રવિવાર, ડિસેમ્બર 30, 2007

તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા..

ગુજરાતી કવિતાનો નવો-નક્કોર શાયર એટલે અનિલ ચાવડા..ગુજરાતી કવિતાએ તાજો જ ઈસ્ત્રી કરીને આપણને આપેલો શાયર એટલે અનિલ ચાવડા..એની ગઝલમાં તમને આજની વાત સંભળાય.....મારો-તમારો અત્યારનો સવાલ સંભળાય....એને રુબરુમાં મળો ત્યારે એક્દમ સીધો સાદો લાગતો લબરમૂછીયો આ જુવાન જ્યારે ગઝલ વાંચવાની શરુ કરે ત્યારે અચાનક તમારી નજરોમાં એનું વ્યકતિત્વ એક નવું જ રુપ ધારણ કરે...
એણે ગુજરાતી ગઝલની આપેલો યાદગાર શેર..

શ્વાસને ઈસ્ત્રી કરીને સાચવી રાખ્યા છે,
કોઈ અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો?


હવે જો આ કવિની ગઝલ તમને એના પોતાના જ અવાજમાં સાંભળવા મળે તો? તો માણો આ ગઝલ એના પોતાના અવાજમાં....

એકદમ ગંભીર એવા હાલ પર આવી ગયા.
ડુસકાઓ પણ બરાબર તાલ પર આવી ગયા.

કોઈ બીલ્લી જેમ ઉતરી પાંપણો આડી છતાં,
આંસુ રસ્તાને વટાવી ગાલ પર આવી ગયા.

એમણે એવું કહ્યું જીવન નહી શતરંજ છે,
તો અમે પાછા અમારી ચાલ પર આવી ગયા.

શું હશે? સાચું હશે? અફવા હશે? કે શું હશે?
સર્વ રસ્તા એકદમ દિવાલ પર આવી ગયા.

3 ટિપ્પણીઓ:

  1. બહોત ખૂબ... શાયરનો અંદાઝે બયાં ખૂબજ સુંદર છે. "બરાબર" શબ્દ પર મૂકાતો ભાર શેર ને બળુકો બનાવે છે. સુંદર....

    જવાબ આપોકાઢી નાખો
  2. મજા આવી, દોસ્ત!

    અનિલની ગઝલોમાં એક નવી જ તાજગી વર્તાય છે અને છંદો સાથેની એની રમત ગુજરાતી ગઝલમાં એક નવું જ આયામ ખોલી આપે છે...

    જવાબ આપોકાઢી નાખો