ગુરુવાર, ડિસેમ્બર 08, 2011

લાગણી હાજર જવાબી નીકળી...

એકદમ ધીમેથી ત્યાંથી નીકળી,
એ દિવો છોડી હવા બી નીકળી.

ભાગ્ય થીજી જાય જો જામે બરફ?
ત્યાં જ સૂરજની સવારી નીકળી.

તું જો હાજર હોય તો રાજી થતી,
લાગણી કેવી નવાબી નીકળી.

વ્યક્ત ના થઈ જાઊં એવી બીકથી,
જિંદગી આખ્ખી, અધૂરી નીકળી

'હા' કે 'ના' એ તો કંઇ બોલ્યા નહીં,
લાગણી હાજર જવાબી નીકળી.

બુધવાર, નવેમ્બર 30, 2011

શું મળ્યું છે?

દર્દને સંકોરવાથી શું મળ્યું છે?
એકલું રાખી મૂક્યું મન, શું ફળ્યું છે?

આપણા હોવાપણાની શક્યતામાં,
કોણ આવીને અહીં ટોળે વળ્યું છે?

રાત સુંદર, ચંદ્રને credit મળી ગઈ,
તેજ સૂરજનું હકીકતમાં બળ્યું છે!

ભીંત પર જે કંઈ લખ્યું વાંચી ગયા પણ,
ભીંતની અંદર પછી કોઈ ચળ્યું છે?

એક ટીપાને હતું જંગી કુતૂહલ,
જળપણું છોડી, હવા સાથે ભળ્યું છે.

ગુરુવાર, સપ્ટેમ્બર 01, 2011

"સોનલ તુ ઇટ્ટા કીટ્ટા છોડ

રમેશ પારેખ ની સોનલ ગુજરાતી સાહિત્ય માં અમર છે....
"સોનલ તુ ઇટ્ટા કીટ્ટા છોડ" એ મારું રમેશ પારેખ નું ખુબજ ગમતું પ્રણય કાવ્ય છે....
જે લાડ લડાવી ને શબ્દો ને રમાડી ને એમને સોનલ ને મનાવવાની રમત શરુ કરી છે એ એમની સોનલ જેટલી જ મીઠી છે......

તોહ માણો ર. પા નું આ શીરા ની જેમ ગળે ઉતારી જાય એવું અને એની મીઠાશ થી દિલ દિમાગ ને તરબતર કરી દે તેવું કાવ્ય....


"આમ નજર ના ફેરવી લેવાથી પાસેનું હોય એને થોડું પરાયું બનાવી શકાય છે

એવું ખરું કે....

.હું ઘડીક હોવું ને ઘડીક ના પણ હોવું....

પણ ઘડીક માં ચોર પગલે તારી સૈયા માં સળ થઇ ને બેસી પણ જવું..

.હું કોઈ નક્કી નહિ હોવું....

તારા પુસ્તક નું સત્યાવીશમું પાનું હોઈશ...તું ચાલે તે રસ્તો હોઈશ...

તારા ખુલ્લા કેશ માં ફરતી હવા હોઈશ...

તું મને સંભાળે પણ તારી યાદ માં જ ના આવું....

છબી માં હોવું પણ તારી સામે ના જ હસું...

ક્યારેક જૂની પેટી માં છુપાયેલ મારો કોઈ પત્ર બની ને,હું અચાનક જાદુ અને તને રડાવી પણ દવું....

પણ અંતે તોહ સોનલ તું છે કેલીડોસ્કોપે અને હું છું તારું બદલાતું ચિત્ર..

અપને અરસ પારસ છીએ....

તારી હથેળી માં ભાગ્ય ની રેખા હું છું...

તારા અરીસા માં દેખાતું પ્રતિબિંબ હું છું....

તારી સકલ સુંદરતા બની ને તને ભેટી પડ્યો છું....

તારું સકલ સોનલ પણું જ હું છું....

અને તારે એનો ઇનકાર કરવો છે.....કરી તોહ જો...."

સોમવાર, જુલાઈ 11, 2011

પણ નથી...ગુંજન ગાંધી


પલળી જવાય એવો વરસાદ પણ નથી,
તું યાદ રાખવાની, એ યાદ પણ નથી.

એ સ્પર્શની મજાની હું વાત નહી કરું,
શબ્દોમાં સાલી એવી મરજાદ પણ નથી.

ઘૂંટણ અહીંયા સૌના ચરણો બની ગયા,
ને ઘાસ જેવો કોઈ અપવાદ પણ નથી.

પરસેવો ટેરવાને એ રંજથી કહે,
એવો નસીબ સાથે સંવાદ પણ નથી.

તારા વગરની એને, હું સાંજ ના કહું,
ને આમ એ દિવસમાં છે, બાદ પણ નથી.

Was written from June 18 to July 10, 11 and revised on 01 Jan, 12

સોમવાર, મે 09, 2011

એક પીંછું.....

શું હશે હળવાશનું કારણ મને સમજાયું સાંજે,
એક પીંછું શર્ટની પાછળ મને દેખાયુ સાંજે.

ઝાકળોના 'કોર્સ'માં એ આમ તો આવે નહી પણ,
ફૂલની પરવાનગીથી આજ એ પથરાયુ સાંજે.

એમણે આપેલા શબ્દો દિવસે ના કામ આવ્યા,
ને પછી અજવાળું એમાંથી બધું ફેલાયું સાંજે.

રાત પહેલાને દિવસની સાવ પાછળ, કોણ ઊભું?
સાવ સહેલું એ સમયનું માપ ના વર્તાયુ સાંજે.

લાત મારીને સવારે મોકલી આપેલ દરિયે,
એ જ મોજું પગમાં આવી જોરથી અથડાયું સાંજે.

ખૂબ તડકો, ભર બપોરે, રોફ ભારે, દબદબો બહુ,
સૂરજીયુ એ શી ખબર કે ક્યાં જઈ પછડાયું સાજે?

Written from 4th to 7th May, 2011

શનિવાર, એપ્રિલ 23, 2011

એ જ નક્કી ના થતું....

આવવાનું કે જવાનું, એ જ નક્કી ના થતું,
ચાલવું કે થોભવાનું, એ જ નક્કી ના થતું.

જીવવાના આ બનાવો રોજ બનતા હોય છે,
શ્વાસ લઈને શું થવાનું, એ જ નક્કી ના થતું.

ધારવાની વાત નીકળીને અમે અટકી ગયા,
દર્દને ક્યાં સ્પર્શવાનું, એ જ નક્કી ના થતું.

પાંદડાએ પાનખરમાં પ્રશ્ન પંખીને કર્યો,
શું કરું હું આ હવાનું?, એ જ નક્કી ના થતું.

જે તમે આપી દીધેલું ભૂલમાં એ સ્વપ્નથી,
ઊંઘવું કે જાગવાનું, એ જ નક્કી ના થતું.

(20 April, 2011)

ગુરુવાર, એપ્રિલ 21, 2011

એકદમ ઉમટી પડ્યા

સાથ હોવાના બનાવો એકદમ ઉમટી પડ્યા,
આપણી વચ્ચે અભાવો એકદમ ઉમટી પડ્યા.

એકલા પસવારવાની પીઠ ને સાથે પીડા,
જાત સાથેના લગાવો, એકદમ ઉમટી પડ્યા.

સાવ ખુલ્લું રાખવાનું મન અને ખુલ્લું વલણ,
એમ કહેતામાં તણાવો એકદમ ઉમટી પડ્યા.

યાદ તો ટોળે વળીને લાગમાં બેઠી હતી,
આંખ બાજુના વહાવો એકદમ ઉમટી પડ્યા.

શોધતા રહીને વિસામો મેં સફર પૂરી કરી,
ને છુપાયેલા પડાવો એકદમ ઉમટી પડ્યા.

શબ્દને પકડીને રાખ્યા જીભ ઉપર મેં જેમતેમ,
પણ બિચારા હાવભાવો એકદમ ઉમટી પડ્યા.

(13 April, 2011)

શનિવાર, એપ્રિલ 09, 2011

તું હવે પત્થરને શું સમજાવશે?

તું હલે કે ના ચલે તો ચાલશે,
પાર તો ઘટના તને પહોંચાડશે.

એ જ વસ્તુ સાવ જુદી લાગશે,
જો નવા ચશ્મા વડે તું તાગશે.

હાથમાંથી છોને છટકી જાય પણ,
શક્યતા જાતે જ પાછી આવશે.

આંખમાંથી ઊતરે તો શું થયું?
આંસુને માથા ઉપર બેસાડશે?

એ હવે નીકળી ગયો છે વાગવા,
તું હવે પત્થરને શું સમજાવશે?

- Was Written on 6 Apr, 11

રવિવાર, માર્ચ 20, 2011

તારા નામનો દીવો ધરું

એકદમ અંધારપટની વાત માંડીને કરું
ને પછી ધીરેથી તારા નામનો દીવો ધરું.

આંગળી લઈ જાય ત્યાં ચાલ્યા જવું, પકડી કલમ
જે કર્યું ખોટું બધું કંઈ એ ય થઈ જાશે ખરું.

કેટલા ખાબોચિયામાં દરવખત ડુબ્યા પછી,
એમ કે પહોંચી જવાશે, લાવ ને દરિયો તરું.

સ્પર્શની વહેતી નદીને રોકવા મથતો રહુ ,
ટેરવે તોફાન ફંફોસી અને પાછો ફરું.

રક્તથી ચાલે હૃદય પણ એટલું પૂરતું નથી,
લાવ ધમનીમાં હવે ચિક્કાર હું શાહી ભરું.

ગુરુવાર, માર્ચ 17, 2011

એક ઇચ્છા આમ તો ડાહી છે એવી જાણ છે...

જીવ ઉપર આવી ગઈ એની જ આ મોંકાણ છે,

એક ઇચ્છા આમ તો ડાહી છે એવી જાણ છે.


ડૂબશે એ તો થશે કારણ વગર પંચાત બહુ,

વાતમાં એથી અમારી માપસર ઉંડાણ છે.


ધાર ઉપર જીવ્યા કર્યું છે, એ જ કારણથી હશે,

એકસરખું બેઉ અંતિમો તરફ ખેંચાણ છે.


શાંત થા દરિયા હવે માથુ પછાડે શું વળે?

છીપને પહોંચી ખબર, એ મોતીઓની ખાણ છે.


વાગવાની ખૂબ કોશિષો કરી પણ વ્યર્થમાં,

એ નજરમાં કેટલા ખૂંપેલા અઘરા બાણ છે?


મોં ઉપરથી માખ ઊડાડી એટલા માટે જ કે,

કંઈક હું યે પણ કરું છું એનુ એ પરમાણ છે.