બુધવાર, સપ્ટેમ્બર 17, 2008

ગીત - મુકેશ જોશી

સ્મરણની ખૂલી જાય વાસેલી બારી ને
તારી હજુ આવ-જા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

ચરણ સાથ મૂકીને ચાલ્યાં હતાં,
આંખ ફરતી હજુ એ જ રસ્તાઓ તેડી
નથી એક પગલુંય ભૂંસી શકાતું,
કહો કેમ ભૂંસી શકું જ કેડી

અમે નાવ લીધી હલેસાંય લીધાં, ને
આખી નદી લાપતા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

કિતાબોય જૂની હું વાંચી શકું ના,
કે તારાં જ વાળેલાં પાનાં મળે
મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
પછીથી પ્રસંગો જે ટોળે વળે

સમાધિ સુધી લઈ જતા એ પ્રસંગો
સમાધિ તૂટ્યાની સજા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

મને સાચવી રાખવા તેં દીધેલું
એ અડધુંક ચોમાસું છે મારી પાસે
તને પાછું કરવા હવે મારો સૂરજ
સવારેથી નીકળી જતો રે પ્રવાસે

નિરંતર તને શોધતા આ સૂરજને
મળી આગ ઉપર હવા છે
કોઈ જો પૂછે 'કેમ છો', આંખ લૂછી
હસીને કહું છું મજા છે

1 ટિપ્પણી:

  1. મુકેશનું સુંદર ગીત
    આ પંક્તીઓ વધુ ગમી
    કિતાબોય જૂની હું વાંચી શકું ના,
    કે તારાં જ વાળેલાં પાનાં મળે
    મળે કોઈ ચિઠ્ઠી, મળે કોઈ પીંછું
    પછીથી પ્રસંગો જે ટોળે વળે
    pragnaju

    જવાબ આપોકાઢી નાખો