મંગળવાર, સપ્ટેમ્બર 16, 2008

ગઝલ - સુધીર પટેલ

અમેરિકાસ્થિત શાયર સુધીર પટેલની એક ગઝલ - ઉપાડ બહુ સુંદર છે. સરળ શબ્દો અને શેર એની શેરિયતને સાચવીને જ્યારે છેલ્લા શબ્દોમાં ઉઘડે છે ત્યારે વાહ થઈ જવાય છે.

હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.

ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.

સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!

બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.

કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!

સોમવાર, સપ્ટેમ્બર 15, 2008

છે : દ્વાદશી - લાભશંકર ઠાકર

આજે લાઠા દાદાની કવિતાનું પાન કરીએ.

૧)
જોગમાયા બેઠી છે
દીવા જેવી
તગ તગ તાકતી
ચૂસીને
અંતઃસ્તલના અનુદેશનને

૨)
બાવાના બેય બગડ્યાં છે-
વસનઅને નિર્વસન.
ભખભખ ઊંઘતી ટ્રેનમાં
ધસમસતી અંતઃસ્ત્રોતાના
ઉત્તુંગ આવિર્ભાવમાં ખરડાયેલાં
નિર્વસનનેબાવો
ક્યાં ધોવે?

૩)
સુકાયેલા સમુદ્રને
ઊંચકીને
કાચબો ચાલે છે-
જળાશયની શોધમાં.

૪)
છે
બ્રહ્મચાટ ચટકાથી ચાટવાની
તલપ
નિશ્ચયના
જીભ વગરના મોં-ને.

૫)
છે
શ્રુતિઓના અનુશ્રુતિઓના
કડડભૂસ કાટમાળમાં
દટાઈ ગયેલા કાન?
પૂછ્યા કરે છે-
બહેરાશો ઊંચકીને
ઉત્કટ ભાન.

૬)
ચતુર્ભુજાના હાથ
ખરી પડ્યા છે-
સ્વપ્નના કૅન્વાસ પરથી.
જાગ્રુતિના હાથ બે
પોતાનીય બાથમાં
સમાવી શકતા નથી
છે તેને
અને નથી તેને.

૭)
છે હાથ અને હાથા
હથિયારો
બાથ
અને બાથંબાથા
અન્યના
મુકાબલામાં

૮)
છે પ્રથમ પુરુષ એકવચનની
અંગત ઓરડીમાં
અવાજ
પગ ડગ ભરતાનો
અલ્પમાં
અનલ્પના કલ્પમાં

૯)
છે ઘી
ઘી ચાટતી
પૃથક્કરણનું
દ્વૈત પરાયણ.

૧૦)
છે ધૃતિ
નિષ્પલક
ચિરહરણને ચૂપ તાકતી

૧૧)
છે સ્મૃતિ સ્મૃતિના
મનુસ્મૃતિ અનુસ્મૃતિના
ગંજ
કહોવાતા
હું-ના હાલકડોલક જહાજમાં.

૧૨)
છે
નિરાધરતામાં સતત ઊગતા
ઉપમાનો.
ઉપમેય નથી.

રવિવાર, સપ્ટેમ્બર 14, 2008

આપણે ફીદા થવાનું....નિનાદ અધ્યારુ

નિનાદ અધ્યારુની એક ગઝલ - મત્લા જ ગઝલને ટોચ પર લઈ જાય છે પ્રેમમાં ખુદા થવાની વાત કરીને. મક્તામાં પરદાનો કાફિયા પણ શેરની શેરિયતને જુદી જ કક્ષાએ મૂકે છે..

એક બુદબુદા થવાનું હોય છે,
પ્રેમમાં ખુદા થવાનું હોય છે.

ગમવું કે ન ગમવું એના હાથમાં,
આપણે ફીદા થવાનું હોય છે.

મન ભરીને તું મળી લેજે એને,
આખરે જુદા થવાનું હોય છે.

એ જ વખતે આંસુઓ આવે નહીં,
જ્યારે અલવિદા થવાનું હોય છે.

આપણે દેખાવ કરવાનો 'નિનાદ'
આપણે પરદા થવાનું હોય છે.

શનિવાર, સપ્ટેમ્બર 13, 2008

ચુનંદા શેર ને મુક્તક - સૈફ પાલનપુરી

મૅટ્રિકની પરીક્ષામાં નાપાસ થવાની ખુશાલીમાં મીત્રોને બાલારામની પિકનિક પર લઈ જનાર શાયર સૈફ પાલનપુરીના કેટલાક શેરો ને મુક્તક માણીએ.....

જીવનની સમી સાંજે મારે જખ્મોની યાદી જોવી'તી
બહુ ઓછા પાના જોઈ શક્યો બહુ અંગત અંગત નામ હતા.

**************

બે ચાર શ્વાસ લઈને જે બાળક મરી ગયું,
એની કને ખુદાની કોઈ બાતમી હતી.

**************

હવે તો 'સૈફ' ઈચ્છું છું કે મૃત્યુ દ્વાર ખખડાવે,
ઘડીભર તો મને લાગે કોઈના આગમન જેવું.

**************

ઘણા દિવસ પછી બારીએ કાગડો આવ્યો,
ને કહી ગયો કે હવે કોઈ આવનાર નથી.

**************

હું તો વિચારતો રહ્યો ખૂણે ઊભો રહી,
મારી નજીકથી જે ગઈ, જિંદગી હતી.

**************

પહેલા સમું તરસનું એ ધોરણ નથી રહ્યું,
પાણી મળે છે તો ય હવે પી જવાય છે.

**************

જીવી રહ્યો છું કિન્તુ જીવન લાગતું નથી,
એવું મરી ગયું ગયું છે કે મન લાગતું નથી.
લાગે છે મારી લાશને ઊંચકી લીધી છે મેં,
દુઃખ આવે છે તો એનું વજન લાગતું નથી.

**************

કદી વસતી મહીં ભૂલા પડ્યા છો ?
હૃદય જેવા હૃદય સાથે લડ્યા છો ?
મોહબ્બત શું છે ? શું સમજાવું તમને -
કદી કોઈ વાર તહેવારે રડ્યા છો ?

શુક્રવાર, સપ્ટેમ્બર 12, 2008

ગઝલ - શ્યામ સાધુ

શ્રી શ્યામ સાધુની એક ગઝલ - દરેકે દરેક શેર નવિનતા અને કલ્પનોથી ભરપૂર. એક જ શેર લઈ લો ને મત્લઅ - પહેલા મિસરામાં એમ કહીને તમારુ કુતુહલ વધારે છે કે સમયના હાથમાં કંઈ નથી. તમને થાય કે આટલી મોટી વાત - હવે બીજા મિસરામાં કવિ સાબિત કઈ રીતે કરશે...પછી માછલીની વાત આવે એટલે તમને લાગે કે કુદરતની કંઈ વાત હશે..અને અચાનક કાચ નામનો શબ્દ આવે અને આખો શેર ઉઘાડી આપે..આપણી અંદર બત્તી થાય , અજવાળું થાય અને કવિને દિલપૂર્વક દાદ અપાઈ જાય...આવા જ બીજા શેરો માણો અને ઉઘાડો..

કૈં નથી હોતું સમયના હાથમાં,
માછલી જોયા કરું છું કાચમાં.

એમ લાગે છ સૂરજ ઊંઘી ગયો,
એકલું આકાશ ઊઘડ્યું આંખમાં.

પાંદડા ખખડે અને ચોંકી પડું,
કેટલાં વૃક્ષો ઊગ્યાં છે યાદમાં!

ધારણાની શેરીએ સીધા જજો,
શક્યતાનું ઘર હશે ત્યાં પાસમાં.

કાંચળી માફક તમારું શહેર આ,
મારું હોવું તો હવાની વાતમાં.

ગઝલ - મરીઝ

મરીઝ સાહેબની એક સુંદર ગઝલ -

એવો કોઈ દિલદાર જગતમાં નજર આવે,
આપી દે મદદ કિંતુ ન લાચાર બનાવે.

હમદર્દ બની જાય જરા સાથમાં આવે,
આ શું કે બધા દૂરથી રસ્તા જ બતાવે!

શું એને ખબર કોની નજર પ્યાસી રહી ગઈ?
જે ભેજમાં ચાલે અને પાલવ ન ઉઠાવે.

એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું ઘણું હો ને કશું યાદ ના આવે.

કોઈ પ્રેમીથી તમારા, વાતોની કલા લ્યે,
એક વાત કરે એમાં ઘણી વાત છુપાવે.

રડવાની જરુરત પડે ત્યાં સૂકા નયન હો,
ને હસતો રહું ત્યાં જ જ્યાં હસવું નહિં આવે.

છે મારી મુસીબતનું 'મરીઝ' એક આ કારણ,
હું મુજથી રૂઠેલો છું, મને કોણ મનાવે?

બુધવાર, સપ્ટેમ્બર 10, 2008

ગઝલ - ગુંજન ગાંધી

ઘણા વખત પછી લખાયેલ મારી એક તાજી ગઝલ,

ફૂલ પર એ જીવવાની કામના ત્યાગી શકે,
પણ કહો ઝાકળ કદી આખો દિવસ જાગી શકે?

આભ છે ઘનઘોર ને છે વાદળોનો ગડગડાટ
એક જણને ભીતરે તડકા-પણું લાગી શકે.

માપસરના હાથ જોડી માપસર માથું નમાવી
માપસરનું કરગરી એ મહેલ પણ માંગી શકે.

ઈસુથી લઈ આદમી લગ, છે બધું લોહી-લુહાણ
એકલે હાથે સમય પણ કેટલું વાગી શકે!

Deal કરતાં આવડે આકાશ સાથે જો તને
Lampને બદલે તું ઘરમાં ચંદ્ર પણ ટાંગી શકે.

મંગળવાર, સપ્ટેમ્બર 09, 2008

ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની ગઝલ - એમને 'તું'ની બહુ તીવ્ર તલાશ છે.અને એ પણ વાતાવરણમાં મેઘધનુરૂપે કે પરપોટાની હવારૂપે કે ચૂપકીદીરૂપે નહિ એમને તો સામે જોવે એવા 'તું'ની તલાશ છે પછી ભલેને હવામાં રંગના ધાબાં પડે! એ તો એ પણ ભૂલી જશે કે એ શું વાત કરી રહ્યા છે....

વાતાવરણમાં વર્તુળો રચવાથી શું થશે ?
તું મારી પાસ છે એ મને લાગવા તો દે

પરપોટા થઈ તરે છે બધે તારી હાજરી
ચારે તરફ હજુ અધુરપના ફીણ છે

તું ચુપકીદીની જેમ અચાનક થીજી ન જા
ઈચ્છાઓની ભીનાશ આ તમરામાં ગુંજશે

તું સામે જો તો આંખમાં સપનાઓ ચીતરું
બહુ તો હવામાં રંગના ધાબાં પડી જશે

હું શું કહી રહ્યો છું મને ખ્યાલ પણ નથી
હું શું કહી રહ્યો'તો તને યાદ છે ? કહે

સોમવાર, સપ્ટેમ્બર 08, 2008

અમે બરફના પંખી - અનિલ જોશી

શ્રી અનિલ જોશીનું એક જાણીતું કાવ્ય જે એ જ નામે બહુ જાણીતા થયેલા નાટકમાં લેવાયું.

અમે બરફના પંખી રે ભાઈ,
ટહુકે ટહુકે પીગળ્યાં

લૂમાં તરતો ઘોર ઉનાળો અમે ઉઘાડે ડિલે
ઓગળતી કાયાનાં ટીપાં કમળપાંદડી ઝીલે
ખરતાં પીંછે પડછાતી બપ્પોર મૂકીને નીકળ્યાં!
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

લીલાં-સૂકાં જંગલ વચ્ચે કાબરચીતરાં રહીએ
નભમાં ઊડતાં સાંજ પડે તો સોનલવરણાં થઈએ
રાત પડે ને ડાળ ઉપરથી કોયલ થઈને ટહુક્યાં
અમે બરફના પંખી રે ભાઈ, ટહુકે ટહુકે પીગળ્યાં

રવિવાર, સપ્ટેમ્બર 07, 2008

ગઝલ - વિવેક કાણે 'સહજ'

એક ગઝલ શ્રી વિવેક કાણેની. એમણે બહુ સૂચક રીતે એમનું તખલ્લુસ સહજ રાખ્યું છે. આયાસપૂર્વક ગઝલ ના કરવી અને સહજતાથી આવે એને રોકવું નહિં એવો ભાવ એમની ગઝલ વાંચતા જરૂર નજર આવે.

 

બટન નથી કદી, ક્યારેક કયાંક ગાજ નથી

બધુંય સરખું હો, એવો કોઈ સમાજ નથી.

 

બહેર, રદીફ અને કાફિયા ટકોરાબંધ

અને જુઓ તો ગઝલમાં કશી મઝા જ નથી.


બહેરના અંતમાં લલગા કે ગાગા પણ આવે

લગાલગા લલગાગા લગાલગા જ નથી.


નકાર, જાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ

અમે નસીબને કોઠું તો આપતા જ નથી.


કશુંય આપવા-લેવાનું ક્યાં પ્રયોજન છે?

તમારે દ્વાર કશા હેતુથી ઊભા જ નથી.


તરત નીકળવું, કે થોડીક વાર થોભી જવું?

જવાનું નક્કી છે, એના વિષે વિધા જ નથી.


સમયના નહોર ઘણા તીણા છે એ માન્યું પણ

સમય ભરી ન શકે એવો કોઈ ઘા જ નથી.


જે છે તે આ છે, અને જે સહજ નથી તે નથી

ખપે તો લઈ લો, અમે બીજું બોલતા જ નથી.