શુક્રવાર, ઑક્ટોબર 10, 2008

ગઝલ - આશા પુરોહિત

આ ગઝલમાં સરળ શબ્દો દ્વારા કોઈનાથી છૂટા પડ્યાની વેદના, કોઈના ચાલ્યા જવાનો અફસોસ બહુ વેધક રીતે વ્યક્ત થયો છે.


તું ગઈ, ને, એટલે વરસાદ પણ ગયો,
જો પલળવાનો હવે ઉન્માદ પણ ગયો.

ચોતરફ એકાંતનો છે એવો દબદબો,
વીજળી-વાદળ ને જળનો નાદ પણ ગયો.

કંઠમાં આઘાતનો ડૂમો હજીયે છે,
લે, તને સંબોધવાનો સાદ પણ ગયો.

એકલા આ મૌનમાં જીવીને શું કરું,
તું નથી, ને, એટલે સંવાદ પણ ગયો.

હું તને શોધ્યા કરું, ને તું મળે નહીં,
આપણા મેળાપનો અપવાદ પણ ગયો.

ગુરુવાર, ઑક્ટોબર 09, 2008

ભીનું છલ - મકરન્દ દવે

શ્રી મકરન્દ દવેની એક ગઝલ. આપણી સામાન્યતઃ માન્યતા એવી કે એ ઋષિ કવિએ ગઝલ બહુ ખેડી નથી..પણ શ્રી અમૃત ઘાયલ સાથેનું ગઝલ પરનું સંપાદન 'છીપનો ચહેરો- ગઝલ'માંથી પસાર થાવ અને તમારી માન્યતાઓનો તમારી જાતે જ ભંગ કરો.


મજેદાર કોઈ બહાનું મળે,
અને આંખમાં કાંક છાનું મળે !

કહું શું ? કદી તારે ચરણે નમી,
ખરેલું મને મારું પાનું મળે.

ખબર તને મારી ખાતાવહી,
છતાં જો તો, લેણું કશાનું મળે.

વધે છે તરસ તેમ રણ છો વધે,
કહીં ભીનું છલ તો સુહાનું મળે.

હવે થાય છે તારી પાંપણ મહીં,
દરદ ઘેરા દિલને બિછાનું મળે.

બુધવાર, ઑક્ટોબર 08, 2008

ગઝલ- ભરત વિંઝુડા

આ ગઝલમાં ભરત વિંઝુડા એક જ શેરથી ગઝલને કેટલી ઉંચાઇ પર મૂકી દે છે! ભગવાનને અરજી કરે છે અને બહુ ભોળપણથી મોક્ષરૂપી સહી કરવાનું કહી દે છે!


સર્વ ખેંચાણમાંથી મુક્ત થાવું,
ખૂબ મુશ્કેલ છે લુપ્ત થાવું.

મારી અરજીમાં તું સહી કરી દે,
શક્ય છે આમ સંયુક્ત થાવું.

એ નિરાકાર જોયા કરે છે,
તારું કમરા મહીં લુપ્ત થાવું.

આ સ્વયંભૂ મળેલી સરળતા,
કેમ ત્યજવી અને ચુસ્ત થાવું.

વૃધ્ધ ને એક બાળક રમે છે,
એને જાણે નથી પુખ્ત થાવું!

મંગળવાર, ઑક્ટોબર 07, 2008

કદાચ- અનિલ જોશી

માણસ પોતાની જીંદગીને કેટલું ચાહે છે. પણ કોઇ એવું કહી દે કે જાઓ તમને મરવાની છુટ્ટી...તો જીંદગીને આટલી તીવ્રતાથી ચાહી શકાશે? કદાચ જીવી પણ લેવાનું વિચારો અને ત્યાં જ કોઈ કહે કે ઉપરથી અત્યારના ભીડની પરિસ્થિતિ જેમની તેમ રહેવાની અને એ સાથે કોઇ દિવસ મર્યા વગર જીવવાનું છે... તો?


આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

ઘરને ઉંબર
ઢળી પડેલા
સમી સાંજને તડકે
મારું ઝળહળ ઘરને નેવાં,
ને-
અવરજવરતી કીડીઓની લંગાર
જોઇ ને
અગન-થાંભલી
જઉં બાથમાં લેવા
કદાચ મારી પરિસ્થિતિની અગનથાંભલી
તડાક દઈને નહીં તૂટે તો?

આભ-ઊડતી
કુંજડીઓની કતાર
ગણવા સમી જિન્દગી
નહીં ખૂટે તો?

સોમવાર, ઑક્ટોબર 06, 2008

ગઝલ- અમૃત ઘાયલ

આ ગઝલ મૂકવા માટેનું ખાસ કારણ પહેલો, ચોથો અને પાંચમો શેર છે. શાયરી કરતા દરેકને એ શીખવાડે છે કે કઈ હદ સુધીનું સમર્પણ હોય અને બાકી બધુ સુખ એની વિસાતમાં કંઇ જ ના લાગે ત્યારે તમને શાયરી જાતે શોધીને તમારી આંગળીએથી અવતરે છે.


મોજ સઘળી એમનાથી હેઠ છે,
શાયરી બહુ ખુબસૂરત વેઠ છે.

બહુ સુરક્ષિત દીસતા આ પંથમાં,
કમ નથી ભયસ્થાન સારી પેઠ છે.

કોઇની છોડી હવે ના છૂટશે,
આ, કસુંબો પી કસેલી, ભેઠ છે.

જ્યારથી રૂઠી છે એ કાળી ઘટા,
ત્યારથી બારેય મહિના જેઠ છે.

સુખ ગણી જેને પ્રસંશે છે જગત,
એ અમે છાંડી દીધેલી એંઠ છે.

જાણતા ના હો તો જાણી લો હવે!
આ જ મારગ છે અને એ ઠેઠ છે.

લાક્ષણિકતા એ જ છે ઘાયલ તણી
છે સ્વ્યં નોકર, સ્વયં એ શેઠ છે.

રવિવાર, ઑક્ટોબર 05, 2008

સ્કેચ - ગુલઝાર(૧૯૩૪) (ઉર્દૂ) - સુરેશ દલાલ

યાદ છે એક દિવસ-
મારા ટેબલ પર બેઠા બેઠા
સિગારેટના બોક્સ પર તેં
નાનકડા છોડનો એક સ્કેચ બનાવ્યો હતો-
આવીને જો,
એ છોડ પર ફૂલ ખીલ્યા છે.

શનિવાર, ઑક્ટોબર 04, 2008

ગઝલ - શૈલેષ પંડ્યા

જીવવા માટે સતત છે દોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને,
બંધ આંખે ચિત્ર આપ્યું દોરવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

તેં કહ્યું ને મેં તરત માની લીધું પણ કૈંક સમસ્યા દોસ્ત રસ્તામાં હતી,
ઘર વગર સરનામું કાયમ શોધવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

સૂર્ય પાછો કાં ઊગ્યો? કાં આથમી સાંજે ગયો? ને રાત પણ શાને થઇ?
રોજ ઊઠી કોક કારણ બોલવાનુ, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

એમણે એવો સમયને સાચવ્યો કે ત્યાં જ ખોવાઇ ગયા'તા આપણે,
તોય ઘટનાઓ બનીને ડોલવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

આપણે હાથે જ સંબંધો સતત ઊગ્યા હતા, ફાલ્યા હતા ને અંતમાં,
આપણે હાથે જ સગપણ તોડવાનું, એ જ તો વાંધો પડ્યો છે શ્વાસને.

શુક્રવાર, ઑક્ટોબર 03, 2008

તમારું નામ - રમેશ પારેખ

જ્ઞાનવશ આંખોમાં કોઈ સ્વપ્ન પેસે જડભરત,
તે પછી હોઠે તમારું નામ આવે છે તરત.

ખાતરી કરવા અરીસાને ચૂંટી ખણવી પડે,
આટલા દુષ્કાળમાં આંખોનું ભીંજાવું સતત?

અક્ષરો પાડું, ધકેલું, ચીતરું, ઘૂંટું, ભૂંસું,
હું રમું કાગળની વચ્ચે તમને મળવાની રમત.

આજ કુંડામાં ઊગ્યું છે સાવ નાનું એક ફૂલ,
તમને એનું ધીમું ધીમું ઝુલવું કેવું ગમત!

ધૂળમાં ચકલીને ન્હાતી જોઈને થાતું, રમેશ
આપણે વરસાદની આવી જ બાંધી'તી મમત

ગુરુવાર, ઑક્ટોબર 02, 2008

ઘર મને એવું ગમે - બી. કે. રાઠોડ'બાબુ'

આંગણું દે આવકારો, ઘર મને એવું ગમે
બારણાં બોલે પધારો, ઘર મને એવું ગમે

હો પગરખાંનો પથારો, ઘર મને એવું ગમે
હોય જે ઘરને ઘસારો, ઘર મને એવું ગમે

કાયમી જ્યાં છમ્મલીલાં લાગણીના ઝાડ હો,
કાયમી જ્યાં હો બહારો, ઘર મને એવું ગમે

નીંદની ચાદર હટાવે, ઝાડવાંના કલરવો,
હો સુગંધી જ્યાં સવારો, ઘર મને એવું ગમે

જે ઘરે લાગે અજાણ્યાને ય પણ પોતાપણું,
લોક જ્યાં ચાહે ઉતારો, ઘર મને એવું ગમે

થાકનો ભારો ઉતારે, કોઇ આવી ડેલીએ,
સાંપડે જ્યાં હાશકારો, ઘર મને એવું ગમે

મંદિરો શી શાંતિ જ્યાં સાંપડે આ જીવને,
જ્યાં રહે ચડતો સિતારો, ઘર મને એવું ગમે

બુધવાર, ઑક્ટોબર 01, 2008

ગીત - હિતેન આનંદપરા

સહજ તને હું સ્મરું
મારી બધ્ધી ખુશીઓ તારી હથેળીઓમાં ધરું


સમય વહે છે જાણે ઝરણું વહેતું ખળખળખળ
રૂનો ઢગલો મને અચાનક લાગે છે વાદળ
સ્મરણોની નૌકામાં બેસી દૂર દૂર હું સરું

પળને રોપું તો એમાંથી ઊગે પારિજાત
પંખી મારી સામે બેસી કરે છે તારી વાત
મારું ક્યાં કંઈ ચાલે છે અહીં, સમય કહે તે કરું