરમાં ખોવાયેલી નથડીની માફક હું,
ખબર ક્યાં કોઈને કે રાસમાંથી બહાર આવ્યો છું.

સહ્યું છે એનું બહુ ખરડાવું-તરડાવું-તૂટી જાવું,
કલમની ટાંકના આ ત્રાસમાંથી બહાર આવ્યો છું.

મંગળવાર, જુલાઈ 15, 2008

સૂના ઘરમાં ખાલી ખાલી......

વાત કરવી છે આજે – સૂરતના શ્રી નયન દેસાઈની. તમે કહેશો કે નયન દેસાઈ એટલે – Experimental Ghazals. પણ ઘર ઉપરનું આ એમનું ગીત – શ્યામલ-સૌમિલના સ્વરાંકનમાં સાંભળો અને તમારા perception પર કડકડતી વિજળી ના પડે તો જ નવાઈ.

તમે કાયમ ઘર પ્રત્યે તમને કેટલી લાગણી છે – ધરતીનો છેડો એટલે ઘર – એવી બધી વાતો કરો. ત્યારે આ કવિ, તમે ઘરની બહાર નીકળો ત્યારે ઘરને શું-શું થતું હશે એની વાત માંડે છે....





સૂના ઘરમાં ખાલી-ખાલી માળ-મેડિયું ફરશે,
તમે જશો, ને ઉંબર ઉપર ઘર ઢગલો થઈને પડશે.

પછી પછિતેથી હોંકારાનો સૂરજ ઉગશે નહિં,
અને ઓસરીમાં કલરવનાં પારેવા, ઉડશે નહિં.
સમી સાંજનો તુલસી-ક્યારો, ધ્રૂસ્કે-ધ્રૂસ્કે રડશે. - તમે જશો, ને ઉંબર ઉપર..


ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,
બધા તમારા સ્પર્શ વિનાના પડી રહેશે રેઢા.
તમે હતાનું ઝાકળ પહેરી, પડછાયાઓ ફરશે. - તમે જશો, ને ઉંબર ઉપર..

(આ ગીત વર્ષોથી એટલું ગમે છે અને હૃદયસ્થ થઈ ગયું છે – કે જાતે જ ગણગણતા લખ્યું છે. જો તમને ગવાતા ગીત અને લખેલા ગીતમાં કોઈ ભૂલ મળે તો ધ્યાન દોરવા વિનંતી. અને બીજી એક આડવાત – જ્યાં સુધી શ્યામલભાઈ એ મારું ધ્યાન ના દોર્યું ત્યાં સુધી હું બીજો બંધ કંઈ આવી રીતે સાંભળતો હતો -

(ખળી, ઝાંપલી, વાવ, કૂવોને, પગદંડી, ખેતર, શેઢા,)

“ખડી ઝાંપલીમાં જૂવોને, પગદંડી, ખેતર, શેઢા,"

અને એમ સમજતો હતો કે તમે ઘરની-ગામની બહાર છો અને રોજ ખેતરે નથી જતા – તો રોજની પગદંડી, ખેતર, શેઢા તમારા વિરહમાં સામેથી ઝાંપલીમાં ડોકિયું કરવા આવી ગયા છે !!! - જાતે કવિતા આવડતી હોવાના (કે એવો ભ્રમ હોવાના) ગેરફાયદા?

મંગળવાર, જુલાઈ 08, 2008

છોક્કરી ગીત

ઘણા વખત પછી આજે એક નવી Post. આમ જૂની રચના છે, 7-8 વર્ષ પહેલાની.


બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે

છોકરી ના હો તો એની બારીમાં જોવાનો મહિમાએ અપરંપાર છે
છોકરીને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે

મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે

બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો છે ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે

નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે

-2000-01