રવિવાર, સપ્ટેમ્બર 07, 2008

ગઝલ - વિવેક કાણે 'સહજ'

એક ગઝલ શ્રી વિવેક કાણેની. એમણે બહુ સૂચક રીતે એમનું તખલ્લુસ સહજ રાખ્યું છે. આયાસપૂર્વક ગઝલ ના કરવી અને સહજતાથી આવે એને રોકવું નહિં એવો ભાવ એમની ગઝલ વાંચતા જરૂર નજર આવે.

 

બટન નથી કદી, ક્યારેક કયાંક ગાજ નથી

બધુંય સરખું હો, એવો કોઈ સમાજ નથી.

 

બહેર, રદીફ અને કાફિયા ટકોરાબંધ

અને જુઓ તો ગઝલમાં કશી મઝા જ નથી.


બહેરના અંતમાં લલગા કે ગાગા પણ આવે

લગાલગા લલગાગા લગાલગા જ નથી.


નકાર, જાકારો અથવા ઉપેક્ષા દઈ દઈએ

અમે નસીબને કોઠું તો આપતા જ નથી.


કશુંય આપવા-લેવાનું ક્યાં પ્રયોજન છે?

તમારે દ્વાર કશા હેતુથી ઊભા જ નથી.


તરત નીકળવું, કે થોડીક વાર થોભી જવું?

જવાનું નક્કી છે, એના વિષે વિધા જ નથી.


સમયના નહોર ઘણા તીણા છે એ માન્યું પણ

સમય ભરી ન શકે એવો કોઈ ઘા જ નથી.


જે છે તે આ છે, અને જે સહજ નથી તે નથી

ખપે તો લઈ લો, અમે બીજું બોલતા જ નથી.



શનિવાર, સપ્ટેમ્બર 06, 2008

ગઝલ - રઈશ મનીઆર

રઈશભાઈની એક સુંદર ગઝલ.....

ધૂળ તારે ઉડાડવી પડશે,
કાળને ફૂંક મારવી પડશે.

વીતશે નહીં એ આપમેળે કદી,
આ પળોને વિતાવવી પડશે.

લ્યો! ફરી સામે છીછરું જળ છે,
તોય હોડી તરાવવી પડશે.

દશ્યો કાળાં-સફેદ લાગે છે,
રંગથી આંખ આંજવી પડશે.

મોત લલચાઈ જાય તે માટે,
જીંદગીને સજાવવી પડશે.

તેજ પોતાનું માપવાને 'રઈશ'
બત્તીઓ બુઝાવવી પડશે.

શુક્રવાર, સપ્ટેમ્બર 05, 2008

અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખ

આજે અભણ અમરેલવી ઉર્ફે રમેશ પારેખનું એક અછાંદસ. ઈશ્વરનો ન્યાય તો ર.પા. જ કરી શકે..એને ગમતો માણસ હતો એટલે ગાળ પણ આપી શકે...એને ગુનો પણ ફરમાવી શકે અને એને માફ પણ કરી શકે...ર.પા. છે ભાઈ, આપણે તો ભક્તિભાવ પૂર્વક વાંચવાનું અને થોડી ક્ષણો આંખ બંધ કરીને બંનેને યાદ કરવાના - જેના પર કવિતા થઈ છે અને જેણે કવિતા કરી છે....

અભણ અમરેલવીએ કહ્યું............


યુધ્ધો, યાતનાશિબિરો, હોનારતો
હાહાકારો
હોસ્પિટલના દોઝખમાં ઓગળતાં મનુષ્યો
ભૂખમરો
મોત........
આ બધું ગધેડીના ઈશ્વરનું સર્જન છે?
હશે.
આ પ્રશ્નનો જવાબ મને આવડતો નથી.
કેમકે આ તો અભ્યાસક્ર્મની બહારનો સવાલ છે!

શ્રીમદ ભાગવત આખેઆખું ચાવી જનાર ભૂખી ગાય
બીજે દિવસે કતલખાને હડસેલાય
એ ગાય, જેણે ગોકુળ, મથુરા, વૃન્દાવન અને
શ્રી કૃષ્ણ સહિતનું જ્ઞાન પચાવ્યું,
તેને દૂધ નહીં આપવાના ગુના સબબ
કતલખાનાને દરવાજે કેમ ઊભા રહેવું પડે છે?
-આ પ્રશ્નનો જવાબ પણ મને નથી આવડતો.

હું અભણ છું
મારા કપાળમાં અંધારુ લખનાર ઈશ્વરને
ગધેડીનો ના કહું તો શું કરું?

પરંતુ બાળક, ફૂલ, તુષાર, સવાર, ગીત, પંખી
અને માતા
આટલી વસ્તુનો સર્જક ઈશ્વર છે
તેની મને ખબર છે.......

આ ખબરની સાક્ષીએ
હું શંકાનો લાભ આપીને
સર્જકને કહું છું ઈશ્વર.

હું ઈશ્વરને માફ નહિ કરું
પણ સર્જક્ને ઈશ્વર કહું છું
માટે ઈશ્વરને તેના ગુનાઓની માફી આપું છું!

ગુરુવાર, સપ્ટેમ્બર 04, 2008

મુંબઈની છોકરીનું ગીત - દિલીપ રાવળ

દિલીપ રાવલ - નાટક, એકાંકી, સિરિયલ, કથા-પટકથા-સંવાદ - આટલા બધા ક્ષેત્રે કાર્યરત છે. મુંબઈમાં રહે અને મુંબઈની છોકરીની એક રમતિયાળ રચના આપે છે.



સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી
શોધો કોઈ ક્રેઝી દરિયો ગાંડી થઈ છે નદી


દરિયાને મેં કાર્ડસ મોકલ્યા ફોન કેટલા કિધા
સપનામાં તો કોકટેલ કંઈ I SWEAR મેં પીધા
તને પ્રપોઝલ મોકલવામાં વીતી વીસમી સદી
સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી


તને નરી ખારાશના સમ છે મૂક હવે તો માઝા
ડેટિંગ ડેટિંગ રમવા કેરા મને ઓરતા ઝાઝા
એવરી ડેના મળો તો કંઈ નહીં મળજો કદી કદી
સોળ વરસની ફીક્ષ ડીપૉઝિટ વ્યાજ ગયું છે વધી

બુધવાર, સપ્ટેમ્બર 03, 2008

જાગીને જોઉં તો - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાના પ્રથમ કવિ - નરસિંહ મહેતાનું ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યનું એક જાણીતું પદ. વાંચીને જરૂર એમ લાગે કે 'એના' વિશેની આટલી ઊંડી વાત, તો ખરેખર 'કંઈ' ભાળી ગયેલો વ્યક્તિ જ કરી શકે.


જાગીને જોઉં તો જગત દીસે નહીં, ઊંઘમાં અટપટા ભોગ ભાસે;

ચિત્ત ચૈતન્ય-વિલાસ-તદ્દરૂપ છે, બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.

પંચ મહાભૂત પરિબ્રહ્મથી ઊપન્યાં, અણુ અણુ માંહી રહ્યા રે વળગી;

ફૂલ અને ફળ તે તો વૃક્ષનાં જાણવાં, થડ થકી ડાળ નવ હોય અળગી.

વેદ તો એમ વદે, શ્રુતિ-સ્મૃતિ સાખ દે : કનકકુંડળ વિશે ભેદ ન્હોયે;

ઘાટ ઘડિયા પછી નામ-રૂપ જૂજવાં, અંતે તો હેમનું હેમ હોયે.

જીવ ને શિવ તે આપ-ઈચ્છાએ થયો, ચૌદ લોક રચી જેણે ભેદ કીધા;

ભણે નરસૈંયો 'એ તે જ તું,' 'એ તે જ તું,' એને સમર્યાથી કંઈ સંત સીધ્યા.

મંગળવાર, સપ્ટેમ્બર 02, 2008

ઝાકળ જેવું તો કંઈક - વીરુ પુરોહિત

જુનાગઢના કવિ શ્રી વીરુ પુરોહિતનું એક સુંદર ગીત. હેમાબેને (દેસાઈ) ખૂબ સુંદર રીતે ગાયું છે - એ જો મળી આવે તો સોનામાં સુગંધ જેવું થાય - પણ ત્યાં સુધી આ સોનુ.



મને ઝાકળ જેવું તો કંઈક આપો!

દરિયાની કામનાને વાચા ફૂટે તો કહે,

વાદળ જેવું તો કંઈક આપો.



આરપાર દ્રુષ્ટિના ઉતરે જળકાફલા, એવી છે ખીણ મારી આંખમાં,

ઈચ્છાના પંખી લઈ ઊડ્યા આકાશ, મારી છાતી ધબક્યાની રાત પાંખમાં.

કોણ જાણે કેવી છે પવનોની વાત, મને અટકળ જેવું તો કંઈક આપો.


જંગલ એવું છું કે આસપાસ ઘુમરાતા ટહુકાઓ જીરવ્યા જીરવાય નહિ,

સૂરજ ઊગે ને રોજ થઈ જાઉં વેરાન, મારા પડછાયા ઝાલ્યા ઝલાય નહિ.

મારી એકાદી આંગળીને કાપી કરું કલમ, કાગળ જેવું તો કંઈક આપો.

સોમવાર, સપ્ટેમ્બર 01, 2008

શેર અને મુક્તક - ગુંજન ગાંધી

હું તને કાગળ લખું છું, Mail તો કરતો નથી બસ એટલા માટે,
લાગણી Attach કરવાનો નથી option કોઈ બસ એટલા માટે.

*********** * *********** * ***********

શબ્દ જેવી સરળતાથી હાથતાળી દઈ ગયો,
દોસ્ત એવી સહજતાથી હાથતાળી દઈ ગયો.

એક કિસ્સો સાચવી રાખ્યો હતો વર્ષો સુધી,
ટોચ ઉપર એ સફળતાથી હાથતાળી દઈ ગયો.

*********** * *********** * ***********

તેં મને જે પણ લખ્યા'તા એ બધા કાગળના સમ,
મેં તને ના મોકલ્યા જે એ બધા વાદળના સમ.

રાતભર જાગ્યા કરી'તી એ પથારી જેમ-તેમ
એક પણ જે ના પડ્યાને એ બધાએ સળના સમ.

રવિવાર, ઑગસ્ટ 31, 2008

ભગવાન મહાવીર અને જેઠો ભરવાડ – સૌમ્ય જોશી

બહુ જ સુંદર અને બારીક કામ નાટકમાં કરતો માણસ એટલે કે સૌમ્ય જોશી. 'દોસ્ત, અહિં ચોક્ક્સ નગર વસતું હશે' જેવા ઓફબીટ નાટકથી નાટ્ય ક્ષેત્રે અલગ, આગવી ઓળખ ઊભી કરનાર - મુન્નાભાઈની ગાંધીગીરીનો concept અને અદભૂત સ્ક્રિપ્ટ આપનાર અભિજાત જોશીનો આ નાનો ભાઈ - કવિતામાં પણ એવું જ કામ કરી રહ્યો છે...વર્ષો પહેલા આ એક-બે શેરથી હું એમના પર ઓવારી અને એમની કવિતાનો ચાહક બની ગયો -

શું કરું? ક્યાંથી ઉકેલું? કેવો આ સંબંધ છે?
તું લખે છે Brailમાં, ને હાથ મારા અંધ છે.

હું તિરાડો જોઈને પાછો ફર્યો ને એ પછી,
બાતમી એવી મળી કે આઈનો અકબંધ છે.

ગઝલમાં આવું કામ કરનાર સૌમ્ય જોશીને એમના બળકટ અછાંદસથી અને રજૂ કરવાની આગવી અદાથી મુશાયરામાં છવાઈ જતા જોવા એ એક લ્હાવો છે - એ લહાવો પહેલી વાર બ્લોગ જગતમાં વિડિયોના રૂપે - લાઈવ મુશાયરામાંથી સીધો આપની પાસે.




આ સ્યોરી કહેવા આ’યો સું ને ઘાબાજરિયું લાયો’સું.
હજુ દુ:ખતું હોય તો લગાડ કોનમાં ને વાત હોંભળ મારી.
કે તીજા ધોરણમાં તારો પાઠ આવે’સે.
હવે ભા ના પાડતા’તા તોય સોડીને ભણાવવા મેલી મેં માંડમાંડ
તો ઈને તો ઈસ્કૂલ જઈને પથારી ફેરવી કાલે,
ડાયરેક ભાને જઈને કીધું કે આપણા બાપદાદા રાક્ષસ,
તો મહાવીર ભગવાનના કોનમાં ખીલા ઘોંચ્યા.
હવે ભાની પર્શનાલીટી તને ખબર નહિં,
ઓંખ લાલ થાય એટલે સીધ્ધો ફેંસલો.
મને કે’ ઈસ્કૂલથી ઉઠાડી મેલ સોડીને,
આ તારા પાઠે તો પથારી ફેરવી નાંખી.
હવે પેલાએ ખીલા ઘોંચ્યા એ ખોટું કર્યું, એ હું યે માનું સું,
પણ એને થોડી ખબર કે તું ભગવાન થવાનો સું!
ને તીજા ધોરણમાં તારો પાઠ આવવાનો.
એનું તો ડોબું ખોવાઈ ગયું તે ગભરાઈ ગ્યો બિચારો.
બાપડાન ભા, મારા ભા જેવા હશે,
આ મારથી ચંદી ખોવાઈ ગઈ’તીને તે ભાએ ભીંત જોડે ભોડું ભટકાઈને
બારી કરી આલી’તી ઘરમાં
તો પેલાનું તો આખું ડોબું જ્યું તારે લીધે,
દિમાગ તપ્યું હશે તો ઘોંચી દીધા ખીલા.
વાંક એનો સી,
હાડી હત્તરવાર ખરો,
પણ થોડો વાંક તારોય ખરો ક નહિં,
હવે બચારો બે મિનિટ માટે ચ્યોંક જ્યો,
તો આંસ્યુ ફાડીને એનું ડોબું હાચવી લીધું હોત
તો શું તું ભગવાન ના થાત?
તારું તપ તૂટી જાત?
હવે એનું ડોબું ઈનું તપ જ હતું ને ભ’ઈ.
ચલો એ ય જવા દો,
તપ પતાઈને મા’ત્મા થઈને બધાને ઉપદેશ આલવા માંડ્યો,
પછી એ તને ઈમ થયું કે પેલાનું ડોબું પાસું અલાવું?
તું ભગવાન, મારે તને બહુ સવાલ નહિં પૂછવા,
મું ખાલી એટલું કહું’સું.
કે વાંક બેયનો સે તો ભૂલચૂક લેવીદેવી કરીને પેલો પાઠ કઢાયને ચોપડીમોંથી,
હખેથી ભણવા દે ન મારી સોડીને,
આ હજાર દેરા સી તારા આરસના,
એક પાઠ નહિં હોય તો કંઈ ખાટુંમોળું નહિં થાય,
ને તો ય તને ઈમ હોય તો પાઠ ના કઢાય બસ!
ખાલી એક લીટી ઉમારાઈ દે ઈમાં,
કે પેલો ગોવાળિયો આયો’તો, સ્યોરી કહી ગ્યો છે,
ને ઘાબાજરિયું દઈ ગ્યો છે!

શનિવાર, ઑગસ્ટ 30, 2008

હું જીવતો છું...રાવજી પટેલ

આ અછાંદસ દ્વારા રાવજી પટેલ એની કલમની અમરતા સિધ્ધ કરે છે...દરેકે દરેક જણને, દરેકે દરેક ક્ષેત્રમાં ક્યારેકને ક્યારેક લાચારીનો સામનો કરવો પડે છે..એ લાચારી અને એ પણ કવિની જો વધી જાય તો કલમના તીક્ષ્ણ છેડેથી એનાથી ય તીણા શબ્દ બનીને બહાર આવે છે અને વાગે છે ભાવકને રુંવાડે-રુંવાડે....



ખુરશીમાં ઝૂલતી ડાળીઓ જોઈ શકાય છે.

અને

ઘોડાની નીચે એક બણબણતી બગાઈ સાલી

પ્રત્યેક ક્ષણે

મને વિતાડે છે.

હોય. બગાઈ છે બાપડી. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


હું મારા Boss-જીનો Personal Telephone

તમાકુના છોડને ઉછેરીએ એવી કાળજીથી

નોકરીને પાલવું છું.

હોય. બોસ છે બિચારો. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


ઘરમાં મોટેથી તો હસાય જ નહીં.

લેંઘામાં ખણજ આવે ને તોય માળું

વલુરાય જ નહીં.

હોય ત્યારે ઘર છે બિચારું, ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


યદા યદા હિ ધર્મસ્ય

મૂકં કરોતિ વાળો શ્લોક સ્મરતો હોઉં ત્યારે

કોકશાસ્ત્રની ગંદી આવૃત્તિ જેવી બાયડી

મને રોજ ઠૂંસા મારીને રાત બગાડે છે.

હોય સાલી એ છે તે ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!


રસ્તા પર ગુલમ્હોર છે ને ?

બાવળીઓ કહેવું હોય તો જાવ - પણ છે ને?

નં. 4. ત્રીજો માળ, લીલીછમ બારી, એ પા તો

જોવાય જ નહીં.

ક કરવતનો ક બોલાય

ને ન ખાવું હોય તો ય બિસ્કિટ લેવાય

ને પાનના ગલ્લા આગળ - ક્ષણિક ઓસરીમાં

રહ્યો રહ્યો મૃત દાદીમાના ઉછંગમાં કૂદાકૂદ

કરી લેવાય. પણ ઘોડીનું લીલી પા

જોવાય જ નહીં. ભલે.

પણ હું જીવતો છું એ કંઈ ઓછું છે!

ને ખુરશીમાં ડાળીઓ ઝૂલતી જોઉં છું પાછી.

શુક્રવાર, ઑગસ્ટ 29, 2008

'છે તો છે' વાળો ભાવેશ ભટ્ટ 'મન'

આજે એક અજબ મિજાજ - સરસ સ્વભાવ અને સબળ અવાજ વાળો કવિ મીત્ર એટલે કે ભાવેશ ભટ્ટ. તમારી પાસે એની કંપનીના કામે - સેલ્સ કોલ પર આવ્યો હોય એની ટીમને લઈને તો કહી ના શકો કે આ જ માણસ - આવી ધારદાર ગઝલોનો સર્જક હશે. પાછો ઉર્દુ ગઝલોનો ઉંડો અભ્યાસુ..મૂડમાં હોય તો એની જબાને એક પછી એક - એક-એકથી ચઢે એવા શેર નીકળતા જતા હોય, સાથે એના શાયરની ચર્ચા અને શેરની શેરિયતની ચર્ચા તો ખરી જ, જે એ પોતાની ગઝલની વાત હોય ત્યારે નથી કરતો. એના ગઝલ સંગ્રહ 'છે તો છે'માંથી દરેક કાવ્ય રસિકે પસાર થવું જરૂરી છે - એનો નમૂનો જોઈ લો, અહીંયા જ -


એવા થાકીને ઘર આવ્યા,
પડછાયાને ચક્કર આવ્યા.

કેમ સમયજી ખુશ લાગો છો?
કોને મારી ટક્કર આવ્યા?

કંઈક લખ્યું જ્યાં તારા માટે,
આંસુ જેવા અક્ષર આવ્યા.

ભેજ ગયો ના જીવનમાંથી,
સૌ વરસાદી અવસર આવ્યા.