મંગળવાર, ઑગસ્ટ 26, 2008

ગઝલ - અંકિત ત્રિવેદી

સુંદર કવિતાઓ આપવાની સાથે સુંદર સંચાલન સંભાળતો જણ એટલેકે અંકિત ત્રિવેદી. એનો અંદાઝે-બયાં જુદો છે..બોલચાલની લાગતી વાતને વાંચતા આગળ વધો અને અચાનક એવું આશ્ચર્ય આપે કે ક્યાં તો આહ કે પછી વાહ થઈ જવાય. એને સપના આંસુવાળા આવે છે, જ્યાં સુધી કોઈની યાદનું પીંછુ ખરતું નથી..અને પછી એ અધૂરી બાજી છોડીને આગળ વધી જાય છે, મૂંગા હોઠ લઈને - અને એકલો ટોળે વળી જાય છે.



અહિંયા ફર્યું જે રીતથી ત્યાં પણ ફર્યું હશે
એકાદ પીંછુ યાદનું ત્યાં પણ ખર્યું હશે -


આજે ફરી હું આંસુની પાછળ પડી ગયો
સપનાને પાછું કોઈકે સામે ધર્યું હશે -


બાજી અધૂરી છોડવાનું એક કારણ કહું?
જાણીબૂઝીને એમણે એવું કર્યું હશે -


અટકી ગયેલી વાત ના આગળ વધી શકી.
મૂંગા થયેલા હોઠમાં શું કરગર્યું હશે?


મારા વિના હું એકલો ટોળે વળી ગયો
મારા વિશેનું ગામ ત્યાંથી વિસ્તર્યું હશે.

સોમવાર, ઑગસ્ટ 25, 2008

ગઝલ - રાજેશ વ્યાસ 'મિસ્કીન'

આજે શ્રી રાજેશ વ્યાસની ગઝલ. એમની ગઝલમાંથી પસાર થતા આ માણસ કંઈક ભાળી ગયો છે અથવા એ દિશામાં બહુ જ મનપૂર્વક આગળ વધી રહયો હોય એમ લાગ્યા કરે. એમને સુખ-દુ:ખની બહાર થવું છે, દરિયો પણ થવું છે ને પાર પણ થવું છે! આપણે ભલે આપણને વ્યક્ત કરવા, 'શબ્દ' નામની એક 'ચાલી જાય' એવી વ્યવસ્થાનો સહારો લઈને બેઠા છીએ, પણ દિલ પર હાથ મૂકીને સાચ્ચે-સાચું કહેજો સાહેબ, એ વ્યવસ્થા શું કાયમ કામ આવે છે?
ના, તો એનો જવાબ પણ આ શાયર આપે છે....


તો ગઝલ -



સુખ ને દુ:ખના વર્તુળોની બહાર થઈ ગયો,

દરિયો થઈ ગયો હું, સ્વયમ પાર થઈ ગયો.


ભૂલી ગયો જો પ્રાર્થના-પૂજા પરોઢની,

તાજા કલમના વાસી સમાચાર થઈ ગયો.


એ પંખી બીજું કોઈ નહીં આ હૃદય હશે,

પીંછું ખરેલું જોઈને ચિત્કાર થઈ ગયો.


શબ્દોમાં કોણ મૂકી શક્યું સમજીને પૂરું,

એ મૌન થઈ ગયો જે સમજદાર થઈ ગયો.


મિસ્કીન એ ધબકતું હતું કોણ સાથમાં?

લાગે છે હવે કેમ નિરાધાર થઈ ગયો?

રવિવાર, ઑગસ્ટ 24, 2008

શ્યામ મારો આ કોરો કાગળ...સુરેશ દલાલ

આજે જન્માષ્ટમીના દિવસે શ્યામને સુરેશ દલાલના શ્બ્દોમાં આવું કહીએ....



શ્યામ મારો આ કોરો કાગળ

એમાં દોરો તમે કુંડળી

અને કહો કે મળશું ક્યારે?

કૈં કેટલા ઘોંઘાટના અહીં ઘૂંઘટપટ રે ઢળ્યા

એને કહો ખોલશો ક્યારે?



રાહુ ચંદ્રને ગળી જાય તો

તમે ઝૂલશો મારે માથે શરદપૂનમનું આભ થઈને

એવું વચન તો આપો.

સૂર્ય, ગુરુ કે કેતુ, મંગળ;

અમને કાંઈ સમજ નહીં,

ગ્રહો વિરહના ટળશે

એવું આશ્વાસન તો આપો.

એક એક આ ઘરમાં મૂકો વાંસળીઓના સૂર

અને બળવાન શુક્રને કરો

મોરપિચ્છને ધારી માધવ દર્શન દેશો ક્યારે?

- તમે અમારું ભાવિ કહેશો ક્યારે?

શ્યામ તમે અવ સાચું કહેજો

તમને પણ અમને મળવાનું

મન કદીય થાય ખરું કે નહીં?

અમે તમારી આગળપાછળ આમતેમ બસ ભટક્યા કરીએ

તમને પણ ક્યાંક ઊભા રહીને

આંખોમાં આંખો રોપીને

માનમલાજો મર્યાદાને લોપી દઈને

ગોપીના આ લોચનને જલ ડૂબી જવાનું

મન કદીય થાય ખરું કે નહીં?

શ્યામ તમારી સાથે મારે કયા જનમની સગાઈ થઈ છે

ને કયા જનમમાં સગપણ ફળશે?

રે, ક્યાં લગી આ જીવ ટળવળશે?

- મને કૈં કહેશો ક્યારે?

શનિવાર, ઑગસ્ટ 23, 2008

મરણ પર મક્તા - 'બેફામ'

આજે ડૉ. રશીદ મીરના પુસ્તક - 'આપણા ગઝલ સર્જકો'ની મદદ લઈએ.

બેફામે મૃત્યુ વિષય પર અસંખ્ય મક્તા લખ્યા છે. પરંતુ વિશિષ્ટતા એ છે કે દરેક વખતે મૃત્યુ જેવા શુષ્ક અને અશુભ વિષયને એ નવા નવા વિચારો અને કલ્પનાઓ દ્વારા આસ્વાધ્ય અને વેધક બનાવી દે છે.



છૂટ્યો જ્યાં શ્વાસ ત્યાં સંબંધ સૌ છૂટી ગયા બેફામ,

હવા પણ કોઈએ ના આવવા દીધી કફનમાંથી. (માનસર, 4)



કફનરૂપે નવો પોષાક પહેરે છે બધા બેફામ,

મરણ પણ જિંદગીનો આખરી તહેવાર લાગે છે. (માનસર, 31)



આ બધા બેફામ જે આજે રડે છે મોત પર,

એ બધાએ જિંદગી આખી રડાવ્યો છે મને. (ઘટા, 10)



રડ્યા બેફામ સૌ મારા મરણ પર એ જ કારણથી,

હતો મારો જ એ અવસર ને મારી હાજરી નહોતી. (ઘટા, 21)



મરણ કહેવાય છે બેફામ એ વૈરાગ સાચો છે,

જગત સામે નથી જોતા જગત ત્યાગી જનારાઓ. (ઘટા, 75)



જો કે બેફામ હું જીવન હારીને જોતો હતો,

તે છતાં લોકોની કાંધે મારી અસવારી હતી. (ઘટા, 82)



બેફામ તો યે કેટલું થાકી જવું પડ્યું?

નહિ તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. (માનસર, 80)

શુક્રવાર, ઑગસ્ટ 22, 2008

અછાંદસ - અશરફ ડબાવાલા

TV Interview-ના પ્રશ્નો

ખરેલા પાનને :

- તમને ડાળ પરથી ખરતી વખતે શી અનુભૂતિ થઈ?

- ઝાડ પરના તમારા વસવાટ દરમિયાન કોઈ નોંધપાત્ર અનુભવો જણાવશો?

- નવા ફૂટતા પર્ણને તમારો શો સંદેશ છે?


સરકસના સિંહને :

- જંગલ અને સરકસમાં તમને શું સામ્ય લાગ્યું?

- તાળીઓ સાંભળીને તમે શું અનુભવો છો?

- તમે રિંગમાસ્ટરને તેનાં બાળકો સાથે રમતાં જોયો છે?


જન્મથી અંધ બાળકને :

- તમે ક્યારેય આકાશને સપનામાં જોયું છે?

- તમને ક્યારેય જોઈ શકનારાઓ પર દયાભાવ ઊપજ્યો છે?

- તમને પહેલીવાર ક્યારે ખબર પડી કે તમે જન્મ્યા છો?



[This was written in year 1977, we thought it is only Today's TV reporters who started this kind of questions - what did you feel when you were inside the well!!!]

ગુરુવાર, ઑગસ્ટ 21, 2008

મીરા કાવ્ય - રમેશ પારેખ

ઓણુંકા વરસાદમાં બે ચીજ કોરી કટ્ટ

એક અમે પોતે અને બીજો તારો વટ્ટ


નેવાં નીચે ઓસરી, આંખો નીચે ગાલ

નખથી નક્ષત્રો સુધી જળ આંબ્યું આ સાલ


વાવાઝોડું હોય તો કરીએ બંધ કમાડ

આ તો ઘરમાં પાડતું જળનું ટીપું ધાડ


નખ ઊગ્યા અંધારને, ભીંતે ઊગી દાઢ

ઉપર મારે આંચકા અણિયાળો અષાઢ


તારા વટને કચ્છની સૂડી સરખી ધાર

અમે કમળની દાંડલી-કરીએ શું તકરાર?


મીરા કહે કે સાંવરા, વાગે વીજળી બહુ

બીજું શું શું થાય તે આવ, કાનમાં કહું

બુધવાર, ઑગસ્ટ 20, 2008

ગીત - મુકેશ જોશી

તારું ઘર છે મંદિર જેવું
માણસ છું હું ક્યાં જઈ રહેવું?


કાલી ઘેલી ભૂલ કરું છું
પત્થરને પણ ફૂલ ધરું છું
આંખે ખારું સુખ ભરું છું

ઝળહળિયું માંગે તો દઈએ
સપનું પાછું ક્યાંથી દેવું....તારું ઘર


શ્વાસોને ઝળહળવા માટે
તું ચાલે છે મળવા માટે
મારી ચાલ તડપવા માટે


તારું મન છે રૂનો ઢગલો
હું તણખો છું કોને કહેવું...તારું ઘર


[સાભાર - કવિતા ઓગષ્ટ-સપ્ટે. 2007]

મંગળવાર, ઑગસ્ટ 19, 2008

અશોક ચાવડા 'બેદિલ' - મારામાં

નવી ગુજરાતી કવિતાનો નવો કવિ - સાથે સાથે પત્રકારત્વ, સંપાદન જેવી બીજી અનેક ખૂબીઓવાળો અને ઉમદા વ્યક્તિત્વ તો ખરું જ - એના એક ખૂબ જાણીતા શેર સાથે અશોક ચાવડા 'બેદિલ'ને પેશ કરું છું, એના અવાજમાં.
એણે આ જ શેરના નામે એટલે કે 'પગલાં તળાવમાં' નામે સુંદર કાવ્ય સંગ્રહ પણ આપેલો છે.

કાંઠાઓ રોઈ રોઈને જળને પૂછી રહ્યા,
કે કોણ આ ભૂલી ગયું પગલાં તળાવમાં.

અને હવે ગઝલ -


ક્યાં છે હોશો હવાસ મારામાં,
હું જ કરતો વિનાશ મારામાં.

સાવ ખંડેરસમ બધું લાગ્યું,
મેં કરી જ્યાં તપાસ મારામાં.

આ અરિસો ય રોજ પૂછે છે,
કોણ બેઠું ઉદાસ મારામાં.

કેમ દફનાવવી વિચારું છું,
હોય મારી જ લાશ મારામાં.

કોઈ 'બેદિલ' મને બતાવે ના,
શું થયું છે ખલાસ મારામાં.

સોમવાર, ઑગસ્ટ 18, 2008

ઝેન ગઝલ - જવાહર બક્ષી

આજે શ્રી જવાહર બક્ષીની એક વિશિષ્ટ ગઝલ - એમાં શું નવતર છે, એ કહેશો જરા?


બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે


ખિસકોલીના અવાજમાં ખેંચાતો જાઉં રે
મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે


મૃગજળિયા અંધકારમાં હું છટપટાઉં રે
'સૂરજ નથી' ના શ્વાસમાં મૂંગો મરાઉં રે


'સૂરજ નથી' ના શ્વાસમાં મૂંગો મરાઉં રે
તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે


તારા મિલનના સ્વપ્નમાં હું જીવતો જાઉં રે
આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે


આકાશ થઈ ઊગું, ખીલું ને ખરતો જાઉં રે
બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે

બેઠો'તો વૃક્ષ નીચે હવે ભોગવાઉં રે
ખિસકોલીના અવાજમાં...હું સંભળાઉં રે

રવિવાર, ઑગસ્ટ 17, 2008

નિસ્બત છે અમારે ધરતીથી - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરી - પરંપરાના શાયર. બહુ જ સુંદર સંચાલન પણ કરતા એમ પણ સાંભળ્યું છે. એમની એક નખશીખ સુંદર ગઝલને લઈ સૌમિલ-શ્યામલ મુનશીએ સંગીતના વાઘા પહેરાવીને એની સુંદરતામાં ચાર ચાંદ લગાવ્યા છે.


નિસ્બત છે અમારે ધરતીથી, તુજ સ્વર્ગનું વર્ણન કોણ કરે ?
ઘર-દીપ બુઝાવી નાંખીને, નભ-દીપને રોશન કોણ કરે ?

જીવનમાં મળે છે જ્યાં જ્યાં દુ:ખ, હું જાઉં છું ત્યાં ત્યાં દિલપૂર્વક
મારાથી વધુ મુજ કિસ્મતનું, સુંદર અનુમોદન કોણ કરે ?

વીખરેલ લટોને ગાલો પર, રહેવા દે પવન, તું રહેવા દે
પાગલ આ ગુલાબી મોસમમાં, વાદળનું વિસર્જન કોણ કરે ?

આ વિરહની રાતે હસનારા, તારાઓ બુઝાવી નાખું પણ,
એક રાત નભાવી લેવી છે, આકાશને દુશ્મન કોણ કરે ?

જીવનની હકીકત પૂછો છો ? તો મોત સુધીની રાહ જુઓ
જીવન તો અધૂરું પુસ્તક છે, જીવનનું વિવેચન કોણ કરે ?

લાગે છે કે સર્જક પોતે પણ કંઇ શોધી રહ્યો છે દુનિયામાં
દરરોજ નહિતર સૂરજને, ઠારી ફરી રોશન કોણ કરે ?

નોંધ : જયશ્રીએ એને શબ્દ સ્વરૂપે ટહૂકો પર અહીં મૂકી હતી.