શનિવાર, મે 12, 2007

ગઝલ મનોરંજન

થોડી જુની post તપાસો તો માલૂમ થશે કે મેં શ્રી મનોજ ખંડેરિયાની ગઝલના રસાસ્વાદ વખતે એમની બીજી એક ગઝલ જેમાં ગઝલ એ શાયર માટે શું મહત્વ ધરાવે છે એની વાત ફરી ક્યારેક કરવાની મે વાત કરી હતી..અને આજે કદાચ એ 'ફરી ક્યારેક' થઈ લાગે છે..

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે...

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે...આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને 'જીવવું' કહીએ છે પણ..


પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે


હવે પછીનો અદભૂત શેર...વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ...આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર 'જીવો' છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..


આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે


મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે....પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..


આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે


અને છેલ્લો શેર...તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ 'stage' સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..


તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

2 ટિપ્પણીઓ: