સોમવાર, માર્ચ 31, 2008

દોસ્ત પરપોટો અ-ઘર છે?

આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે?

ઘર હવાનું, બારણા ક્યાં?
દોસ્ત, પરપોટો અ-ઘર છે?

એક માણસ મા'તમા થાય,
એક ઈચ્છાની અસર છે.

છેક સુધી એ અળગા ચાલ્યા
જળને કાંઠાની કદર છે?

અડધે રસ્તે રાત થઈ ગઈ.
'પ્હોંચવુ' કેવી સફર છે?

પારદર્શક છે ભલે પણ,
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે?

રવિવાર, માર્ચ 16, 2008

આઈનાની પાછળ નહિં મળે

અને એક નવી ગઝલ....

હમણાં મળ્યો વિચાર, એ આગળ નહીં મળે,
લખવાનું જેમાં ધાર, એ કાગળ નહીં મળે.

જો શક્ય હોય, તો એને તું સામે જઈને મળ,
એ સત્ય, આઈનાની પાછળ નહિં મળે.

આવી જશે સમજ, જો પ્હોંચી જવા વિશે,
એકાદ-બેય ડગની ઉતાવળ નહીં મળે.

આપે ભલે ને Giftમાં ચોમાસુ ધોધમાર,
ધરતીને જેની Need છે, વાદળ નહીં મળે.

સૂરજ ઉગ્યાનું જોઈને ગમગીન થઈ કહ્યું,
હમણાં સુધી હતું જે,એ ઝાકળ નહીં મળે.

********* * * *********

(23 Feb, 2008)

બુધવાર, ફેબ્રુઆરી 27, 2008

આવી ચડે અચાનક એમાં મજા નથી

ઘણા વખતે મારી એક ગઝલ મૂકી રહ્યો છું...

આવી ચડે અચાનક, એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર મારી રજા નથી

એકાદ હો, તો માંડીને વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.

મંદિરની જેમ ઈશ્વર પત્થર બની જતે
સારું થયું, કે ઘર પર કોઈ ધજા નથી

ખરતી વખત એ પાંદડુ તો વૃક્ષને કહે,
ખરવામાં છે, એવી ટકવામાં મજા નથી.

બાંધી ઇમારતો જે આકાશ જઈ અડે
ઈશ્વરની રૂબરૂ કરે, એવા છજા નથી.

**************************************

શાળા બહાર બાળકે 'વિસ્મય' વીશે પૂછ્યું
લારી-વાળો તરત જ બોલ્યો ‘એ ચલ જા, નથી’
(આ શેર ને ગઝલની બહાર મૂકી રહ્યો છું - કાફિયા અને છંદ દોષને કારણે, પણ કોઈ કારણસર એ લખાયાની સાથે મને ઘણો ગમી ગયો અને સ્વતંત્ર શેર તરીકે રાખવા માંગુ છું.)

રવિવાર, ફેબ્રુઆરી 10, 2008

એકલ દોકલ વરસાદે....

શ્રી પરેશ ભટ્ટની અમર રચના – “એકલ દોકલ વરસાદે” તમારી સમક્ષ પ્રસ્તુત છે...અને એ પણ એમના પોતાના અવાજમાં!!...ગીત લખ્યું છે શ્રી મુકેશ માવલણકરે... મારે ખાસ આભાર માનવો છે શ્રી લલિતભાઈ શાહનો, આ ગીત જે મારી પાસે ઓડિયો કેસેટ સ્વરૂપે પડ્યું હતું એનું ડીજીટલ સ્વરુપ આપવાની વ્યવસ્થા કરી આપવા માટે...

તો તમારી અને આ અદભૂત ગીતની વચ્ચે વધારે આવ્યા વગર..બીજી કોઈ પણ પ્રસ્તાવના વગર બારોબાર આ ગીત રજૂ કરું છું....




એકલ દોકલ વરસાદે કેવી ભીંજાતી હું,
વાત વાતમાં વ્હાલમ વાદળ ઓઢાડીને છૂ.

સાંજ પડે ને વ્હાલમ આવી પૂછે, ‘કેમ છો રાણી’,
છે મજા એવું બોલીને છલકે આંખે પાણી,
તો આંસુના દિવાને એ પછી એણે ફૂંક મારી – ‘ફૂ’

વ્હાલમ ક્યારે દરિયો દિલનો ઢોળે,
ક્યારે વ્હાલમ મૂકી માથું સૂવે મારે ખોળે.
ને મેં કહ્યું કે રોકાઈ જા, તો એ કહે – ‘ઉંહું’




_____________________________________________________________________________

રવિવાર, ડિસેમ્બર 30, 2007

તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા..

ગુજરાતી કવિતાનો નવો-નક્કોર શાયર એટલે અનિલ ચાવડા..ગુજરાતી કવિતાએ તાજો જ ઈસ્ત્રી કરીને આપણને આપેલો શાયર એટલે અનિલ ચાવડા..એની ગઝલમાં તમને આજની વાત સંભળાય.....મારો-તમારો અત્યારનો સવાલ સંભળાય....એને રુબરુમાં મળો ત્યારે એક્દમ સીધો સાદો લાગતો લબરમૂછીયો આ જુવાન જ્યારે ગઝલ વાંચવાની શરુ કરે ત્યારે અચાનક તમારી નજરોમાં એનું વ્યકતિત્વ એક નવું જ રુપ ધારણ કરે...
એણે ગુજરાતી ગઝલની આપેલો યાદગાર શેર..

શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે,
કોઈ અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો?


હવે જો આ કવિની ગઝલ તમને એના પોતાના જ અવાજમાં સાંભળવા મળે તો? તો માણો આ ગઝલ એના પોતાના અવાજમાં....





એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા.

કોઈ બીલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

એમણે એવું કહ્યું જીવન નહી શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દિવાલ પર આવી ગયા.

રવિવાર, નવેમ્બર 18, 2007

કવિ સંમેલન - 17 નવેમ્બર, 2007




અમદાવાદમાં મારું પહેલું કવિ સંમેલન, જી.એલ.એસ હોલ, લો ગાર્ડન પાસે, 17 નવેમ્બરના રોજ યોજાયું એમાં રજૂ કરેલી રચનાઓ અહિં ફરી તમારા માટે,


[1]
એક બીજાની ઉપર આધાર છે
એ અમારી વારતાનો સાર છે

દર્દનું સરનામુ પૂછ્યા ના કરો
આટલામાં એમના ઘરબાર છે

સરહદો સમજણની જ્યાં પૂરી થઈ
કોઈ ઈચ્છાનો હવે ક્યાં ભાર છે

રાત થઈ વૃધ્ધો ગયા, એ ના ગયો
કેટલો આ બાંકડો લાચાર છે

હું જ બાંધી ના શક્યો સામાનમાં
બેગમાં ઘર આવવા તૈયાર છે

આ ગઝલ આ પહેલા આપે અહિં માણી હતી...

____________________________________________________________________

[2]
આ તરફ કે તે તરફ એ પૂછવાનું હોય છે,
ને પછી પેલી તરફ આગળ જવાનું હોય છે.

સાંજ પડતા થઈ ગયું અખબાર પણ પસ્તી પછી,
સાંજ આવે જીંદગીમાં, ચેતવાનું હોય છે.

આપવું જો હોય તો આપી દે, તડપાવીશ નહિં,
આ જ, કાયમ આ જ મારે માંગવાનું હોય છે.

સાથ તે આપ્યો નહિં શું કામ અંધારા સુધી,
રોજ પડછાયાની સાથે ઝઘડવાનું હોય છે.

આંખવત કે હાથવત કે દંડવત પૂરતું નથી,
બારણાની બહાર મનવત નીકળવાનું હોય છે.

________________________________________________________________________

[3]
એક ટીપું આંખથી સરકી ગયું તો શું થયું?
એક જણ પાછું ફરી જીવી ગયું તો શું થયું?

જાગતા હોવા છતા મેં ડોળ ઊંઘ્યાનો કર્યો
એક સપનુ ભૂલથી આવી ગયું તો શું થયું?

લાગણી મારી ટકોરા બારણે પાછી વળી
ખોલવામાં સહેજ મોડું થઈ ગયું તો શું થયું?

જીંદગી આખી વીત્યું મારા ઉપર જે એ બધું,
એક પળ તારી ઉપર વીતી ગયું તો શું થયું?

કેટલી ઈચ્છાની ઉંમર ખૂબ મોટી થઈ હતી
એક-બે ઈચ્છાનું સગપણ થઈ ગયું તો શું થયું?

આ પહેલા આપે લયસ્તરો પર માણી હતી.



___________________________________________________________________________________

બીજા કવિઓ - ચીનુ મોદી, કૃષ્ણ દવે, સૌમ્ય જોશી, હરદ્વાર ગોસ્વામી, અશોક ચાવડા, ભાવેશ ભટ્ટ, ચંદ્રેશ મકવાણા, છાયા ત્રિવેદી, અનિલ ચાવડા અને મહેમાન કવિઓ - સુધિર દવે (USA), રમેશ શાહ

કવિ સંમેલનના વધારે પિકચર્સ માટે જાઓ - Flickr Account પર - જ્યાં દરેક કવિના લાક્ષણિક અદામાં ફોટોસ માણવા મળશે...

http://www.flickr.com/gp/20993498@N03/P3250q

રવિવાર, નવેમ્બર 04, 2007

ઘેરાઈ ગયા ને?

શ્રી કૃષ્ણ દવે સંવેદનશીલ કવિ છે..આપણે વાંસલડી.કોમ અથવા આ સઘળા ફૂલોને કહી દો..ના ગીતોથી એમને ઓળખીએ છીએ..પણ અત્યારે ગઝલ પર એમનું ધમધોકાર અને એવું જ બળકટ કામ ચાલે છે..તાજેતરના ગુજરાતના વાતાવરણે એમની સંવેદનાને ઝંકૃત કરી અને કવિનું સંવેદન તો કવિતામાં જ પરિણમે ને? આ વખતે એ ગઝલ હતી..આવો માણીએ..(કૃષ્ણભાઈનો ખાસ આભાર..મારી વિનંતિને માન આપીને આ ગઝલ મોકલી આપવા અને આ બ્લોગ પર મૂકવાની અનુમતિ આપવા માટે..)


સહેજ તમારી વાત કરી કે તરત જ છંછેડાઈ ગયાને?
કપડા પરથી રજ ખંખેરે એમ જ ખંખેરાઈ ગયાને?

ચારે બાજુ તમે જ વાવેલા એ તમને યાદ હશે ને?
અડાબીડ ઉગેલા જુટ્ઠાણાઓથી ઘેરાઈ ગયાને?

જેમ લખાવે સમય એમ ખુદને પણ લખતા ગયા હોત તો?
ઉતાવળા થઈ ટપક્યા કાગળ ઉપર તો રેળાઈ ગયાને?

નદી જેમ વહેવાનો દાવો ઘણા બધા કરતા જ રહે છે.
તમેય મોજુ થઈ આવ્યા તે પાછા હડસેલાઈ ગયાને?

મૂળ વિના ઉગ્યાની વાતો ટકી ટકીને ટકે કેટલી?
જરા મીલાવ્યો હાથ હવાએ તો પણ ધક્કેલાઈ ગયાને?

ઘણી વાર સમજાવ્યુ'તુંને? પાણીને પણ ધાર હોય છે!
આંસુની આડે ઉતર્યા તો વચ્ચેથી વે'રાઈ ગયાને?

કિરણોની પહેલી જ સભામાં ઝાકળના ઝભ્ભા પહેરીને -
ઝળહળતા રહેવાના ભાષણ પળમાં સંકેલાઈ ગયાને?

તમે નથીની સાબીતીમાં તમે જ બોલો વધુ હોય શું?
સૂરજની સામે જ તમારા પડછાયા વેડાઈ ગયાને?


રવિવાર, ઑક્ટોબર 28, 2007

જાણી બુઝીને અમે અળગા

શ્રી હરિન્દ્ર દવેનું આ બહુ જ જાણીતુ ગીત “જાણી બુઝીને અમે અળગા ચાલ્યા”– ટહુકો.કોમ પર 30મી જૂને મૂકાયું હતું...ફરી મુકવાનું કારણ?? કારણ.. મારા બ્લોગનો એક નવો પડાવ..એ શું? મારી પાસે ઓડિયો કેસેટના સ્વરૂપે ઘણા ગીતો પડ્યા હતા..જયશ્રીએ ભારતની મુલાકાત વખતે ખાસ્સું પ્રોત્સાહન આપ્યું એને digitize કરવાનું અને એનું પરિણામ તમારી સામે છે..વેલ..વેલ વેલ..પરેશ ભટ્ટના પોતાના અવાજમાં એમનું આ composition!!!!!... વચ્ચે એમણે આ ગીતને ખૂબ સુંદર રીતે સમજાવ્યું પણ છે...બહુજ જૂની કેસેટ જેની quality જ બહુ સરસ નથી (જયારથી મારી પાસે આવી 1992-93માં ત્યારથી જ), તો એનું mp3 ફોર્મેટ ખૂબ સુંદર ના જ હોય..પણ સાંભળતી વખતે ફક્ત એની historic value ધ્યાનમાં રાખવા વિનંતિ..તો હવે તમારી અને પરેશ ભટ્ટની વચ્ચે વધુ આવ્યા વિના, લો આ પ્રસ્તુત છે....





જાણીબૂઝીને અમે અળગાં ચાલ્યાં ને છતાં
પાલવ અડક્યાનો મને વ્હેમ છે
સાવ રે સફાળા તમે ચોંકી ઉઠ્યાને, પછી
ઠીક થઇ પૂછ્યું કે કેમ છે’ ?

આટલા અબોલા પછી આવો સવાલ, કહો
કેમ કરી ઊતરવું પાનું?
મૂંગા રહીએ તો તમે કારણ માનો ને, હોઠ
ખોલીએ તો બોલવાનું બ્હાનું !
હું તો બોલીશ છતાં માનશો તમે કે
હજી દુનિયા આ મારી હેમખેમ છે !

વાયરાથી નળિયાને ફૂટી છે પાંખ, થઇ
ચાલતી દીવાલ થકી ઇંટો ?
ભર રે ચોમાસે હવે છાપરા વિનાનો, કેમ
કોરો રહે સ્મરણોનો વીંટો ?
દુનિયાની વાત મૂકો, માનશો તમે કે, હજી
આપણી વચાળે જરી પ્રેમ છે ?


આ ગીત માટે આભાર..
ટહુકો.કોમ

શનિવાર, ઑક્ટોબર 20, 2007

લાગણી તો જડભરત છે

એક તાજી oven-fresh ગઝલ, ટૂંકી બહેરની...


શ્વાસ સાથેની લડત છે
જીવ માટેની મમત છે

તેં મને આપેલ વર્ષો
એક-બે સારા પરત છે

તૂં કહે નાજૂક નમણી
લાગણી તો જડભરત છે

એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે

ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે

તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે


---લખ્યા તારીખ : 20 ઓક્ટોબર, 2007

મંગળવાર, ઑક્ટોબર 16, 2007

એ લખું છું...

8મી સપ્ટેમ્બરથી લખાતી એક ગઝલ..જેને બનતા 3 અઠવાડિયા થયા અને આખરી ઓપ અપાયો ગઈ કાલે રાતે 2-30 વાગે...એટલેકે એક તાજી ગઝલ પેશ કરું છું..



દર્દને સંકોરવાથી શું મળ્યું છે, એ લખું છું
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે, એ લખું છું

આપણા હોવાપણાની શક્યતાની સાવ વચ્ચે,
કોઈ આવીને અહીં ટોળે વળ્યું છે, એ લખું છું

રાતને સુંદર કર્યાની ચંદ્ર credit લઈ ગયો,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે, એ લખું છું

ભીંત પર જે પણ લખ્યું વાંચી ગયા એ તો બરાબર
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે? એ લખું છું

એક ટીપાનું કુતૂહલ કેટલું જંગી હતું કે
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે, એ લખું છું