સોમવાર, જૂન 10, 2013

શું કરે હેં! બધા કશ એ સિગરેટના!



બધા નીકળે છે લગાવી ગળે દૂરતા,
થશે ક્યારે ઓછી કપાળે એકાદી રેખા?

તમે જોઈને એ જરા પણ ન'તા ખળભળ્યા,
એથી વૃદ્ધના હાથ થોડું હશે ધ્રુજતા?
 
દિવાલો ચણો આંગળા વચ્ચે ધારો તમે,
પછી શું કરે હેં! બધા કશ એ સિગરેટના!
 
કરત તો ય પણ ધર્મ કે દેશથી ભાગ એ?
તફાવત મળત એને લોહીના જો રંગમાં?
 
ટળી જાય આફત, ફળી જાય આફત કદી,
છે અપવાદ રોજીંદી ઘટમાળ માફક ઘટ્યા.


(27.04 -09.05.2013)

શનિવાર, મે 18, 2013

નિર્જળ તરતા રહે..


મણકા માળાને આગળ પાછળ કરતા રહે,
જળ પર જાણે કે કોઈ નિર્જળ તરતા રહે.

આખે આખી અવઢવને ઓગાળી નાખી,
પગલે પગલાથી તો પણ પગરવ ડરતા રહે.

હોડી પહોંચી સાગર વચ્ચે સૂક્કી બોલો
ને કાંઠા કેવા હાંફળ ફાંફળ ફરતા રહે.

પાના ને વર્ષો ઊભા છે બસ ત્યાં ને ત્યાં,
હરણા વેગે રણઝણ થઈ સ્મરણો સરતા રહે.

ધારોકે પારેવા થઈ કાગળ વીંઝે પાંખ,
ફૂલો જેવું ઝરમર શબ્દો પણ ઝરતા રહે.

(૦૨-૧૮.૦૨.૨૦૧૩)

સોમવાર, મે 06, 2013

ગૂગલ કરો….

શ્વાસ ઉંડા ના ભરો, ગૂગલ કરો.
બહુ મથામણ ના કરો, ગૂગલ કરો.
 
એમણે સરનામુ બદલ્યું છીપનું,
આમ ઊંડે ના તરો, ગૂગલ કરો.
 
એ નદી સૌની ઉપરવટ જાય છે,
એમ કહે છે સાગરો?, ગૂગલ કરો.
 
સાંભળ્યું છે એ ડિજિટલ થઈ ગયા,
ધ્યાન એનું ના ધરો, ગૂગલ કરો.
 
(૨૦.૦૧.૨૦૧૩)

શનિવાર, જાન્યુઆરી 05, 2013

કેટલી ઓછી થઈ?

- થોડા સુધારા સાથે ફરી..


સાંજ થઈ, અખબારજીની દિવસતા, કેટલી ઓછી થઈ?
બંધ આ ઘડિયાળજીની સમયતા, કેટલી ઓછી થઈ?

'યાદ આવ્યું ગામ, ને આંખ ભીની થઈ નહીં' ના કારણે,
એક એ વસનારજીની નગરતા કેટલી ઓછી થઈ?

છાપરું કંઈ બોલશે તો પછી હાલત થશે એ બીકથી,
આજ આ વરસાદજીની હરફતા કેટલી ઓછી થઈ?

કેટલા વર્ષો પછી એ જરા સામા મળ્યા,તો એ પછી,
આપણા મનરાયજીની વગરતા કેટલી ઓછી થઈ?



- Written between March 8 to April 15, 2012. Modified on 05 Jan, 13.

મંગળવાર, જાન્યુઆરી 01, 2013

તો પ્રતિક્ષા ફાડવી!...

- એક જૂની ગઝલ જેના બે શેરમાં સંતોષ ન'તો થયો, એ બે શેર બદલીને ફરીથી...

લે, તરસને સાચવી,
કયાં નદીને રાખવી?

બારણા જેવી સરળ,
ભીંત ક્યાંથી લાવવી?

દ્રશ્ય ભીનુ થઈ ગયું?
આંખ લૂછી નાખવી.*

વાત પૂરી ના થઈ?
તો ક્ષણો અટકાવવી.*

પત્ર એનો ના મળે,
તો પ્રતિક્ષા ફાડવી!


From 2 to 10 Sep, 11 and modified on 30 Dec,12.

સોમવાર, ડિસેમ્બર 24, 2012

કહેવાય ના કારીગરી?...

મીણબત્તી ગાંઠની ખર્ચી અમે proxy ભરી,
ને સવારે સૂરજે આવીને દમદાટી કરી.

પાર જેને માટે થઈ દીવાનગીની હદ કરી,
એમણે સામે હવે ભારે સમજદારી ધરી.

વાસેલાને વાસવાનું શક્ય પણ બનશે ફરી,
આપણે ખોલી શક્યા જો આ-પણાને બસ જરી.

ઢાળને ગમતું નથી ઊંચા થવું નીચે જવું,
વાત પણ સરખાપણાની સહેજ ના કાને ધરી.

આગ જ્યાં અટકી હતી ને, જ્યાં ધુમાડો છે શરૂ,
ત્યાં હવાના કામને કહેવાય ના કારીગરી?

 

તો ચાલશે...

બિલ્લી પગે આવી જશે તો ચાલશે,
ધીમેથી સમજાવી જશે તો ચાલશે.

માંગ્યા છતાં પણ હાથ ઉંચો રાખતા,
જો આપને ફાવી જશે તો ચાલશે.

સસલાપણું જો કાચબાને આવશે,
કીડી ય હંફાવી જશે તો ચાલશે!

જોડે નહી તું હાથ, ના ઉંચા કરે,
થોડાક લંબાવી જશે તો ચાલશે.

અજવાળું આપ્યું ના ભલે થોડું અમને,
આખ્ખુ જ સળગાવી જશે તો ચાલશે.

ગુરુવાર, ડિસેમ્બર 06, 2012

પછી દુઆ અસર કરે


તમે કરો કરમ પછી જ એ નજર કરે.
દવા કરો, જરા પછી દુઆ અસર કરે.

અમે સમજાવી થાક્યા આંખને શું કામ તું,
ન દેખે એ, જગત જેને ટગર ટગર કરે.

ન આપે એ મદદ, કદી ય હાથ આપે ના.
જરા એ કામની દિશા ભણી નજર કરે.

બધાય ગામને એ જત જણાવો કે હવે
તમારે ત્યાં જવાની ઈચ્છા સહુ નગર કરે.

સવાલો કેટલા સહેલા કરે છે જીંદગી પણ,
જવાબો તો યે તું કેવા લઘર વઘર કરે.

શનિવાર, ડિસેમ્બર 01, 2012

એ કહો....


સ્વતંત્ર શેર..

કટકે કટકે મળી સજા, દુઃખ છે એ વાતનું,
પણ ન એને પડી મજા,દુઃખ છે એ વાતનું.


અને ગઝલ...

આભમાં શું કામ ના ઊડે પહાડો, એ કહો.
કેમ ના ખોદી શક્યા પાણીમાં ખાડો, એ કહો.

જો તમારા હાથને હથિયાર એવું નામ દઉં,
તો સમયના હાથને કેવા મરોડો, એ કહો.

બે હથેળીમાં છુપાવો ચાંદ આખો, એ પછી,
કેવું કોને કેટલું ક્યારે દઝાડો, એ કહો.

શ્વાસ આ તારી હવાના કાયદાની હદમાં લઉ,
કઈ કલમમાં બંધ અમને બેસાડો, એ કહો.

આઈનો અકબંધ હોવાની મને ચિંતા નથી,
કેમ ના જોઈ શક્યો મારી તિરાડો, એ કહો.

રવિવાર, નવેમ્બર 18, 2012

આભને ખોવું નથી...


બોલવા જેવું નથી,
શાંત પણ રહેવું નથી.

આ હવાને પૂછ ના,
કેમ કંઈ કહેવું નથી?

છત વગરની વાત છે,
આભને ખોવું નથી.

એક સન્નાટો ફકત?
કંઇ બીજું સહેવું નથી?

ચાલ મન લઈ બેસીએ
કોઈએ એવું નથી.