સોમવાર, નવેમ્બર 12, 2012

તાલ હું જોઉં છું....

વાત ના જોઉં બસ ભાવ હું જોઉં છું,
શબ્દ વચ્ચે જગા, ખાસ હું જોઉં છું.

રાતના snow પડે, ને દિવસ છે sunny,
Season કે તારો સ્વભાવ હું જોઉં છું?

આગવા રંગને ઢંગને ઓળખે,
એ પરખદારની રાહ હું જોઉં છું.

હાથ બળશે ખબર છે મને તો ય પણ,
ભંગ ના થાય એ રાસ હું જોઉં છું.

ખોલશે ગૂંચને બંધ પોતે થશે,
સહેજ ત્યાં દૂરથી તાલ હું જોઉં છું.

શનિવાર, નવેમ્બર 10, 2012

મુકતક - ગુંજન ગાંધી


જૂની રસમો કે રિવાજો કોઈ રીતે તોડીએ,
પાંખ કે સીડી વડે ઉપર જવાનું છોડીએ.

મિત્રતા જો દોર જેવી બાંધતા ફાવી ગઈ,
તો પતંગો જેમ નાતો આભ સાથે જોડીએ.

રવિવાર, ઑક્ટોબર 28, 2012

જઈશ ક્યાં?


ઓઢેલું ખસી ગયું આભ તો જઈશ ક્યાં?
પહેરેલો મળે નહી ભાર તો જઈશ ક્યાં?

જીતી હતી લટ ભલે આમ સાંજથી પણ,
ઉકલે નહીં આખી જો રાત તો જઈશ ક્યાં?

સોમવાર, ઑક્ટોબર 22, 2012

જાણકારી ફૂલની...


સહેજ અમને જાણકારી ફૂલની આપી ખરી,
એમણે આખી કથા કાંટા વીશે છાપી ખરી.

એક ચકલી એટલે અકળાય છે માણસ ઉપર,
શહેરમાંથી એક માળાની જગા કાપી ખરી!

રાત આખી વીતવાનો ઓગળ્યો અફસોસ કે,
આખરે ગહરાઈ એ લટની અમે માપી ખરી.

ઉપ્પરવાળો પણ ના ઉથલાવી શકે એને કદી,
જીંદગીમાં એક એવી ક્ષણ તમે સ્થાપી ખરી?

લાગણીને લાલ જાજમ જેમ રાખો પાથરી,
તો કદાચ એ આવશે, એવી સમજ વ્યાપી ખરી?

મુકતક - ગુંજન ગાંધી


એકદમ ખખડી ગયેલી સાંજનું તારણ તને હું શું કહું?
હોઠથી લપસી પડેલી વાતનું ભારણ તને હું શું કહું?

ચાલ ધીમી, શ્વાસ ઝડપી, હોઠ સૂકા, ઘર કને પહોંચ્યા પછી,
ને વજન ખાલી બધા ખિસ્સાનું થોડા મણ, તને હું શું કહું?

શનિવાર, ઑક્ટોબર 20, 2012

થોડા સ્વતંત્ર શેર...ગુંજન ગાંધી



સાંકળો, તાળા અને બંધ ભારે બારણા,
વેલકમ મેટ કરે, 'હોવું' શું? - વિચારણા.

******************************************************


સહેજ તો એનીય તૈયારી હતી,
ક્યાં પવનને વાસવી બારી હતી.

******************************************************

સમયના વ્હેણને વાળી અને બચપણ તરફ લઈને જવું છે.
તમારી લાગણીનું ધણ હવે વળગણ તરફ લઈને જવું છે.

******************************************************

સોમવાર, સપ્ટેમ્બર 24, 2012

એક લઘુ કાવ્ય


અનુસરું કે ઓળંગુ,
કે પછી હું જ બની જઉં, 
બસ એ જ વિચારોમાં
હું ઉભો રહી જાઉં છું,
ત્યાં ને ત્યાં,
રસ્તા ઉપર....


Written on 22 Sep, 2012.

રવિવાર, સપ્ટેમ્બર 16, 2012

બાળક ફરી બની જો....



હસતા રહી ખુશીમાં,તું દુઃખને રડી જો
ટાઈમ મશીનમાં બેસી, બાળક ફરી બની જો.

પાંખો ખુલે હવે બસ, એ રાહમાં જગત છે,
તું પીંજરે નથી એ બાબત ખરી કરી જો.

એના એ હાવભાવો, ના હાસ્ય પણ જરાયે,
જોઈ મને ચમક એ આંખોમાં થઈ ખરી જો.

શું ખીણમાં જઈ તું શોધે કશું ફરીને,
મળશે નહીં પતન ત્યાં, નીચે હજી પડી જો.

વરસાદમાં પલળતા જે ડાળખી ના શીખી,
પંખીએ એને પકડી ઉંચી કરી જરી જો.



- Written from Sept 2nd to Sept 16, 2012.

રવિવાર, ઑગસ્ટ 26, 2012

શક્યતામાં વેગ છે


સાંજથી એ શક્યતામાં વેગ છે. 
સ્વપ્ન પાસે આપનો ઉલ્લેખ છે.

ચાલતા'તા ત્યાં સુધી સારુ હતું,
થાક એ ઊભા રહ્યાની ભેટ છે.

ઝાકળ માટે આંખની આ લાગણી,
એકતરફી કોઈ દસ્તાવેજ છે.

છટકી ગઈ પેલી સુગંધી ક્યાંકથી,
ને હવા મુઠ્ઠીની વચ્ચે કેદ છે.

છેક પહોંચી ગઈ હતી ઘટના અને,
આપણી સમજણ હજી અડધે જ છે.

Written from 18 to 25 August, 12.

બુધવાર, ઑગસ્ટ 01, 2012

તારામાં થોડું ડૂબવા નીકળ્યા....

ઝરણું પાણી લાવ્યું ક્યાંથી શોધવા નીકળ્યા,
છાંયડાથી વૃક્ષનું કદ માપવા નીકળ્યા.

ઘર કરે મારામાં તું એ રીતે, રહેવાય ના,
ને અમે તારામાં થોડું ડૂબવા નીકળ્યા.

ટોચની જોઈ ઉદાસી,આભમાં બેઠા નહીં,
વાદળો પર્વતનો આંટો મારવા નીકળ્યા.

ફૂલને પાંખો વિશે જો કલ્પના આવી,તો -
એ બધા ર્ંગીન સરનામે જવા નીકળ્યા.

ઘાસમા છૂપાયેલી એ સોય પાછી મળી,
જે દિવસ ખોયેલા એને ગોતવા નીકળ્યા.

- Written from July 22 to July 31, 2012.