બે વર્ષ પહેલા લખેલી ગઝલ છંદ દોષ દૂર કરી અને નવા બે શેર સાથે ફરીથી -
આવી ચડે અચાનક એમાં મજા નથી,
તું હોય છો ને ઈશ્વર, મારી રજા નથી.
એકાદ હો તો માંડી હું વાત પણ કરું,
એના ઘણા ગુનાની કોઈ સજા નથી.
મંદિરની જેમ ઈશ્વર પત્થર બની જતે,
સારું થયું કે ઘર પર કોઈ ધજા નથી.
એ પાંદડાએ ખરતાં બસ એટલું કહ્યું:
'ખરવામાં છે ને એવી કોઈ મજા નથી.'
છતની જ સાથે સાથે, આકાશ પણ ગયું,
છે ડોક તો યે ઊંચી, એ પણ સજા નથી?
શાળા બહાર પહોંચ્યો વિસ્મય ખરીદવા,
તો ફેરિયાએ કીધું, 'એ ભાઈ જા, નથી!'
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો