સોમવાર, ઑક્ટોબર 13, 2008

સીધો પરિચય- સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીની એક ગઝલ- અને એના વીશેની વાત કરવાની ગુસ્તાખી કર્યા વગર ફક્ત એના તરફ અંગુલી નિર્દેશ કરવો છે કે "કળામય અપેક્ષા"નો ગુજરાતી ગઝલનો યાદગાર શેર આ ગઝલમાંથી મળી આવે એમ પણ બને...



અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે
આ મારું મન, ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદ તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે "સૈફ" સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

2 ટિપ્પણીઓ:

  1. અજ્ઞાત10/13/2008 10:50 PM

    શૅરિયત કે ગઝલીયત,ભારેખમ શબ્દોની એકેયરીતે મહોતાજ નથી.....સરળ અને સહજ શબ્દો ય ચોટદાર અભિવ્યકિત કરી શકે - એ સૈફસાહેબની ગઝલોનો માર્મિક સંદેશ 'આપણે' ગળે ઉતારવા જેવો છે...
    અને એના દ્રષ્ટાંતરૂપે માત્ર આ એક જ શૅર એકેહજારા જેવો નથી શું ?.
    અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
    રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

    જવાબ આપોકાઢી નાખો
  2. અજ્ઞાત10/14/2008 12:25 PM

    સુંદર ગઝલ... મત્લાનો શેર સવિશેષ આકર્ષી ગયો...

    જવાબ આપોકાઢી નાખો