ગુરુવાર, માર્ચ 17, 2011

'કાગળો' એના નથી.

હાથ હલ્લેસા નથી,

બોળવા જેવા નથી.


ચાલ ખરચી નાખીએ,

બાંધવા,ખોવા નથી.


એ જ એકલી આવશે,

સાથમાં ટોળા નથી.


એ તરફ જંજાળ બહુ,

આ તરફ મેળા નથી.


લો સવારે આથમ્યો,

સૂર્યને ડોળા નથી?


મેં ચલાવી જીંદગી,

'કાગળો' એના નથી.


ચાર, પાંચ કે ચારસો,

કારણો કહેવા નથી.


મેં જ સળગાવી દીધા,

દાટવા સહેલા નથી.


શુક્રવાર, ફેબ્રુઆરી 18, 2011

આમ એને લાગણી કહેવાય છે...

તો અને ત્યારે નકામી થાય છે,
જીંદગી તારા વગર જો જાય છે.

એટલે તો પંખીઓ ઊડ્યા નહી,
વૃક્ષનુ મન રાતનું કચવાય છે.

મોજ કરવાની ગમે દરિયા તને,
નાવને તારી જ ચિંતા થાય છે.

તું જરૂરી સૂચનાઓ આપ ના,
કીડીઓ lineમાં office જાય છે.

તું ભલે હથિયાર માફક વાપરે,
આમ એને લાગણી કહેવાય છે.

આપણી અંદર એ બેસી શું કરે?
એમના હીસાબ ક્યાં મંગાય છે?

તું કહે છે એકદમ ખાલી ને ખમ,
તો પછી આ રોજ શું વપરાય છે?

છેક પહોંચીને પછી પાછા વળ્યા,
ટોચ પર તો શ્વાસ બહુ રુંધાય છે.


(Was Written on 16 Feb, 2011)

રવિવાર, ફેબ્રુઆરી 13, 2011

સાથે સાથે તમે ચાલ્યા સજન

સાથે સાથે તમે ચાલ્યા સજન પછી લગરીક મલક્યાનું મને યાદ છે

આપણા સંબધની આ બારી ખૂલીને એના આકાશ થવાની આ વાત છે.


હાથમાં મળ્યો’તો હાથ એકમેકનો, ને થયું તું જીવતરનો બેલી છે,

સાવ રે સૂકા ઓલા વૈશાખી આકાશે જાણે ઉતરી આ શ્રાવણની હેલી છે


સાથે સાથે તમે ચાલ્યા સજન પછી લગરીક મલક્યાનું મને યાદ છે

ક્યારે ઉગ્યો’તો એ ઝીણો ખાલીપો કે ઈચ્છાનું ઉપવન આ ખાખ છે,

અમથું આ આયખું વીતી ગયુને હવે શમણા વેંઢાર્યાનો થાક છે.


સાથે સાથે તમે ચાલ્યા સજન પછી લગરીક મલક્યાનું મને યાદ છે

આપણા સંબધની આ બારી ખૂલીને એના આકાશ થવાની આ વાત છે.

સોમવાર, ફેબ્રુઆરી 07, 2011

સહેજ અડક્યા જેવું....

સહેજ અડક્યા જેવું તો કંઈ આપણે મળ્યા,

અને એની મને ન્હોતી જાણ,

અડક્યાની ઘટનાને શ્વાસમાં ભરીને,

એણે પૂજ્યા’તા શ્રદ્ધાના પા’ણ.


મારી એ યાદ એનું ખારું ચોમાસું તોય આપી નીરાશાને આણ,

મારી પ્રતીક્ષાને આંખોમાં ખડકી એણે ખોદી ઉજાગરાની ખાણ.

સહેજ અડક્યા જેવું તો કંઈ આપણે મળ્યા,

અને એની મને ન્હોતી જાણ


આપણી એ વારતા આવડી તને, ને મારા કોરા રહ્યાના એંધાણ,

પાસે આવીને જરા કાનમાં કહ્યું હોત, ‘સમાલ બેલી આપણું વ્હાણ’

સહેજ અડક્યા જેવું તો કંઈ આપણે મળ્યા,

અને એની મને ન્હોતી જાણ


બુધવાર, ફેબ્રુઆરી 02, 2011

છે તો છે - ભાવેશ ભટ્ટ 'મન'

છિદ્રવાળું વહાણ છે તો છે,
પાણીને એની જાણ છે તો છે.

એ ભલે ફૂલછાબ જેવો છે,
પણ ફૂલોથી અજાણ છે તો છે.

કામ બીજું હવે રહ્યું છે કયાં?
શ્વાસની ખેંચતાણ છે તો છે.

હું દિવસને નથી મળ્યો ક્યારેય,
કોઈને ઓળખાણ છે તો છે.

જેવું જીવ્યા છીએ લખ્યું એવું,
સાવ નબળું લખાણ છે તો છે.


- ભાવેશ ભટ્ટ 'મન'

બુધવાર, જાન્યુઆરી 12, 2011

એક ગુલમહોર આંખને કનડે કહું ને તું મળે

એક ગુલમહોર આંખને કનડે કહું ને તું મળે

સહેજ મરમર કાનને અડકે કહું ને તું મળે


એક તો તને હું ‘રેશમ’ કહું કે ‘તું’, એનીજ ગડમથલમાં રહું છું,

ને પછી અહીંયા હઉં કે સ્વપ્નમાં, તારી જ દડમજલમાં રહું છું.


એક કોયલ બાગમાં ટહૂકે કહુંને તું મળે

સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે


આપણે મળીએ એ મોસમને બધાએ ‘વાસંતી’ કંઈ નામ દીધૂં છે.

ધારોકે તું ના હોય એવા સમયને ‘પાનખર’ કહેવો એમ કીધૂં છે.


એક વાદળ આભને અડકે કહુંને તું મળે

સહેજ મરમર કાનને અડકે કહુંને તું મળે


(Was written in 98-99)


મંગળવાર, ડિસેમ્બર 28, 2010

ચાદરો લંબાય છે

ટૂંટિયાની ટેવ જ્યારે સાવ છૂટી જાય છે,

તો તમારા પગ પ્રમાણે ચાદરો લંબાય છે.


ઊંબરો કાયમથી ઊભો છે હજી પણ ત્યાં ને ત્યાં,

બહાર કે અંદર જવાનો અર્થ ક્યાં સમજાય છે?


એમ કહીને જીવવાનું એમણે છોડ્યું હતું,

શ્વાસની ઘટનાનો છેડો દૂરથી વરતાય છે.


છેક છેલ્લે વારતામાં પાના કોરા રાખવા,

'Mood' માફક અંત જેને જે ગમે વંચાય છે.


હાર કે ગજરો થવાનું એકદમ નક્કી હશે?

ડાળ પરના ફૂલમાં કાણું જ ક્યાં દેખાય છે?


રવિવાર, નવેમ્બર 21, 2010

એ ભાઈ જા, નથી! - ગુંજન ગાંધી

બે વર્ષ પહેલા લખેલી ગઝલ છંદ દોષ દૂર કરી અને નવા બે શેર સાથે ફરીથી -

આવી ચડે અચાનક એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર, મારી રજા નથી.

એકાદ હો તો માંડી હું વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.

મંદિરની જેમ ઈશ્વર પત્થર બની જતે,
સારું થયું કે ઘર પર કોઈ ધજા નથી.

એ પાંદડાએ ખરતાં બસ એટલું કહ્યું:
'ખરવામાં છે ને એવી કોઈ મજા નથી.'

છતની જ સાથે સાથે, આકાશ પણ ગયું,
છે ડોક તો યે ઊંચી, એ પણ સજા નથી?

શાળા બહાર પહોંચ્યો વિસ્મય ખરીદવા,
તો ફેરિયાએ કીધું, 'એ ભાઈ જા, નથી!'

શનિવાર, નવેમ્બર 13, 2010

ગઝલ - ઉદયન ઠક્કર

ઉદયન ઠક્કરના કાવ્યસંગ્રહ 'સેલ્લારા'માંથી એમની એક સદાબહાર ગઝલ -

રોજ સાંજે પંખીઓના મોરચા મંડાય છે
વ્રુક્ષની માલિકી બાબત માગણીઓ થાય છે

એક સૂકા પાનની રેખામાં ઠેબાં ખાય છે
એ પવન બ્રહ્માંડભરનો ભોમિયો કહેવાય છે?

અસ્તરેખા જોઈને સૂરજની, કૂકડાએ કહ્યું,
'આપના પ્રારબ્ધમાં બહુ ચડઊતર દેખાય છે'

બાલદી, શીશી, તપેલી, પ્યાલૂં, ડબ્બો, ટોપિયું
ફૂલ જ્યાં બોળે ચરણ ત્યાં ફૂલદાની થાય છે

ક્યાંક તો જાતો હશે એ, માનીને ચાલ્યો હતો
પણ હવે રસ્તો પૂછે છે, 'ભાઈ, તું ક્યાં જાય છે?'

બુધવાર, નવેમ્બર 03, 2010

થઈ જાય છે...રઈશ મનીઆર

કવિતાના દિપોત્સવી અંકમાંથી મારા પ્રીય શાયર શ્રી રઈશ મનીઆરની એક ગઝલ...

પાંખ વીંઝ્યે ઉડ્ડયન થઈ જાય છે.
ઘર નથી એનું ગગન થઈ જાય છે.

પ્રાતઃકાળે પંખીના ટહુકા વડે,
આંગણે કીર્તન ભજન થઈ જાય છે.

રાહ જોતું હોય છે પહેલું કીરણ,
ખોલતા બારી શુકન થઈ જાય છે.

ઓસબિંદુથી નમે છે પાંદડી,
એક ટીપાનું વજન થઈ જાય છે.

ભાગતી ખૂશ્બુનો એ પીછો કરે,
આ હવા ત્યારે પવન થઈ જાય છે.