રવિવાર, ઑગસ્ટ 23, 2009

ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી (Modified)

બે શેર બદલીને - ગઝલને વધુ ગઝલ બનાવવાનો પ્રયાસ.

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

એ હવે એવું કહીને જીવતો સહેજે નથી,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણું કાયમથી ઊભું છે હજી પણ ત્યાં ને ત્યાં,
બહાર કે અંદર જવું એ ક્યાંથી નક્કી થાય છે?

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

રવિવાર, જુલાઈ 05, 2009

ચાદરો લંબાય છે....ગુંજન ગાંધી

ઘણા લાંબા સમય પછી એક ગઝલ -



ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,
તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.

સૂર્ય માથે હોય ત્યારે એ ઘણો રાજી થતો,
કેમકે પડછાયા ત્યારે કદથી પણ ટૂંકાય છે,

કંઇ શરતચૂક એમ લાગે જીવવામાં થઈ હશે,
શ્વાસની ઘટનાનો છેડો પાસમાં વરતાય છે.

આંગણાને ચાલવાની ટેવ પેલ્લેથી ન'તી,
એ તમારા આવવાથી આમ બહુ હરખાય છે.

છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,
'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.

ગુરુવાર, ડિસેમ્બર 11, 2008

આ અવાજોનું નગર છે

લગભગ આઠ માસ જુની ગઝલ જે આપે અહીં માણી હતી એ થોડા શેર બદલીને ફરીથી...


આ અવાજોનું નગર છે.
બોલ સન્નાટા, ખબર છે?

રાત પાછળ રાત થઈ છે
બંધ સૂરજની સફર છે?

કાગડો કહે, એકલું ઘર,
કો'કની લાગી નજર છે.

પારદર્શક હો છતાં પણ
કાચ કરચોથી સભર છે.

જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે?

ઢાંકણું હિજરાય છે કેમ?
કાચ તૂટ્યાની અસર છે?

એ કહે તો આથમે દિન
એવા કૂકડાની ખબર છે?

મંગળવાર, નવેમ્બર 25, 2008

ગઝલ- રઈશ મનીઆર

મારા પ્રિય શાયર રઈશ મનીઆરની એક ગઝલ આજે માણીએ. આપણે જો મનથી નક્કી કરી લઇએ કે કંઈ વસ્તુ કરવી જ નથી ત્યારે આપણને કંઈને કંઈ નડે છે...આ નડવાની વાત રઈશભાઈએ બહુ સુંદર રીતે દરેક શેરમાં અલગ અંદાજ થી કરી છે..એમાંય સત્ય શોધનારના તરી જવાની વાત કે તણખલું બાજુમાં હોવા છતાં ડૂબી જવાની વાત તો ગઝલને એક નવી જ ઉંચાઈ આપે છે.


અડચણ નડે કદીક, કદી માર્ગ પણ નડે
પહેલાં તરસ નડે ને પછીથી ઝરણ નડે

નકશાઓ, સીમાચિહ્ન, ત્રિભેટા તો ઠીક છે
પગલાં નડે છે અન્યનાં, ખુદના ચરણ નડે

પડદા ઉપરના ચિત્રની પૂજા બહુ કરી
દર્શનની છે શરત કે પ્રથમ આવરણ નડે

તારી શકે છે સત્ય ફક્ત શોધનારને
છે શક્ય, તુજને હે અનુગામી! રટણ નડે

તરવું જો હો, તણખલું કદી ક્યાં દૂર હતું?
બાંધેલ બોજ જેવું મને શાણપણ નડે

લીટીની વચ્ચે મર્મ જડ્યો માંડ, બાકી તો-
ભાષા સમજવા જાઉં અને વ્યાકરણ નડે

શું ભેદ? આખું વિશ્વ વિરોધી બને અગર
શું ભેદ? આખા વિશ્વમાં એકાદ જણ નડે

માગે ઊતરતો ઢાળ સતત આપણી ગતિ
સમજી શકાય, કે પછી મેદાન પણ નડે

નડતરનું હોવું એ બહુ સાપેક્ષ ચીજ છે
આગળ વધી જવાનું નિરંતર વલણ નડે

રવિવાર, નવેમ્બર 23, 2008

આ સફર તો જડભરત છે - ગુંજન ગાંધી

લગભગ એક વર્ષ જુની ગઝલ જે આપે અહીં માણી હતી એ બે શેર બદલીને ફરીથી...


ટોચ માટેની લડત છે
ને તળેટીની મમત છે

વાંક પગલાનો નથી પણ
આ સફર તો જડભરત છે

એક, બે, ત્રણ..ના ગણ્યા કર
ક્યારની ચાલુ રમત છે


ઘર કદી પૂછે નહી કે
આવવાનો આ વખત છે?

સહેજ પણ આરામ ક્યાં છે,
અબઘડી, હમણાં, તરત છે

તરફડીને શાંત થઈ ગઈ
માછલીને જળ શરત છે


---લખ્યા તારીખ : 20 ઓક્ટોબર, 2007, સુધાર્યા તારીખ - ૧૯ નોવેમ્બર, ૦૮

પોતાની અદેખાઈ - સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીને યાદ કરીને પરંપરાની એક ગઝલ માણીએ.


તમારું પાત્ર આવ્યું- તો જ આવી છે કંઈક સરખાઈ
મને પણ જિંદગીની વાર્તા ત્યારે જ સમજાઈ

હું મારી દુર્દશા માટે તો કારણભુત છું પોતે
જુએ છે કેમ તેઓ આમ મારી સામે ગભરાઈ

ક્ષિતિજ પર આભ ધરતીનાં મિલન અંગે તમે યારો
મને ના પૂછશો કે હું ગયો છું ખૂબ વ્હેમાઈ

મલાજો સ્વપ્ન સાથેનાં સંબંધોનો રહ્યો એવો
તમે આવ્યાં નજર સામે છતાંએ આંખ મીંચાઈ

શું મારા વેશપલટામાં કોઈ ખામી રહી ગઈ'તી?
અરીસામાં મને મારી જ સૂરત કેમ દેખાઈ?

કોઈ ત્રીજું ન આવે આપણી વચ્ચે એ કારણસર
કરી લઉં છું હું પોતે મારી પોતાની અદેખાઈ

તમારું "સૈફ" આ સૌજન્ય પણ ભારે નિરાળું છે
સ્વીકારો છો તમારા પર તમારી ખુદની સરસાઈ

ગુરુવાર, નવેમ્બર 20, 2008

ગઝલ - ચંદ્રેશ મકવાણા 'નારાજ'

ચંદ્રેશ મકવાણાની એક ગઝલ-



મારી સમજણના છેડા પર જેની પક્કડ ભારી છે,
મોડે મોડે જાણ થઈ એ માણસ ધંધાદારી છે.

જ્યાંથી છટકી માણું છું હું સાવ અજાણી દુનિયાને,
મારી અંદર છાની-છૂપી એક મજાની બારી છે.

કાલ સુધી મારી અંદર પણ એક મદારી ફરતો'તો,
કાલ સુધી મેં ઈચ્છાઓને નચવી નચવી મારી છે.

કટ કટ કટ કાપી નાખે દિવસો, દસકા, સૈકાને,
તોય ખબર ના પડે જરા આ સમય ગજબની આરી છે.

'નારાજ' કહી દો એ જણને જે તણખાથી પણ ધ્રૂજે છે,
કે મેં આંખના આંસુથી બળતી રાતોને ઠારી છે.

મંગળવાર, નવેમ્બર 18, 2008

ગઝલ - ખલીલ ધનતેજવી

આપણા જાણીતા શાયર શ્રી ખલીલ ધનતેજવીની એક ગઝલ.....


નવો મારગ મેં કંડાર્યો હતો ખુદ મારા પગલાથી,
ઘણી પગદંડીઓ ફૂટી પછી તો એ જ રસ્તાથી.

હશે, મારી ગઝલમાં ક્યાંક અંધારું હશે તો પણ,
ઘણા મિત્રોએ સળગાવ્યો છે દીવો મારા દીવાથી.

રદીફને કાફિયા સાથે ગજબની લેણાદેણી છે,
મને ફાવી ગયું છે વાત કરવાનું સહજતાથી.

કદી તેં હાંક મારી'તી ઘણા વર્ષો થયા તો પણ,
હજી ગૂંજું છું ઘુમ્મટ જેમ હું એના જ પડઘાથી.

ખલીલ, આ મહેફિલોમાં કાલ હું આવું કે ના આવું,
ફરક શું પડશે કોઈના અહીં હોવા ના હોવાથી.

મંગળવાર, નવેમ્બર 11, 2008

ગઝલ - મનોજ ખંડેરિયા

શ્રી મનોજ ખંડેરિયાની એક ગઝલ માણીએ. જાણે શ્રી આદિલ મનસૂરીને પહેલો અને છેલ્લો શેર અર્પણ કર્યો હોય એમ લાગે.


જિંદગી દીધી નાશવંત મને,
પણ ગઝલ રાખતી જીવંત મને.

જ્યારથી રૂપ તારું ગાયું મેં,
જોતી રહી ઈર્ષ્યાથી વસંત મને.

શબ્દમાં કાયમી સળગવાની,
શું સજા મળી છે જ્વલંત મને.

આ હયાતી તો છે રહસ્ય-કથા,
આમ કહી દે ન એનો અંત મને.

માત્ર મેં તો લખી છે તારી વાત,
લોક સમજી રહ્યા છે સંત મને.

અંતમાં તેં વિખેરી નાખીને-
વિશ્વભરમાં કર્યો અનંત મને.

રવિવાર, નવેમ્બર 09, 2008

જળને કરું જો સ્પર્શ - રમેશ પારેખ

મુક્તક

શેરડીનો લઈ ખટારો શહેર બાજુ જાય છે ?
ત્યાં તો ધમધોકાર કેવળ સેકરિન વેચાય છે

આંખમાંથી પંખી ખંચેર્યા પછી કરજે પ્રવેશ
એક ટહુકાથી નગર આખું પ્રદૂષિત થાય છે


ગઝલ

જળને કરું જો સ્પર્શ તો જળમાંથી વાય લૂ,
સોનલ, આ તારા શહેરને એવું થયું છે શું ?

ખાબોચિયાની જેમ પડ્યાં છે આ ટેરવાં,
તળિયામાં ભીનું ભીનું જે તબક્યા કરે તે તું?

પીડા ટપાલ જેમ મને વ્હેંચતી રહે,
સરનામું ખાલી શહેરનું ખાલી મકાનનું.

આ મારા હાથ હાથ નહી વાદળું જો હોત
તો આંગળીની ધારે હું વરસી શકત બધું.

પ્રત્યેક શેરી લાગે રુંધાયેલો કંઠ છે,
લાગે છે હર મકાન દબાયેલું ડૂસકું....

ટાવરને વૃક્ષે ઝૂલે ટકોરાનાં પકવ ફળ,
આ બાગમાં હું પાંદડું તોડીને શું કરું ?

આખું શહેર જાણે મીંચયેલી આંખ છે,
એમાં રમેશ આવ્યો છું સપનાની જેમ હું.