બુધવાર, ઑક્ટોબર 15, 2008

ગીત- પન્ના નાયક

પન્ના નાયકનું આ ગીત હું પ્રેમમાં ઠોકર ખાધેલી નહિં પણ સમજણી થયેલી નારીનું ગીત કહીશ.


આજથી બધા બારણાં બંધ
નથી કોઈનો હાથ જોઇતો - નથી જોઇતો સ્કંધ

પ્રેમ મારો હવે આંધળો નથી
પ્રેમ નથી હવે બહેરો
પ્રેમની પાસે નથી કોઈ
ઉઝરડાયેલો ચહેરો
કાખઘોડી લઈ ચાલવું પડે એવી જિંદગી નહીં અપંગ

અપેક્ષા તો ઓગળી ગઈ
પીગળી સકળ માયા
સપનાં જેવાં સપનાંઓ પણ
લાગતાં જાય પરાયાં
હું તો મારે માણ્યાકરું સંગ વિનાનો સંગ

મંગળવાર, ઑક્ટોબર 14, 2008

ગઝલ- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મત્લાના શેરથી જ આ ગઝલ અલગ મિજાજ બાંધી આપે છે. બહારની દુનિયામાં સ્પર્ધા જીતી અને ટોચ પર પહોંચવું એ સૌથી અગત્યનું છે. જ્યારે ભીતર જાઓને તો કોઇ શિખર હોતું નથી અને કોઈ ટોચ નહિં. અને ભીતર જેવો રદીફ લઈને ગઝલ કરવા બેસવુ એ જ મોટા યુધ્ધ જેવી વાત છે..કે પછી આ કવિને ભીતરથી આવું બધું સાહજિકતાથી લખવાની ખાસ સગવડ મળે છે!



શિખર નથી કે ચડાય ભીતર,
હલો-ચલો ત્યાં પડાય ભીતર.

ઊંડે ઊંડે ગજબ ગગન છે,
પાંખ વિના પણ ઉડાય ભીતર.

સદભાગી ખેલે સમરાંગણ,
લખચોરાસી લડાય ભીતર.

બાહરનું બાહર મૂક્યું તો,
ક્યાંય કશે નહિં દડાય ભીતર.

'મિસ્કીન' સળગાવી દે સઘળું,
ખરેખરું જો રડાય ભીતર.

સોમવાર, ઑક્ટોબર 13, 2008

સીધો પરિચય- સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીની એક ગઝલ- અને એના વીશેની વાત કરવાની ગુસ્તાખી કર્યા વગર ફક્ત એના તરફ અંગુલી નિર્દેશ કરવો છે કે "કળામય અપેક્ષા"નો ગુજરાતી ગઝલનો યાદગાર શેર આ ગઝલમાંથી મળી આવે એમ પણ બને...



અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે
આ મારું મન, ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદ તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે "સૈફ" સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

રવિવાર, ઑક્ટોબર 12, 2008

ગીત- સંદીપ ભાટિયા

ભગવાનમાં સંપૂર્ણ સમર્પિત થઈને કેવી રીતે મંદિરની અંદર જવું જોઇએ એની ઝાંખી કરાવતું સુંદર ગીત. જીવતરના થાળ અને પાંપણની ચામર જેવી ઉપમાઓથી એ અભિવ્યક્તિથી સભર બળકટ કલમનો દરવખત જેવો જ અનુભવ કરાવે છે....


ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી
ગામલોકમાં વાતો ચાલે ગિરિધર કામણગારાજી

થાળ ભરીને અમે ધરાવ્યાં કાચાંપાકાં જીવતરજી
પ્રેમથી જમજો અહો મુરારી, સ્મિત, સપન ને કળતરજી
હૃદય વલોવી મિસરી લાવ્યા ઘેલા રે મહિયારાજી

રૂંવેરૂંવે દીવા મોહન અંગેઅંગે ઝાલરજી
મંદિરને એક ખૂણે ઊભા લઈ પાંપણની ચામરજી
ડૂબતી આંખોને છેવટના તમે તૃણસધિયારાજી

શનિવાર, ઑક્ટોબર 11, 2008

ગઝલ - દિલીપ શ્રીમાળી

શનિસભામાં આજે બહુ દાદ પામેલી ગઝલ રજુ કરું છું...કવિ છે દિલીપ શ્રીમાળી...ગુજરાતી કવિતાનો નવો અવાજ.


અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે?
અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે?

ઉતારી દઉં અહમ પણ એક પળમાં સર્વ ફૂલોનો,
પરંતુ દોસ્ત ફૂલોને મસળવાનો સમય ક્યાં છે?

ઘણી એ ઠોકરો વાગી હતી અમને ઘરે જાતાં,
હું સંભાળીને ચાલું છું, લથડવાનો સમય ક્યાં છે?

ન પૂછો કેમ પડતાંવેંત ડુબી જાય છે પત્થર,
પરંતુ સત્ય એ છે એને તરવાનો સમય ક્યાં છે?

પડ્યું છે ક્યારનું એ સાવ ખાલ મંચ મારામાં
ઘણાએ પાત્ર છે ભીતર ભજવવાનો સમય ક્યાં છે?

શુક્રવાર, ઑક્ટોબર 10, 2008

ગઝલ - આશા પુરોહિત

આ ગઝલમાં સરળ શબ્દો દ્વારા કોઈનાથી છૂટા પડ્યાની વેદના, કોઈના ચાલ્યા જવાનો અફસોસ બહુ વેધક રીતે વ્યક્ત થયો છે.


તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

ગુરુવાર, ઑક્ટોબર 09, 2008

ભીનું છલ - મકરન્દ દવે

શ્રી મકરન્દ દવેની એક ગઝલ. આપણી સામાન્યતઃ માન્યતા એવી કે એ ઋષિ કવિએ ગઝલ બહુ ખેડી નથી..પણ શ્રી અમૃત ઘાયલ સાથેનું ગઝલ પરનું સંપાદન 'છીપનો ચહેરો- ગઝલ'માંથી પસાર થાવ અને તમારી માન્યતાઓનો તમારી જાતે જ ભંગ કરો.


મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

બુધવાર, ઑક્ટોબર 08, 2008

ગઝલ- ભરત વિંઝુડા

આ ગઝલમાં ભરત વિંઝુડા એક જ શેરથી ગઝલને કેટલી ઉંચાઇ પર મૂકી દે છે! ભગવાનને અરજી કરે છે અને બહુ ભોળપણથી મોક્ષરૂપી સહી કરવાનું કહી દે છે!


સર્વ ખેંચાણમાંથી મુક્ત થાવું,
ખૂબ મુશ્કેલ છે લુપ્ત થાવું.

મારી અરજીમાં તું સહી કરી દે,
શક્ય છે આમ સંયુક્ત થાવું.

એ નિરાકાર જોયા કરે છે,
તારું કમરા મહીં લુપ્ત થાવું.

આ સ્વયંભૂ મળેલી સરળતા,
કેમ ત્યજવી અને ચુસ્ત થાવું.

વૃધ્ધ ને એક બાળક રમે છે,
એને જાણે નથી પુખ્ત થાવું!

મંગળવાર, ઑક્ટોબર 07, 2008

કદાચ- અનિલ જોશી

માણસ પોતાની જીંદગીને કેટલું ચાહે છે. પણ કોઇ એવું કહી દે કે જાઓ તમને મરવાની છુટ્ટી...તો જીંદગીને આટલી તીવ્રતાથી ચાહી શકાશે? કદાચ જીવી પણ લેવાનું વિચારો અને ત્યાં જ કોઈ કહે કે ઉપરથી અત્યારના ભીડની પરિસ્થિતિ જેમની તેમ રહેવાની અને એ સાથે કોઇ દિવસ મર્યા વગર જીવવાનું છે... તો?


આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

ઘરને ઉંબર
ઢળી પડેલા
સમી સાંજને તડકે
મારું ઝળહળ ઘરને નેવાં,
ને-
અવરજવરતી કીડીઓની લંગાર
જોઇ ને
અગન-થાંભલી
જઉં બાથમાં લેવા
કદાચ મારી પરિસ્થિતિની અગનથાંભલી
તડાક દઈને નહીં તૂટે તો?

આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

સોમવાર, ઑક્ટોબર 06, 2008

ગઝલ- અમૃત ઘાયલ

આ ગઝલ મૂકવા માટેનું ખાસ કારણ પહેલો, ચોથો અને પાંચમો શેર છે. શાયરી કરતા દરેકને એ શીખવાડે છે કે કઈ હદ સુધીનું સમર્પણ હોય અને બાકી બધુ સુખ એની વિસાતમાં કંઇ જ ના લાગે ત્યારે તમને શાયરી જાતે શોધીને તમારી આંગળીએથી અવતરે છે.


મોજ સઘળી એમનાથી હેઠ છે,
શાયરી બહુ ખુબસૂરત વેઠ છે.

બહુ સુરક્ષિત દીસતા આ પંથમાં,
કમ નથી ભયસ્થાન સારી પેઠ છે.

કોઇની છોડી હવે ના છૂટશે,
આ, કસુંબો પી કસેલી, ભેઠ છે.

જ્યારથી રૂઠી છે એ કાળી ઘટા,
ત્યારથી બારેય મહિના જેઠ છે.

સુખ ગણી જેને પ્રસંશે છે જગત,
એ અમે છાંડી દીધેલી એંઠ છે.

જાણતા ના હો તો જાણી લો હવે!
આ જ મારગ છે અને એ ઠેઠ છે.

લાક્ષણિકતા એ જ છે ઘાયલ તણી
છે સ્વ્યં નોકર, સ્વયં એ શેઠ છે.

રવિવાર, ઑક્ટોબર 05, 2008

સ્કેચ - ગુલઝાર(૧૯૩૪) (ઉર્દૂ) - સુરેશ દલાલ

યાદ છે એક દિવસ-
મારા ટેબલ પર બેઠા બેઠા
સિગારેટના બોક્સ પર તેં
નાનકડા છોડનો એક સ્કેચ બનાવ્યો હતો-
આવીને જો,
એ છોડ પર ફૂલ ખીલ્યા છે.

શનિવાર, ઑક્ટોબર 04, 2008

ગઝલ - શૈલેષ પંડ્યા

જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને,
બંધ આંખે ચિત્ર આપ્યું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

તેં કહ્યું ને મેં તરત માની લીધું પણ કૈંક સમસ્યા દોસ્ત રસ્તામાં હતી,
ઘર વગર સરનામું કાયમ શોધવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

સૂર્ય પાછો કાં ઊગ્યો? કાં આથમી સાંજે ગયો? ને રાત પણ શાને થઇ?
રોજ ઊઠી કોક કારણ બોલવાનુ, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

એમણે એવો સમયને સાચવ્યો કે ત્યાં જ ખોવાઇ ગયા'તા આપણે,
તોય ઘટનાઓ બનીને ડોલવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

આપણે હાથે જ સંબંધો સતત ઊગ્યા હતા, ફાલ્યા હતા ને અંતમાં,
આપણે હાથે જ સગપણ તોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

શુક્રવાર, ઑક્ટોબર 03, 2008

તમારું નામ - રમેશ પારેખ

જ્ઞાનવશ આંખોમાં કોઈ સ્વપ્ન પેસે જડભરત,
તે પછી હોઠે તમારું નામ આવે છે તરત.

ખાતરી કરવા અરીસાને ચૂંટી ખણવી પડે,
આટલા દુષ્કાળમાં આંખોનું ભીંજાવું સતત?

અક્ષરો પાડું, ધકેલું, ચીતરું, ઘૂંટું, ભૂંસું,
હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત.

આજ કુંડામાં ઊગ્યું છે સાવ નાનું એક ફૂલ,
તમને એનું ધીમું ધીમું ઝુલવું કેવું ગમત!

ધૂળમાં ચકલીને ન્હાતી જોઈને થાતું, રમેશ
આપણે વરસાદની આવી જ બાંધી'તી મમત

ગુરુવાર, ઑક્ટોબર 02, 2008

ઘર મને એવું ગમે - બી. કે. રાઠોડ'બાબુ'

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે
બારણાં બોલે પધારો, ઘર મને એવું ગમે

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે

કાયમી જ્યાં છમ્મલીલાં લાગણીના ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે

નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે

જે ઘરે લાગે અજાણ્યાને ય પણ પોતાપણું,
લોક જ્યાં ચાહે ઉતારો, ઘર મને એવું ગમે

થાકનો ભારો ઉતારે, કોઇ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે

મંદિરો શી શાંતિ જ્યાં સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો, ઘર મને એવું ગમે

બુધવાર, ઑક્ટોબર 01, 2008

ગીત - હિતેન આનંદપરા

સહજ તને હું સ્મરું
મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું


સમય વહે છે જાણે ઝરણું વહેતું ખળખળખળ
રૂનો ઢગલો મને અચાનક લાગે છે વાદળ
સ્મરણોની નૌકામાં બેસી દૂર દૂર હું સરું

પળને રોપું તો એમાંથી ઊગે પારિજાત
પંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું

મંગળવાર, સપ્ટેમ્બર 30, 2008

સાચુકલો અવાજ - જવાહર બક્ષી

કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં,
સ્વપ્નોય આજકાલ મળે છે.... સવારમાં.

જ્યાં ચાલીએ તે રાહ ને રોકાઇએ તે ઘર,
એવુ તે શું કે આખું જીવન જાય દ્વારમાં.

શ્રદ્ધા તો ઠીક કોઇ અશ્રદ્ધા રહી નથી,
આંખો કરું છું બંધ હવે અંધકારમાં.

ક્ષણભર મેં સાંભળ્યો હતો સાચુકલો અવાજ,
પડઘાઉં છું સદીથી હજી સૂનકારમાં.

કંઇ પણ કરી શકાય છે તારા વિચારમાં,
કંઇ પણ થતું નથી હવે તારા વિચારમાં.

સોમવાર, સપ્ટેમ્બર 29, 2008

ગઝલ- ગૌરાંગ ઠાકર

મારી દીવાનગીને તમે છેતરો નહીં,
વરસાદ મોકલીને હવે છત્રી ધરો નહીં.

કોરું કપાળ લઈ પૂછે વિધવા થયેલ સાંજ,
અવસાન સૂર્યનું ને કશે ખરખરો નહીં.

એવું બને કે હું પછી ઊંચે ઊડ્યા કરું,
પાંખોમાં મારી એટલા પીંછા ભરો નહીં.

ક્યારેક ભયજનક વહે અહીંયા તરસના પૂર,
મૃગજળ કિનારે વ્હાલ તમે લાંગરો નહીં.

હું મ્હેક, પર્ણ, છાંયડો, માળો દઈ શકું,
પણ આપ મૂળથી મને અળગો કરો નહીં.

રવિવાર, સપ્ટેમ્બર 28, 2008

મુક્તક - ગુંજન ગાંધી

એક મુક્તક-

હુંફનું વ્યાકરણ શીખવા ક્યાં જવું?
ભીડનું આવરણ ભેદવા ક્યાં જવું?

જીંદગી વીતતી જેમની છાંયડે,
તાપનું અવતરણ પૂછવા ક્યાં જવું?

શનિવાર, સપ્ટેમ્બર 27, 2008

ગઝલ - રશીદ મીર

શ્રી રશીદ મીરની એક ગઝલ-

સાચ જેવા સાચની અફવા ન કર,
આપણા સંબંધની ચર્ચા ન કર.

પાછલો વરસાદ ક્યાંથી લાવવો,
આટલા વર્ષે હવે ઇચ્છા ન કર.

એક પડછાયાને કેટલો વેતરું?
સૂર્ય સામે મારું કદ માપ્યા ન કર.

ભીંત બેસી જાય તો સારું હવે,
ક્યાં છબી ટાંગી હતી જોય ન કર.

આગનો દરિયો છે ચડતો જાય છે,
ડૂબવાનું હોય છે જોયા ન કર.

એ ચાહે છે પ્રેમ કરવાને ફરી,
'મીર' પાછા પારખા વખના ન કર.

શુક્રવાર, સપ્ટેમ્બર 26, 2008

વિકલ્પ નથી - મનોજ ખંડેરિયા

આ લો શ્રી મનોજ ખંડેરિયાની એક સાદ્યંત સુંદર ગઝલ. મત્લામાં કહે છે સત્યનો પણ સૂર્યની જેમ કોઇ વિકલ્પ નથી. વળી બીજા એક શેરમાં કહે છે...આપણા શરીર અને આત્મા વચ્ચેનું યુધ્ધ આજે નહિં તો કાલે, આ નહીં તો આવતા જન્મે, થવાનું તો છે જ.



બધાનો હોઇ શકે સત્યનો વિકલ્પ નથી,
ગ્રહોની વાત નથી, સૂર્યનો વિકલ્પ નથી.

પતાળે શાખ બધી, મૂળ સર્વ આકાશે,
અમારા બાગના આ વૃક્ષનો વિકલ્પ નથી.

હજારો મળશે મયૂરાસનો કે સિંહાસન,
નયનનાં આંસુજડિત તખ્તનો વિકલ્પ નથી.

લડી જ લેવું રહ્યું મારી સાથે ખુદ મારે,
હવે તો દોસ્ત, આ સંઘર્ષનો વિકલ્પ નથી.

કપાય કે ન બળે, ના ભીનો વા થાય જૂનો,
કવિનો શબ્દ છે, એ શબ્દનો વિકલ્પ નથી.

પ્રવાહી અન્ય ન ચલે ગઝલની રગરગમાં.
જરુરી રક્ત છે ને રક્તનો વિકલ્પ નથી.