શનિવાર, એપ્રિલ 21, 2007

તો?

શ્રી ચીનુ મોદી એટલે ગુજરાતી કવિતાનો આજનો જાજરમાન અને દબદબાભર્યો પડાવ અને એમના શેરનો મિજાજ તો જુઓ..


ધાર કે વેચાય છે સામી દુકાને સ્વર્ગ પણ,
કોણ ઓળંગે સડક એ ધારણાના નામ પર


એમની એક અભૂતપૂર્વ ગઝલ આજે માણીએ..

આપણા આજના યુગની ખુશનસીબી છે કે સગવડો તીર ઝડપે વધી છે અને સાથે જ એ બદનસીબી છે કે ચિંતાઓ એથી પણ વધુ ઝડપે વધી છે..યુવાન હોય અને વડિલોની આમન્યા રાખતો હોય અને મિત્રોની સોબતમાં એક-બે વ્યસન પાળ્યા હોય એને ચિંતા હોય છે શ્વાસની દુર્ગંધની પકડાઈ જવાની..અને એ જ યુવાનીને જો વિજાતિય આકર્ષણ થયું હોય અથવા કોઈ મિડ-લાઈફ ક્રાઈસિસ વાળા જણે જો લગ્ન બહારનું સાહસ કર્યું હોય તો બીક હોય છે ચર્ચાઈ જવાની..

શ્વાસમાં છલકાય છાની ગંધ તો,
ને બધે ચર્ચાય આ સંબંધ તો?

હવેના શેરની વાત જુઓ..કોઈ તમને એક પંક્તિ સંભળાવે જેમાં મોરનો ટહુકો એના કંઠમાંથી નિકળવાની વાત હોય.તમે વિચાર્યા કરો કે કવિ બીજી પંક્તિમાં આ ટહુકાનું શું કરશે? પણ સાથે સાથે એક આડવાત..કે આપણે આપણા હાથે જ આપણા યુગને એવી દિશામાં લઈ જઈ રહ્યા છીએ જેમાં મોરનો ટહુકો કોઈ વાસ્તવિક નહિ પણ પરિકથામાં આવતી વાત લાગે!

કંઠથી છટક્યો ટહુકો મોરનો,
ડાળ પરથી જો મળે અકબંધ તો?

મને-તમને કોઈ આંસુની વાત કરે અથવા આંખમાં આંસુ આવે તો આપણો હાથ આંસુ લૂછવા માટે આંખ તરફ જાય કે વિચારો આંસુ પાછળના સુખ અથવા દુ:ખ તરફ જાય..પણ આ કવિ આટલી નાની બહેરના(ટૂંકી પંક્તિના) શેરના બીજી પંક્તિમાં વાતને કેટલી ઉંચી કક્ષા પર લઈ જાય છે..

આંખમાંથી આંસુઓ લૂછો નહીં,
તૂટશે પે...લો ઋણાનુબંધ તો?

અને છેલ્લો શેર..જે વાત ચીનુ મોદી જ કરી શકે..

આપણે સમય સાથે હંમેશા સમય પસાર કરીએ છીએ પણ કોઈ વાર એની સાથે છેડછાડ કરતા નથી..ઊંડા ઉતરતા નથી એમાં..કેમ? આપણે હકિકતમાં કોઈ પણ વસ્તુમાં ઉંડાણમાં જતા નથી..કારણ આપણને બીક છે કે એ ઉંડાણમાં આપણે ખોવાઈ જઈશું તો? એ ખુદથી લાગતી બીક પણ આપણે પ્રામાણિકતાથી સ્વિકારી શકતા નથી અને પોતાનાથી નહિ પણ કોઈ બીજુ આપણને સમયમાં બંધ કરી દેશે કે પેલા ઊંડાણમાં પૂરી દેશે તો?


હું ક્ષણોના મ્હેલમાં જાઉં અને
કોક દરવાજો કરી દે બંધ તો?

2 ટિપ્પણીઓ:

  1. સુંદર રસાસ્વાદ ગુંજનભાઇ... 'તો?' રચના કેમ આખી નથી મુકી? કે પછી માત્ર 4 પંક્તિઓ જ છે એની?

    એક સૂચન કરું? તમારું બ્લેક બેકગ્રાઉંડથી આંખો બહુ ખેંચાય છે (જ્યારે કોઇ પણ બ્લોગ પરથી તમારા બ્લોગ પર આવું છું ત્યારે સૂર્યપ્રકાશમાંથી એકદમ છાંયડામાં આવીએ ને જેવું થાય, એવું થાય છે!)... આંખોને ગમે એવું શાંત ધીમ પસંદ નહીં કરી શકો?? અલબત્ત, તમને જો યોગ્ય લાગે તો...

    જવાબ આપોકાઢી નાખો
  2. તેમના જીવન વીશે વાંચો -
    http://sureshbjani.wordpress.com/2007/04/25/chinu-modi/

    જવાબ આપોકાઢી નાખો