રવિવાર, એપ્રિલ 29, 2007

રમતથી જે ડરે છે...

આજે વાત કરવી છે શિકાગોમાં ઠરી ઠામ થયેલા પણ મૂળ જામનગર મેડિકલ કોલેજના વિદ્યાર્થી અને શિકાગોના સંપૂર્ણ પ્રદેશમાં મિત્રોની મદદ લઈને 'શિકાગો આર્ટ સર્કલ' દ્વારા ગુજરાતી સહિત્ય અને કલાની વિવિધ એક્ટિવીટીમાં પ્રવ્રુત્ત છે અને ગુજરાતી કવિતાને ત્યાં ધબકતી રાખી છે એ અને એ બધાથી વિશેષ તો એક મૂઠ્ઠી ઊંચેરા કવિ જેમની કવિતામાંનુ તત્વજ્ઞાન જોઇ બહુ સહેલાઈથી તમને શ્રી રાજેન્દ્ર શુક્લ યાદ આવે, એવા શ્રી અશરફ ડબાવાલાની ...

એમનો અંદાઝે-બયાં તો જુઓ...

જો આપ તો શબ્દોમાં મને કોઇ છટા દે,
નહિતર તું મને મૌનમાં મોકાની જગા દે.

એમની એક સુંદર ગઝલ માણીએ..

વિલ-ડુરાં કહેતા કે આપણે જે દિવસે રમતના મેદાનમાં રમવાનું છોડીને બાજુમાં બેસીને તાલીઓ પાડવા માંડીશુ તે દિવસે આપણે જિંદગીની રમત હારી જઈશું..વાત છે કોઈ પણ મુશ્કેલ પરિસ્થીતિ સામે લડવાની - એમાં રમવાની - પીઠ બતાવવાની નહિ.. આ જ વાતને કેન્દ્રમાં રાખીને કવિ આપણને એક નિર્દોષ સવાલ પૂછે છે, જેનો અર્થ સમજાય ત્યારે આપણે અંદરથી હચમચી જઈએ..

રમતથી જે ડરે છે એના ભયના કેન્દ્રમાં શું છે?
રમતમાં જીતનારાના વિજયના કેન્દ્રમાં શું છે?


આપણી આસપાસ ચોમેરના અવાજો, અવાજો, અવાજો અને અવાજો આપણી અંદરની શાંતીને ખળભળાવી નાખે ત્યારે ?

અવાજો નાદ ને શબ્દો બધાથી થઈ ગયા માયૂસ;
હવે તો મૌનને પૂછો કે લયના કેન્દ્રમાં શું છે?

કોઈ વખત વાત કહેવાઈ પણ ના હોય અને એવી વાત હોય કે એ કહેતા જીભ ઉપર મણ મણનું વજન અનુભવાતુ હોય ત્યારે સાંભળનારને એ સંકોચ, હિચકિચાહટ જ ઘણુ બધુ કહી જતો હોય છે...

બિચારી વાત તો જીભે જ આવીને ઠરી ગઈ'તી;
અને સૌ જાણવા માંડ્યા વિષયના કેન્દ્રમાં શું છે?

દિવસ રાત ધબક્યા કરીને જે લોહીને શુધ્ધ રાખે છે એ હ્રદય અને સતત આવન-જાવન કરીને શરીરને ચાલતું રાખનાર શ્વાસોની આપણને બહુ કિંમત નથી હોતી જ્યાં સુધી બધુ બરાબર ચલે ત્યાં સુધી...

ધબકતું લોહી ને શ્વાસો ઢળીને સાંજ થાશે, ને -
તને તરત જ ખબર પડશે હ્રદયના કેન્દ્રમાં શું છે?

સુરજ ઢળે ત્યારે જો આપણે જાગતા હોઈએ તો આપણને ખ્યાલ આવે છે એના અસ્તનો...પણ હજુ આપણી બુધ્ધી પાસે સૌર્ય મંડળની હયાતી, એના સંચાલન - સુરજનું ઉગવુ આથમવુ, બ્રહ્માંડ કેવી રીતે અસ્તિત્વમાં આવ્યુ એના માટે 'બિગ બેંગ' જેવી અપૂર્ણ થિયરી સિવાય કોઈ સજ્જડ જવાબો નથી, એના માટે તો હજુ સ્વપ્ન જેવી અવસ્થા જેમાં આપણું 2/3 અજ્ઞાત મન સહુથી વધુ જાગ્રુત હોય છે એના પર જ આધાર રાખવો પડે! હવે આ વાતને બે પંક્તિમાં મૂકવા માટે તમારે મોટા ગજાના કવિ અને એથી મોટા ગજાના વિચારક હોવું ઘટે...

ભલેને અસ્ત સૂરજનો તને આંખો જ સમજાવે;
તને સપનું જ કે'શે કે ઉદયના કેન્દ્રમાં શું છે?

અને બે છેલ્લા મને સૌથી ગમતા શેર..

બે માણસો ભેગા થાય જિંદગીભર જીવવા માટે..પતિ-પત્ની તરીકે..તો એક્બીજાની સામસામે કે સાથસાથે ઉભા રહીને એકબીજા સમજવાનો પ્રયત્ન કરવા કરતા એકબીજા તરફ પીઠ રાખીને એમના સંસારના વર્તુળના પરિઘ જેવા વિશ્વ માટે જીવે છે..લોકોને કેવું લાગશે? પણ બાજુમાં જ સાથે કેન્દ્રમાં ઉભેલા જોડીદારનું શું??

અહીં બે માણસો જીવે બનાવી વિશ્વને વર્તુળ;
પરંતુ બેઉના જાણે ઉભયના કેન્દ્રમાં શું છે?

આપણા દરેક માટે રોજ-બરોજની સમસ્યાઓ અને એનો ઉકેલ એ દ્રોણે અર્જુનને આપેલ ચકલીની આંખ વિંધવાની કસોટી જેવી છે.. અને આ સમસ્યાઓથી થાકીને જો વિષાદ ઉતપન્ન થાય કે આ સઘળું વ્યર્થ છે તો એની પાસે તો દ્રોણ હતા..સમસ્યાનો ઉકેલ સમજાવવા..પણ મારા તમારા જેવા દ્રોણ વગરના અર્જૂનોનું શું?

મને આ ઝાડ, ચકલી, વ્યોમ સઘળું વ્યર્થ લાગે છે;
મને હે દ્રોણ! સમજાવો સમયના કેન્દ્રમાં શું છે?

1 ટિપ્પણી:

  1. અત્યંત સુંદર રચના. બહુ જ ગમી. અને તમે કરાવેલો રસાસ્વાદ પણ સરસ છે.
    જો જોતાં આવડે તો એ દ્રોણ પણ આપણે જ થઇ શકીએ છીએ.
    મારા બ્લોગ 'અંતરની વાણી' માં બની આઝાદ શ્રેણીના છ લેખ વાંચવા ભલામણ છે.

    જવાબ આપોકાઢી નાખો