શુક્રવાર, જુલાઈ 25, 2008

શું ચીજ છે?

આજે રમેશ પારેખ અને ઘરડા થવું એ શું ચીજ છે એની ગઝલ......


એકલા સાંજે બગીચે બેસવું શું ચીજ છે?
બાંકડો શું ચીજ છે? બુઢ્ઢા થવું શી ચીજ છે?

ચીજવસ્તુ થઈ ગયેલી આંખને પૂછી જુઓ,
સાવ ખાલીખમ સડકને તાકવું શું ચીજ છે?

કઈ તરસ છે એ કે એને આમ પાલવવું પડે?
રોજ આખેઆખું છાપું પી જવું શુ ચીજ છે?

રોજ એના એ જ સાલા ફેફસાં વેંઢારવા
રોજ એનું એજ જીવ પર આવવું શું ચીજ છે?

ગોળ ચશ્માં, ગોળ દિવસો, ગોળ ઝળઝળિયાં, રમેશ
ગોળ રસ્તા, ગોળ જીવે હાંફવું શું ચીજ છે?

વિશ્વ સામે જીભ આખી હોડમાં મૂકવા, રમેશ
હોડ શું છે? હાર શું છે? ઝૂઝવું શું ચીજ છે?

2 ટિપ્પણીઓ:

  1. વાત તો સાચી છે, વાસ્તવીકતાનો ચીતાર છે.
    પણ..
    મારી ઉમ્મરના વાચકો માટે ખાસ ...

    આમ જ હોવું એ એક માત્ર શક્યતા નથી. અભીગમ બદલીએ તો આ ચીત્ર પુરેપુરું બદલી શકાય છે.
    સર્વશ્રી.રતિલાલ ચંદરયા, ઉત્તમ ગજ્જર, મનવંત પટેલ, ચીમન પટેલ વી, આનાં નેટ ઉપરના સક્રીય ઉદાહરણો છે ( બધા + 70 છે.)

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત7/25/2008 7:07 PM

    એક અફલાતૂન કલમની એક અફલાતૂન નિપજ...

    જવાબ આપોકાઢી નાખો