બુધવાર, ઑક્ટોબર 15, 2008

ગીત- પન્ના નાયક

પન્ના નાયકનું આ ગીત હું પ્રેમમાં ઠોકર ખાધેલી નહિં પણ સમજણી થયેલી નારીનું ગીત કહીશ.


આજથી બધા બારણાં બંધ
નથી કોઈનો હાથ જોઇતો - નથી જોઇતો સ્કંધ

પ્રેમ મારો હવે આંધળો નથી
પ્રેમ નથી હવે બહેરો
પ્રેમની પાસે નથી કોઈ
ઉઝરડાયેલો ચહેરો
કાખઘોડી લઈ ચાલવું પડે એવી જિંદગી નહીં અપંગ

અપેક્ષા તો ઓગળી ગઈ
પીગળી સકળ માયા
સપનાં જેવાં સપનાંઓ પણ
લાગતાં જાય પરાયાં
હું તો મારે માણ્યાકરું સંગ વિનાનો સંગ

મંગળવાર, ઑક્ટોબર 14, 2008

ગઝલ- રાજેશ વ્યાસ 'મિસ્કીન'

મત્લાના શેરથી જ આ ગઝલ અલગ મિજાજ બાંધી આપે છે. બહારની દુનિયામાં સ્પર્ધા જીતી અને ટોચ પર પહોંચવું એ સૌથી અગત્યનું છે. જ્યારે ભીતર જાઓને તો કોઇ શિખર હોતું નથી અને કોઈ ટોચ નહિં. અને ભીતર જેવો રદીફ લઈને ગઝલ કરવા બેસવુ એ જ મોટા યુધ્ધ જેવી વાત છે..કે પછી આ કવિને ભીતરથી આવું બધું સાહજિકતાથી લખવાની ખાસ સગવડ મળે છે!



શિખર નથી કે ચડાય ભીતર,
હલો-ચલો ત્યાં પડાય ભીતર.

ઊંડે ઊંડે ગજબ ગગન છે,
પાંખ વિના પણ ઉડાય ભીતર.

સદભાગી ખેલે સમરાંગણ,
લખચોરાસી લડાય ભીતર.

બાહરનું બાહર મૂક્યું તો,
ક્યાંય કશે નહિં દડાય ભીતર.

'મિસ્કીન' સળગાવી દે સઘળું,
ખરેખરું જો રડાય ભીતર.

સોમવાર, ઑક્ટોબર 13, 2008

સીધો પરિચય- સૈફ પાલનપુરી

સૈફ પાલનપુરીની એક ગઝલ- અને એના વીશેની વાત કરવાની ગુસ્તાખી કર્યા વગર ફક્ત એના તરફ અંગુલી નિર્દેશ કરવો છે કે "કળામય અપેક્ષા"નો ગુજરાતી ગઝલનો યાદગાર શેર આ ગઝલમાંથી મળી આવે એમ પણ બને...



અમારી જિંદગીનો આ સરળ સીધો પરિચય છે
રૂદનમાં વાસ્તવિકતા છે-ને હસવામાં અભિનય છે.

તમે આવો તો એને પણ જરા ઠપકા સમું લાગે
આ મારું મન, ઘણા વર્ષોથી મારામાં જ તન્મય છે.

તને મળવાનો છું હું એટલે હમણાં તો ચૂપ છું પણ
ખુદ તારા વિશે મારાય મનમાં સહેજ સંશય છે.

મને જોઇ નજરને શું સિફતથી ફેરવી લ્યો છો!
તમારી તો ઉપેક્ષા પણ ખરેખર બહુ કળામય છે.

હવે ક્યાં આગ્રહ છે કે "સૈફ" સાકી હો મદિરા હો,
હવે તો શાંત ખૂણો પણ મળે તો એ સુરાલય છે.

રવિવાર, ઑક્ટોબર 12, 2008

ગીત- સંદીપ ભાટિયા

ભગવાનમાં સંપૂર્ણ સમર્પિત થઈને કેવી રીતે મંદિરની અંદર જવું જોઇએ એની ઝાંખી કરાવતું સુંદર ગીત. જીવતરના થાળ અને પાંપણની ચામર જેવી ઉપમાઓથી એ અભિવ્યક્તિથી સભર બળકટ કલમનો દરવખત જેવો જ અનુભવ કરાવે છે....


ઝાંખીપાંખી નજરું પાછાં મંદિરમાં અંધારાંજી
ગામલોકમાં વાતો ચાલે ગિરિધર કામણગારાજી

થાળ ભરીને અમે ધરાવ્યાં કાચાંપાકાં જીવતરજી
પ્રેમથી જમજો અહો મુરારી, સ્મિત, સપન ને કળતરજી
હૃદય વલોવી મિસરી લાવ્યા ઘેલા રે મહિયારાજી

રૂંવેરૂંવે દીવા મોહન અંગેઅંગે ઝાલરજી
મંદિરને એક ખૂણે ઊભા લઈ પાંપણની ચામરજી
ડૂબતી આંખોને છેવટના તમે તૃણસધિયારાજી

શનિવાર, ઑક્ટોબર 11, 2008

ગઝલ - દિલીપ શ્રીમાળી

શનિસભામાં આજે બહુ દાદ પામેલી ગઝલ રજુ કરું છું...કવિ છે દિલીપ શ્રીમાળી...ગુજરાતી કવિતાનો નવો અવાજ.


અગર હું થાઉં વાદળ તો વરસવાનો સમય ક્યાં છે?
અને તું થાય વાદળ તો પલળવાનો સમય ક્યાં છે?

ઉતારી દઉં અહમ પણ એક પળમાં સર્વ ફૂલોનો,
પરંતુ દોસ્ત ફૂલોને મસળવાનો સમય ક્યાં છે?

ઘણી એ ઠોકરો વાગી હતી અમને ઘરે જાતાં,
હું સંભાળીને ચાલું છું, લથડવાનો સમય ક્યાં છે?

ન પૂછો કેમ પડતાંવેંત ડુબી જાય છે પત્થર,
પરંતુ સત્ય એ છે એને તરવાનો સમય ક્યાં છે?

પડ્યું છે ક્યારનું એ સાવ ખાલ મંચ મારામાં
ઘણાએ પાત્ર છે ભીતર ભજવવાનો સમય ક્યાં છે?

શુક્રવાર, ઑક્ટોબર 10, 2008

ગઝલ - આશા પુરોહિત

આ ગઝલમાં સરળ શબ્દો દ્વારા કોઈનાથી છૂટા પડ્યાની વેદના, કોઈના ચાલ્યા જવાનો અફસોસ બહુ વેધક રીતે વ્યક્ત થયો છે.


તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

ગુરુવાર, ઑક્ટોબર 09, 2008

ભીનું છલ - મકરન્દ દવે

શ્રી મકરન્દ દવેની એક ગઝલ. આપણી સામાન્યતઃ માન્યતા એવી કે એ ઋષિ કવિએ ગઝલ બહુ ખેડી નથી..પણ શ્રી અમૃત ઘાયલ સાથેનું ગઝલ પરનું સંપાદન 'છીપનો ચહેરો- ગઝલ'માંથી પસાર થાવ અને તમારી માન્યતાઓનો તમારી જાતે જ ભંગ કરો.


મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

બુધવાર, ઑક્ટોબર 08, 2008

ગઝલ- ભરત વિંઝુડા

આ ગઝલમાં ભરત વિંઝુડા એક જ શેરથી ગઝલને કેટલી ઉંચાઇ પર મૂકી દે છે! ભગવાનને અરજી કરે છે અને બહુ ભોળપણથી મોક્ષરૂપી સહી કરવાનું કહી દે છે!


સર્વ ખેંચાણમાંથી મુક્ત થાવું,
ખૂબ મુશ્કેલ છે લુપ્ત થાવું.

મારી અરજીમાં તું સહી કરી દે,
શક્ય છે આમ સંયુક્ત થાવું.

એ નિરાકાર જોયા કરે છે,
તારું કમરા મહીં લુપ્ત થાવું.

આ સ્વયંભૂ મળેલી સરળતા,
કેમ ત્યજવી અને ચુસ્ત થાવું.

વૃધ્ધ ને એક બાળક રમે છે,
એને જાણે નથી પુખ્ત થાવું!

મંગળવાર, ઑક્ટોબર 07, 2008

કદાચ- અનિલ જોશી

માણસ પોતાની જીંદગીને કેટલું ચાહે છે. પણ કોઇ એવું કહી દે કે જાઓ તમને મરવાની છુટ્ટી...તો જીંદગીને આટલી તીવ્રતાથી ચાહી શકાશે? કદાચ જીવી પણ લેવાનું વિચારો અને ત્યાં જ કોઈ કહે કે ઉપરથી અત્યારના ભીડની પરિસ્થિતિ જેમની તેમ રહેવાની અને એ સાથે કોઇ દિવસ મર્યા વગર જીવવાનું છે... તો?


આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

ઘરને ઉંબર
ઢળી પડેલા
સમી સાંજને તડકે
મારું ઝળહળ ઘરને નેવાં,
ને-
અવરજવરતી કીડીઓની લંગાર
જોઇ ને
અગન-થાંભલી
જઉં બાથમાં લેવા
કદાચ મારી પરિસ્થિતિની અગનથાંભલી
તડાક દઈને નહીં તૂટે તો?

આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

સોમવાર, ઑક્ટોબર 06, 2008

ગઝલ- અમૃત ઘાયલ

આ ગઝલ મૂકવા માટેનું ખાસ કારણ પહેલો, ચોથો અને પાંચમો શેર છે. શાયરી કરતા દરેકને એ શીખવાડે છે કે કઈ હદ સુધીનું સમર્પણ હોય અને બાકી બધુ સુખ એની વિસાતમાં કંઇ જ ના લાગે ત્યારે તમને શાયરી જાતે શોધીને તમારી આંગળીએથી અવતરે છે.


મોજ સઘળી એમનાથી હેઠ છે,
શાયરી બહુ ખુબસૂરત વેઠ છે.

બહુ સુરક્ષિત દીસતા આ પંથમાં,
કમ નથી ભયસ્થાન સારી પેઠ છે.

કોઇની છોડી હવે ના છૂટશે,
આ, કસુંબો પી કસેલી, ભેઠ છે.

જ્યારથી રૂઠી છે એ કાળી ઘટા,
ત્યારથી બારેય મહિના જેઠ છે.

સુખ ગણી જેને પ્રસંશે છે જગત,
એ અમે છાંડી દીધેલી એંઠ છે.

જાણતા ના હો તો જાણી લો હવે!
આ જ મારગ છે અને એ ઠેઠ છે.

લાક્ષણિકતા એ જ છે ઘાયલ તણી
છે સ્વ્યં નોકર, સ્વયં એ શેઠ છે.