શું હશે હળવાશનું કારણ મને સમજાયું સાંજે,
એક પીંછું શર્ટની પાછળ મને દેખાયુ સાંજે.
ઝાકળોના 'કોર્સ'માં એ આમ તો આવે નહી પણ,
ફૂલની પરવાનગીથી આજ એ પથરાયુ સાંજે.
એમણે આપેલા શબ્દો દિવસે ના કામ આવ્યા,
ને પછી અજવાળું એમાંથી બધું ફેલાયું સાંજે.
રાત પહેલાને દિવસની સાવ પાછળ, કોણ ઊભું?
સાવ સહેલું એ સમયનું માપ ના વર્તાયુ સાંજે.
લાત મારીને સવારે મોકલી આપેલ દરિયે,
એ જ મોજું પગમાં આવી જોરથી અથડાયું સાંજે.
ખૂબ તડકો, ભર બપોરે, રોફ ભારે, દબદબો બહુ,
સૂરજીયુ એ શી ખબર કે ક્યાં જઈ પછડાયું સાજે?
Written from 4th to 7th May, 2011
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો