શનિવાર, જાન્યુઆરી 27, 2007

માણસ.....

સુરત શહેરને માણસ નામના સામાજીક પ્રાણી સાથે કદાચ કંઈક અજીબ નાતો છે અને 'માણસ' શબ્દ સાથે પણ,

સુરતની બીજી બધી વાતો સાથે ભલે ગાળો મશહૂર હોય પણ ત્યાં એક non abusive zone હોવો જોઇએ અને ત્યાં સુરતના અદભૂત કવિઓ વસે છે! એમાંના એક એટલે શ્રી ભગવતીકુમાર શર્મા..હવે વાતને વધારે શણગાર્યા વગર એમની લખેલી એક મારી પ્રિય ગઝલ....

એક બાજુ એવી વાત છે કે કોઇ પણ માણસની એક જુદી ઓળખાણ અને વ્યક્તિત્વ હોય છે અને દરેક માણસ એક purpose લઈને પૃથ્વી ઉપર આવ્યો હોય છે પણ મોટા ભાગના માણસો આ સમજણ સુધી નહિ પહોંચી શકવાના કારણે ટોળાનો એક અંશ બનીને રહી જાય છે અને બીજી બાજુ એમ પણ વિચારવા જેવુ ખરુ કે ખરેખર આપણે કોણ, એ સવાલ જો સમગ્ર બ્રહ્માંડના પરિપેક્ષમાં વિચારીયે તો આપણી જાત એક તણખલા જેવી અને આપણુ સમગ્ર જીવન યુગોની સાપેક્ષમાં શ્વાસની તુચ્છ ઘટના જેવુ જ લાગે..

અમે આંધી વચ્ચે તણખલાના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ


માણસ વિચારે ચડે કે વાતોએ ચડે ત્યારે સુખની બહુ ઓછી અને દુ:ખની અને સમસ્યાઓની વધારે વાત થાય અને એમાં આપણે જાતે અને ચર્ચામાં ભાગ લેનાર માણસો સિવાયની આખી દુનિયા કેવી રીતે જવાબદાર છે એની પણ વાત થાય..આ આપણી વારસાગત સમસ્યા છે..

ફટાણાના માણસ, મરસિયાના માણસ
અમે વારસાગત સમસ્યાના માણસ


વિચારવાન અને ચિંતન કરનાર લોકોની ઊંઘ ઉડી ગઈ છે અને એ લોકો એક ઉજ્જળ સવારની પ્રતિક્ષામા છે પણ એમના કમનસીબે એ પ્રતિક્ષા સદીઓ સુધીની શાશ્વત પ્રતિક્ષા છે...

'કદી'થી 'સદી'ની અનિદ્રાના માણસ
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ


આજુબાજુમાં રહેલા પાર વગરના માણસો અને સંબંધોને સાચવવામાં આપણે ખુદને જ મળી શકતા નથી..એ લોકો, ટોળાઓ એક એવો રસ્તો બની જાય છે તમારી અને તમારા માંહ્યલા વચ્ચે જેના ઝીબ્રા ક્રોસિંગ પર રસ્તાની બે બાજુએ તમે અને તમારો માંહ્યલો એક બીજાને મળવા માટે ઝૂર્યા જ કરો..ઝૂર્યા જ કરો

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ
સડકવન્ત ઝીબ્રાતા ટોળાના માણસ


જીંદગી આખી કોઈ ને કોઈ બાબત માટે 'હા-ના'ના નાના-મોટા નિર્ણયો લેવાના જ હોય છે.શું આપણે દરેક Shakespeerનો Hamlet નથી?

શીખર? ખીણ? ધુમ્મસ? સુરજ? કે કશુ નૈ
'To Be-Not To Be'ની 'હા-ના'ના માણસ


આ બધા છતા તમે જો થોડુ અંદર ઉતરીને જુઓ તો આપણે સતત વિકસતા, ઘડાતા રહીએ છે..

ભરત કોઇ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ


મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે
હતા આપણે મૂળ તડકાના માણસ

શનિવાર, જાન્યુઆરી 20, 2007

તારી હથેળીને...

શ્રી તુષાર શુક્લ, જે આકાશવાણીની અમદાવાદ ઓફિસમાં ઉંચા હોદ્દા પર કામ કરે છે, સુગમ સંગીતના કાર્યક્રમોનુ અદભૂત સંચાલન કરે છે, એમની એક all time great રચના જેનુ શ્રી સૌમિલ મુનશીએ ખૂબ સુંદર composition પણ બનાવ્યુ છે.....

તારી હથેળીને દરિયો માનીને કોઇ ઝંખનાને સોંપે સુકાન
એને રેતીની ડમરીનો ડુમો મળે તો એનો અલ્લાબેલી,

ખજૂરીની છાંયામાં વરસે છે ઝાંઝવા ને વેળૂમાં તરસે છે વ્હાણ,
કૂવાથંભેથી હવે સોણલાં રડે ને કોરી આંખોને અવસરની જાણ,

તારી હથેળીને રેતી માનીને કોઈ ઊંટોના શોધે મુકામ,
એને કોરીકટ માછલીની જાળો મળે, તો એનો અલ્લાબેલી

કોની હથેળીમાં કોનુ છે સુખ, કોને દરિયો મળે કોને રેતી,
વરતારા મોસમના ભૂલી જઈને એક ઝંખનાને રાખવાની વ્હેતી

તારી હથેળીને માની કિનારો કોઈ લાંગરેને ઉઠે તોફાન
એના ઓસરતી વેળૂમાં પગલા મળે તો એનો અલ્લાબેલી


સોમવાર, જાન્યુઆરી 15, 2007

થોડા છોક્કરી ગીતો!!

એવુ ન હતું કે રમેશ પારેખે જ આવા ગીતો Introduce કર્યા, કયા ગીતો! છોક્કરી ગીતો...એવી ઉંમરના યુવક-યુવતીની વાત કે જે હજુ હમણાં સુધી કિશોર-કિશોરી, તરુણ-તરુણી હતા અને હજુ Full-Fledged યુવાન-યુવતી થયા નથી..એ કઈ ઉંમર..જી હા.. એ ઉંમર 16ની...

આવા ગીતો તો એ પહેલા ય હતા..

થાંભલીનો ટેકો ને ઓશરીની કોર,
કણબીની છોકરી એ પાળ્યો છે મોર
મોર ટહૂકા કરે


.....પણ સાહેબ..રમેશ પારેખે એ 16 વર્ષની છોકરી ને છોક્કરી બનાવી અને એના માટે શ્રી મુકુલ ચોકસીએ કહ્યું,

કાનથી સુંઘાય નહીં, તો ય કોઇ કાનમાં રોજ પૂમડું અત્તરનું ખોસે,
એવી રીતે એક છોક્કરીને વર્ષ સત્તરમું બેસે.........



શ્રી રમેશ પારેખે લખેલું મારું પ્રિય છોક્કરી ગીત,

એક છોકકરાએ સીટીનો હિંચકો બનાવીને છોક્કરીને કીધું, લે ઝૂલ,

પછી છોક્કરાએ સપનાનું ખીસ્સુ ફંફોસીને સોનેરી ચોકલેટ કાઢી રે,
ને છોક્કરીની આંખમાંથી સસલીના ટોળાએ ફેંકી ચીઠ્ઠીઓ અષાઢી રે,
સીધ્ધી લીટીનો સાવ છોક્કરો, તે પલળ્યો ને બની ગયો બે-ત્રણ વર્તુળ

છોક્કરીને શું એ તો ઝૂલી, તે એને ઘેર જતા થયું સહેજ મોડું રે,
જે કંઈ થવાનું હતું એ છોક્કરાને થયું, એના સાનભાન ચરી ગયું ઘોડું રે,
બાપાની પેઢીએ બેસીને રોજ-રોજ ચોપડામાં ચીતરતો ફૂલ...


અને for a change..આ વખતે એક મારું છોક્કરી ગીત...


બારી ખોલો તો આકાશે સૂરજ નામે શૂન્ય મળે
સામેની બારી જુઓ તો છોકરી નામે પૂણ્ય મળે

છોકરી ના હોય તો એની બારીમાં જોવાનો મહિમા અપરંપાર છે
છોકરી ને જોવાની માનતામાં છોકરાના કપાળે ચોખા ચાર છે
બારીમાં છોકરીએ સૂક્વ્યો રુમાલ, છોકરાને માટે તો પૂજ્ય મળે

મંદિરમાં છોકરીના પગલાં પડે તો મંદિર આ આખું છલકાય છે,
આજકાલ છોકરાઓ ધાર્મિક થયા કહી પૂજારી મનમાં હરખાય છે
મૂર્તીના દર્શન તો થાય ત્યારે થાય, એને છોકરીના દર્શનથી ધન્ય મળે

બારીમાં આવીને વાળને સંવારવાનો છોકરીનો રોજનો ક્ર્મ,
છોકરીને વાંચવાને વાંચવામાં બગડ્યો, છોકરાનો અભ્યાસક્રમ
છોકરીને વાંચવામાં અવ્વલ નંબર, પછી છોને પરીક્ષામાં શૂન્ય મળે

નોટોની આપ-લેના સરળ કારણસર, છોકરીના ઘેર આંટાફેરા,
છોકરાની કલ્પનાને ફૂટી ગઈ પાંખ, મનમાં એ રોજ ફરે ફેરા
ધારોકે છોકરીનું ક્યાંક બીજે થાય, તો છોકરો નામે નગણ્ય મળે
-2002-03

મંગળવાર, જાન્યુઆરી 09, 2007

મને ખ્યાલ પણ નથી...

ગીતના કવિ અને મોટા ગજાના પત્રકાર શ્રી હરિન્દ્ર દવેની આ અદભૂત ગઝલ ગઈકાલે 'ગ્રંથ માધુર્ય' કાર્યક્રમ અંતર્ગત શ્રી રાજેશ વ્યાસ 'મિસ્કીને' પઠન કરી. શ્રી પુરુષોત્તમ ઉપાધ્યાયે આ ગઝલને સુંદર રીતે સ્વરબદ્ધ કરી છે.

આંસુને પી ગયો છું, મને ખ્યાલ પણ નથી
એક રણ તરી ગયો છું, મને ખ્યાલ પણ નથી


હવે પછીનો શેર...કોઈ જીવનમાંથી જતું રહે અને એને ભૂલી જવાના બળપૂર્વકના બહુ જ પ્રયત્ન કરો..અને એ નિષ્ફળ પ્રયત્નો ઉપર તમારું ધ્યાન એટલું કેન્દ્રિત થઈ જાય કે..એટલું કેન્દ્રિત થાય કે એમાં એ વ્યક્તિને જ ભૂલી જવાય તો! (એ વાત જુદી છે કે સાચે જ જો કવિ એ પ્રિયજનને ભૂલી ગયા હોત તો આ શેર આવત?!)

તમને ભૂલી જવાના પ્રયત્નોમાં આજકાલ,
તમને ભૂલી ગયો છું મને ખ્યાલ પણ નથી


જીભ બહુ શક્તિશાળી હથિયાર છે, એને સારી રીતે વાપરો તો તમને ઘણા ફાયદા થઈ શકે, પણ એમાંથી નીકળેલી થોડીક અવળી વાણી પણ આજીવન મીત્રોને દુશ્મન બનાવી શકે છે....

વાતાવરણમાં ભાર છે મીત્રોના મૌનનો,
હું શું કહી ગયો છું, મને ખ્યાલ પણ નથી


અને...જાને ગઝલ શેર...નાનામાં નાનો માણસ..અરે...આપણે દરેક જણ...પોતાના સ્વમાન માટે બહુ જાગ્રુત હોઈએ છીએ અને એવો દાવો કરીએ છીએ કે સ્વમાન બચાવવા આપણે કંઈ પણ ભોગ આપવા તૈયાર છીએ..હવે આ 'કંઈ પણ'નો મનગમતો અર્થ લઈને શાયર કેટલો જાનદાર અને કદાચ આપણા દરેક માટે ક્યારેક ને ક્યારેક સાચો પડતો શેર આપે છે!

મારું સ્વમાન રક્ષવા જાતા કદી કદી,
હું કરગરી ગયો છું મને ખ્યાલ પણ નથી

શનિવાર, જાન્યુઆરી 06, 2007

આપી આપીને સજન

શ્રી વિનોદ જોશી, જે ભાવનગર યુનિ.ના વાઈસ ચાન્સેલર પછી અને ગુજરાતી કવિતાને તળપદી, ગામડાના લોકજીવનની મીઠાશનો અદભૂત અનુભવ કરાવનાર ઉત્તમ ગીતો આપનાર કવિ પહેલા..એમનુ એક અદભૂત ગીત માણીએ..



આપી આપીને સજન પીંછુ આપો,
જો તમે પાંખો આપો તો અમે આવીએ..

ચાંદો નીચોવી એના વાટકા ભર્યા,
ને એને મોગરાની કળીએ હલાવ્યા
આટલા ઉઝરડાને શમણું ઓઢાડી
અમે ઉંબરની કોર લગી લાવ્યા

આપી આપીને સજન ટેકો આપો,
જો તમે નાતો આપો તો અમે આવીએ

કાગળમાં કાળઝાળ રેતી વિંઝાય
અને લેખણમાં મૂકી છે લૂ
આંગળીઓ ઓગળીને અટકળ થઈ જાય,
અમે લખીએ તો લખીએ પણ શું?

આપી આપીને સજન આંસુ આપો,
જો તમે આંખો આપો તો અમે આવીએ

શુક્રવાર, જાન્યુઆરી 05, 2007

મળે ના મળે....

વતન કાયમ માટે છોડવાનું આવે તો મારી-તમારા જેવા સામાન્ય જનોની વિચારવાની શક્તિ, જવાના દુ:ખમાંને દુ:ખમાં ઓછી થઈ જાય, પણ જો આપણી જગ્યાએ શ્રી આદિલ મનસૂરી હોય તો જવાની વેદના ગઝલરૂપે આવે, કંઈક આવી રીતે...

શ્હેર છોડવાનું હોય અમદાવાદ...એને શ્રેષ્ઠ કાવ્યાત્મક રીતે વર્ણવવું હોય તો અમદાવાદ એટલે સાબરમતી નદીની રેતમાં રમતું નગર જેવી ઉપમા આપવા માટે આદિલ મનસૂરી થવું પડે! ગઝલનો પહલો શેર..મત્લા જુઓ..

નદીની રેતમાં રમતું નગર મળે ના મળે,
ફરી આ દૅશ્ય સ્મ્રૂતિપટ ઉપર મળે ના મળે


વતનની માટીની પણ એક સુંગધ હોય છે અને વતન છોડ્યા પછી ભલે રાજ-પાટ મળે પણ એ માટીની સુગંધ ક્યાં મળે છે! તો એ સુગંધનો દરિયો શ્વાસમાં ભરીને લઈ જઈએ તો...જુઓ આ બીજો શેર...

ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો,
પછી આ માટીની ભીની અસર મળે ના મળે


હવે પછીના બે શેર સરળ પણ અર્થપૂર્ણ છે..

પરિચિતોને ધરાઈને જોઇ લેવા દો,
આ હસતા ચહેરા; આ મીઠી નજર મળે ના મળે


ભરી લો આંખમાં રસ્તાઓ, બારીઓ, ભીંતો,
પછી આ શહેર, આ ગલીઓ, આ ઘર મળે ના મળે


મને સૌથી વધુ ગમતો શેર..જાને ગઝલ શેર!! કોઇના મ્રૂત્યુ પછીનું રડવાનું અત્યારે જ પતાવો..એ સ્વજનના કે તમારા મ્રૂત્યુ પ્રસંગે પછી રડવાની તક ના પણ મળે...

રડી લો આજ સંબંધોને વીંટળાઈ અહીં
પછી કોઈને કોઇની કબર મળે ના મળે


વતન છોડીને સફરે નીકળો, તો પછી સારો સથવારો ના પણ મળે..તો...

વળાવા આવ્યા છે એ ચહેરા ફરશે આંખમાં,
ભલે સફરમાં કોઇ હમસફર મળે ના મળે


અને મક્તાનો શેર..

વતનની ધૂળથી માથુ ભરી લઉં આદિલ
અરે આ ધૂળ પછી ઉમ્રભર મળે ના મળે


no doubt..કે ગુજરાતી સાહિત્યની શીરમોર રચનાઓમાં આ ગઝલ સ્થાન પામી છે...

ગુજરાતી કવિતા

મીત્રો,

રીડ ગુજરાતી.કોમ, ઝાઝી.કોમ, ગઝ્લગુર્જરી.કોમ જેવી અનેક સુંદર વેબસાઈટોએ સાબિત કર્યું છે કે ગુજરાતી સાહિત્યમાંથી સામાન્યજનનો રસ ઓછો થવાલાગ્યો છે એ માન્યતા સાવ સાચી નથી. તમે નવા છપાતા પુસ્તકો અને તેની આવ્રુતિની સંખ્યા જુઓ તો કદાચ એમ માનવાનું મન થાય પણ ઉપર જણાવેલી વેબસાઈટોની લોકપ્રિયતા કંઈક જુદુ જ ચીત્ર ઉભુ કરે છે અને એ કદાચ ગુજરાતી સાહિત્યની ઉજ્જવળ આવતીકાલનું ચીત્ર છે.

ગુજરાતી પ્રજા દુનિયાના ઘણા દેશોમાં વસે છે અને ભારત અને એમાંય ગુજરાત છોડ્યા પછી દુનિયાના છેડે બેઠા બેઠા, જ્યારે સંપતિ અને કેરિયરના પ્રશ્નો અંગત જીવનમાં હલ થવા લાગે છે ત્યારે વતન અને વતનની વાતો એવી યાદ આવે છે કે ત્યારે ત્યાં બેઠા બેઠા ઇન્ટર નેટના માધ્યમથી ગુજરાત વીશે અને ગુજરાતી સાહિત્યનો શોખ હોય તો એના વીશે કંઈ જાણવા મળે તો મજજા પડી જાય છે. આવા મીત્રો માટે આ જ બ્લોગ...

અને ગુજરાતમાં અને બહાર વસતા એવ મીત્રો કે જે એવુ માને છે કે ગુજરાતી કવિતા એટલે વીર ------- વાળાના ગીતો! તેમના માટે આ બ્લોગમાં એવા ગીત-ગઝલનો આસ્વાદ કરાવવાનો નમ્ર પ્રયત્ન છે કે જે ગુજરાતી ગીત-ગઝલનું સાચું જેવુ છે તેવું રૂપ તમારી સામે લાવે.