શુક્રવાર, નવેમ્બર 07, 2008

શ્રધ્ધાંજલી - આદિલ મન્સૂરી

આદિલ સાહેબની હમણાં અમદાવાદ મુલાકાત વખતે એમની સાથે કરેલું ડિનર અને પછી એમને મૂકવા ઢાલગરવાડના ઢાળે પણ ગયો હતો એ વીજળીના ઝબકારાની જેમ યાદ આવી ગયું જ્યારે એમના જવાના સમાચાર મળ્યા...પણ ઢાલગરવાડ એમને અમેરિકામાં કેટલું તીવ્રતાથી યાદ આવતું એ જુઓ.


કાંકરિયાની પાળે બેઠા
યાદોના અજવાળે બેઠા

આંખ જરા મીંચાઈ ત્યાં તો
ઢાલગરવાડના ઢાળે બેઠા

આખ્ખી દુનિયાને દોડાવે
કાંટાઓ ઘડિયાળે બેઠા

કાચા પાઠો પાકા કરવા
આદિલ ગઝલનિશાળે બેઠા


એમના આ બે શેર જુઓ-

તું બેઠો બેઠો જન્મનાં વરસો ગણ્યા કરે
ને મૃત્યુ તારા નામની ચાદર વણ્યા કરે

સામા મળે તો 'કેમ છો' ય પૂછતા નથી
એકાંતમાં જે મારી ગઝલ ગણગણ્યા કરે


એમની એક પ્રમાણમાં નવી-સવી ગઝલના (૨૦૦૬ની) છેલ્લા શેરથી એમને અંજલિ આપીએ-

અજવાળું રંગમંચ ઉપર પાથરી જુઓ
માણસ થવાનો આપ અભિનય કરી જુઓ

પ્રતિબિંબ આંખ ચોળતાં જાગી પડે કદાચ
દર્પણના અંધકારને દીવો ધરી જુઓ

એ તો પ્રચંડ ધોધ થઈને પડ્યા કરે
ને ધોધ વચ્ચે આપનું માથું ધરી જુઓ

મુઠ્ઠીમાં ક્યાં સુધી તમે સંતાડી રાખશો
આદિલ આ છેલ્લો સિક્કો હવે વાપરી જુઓ

બુધવાર, નવેમ્બર 05, 2008

તને મોડેથી સમજાશે- જિગર જોષી 'પ્રેમ'

રાજકોટના યુવા શાયર જિગર જોષીની એક લાંબી બહેરની ગઝલ. વૃધ્ધત્વ વાત કરી રહ્યું છે, જુવાની સાથે પણ એ કલમ પાછી એક યુવાનની છે.

'ઉદાસી ઢાંકવાની', 'ધ્રુજારી હાથમાં લઈને' વગેરેના ઉપયોગથી કવિએ તાજા કલમને સુપેરે અભિવ્યક્ત કરી છે.


સમી સાંજે, ઝુકી આંખે, બગીચે બાંકડે બેસી અને એકાંત પી જાવું....તને મોડેથી સમજાશે.
સમયસર ચાલવા જાવું, ઉદાસી ઢાંકવા જાવું અને ટોળે ભળી જાવું....તને મોડેથી સમજાશે.

અજાણી આ સફર વચ્ચે, અરીસાના નગર વચ્ચે, ન ગમતી સૌ નજર વચ્ચે અને આઠે પ્રહર વચ્ચે,
મળીને જાતને સામે, જરા અમથું હસી લઈને, ખુદીને છેતરી જાવું......તને મોડેથી સમજાશે.

ઘણાં વરસો પછી એવું બને, ગમતી ગલીમાંથી સહજ રીતે નીકળવાનું બને ધબકાર જૂના લઈ,
પછી મનગમતો ત્યાંથી સાદ આવે, યાદનો વરસાદ આવે પણ, ફરી જાવું...તને મોડેથી સમજાશે.

લઈ તિરાડ ચહેરા પર, ધ્રુજારી હાથમાં લઈને, સમયના ફૂલની ખૂશ્બૂ સતત આ શ્વાસમાં લઈને,
સફેદી થઈ, અરીસે જઈ, ધરીને મૌન હોઠો પર, નજરથી કરગરી જાવું...તને મોડેથી સમજાશે.

સોમવાર, નવેમ્બર 03, 2008

ગઝલ - ગુંજન ગાંધી

આવવાનું હોય તો હમણાં તરત એ આવશે
ક્યાં પછી એ શક્ય છે જનમો સુધી ટટળાવશે.

છાંયડામાં બેસવાનો Tax જ્યારે માંગશે,
વૃક્ષ મૂડીવાદ શું છે, વિશ્વને સમજાવશે.

માપ પડછાયાનું દિનભર લઈ સિવ્યા લાંબા-ટૂંકા,
એ બધા વસ્ત્રોને રાતે ક્યાં જઈ લટકાવશે?

તું 'બરફ પીગળે નહીં'ની માન્યતા ઘૂંટ્યા કરે,
કો'ક દિવસ એ સૂરજને ઊગતો અટકાવશે.

આંખમાં આવે છતાં એ સહેજ પણ વાગે નહીં,
દશ્ય એવું આઈનો તૂટ્યા પછી એ લાવશે?

ભીંત જો નક્કી કરે કે ચાલવું એ ધર્મ છે,
ઘર પછી કેવી રીતે હોવાપણું નીભાવશે?

શુક્રવાર, ઑક્ટોબર 31, 2008

મુક્તક- ગુંજન ગાંધી

Generally મારી કલમે તમને Romantic વાતો નહીં જોવા મળતી હોય પણ આ વખતે નવા વર્ષ નિમિત્તે કંઈ નવું !

તું દરદનો અર્થ સમજાવીશ નહીં,
તું જ તો પર્યાય છે.
તું ભરમનો મર્મ સમજાવીશ નહીં,
તું જ તો પર્યાય છે.

વાળને ખુલ્લા કર્યા ને સાંજ થઈ,
સૂર્ય પણ ડૂબી ગયો.
ચંદ્રનો તું ધર્મ સમજાવીશ નહીં,
તું જ તો પર્યાય છે.

સોમવાર, ઑક્ટોબર 27, 2008

નઝમ - મુકુલ ચોકસી

શુભ દિપાવલી અને નુતન વર્ષાભિનંદન સૌ મીત્રોને.


શ્રી મુકુલ ચોકસીની અમર "સજનવા" નઝમમાંથી થોડી પંક્તિઓ-


બે અમારાં દગ સજનવા, બે તમારા દગ સજનવા
વચ્ચેથી ગાયબ પછી બાકીનું આખું જગ સજનવા

હાથમાં હો આપના ઝળહળતી એક શમ્મા સજનવા
ને અમારા ઘાસના ઘરને ઘણી ખમ્મા સજનવા

જે ન હો પુરવાર તે સઘળું નથી કંઈ છળ સજનવા
આંખથી આગળનું જોતી હોય છે અટકળ સજનવા

મેં સળગતાં વર્ષોનો અણસાર એક આપી સજનવા
એકલી કેન્ડલ જલાવી, કેક નહીં કાપી સજનવા

રણ અને દરિયાઓ અંગેની બધી સમજણ સજનવા
જૂઠ ઠેરવશે અને ચાલ્યું જશે એક જણ સજનવા

જ્યાં ભર્યા'તા તારા કોરા કેશના કિસ્સા સજનવા
આજ એ ખમ્મીસના ખાલી છે સૌ ખિસ્સાં સજનવા

શનિવાર, ઑક્ટોબર 25, 2008

એક છોકરી - હરદ્વાર ગોસ્વામી

મીત્ર હરદ્વારનું એક છોકરી ગીત -


એક છોકરી ફરકી ગઈ ને વાવાઝોડું થ્યું'તું,
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.


એક છોકરી બની છોકરી સૌને ઊગી મૂછ,
એ જ છોકરી નથી છોકરી છે ગીતોનો ગૂછ.

એક છોકરી ટહુકી ગઈને સૌનું નભ વરસ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.

છાતીના પંચાંગે છલકે ચોઘડિયાઓ લાભ,
સોળ વરસ તો પવનપાંદડી ઓછું પડતું આભ.

એક છોકરી મલકી ગઈને મહેકનું મોં બગડ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.


એનું સરનામું થાવાના, સૌને કેવા કોડ,
રાજમાર્ગ સમજીને બેઠા, સૌ પોતાને રોડ.

એક છોકરી વરસી નહીં ને વરસ મોળું ગ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.

શુક્રવાર, ઑક્ટોબર 24, 2008

હઝલ- રઈશ મનીઆર

રુસ્વા સહેબની "કોણ માનશે" રદીફની બહુ જાણીતી ગઝલની જેમ, એ જ રદીફ પરથી, ગઝલના છંદ શાસ્ત્ર પર જેટલી ગંભીરતાથી કામ કરે છે એ જ રીતે હળવી ગઝલ- હઝલ પર કામ કરનાર શ્રી રઈશ મનીઆરની એક હઝલ.


પોત જ હું ગમાર હતો, કોણ માનશે?
એનો તો બહુ વિચાર હતો, કોણ માનશે?

ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલનો એ પ્રહાર હતો, કોણ માનશે?

લિપસ્ટિક ને લાલીઓ મહીં વપરાઈ જે ગયો,
મારો પૂરો પગાર હતો, કોણ માનશે?

જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
સળિયો એ ધારદાર હતો કોણ માનશે?

ગુરુવાર, ઑક્ટોબર 23, 2008

ગઝલ - અમૃત "ઘાયલ"

પરંપરામાં પાછા જઇએ...અમૃત"ઘાયલ"ની એક ગઝલથી. એમને શુધ્ધ કવિતાથી મતલબ છે, પછી ભલે ને રાજાએ કરી હોય કે રંકે.


ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં !

આપણને આદિકાળથી અકળાવતું હતું,
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં !

પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,
એ તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં !

'ઘાયલ', અમારે શુધ્ધ કવિતાઓ જોઈએ,
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં.

મારો કબીર છે - હર્ષ બ્રહ્મભટ્ટ

સચિવાલયમાં જેટલા મોટા કામ કરે છે એવું જ કામ કલમ વડે કવિતામાં કરતાં હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ. કબીર ચાદર વડે જો લોકોની જિંદગી વણતા હતા તો કવિ ગઝલ વડે એ કામ ના પાર પાડે?


મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.

ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !

એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.

છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !

એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.

કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
પોતે ખુદાના હાથમાં જાણે લકીર છે !

મંગળવાર, ઑક્ટોબર 21, 2008

ગઝલ - ધ્વનિલ પારેખ

હાથતાળી રોજ આપી જાય છે સપનું,
એક ચહેરો સાવ ભૂંસી જાય છે સપનું.

દોસ્ત ! એને પામવાનો છે સહારો તું,
હું લગોલગ છું ને નાસી જાય છે સપનું.

કાચ જેવા આંસુનું દર્પણ બનાવીને,
કેટલાં પ્રતિબિંબ તોડી જાય છે સપનું.

આંખ જેવા સાંકડા મેદાનમાં યુદ્ધો,
એટલે તો દોસ્ત ! હારી જાય છે સપનું.

રોજ તારી આંખમાં આવીને શું કરવું ?
દોડતાં ક્યારેક હાંફી જાય છે સપનું.