ગુરુવાર, સપ્ટેમ્બર 25, 2008

ગર્ભપાત....! - એષા દાદાવાળા

એ રાત્રે
આંખો અને પાંપણો વચ્ચે
સફળ સંસર્ગ થયેલો,
અને આંખોને ગર્ભ રહી ગયેલો સપનાંનો...!
માનાં પેટમાં બચ્ચું આકાર લે
બસ એમ
સપનું વિકસવા લાગ્યું આંખોમાં...
આંખોને મીઠાં ગલગલિયાં પણ થયાં....!
ત્યાં અચાનક
પોપચાં ફડક્યાં,
હાથેથી આંખોને પસવારી પણ ખરી.
ત્યાં જ આંખેથી નીકળ્યું પાણી.
સફેદ શ્વેતપટલ લાલ લાલ થઇ ગયો.
આંખો ખુલી ગઇ
અને
ફરી એકવાર
કસમયે
ગર્ભપાત થઇ ગયો એક સપનાંનો...!

બુધવાર, સપ્ટેમ્બર 24, 2008

ગઝલ - ઉર્વીશ વસાવડા

શ્રી ઉર્વીશ વસાવડાની એક તાજી ગઝલ-


આ ચરણને શું થયું છે એ જ સમજાયું નહીં,
બારણા ખોલ્યા પછી પણ બહાર નીકળાયું નહીં.

રંગ, પીંછી, કાગળો, ને આંખ સામે એ હતા,
ચિત્ર એનું તે છતાં મારાથી ચિતરાયું નહીં.

ખીણની ધારે ઊભા રહી નામ જે વ્હેતું કર્યું,
છે પ્રતિક્ષા આજ પણ, એ નામ પડઘાયું નહીં.

કૈક તો ઓછપ હશે આ આપણી પીડા મહીં,
એટલે તો આંસુઓનું પાત્ર છલકાયું નહીં.

પત્રની પહેલી લીટીના સહેજ સંબોધન પછી,
એ અભિવ્યક્તિનું ધોરણ ક્યાંય જળવાયું નહીં.

મંગળવાર, સપ્ટેમ્બર 23, 2008

હળવે હળવે હળવે - નરસિંહ મહેતા

ગુજરાતી કવિતાની વાત કરતા શ્રી સુરેશ દલાલને સાંભળવા એ એક લ્હાવો છે...એ જ્યારે આદ્ય કવિ નરસિંહ મહેતાની વાત કરે ત્યારે લય માટે અને એક જ શબ્દ ફરીથી, ફરી ફરીથી કાવ્યમાં મૂકી એને વધુ સુંદર કેવી રીતે બનાવાય એ વીશે વાત કરવા અહિં આપેલા આ પદનો જરૂર ઉલ્લેખ કરે....

હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે;
મોટે મોટે મોટે મેં તો મોતીડે વધાવ્યા રે.

કીધું કીધું કીધું મુને કાંઇક કામણ કીધું રે,
લીધું લીધું લીધું મારું મન હરીને લીધું રે.

ભૂલી ભૂલી ભૂલી હું તો ઘરનો ધંધો ભૂલી રે,
ફૂલી ફૂલી ફૂલી હું તો હરિમુખ જોઇ ફૂલી રે,

ભાગી ભાગી ભાગી મારા ભવની ભાવટ ભાગી રે,
જાગી જાગી જાગી હું તો હરિને સંગે જાગી રે.

પામી પામી પામી હું તો પૂરણ વરને પામી રે,
મળિયો મળિયો મળિયો, મુને નરસૈંયાનો સ્વામી રે.

સોમવાર, સપ્ટેમ્બર 22, 2008

ગઝલ - મધુમતી મહેતા

શ્રી અશરફ ડબાવાલાની ગઝલની જેઓ પ્રેરણા છે, અને પોતે ખૂબ સુંદર ગઝલો લખે છે એવા શ્રી મધુમતી મહેતાની એક ગઝલ.



પગ પગથિયાં દાદરા જાણી લીધા,
થોભવાના કાયદા જાણી લીધા.

એ રહે અકબંધ કે તૂટે ભલે,
મેં જગતના આયના જાણી લીધા.

ફૂલ ખૂશ્બૂ સાચવી બેસી જશે,
જો ભ્રમરના વાયદા જાણી લીધા.

પાંદડા ગણવા વિશેની ઘેલછા,
છોડી તો મેં છાંયડા જાણી લીધા.

બંધ ઘરને દઇ ટકોરો એમણે,
ભીંત ભોંગળ બારણાં જાણી લીધા.

હું તબીબોથી હણાયો એટલો,
મેં મરણના ફાયદા જાણી લીધા.

બેસશું વાળી પલાંઠી આંગણે,
કુંભમેળા ડાયરા જાણી લીધા.

સર્વ આકારો તજીને છેવટે,
તાપ ભઠ્ઠી ચાકડા જાણી લીધા.

રવિવાર, સપ્ટેમ્બર 21, 2008

ગઝલ- ચંદાને- કાન્ત

આપણા પ્રારંભિક ગઝલકારો અરબ-ફારસી અને ઉર્દૂના શબ્દો ગઝલમાં વધુ વાપરતા, એટલે બહુ જૂજ ગઝલકારોએ શુધ્ધ ગુજરાતીમાં ગઝલ કરી છે..બહેર, રદિફ, કાફિયાની જાળવણીનું શૈથિલ્ય તો ખરું જ..પણ આવા સમયમાં કાન્ત પહેલી નખશીખ ગુજરાતી ગઝલ આપે છે-'ચંદાને'. વળી રદિફ, કાફિયા, બહેર પણ બરોબર જળવાયા છે. વધુ ચર્ચામાં ના જઇને ગઝલ જ માણીએ.



તને હું જોઉં છું, ચંદા! કહે, તે એ જુએ છે કે?

અને આ આંખની માફક કહે, તેની રુએ છે કે?

અને તવ નેત્રમાં તે નેત્રનું પ્રતિબિંબ જોવાને,

વખત હું ખોઉં છું તેવો શું; કહે તે એ ખુએ છે કે?

સખી! હું તો તને જોતા, અમે જોએલ સાથે તે,

સ્મરતાં ના શકું સૂઇ! કહે સાથી સુએ છે કે?

સલૂણી સુંદરી ચંદા! ધરી તવ સ્વચ્છ કિરણોમાં

હૃદયનાં ધોઉં છું પડ હું; કહે, તે એ ધુએ છે કે?






શનિવાર, સપ્ટેમ્બર 20, 2008

સાવ તાજી ગઝલ - અનિલ ચાવડા

આજે કાવ્યધારામાં કવિસંમેલન કર્યા પછી અનિલ અને બીજા મિત્રો સાથે ચાની લારી પર ઊભા હતા ત્યારે અનિલે અમને કવિઓને ઈર્ષ્યા આવે એવી વાત કરી, કે આજે બપોરે ત્રણ વાગ્યા પછી એણે સાંજ સુધીમાં ત્રણ ગઝલ લખી!ચાની સાથે એ ગઝલો માણ્યા પછી આજે એમાંની એક તમારી સમક્ષ..કોઈ પણ પબ્લીશરને ઈર્ષ્યા આવે એવી ઝડપે એના એ જ દિવસે..


દુઃખ અને સુખ નામના બબ્બે નિરંતર ધાંધિયા વચ્ચે,
તેં મને ભીડી દીધો છે, સૂડીના બે પાંખિયા વચ્ચે.

ક્યાં, જવું ક્યાં ? જ્યાં સુધી પહોંચે નજર દરિયો જ દરિયો છે,
ચોતરફ્થી પણ હું ઘેરાઈ ગયો છું ચાંચિયા વચ્ચે.

તારી આ અંગત ગણાતી ડાયરીના પેજ અંદર પણ,
સાવ અતડો રાખી મૂક્યો છે મને તેં હાંસિયા વચ્ચે.

મારું આ ખાલીપણું મેં એક બાળક જેમ ઉછેર્યું છે,
છું અહીં હું એકલો સંતાનવાળો વાંઝિયા વચ્ચે.

શુક્રવાર, સપ્ટેમ્બર 19, 2008

મજબૂરી - પ્રીતમ લખલાણી

ચોખા
અને મગના દાણાની
ચિંતામાં
બિચારાં
ચકો અને ચકી
એ પણ ભૂલી ગયાં
કે
બચ્ચાં
રામભરોસે
વીજળીના તારે
મોટાં થઈ રહ્યા છે !

*********************
ક્યારેક
કુંભાર પણ
મૂછમાં હસતો હશે
કે માટલાને
ટકોરા મારીને ચકાસતો
માણસ
કેમ
આટલો જલદી
ફૂટી જતો હશે !

બુધવાર, સપ્ટેમ્બર 17, 2008

ગઝલ - અદમ ટંકારવી

ગુજલીશ ગઝલો માટે જાણીતા ઈંગલેન્ડસ્થિત શ્રી અદમ ટંકારવીની એક ગઝલ -

ક્યાં કશો ય શોક છે કે હર્ષ છે,
સ્વપ્ન ફળ્યાનો હવે શો અર્થ છે ?

ગા લ ગામાં એમનો સંદર્ભ છે,
આ ગઝલનો એટલો બસ મર્મ છે.

એને બરછટ શબ્દથી દુષિત ન કર,
લાગણી કેવી મુલાયમ નર્મ છે.

છે હવે મદહોશ એ સ્પર્શથી,
એ જ વાતે આ પવનને ગર્વ છે.

મારો પડછાયો મને પૂછ્યા કરે,
તેજ ને અંધારમાં શો ફર્ક છે?

ભીંત પર મોર ચીતરો તો ભલે,
ત્યાં ટહુકો ટાંગવાનું વ્યર્થ છે.

અન્યની તો વાત શી કરવી, અદમ
પંડની સાથે જ ક્યાં સંપર્ક છે?

ગીત - મુકેશ જોશી

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી

અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે

સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે

નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મંગળવાર, સપ્ટેમ્બર 16, 2008

ગઝલ - સુધીર પટેલ

અમેરિકાસ્થિત શાયર સુધીર પટેલની એક ગઝલ - ઉપાડ બહુ સુંદર છે. સરળ શબ્દો અને શેર એની શેરિયતને સાચવીને જ્યારે છેલ્લા શબ્દોમાં ઉઘડે છે ત્યારે વાહ થઈ જવાય છે.

હોય જે કૈં શક્યમાં મળજો મને,
સાવ પૂરા સત્યમાં મળજો મને.

ના રહે અવકાશ કોઈ તર્કનો,
શુધ્ધ એવા તથ્યમાં મળજો મને.

સ્થિર રાખી ચિત્ત હું વીંધી શકું,
એમ ફરતા લક્ષ્યમાં મળજો મને!

બસ મળો તો આપણા થૈને મળો,
ના કદી પણ અન્યમાં મળજો મને.

કોઈ અંતિમનો નથી આગ્રહ 'સુધીર',
એ જ ઈચ્છું મધ્યમાં મળજો મને!