મંગળવાર, જુલાઈ 22, 2008

આ તરફ કે તે તરફ?

આજે મારી ગઝલ.....


આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.

સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.

મેં કહ્યું'તુંને તને કે બહુ ઉતાવળ ના કરીશ,
બહુ જ અઘરું એ રમતમાં હારવાનું હોય છે.

આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.

સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.

આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત નીકળવાનું હોય છે.

3 ટિપ્પણીઓ:

  1. બહુ જ સરસ વીચાર
    સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
    રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.
    આજ વીષય ઉપર મારો લેખ વાંચવો તમને ગમશે -
    http://gadyasoor.wordpress.com/2007/10/17/shadows/

    છેલ્લા શેરમાં આમ કદાચ વધારે ઠીક રહેશે -

    આંખથી કે હાથથી કે દંડવત પૂરતું નથી,
    બારણાની બહાર મનથી જવાનું હોય છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત7/23/2008 8:39 AM

    ફરી એકવાર સુંદર ગઝલ.


    હવે છંદની સફાઈ પણ સ-રસ વર્તાય છે. બે જગ્યાએ જોકે ધ્યાન દોરીશ:


    ઝઘડવાનું = ઝ/ઘડ/વા/નું = લગાગાગા
    નહીં કે ઝઘ/ડ/વા/નું.

    નીકળવાનું= ની/કળ/વા/નું = ગાગાગાગા અથવા લગાગાગા નહીં કે, નીક/ળ/વા/નું.

    આપણે જે 'સાચા' ઉચ્ચાર કરીએ છીએ એ પ્રમાણે જ ચાંદ-બંધારણ નિશ્ચિત થાય છે.

    જવાબ આપોકાઢી નાખો
  3. અંતીમ બે શેર ખુબ ગમ્યા.

    જવાબ આપોકાઢી નાખો