શનિવાર, જાન્યુઆરી 27, 2007

માણસ.....

સુરત શહેરને માણસ નામના સામાજીક પ્રાણી સાથે કદાચ કંઈક અજીબ નાતો છે અને 'માણસ' શબ્દ સાથે પણ,

સુરતની બીજી બધી વાતો સાથે ભલે ગાળો મશહૂર હોય પણ ત્યાં એક non abusive zone હોવો જોઇએ અને ત્યાં સુરતના અદભૂત કવિઓ વસે છે! એમાંના એક એટલે શ્રી ભગવતીકુમાર શર્મા..હવે વાતને વધારે શણગાર્યા વગર એમની લખેલી એક મારી પ્રિય ગઝલ....

એક બાજુ એવી વાત છે કે કોઇ પણ માણસની એક જુદી ઓળખાણ અને વ્યક્તિત્વ હોય છે અને દરેક માણસ એક purpose લઈને પૃથ્વી ઉપર આવ્યો હોય છે પણ મોટા ભાગના માણસો આ સમજણ સુધી નહિ પહોંચી શકવાના કારણે ટોળાનો એક અંશ બનીને રહી જાય છે અને બીજી બાજુ એમ પણ વિચારવા જેવુ ખરુ કે ખરેખર આપણે કોણ, એ સવાલ જો સમગ્ર બ્રહ્માંડના પરિપેક્ષમાં વિચારીયે તો આપણી જાત એક તણખલા જેવી અને આપણુ સમગ્ર જીવન યુગોની સાપેક્ષમાં શ્વાસની તુચ્છ ઘટના જેવુ જ લાગે..

અમે આંધી વચ્ચે તણખલાના માણસ,
પીળા શ્વાસની તુચ્છ ઘટનાના માણસ


માણસ વિચારે ચડે કે વાતોએ ચડે ત્યારે સુખની બહુ ઓછી અને દુ:ખની અને સમસ્યાઓની વધારે વાત થાય અને એમાં આપણે જાતે અને ચર્ચામાં ભાગ લેનાર માણસો સિવાયની આખી દુનિયા કેવી રીતે જવાબદાર છે એની પણ વાત થાય..આ આપણી વારસાગત સમસ્યા છે..

ફટાણાના માણસ, મરસિયાના માણસ
અમે વારસાગત સમસ્યાના માણસ


વિચારવાન અને ચિંતન કરનાર લોકોની ઊંઘ ઉડી ગઈ છે અને એ લોકો એક ઉજ્જળ સવારની પ્રતિક્ષામા છે પણ એમના કમનસીબે એ પ્રતિક્ષા સદીઓ સુધીની શાશ્વત પ્રતિક્ષા છે...

'કદી'થી 'સદી'ની અનિદ્રાના માણસ
પ્રભાતોની શાશ્વત પ્રતિક્ષાના માણસ


આજુબાજુમાં રહેલા પાર વગરના માણસો અને સંબંધોને સાચવવામાં આપણે ખુદને જ મળી શકતા નથી..એ લોકો, ટોળાઓ એક એવો રસ્તો બની જાય છે તમારી અને તમારા માંહ્યલા વચ્ચે જેના ઝીબ્રા ક્રોસિંગ પર રસ્તાની બે બાજુએ તમે અને તમારો માંહ્યલો એક બીજાને મળવા માટે ઝૂર્યા જ કરો..ઝૂર્યા જ કરો

અમે અમને મળવાને ઝૂરતા જ રહીએ
સડકવન્ત ઝીબ્રાતા ટોળાના માણસ


જીંદગી આખી કોઈ ને કોઈ બાબત માટે 'હા-ના'ના નાના-મોટા નિર્ણયો લેવાના જ હોય છે.શું આપણે દરેક Shakespeerનો Hamlet નથી?

શીખર? ખીણ? ધુમ્મસ? સુરજ? કે કશુ નૈ
'To Be-Not To Be'ની 'હા-ના'ના માણસ


આ બધા છતા તમે જો થોડુ અંદર ઉતરીને જુઓ તો આપણે સતત વિકસતા, ઘડાતા રહીએ છે..

ભરત કોઇ ગૂંથતું રહે મોરલાનું
અમે ટચ્ચ ટૂંપાતા ટહુકાના માણસ


મળી આજીવન કેદ ધ્રુવના પ્રદેશે
હતા આપણે મૂળ તડકાના માણસ

1 ટિપ્પણી: