શનિવાર, ઑક્ટોબર 25, 2008

એક છોકરી - હરદ્વાર ગોસ્વામી

મીત્ર હરદ્વારનું એક છોકરી ગીત -


એક છોકરી ફરકી ગઈ ને વાવાઝોડું થ્યું'તું,
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.


એક છોકરી બની છોકરી સૌને ઊગી મૂછ,
એ જ છોકરી નથી છોકરી છે ગીતોનો ગૂછ.

એક છોકરી ટહુકી ગઈને સૌનું નભ વરસ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.

છાતીના પંચાંગે છલકે ચોઘડિયાઓ લાભ,
સોળ વરસ તો પવનપાંદડી ઓછું પડતું આભ.

એક છોકરી મલકી ગઈને મહેકનું મોં બગડ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.


એનું સરનામું થાવાના, સૌને કેવા કોડ,
રાજમાર્ગ સમજીને બેઠા, સૌ પોતાને રોડ.

એક છોકરી વરસી નહીં ને વરસ મોળું ગ્યું'તું.
એ જ છોકરી તરસી થઈ ને સરવર ભેગું થ્યું'તું.

શુક્રવાર, ઑક્ટોબર 24, 2008

હઝલ- રઈશ મનીઆર

રુસ્વા સહેબની "કોણ માનશે" રદીફની બહુ જાણીતી ગઝલની જેમ, એ જ રદીફ પરથી, ગઝલના છંદ શાસ્ત્ર પર જેટલી ગંભીરતાથી કામ કરે છે એ જ રીતે હળવી ગઝલ- હઝલ પર કામ કરનાર શ્રી રઈશ મનીઆરની એક હઝલ.


પોત જ હું ગમાર હતો, કોણ માનશે?
એનો તો બહુ વિચાર હતો, કોણ માનશે?

ચુંબનનું ચિહ્ન ગાલ પર સમજે છે જેને સૌ,
ચંપલનો એ પ્રહાર હતો, કોણ માનશે?

લિપસ્ટિક ને લાલીઓ મહીં વપરાઈ જે ગયો,
મારો પૂરો પગાર હતો, કોણ માનશે?

જેના ઉપર હું ભૂલથી બેસી ગયો હતો,
સળિયો એ ધારદાર હતો કોણ માનશે?

ગુરુવાર, ઑક્ટોબર 23, 2008

ગઝલ - અમૃત "ઘાયલ"

પરંપરામાં પાછા જઇએ...અમૃત"ઘાયલ"ની એક ગઝલથી. એમને શુધ્ધ કવિતાથી મતલબ છે, પછી ભલે ને રાજાએ કરી હોય કે રંકે.


ટપકે છે લોહી આંખથી પાણીના સ્વાંગમાં !
કાવ્યો મળી રહ્યા છે કહાણીના સ્વાંગમાં !

આપણને આદિકાળથી અકળાવતું હતું,
લાવ્યો છું એ જ મૌન હું વાણીના સ્વાંગમાં !

પૂનમ ગણી હું જેમની પાસે ગયો હતો,
એ તો હતી ઉદાસી ઉજાણીના સ્વાંગમાં !

'ઘાયલ', અમારે શુધ્ધ કવિતાઓ જોઈએ,
દાસીના સ્વાંગમાં હો કે રાણીના સ્વાંગમાં.

મારો કબીર છે - હર્ષ બ્રહ્મભટ્ટ

સચિવાલયમાં જેટલા મોટા કામ કરે છે એવું જ કામ કલમ વડે કવિતામાં કરતાં હર્ષ બ્રહ્મભટ્ટની એક ગઝલ. કબીર ચાદર વડે જો લોકોની જિંદગી વણતા હતા તો કવિ ગઝલ વડે એ કામ ના પાર પાડે?


મારી કને તો માત્ર આ મારું શરીર છે,
મારા બધાયે શ્વાસ તો જાણે ફકીર છે.

ખાલી આ મારી બહારની હાલતને ના જુઓ,
મારી ભીતરનો આદમી કેવો અમીર છે !

એમાંય પણ દેખાય છે સૃષ્ટિ આખીય તે,
આખું ભલે ન હોય ફળ, એકાદ ચીર છે.

છે કોણ કે બેસી રહ્યું છે રોકી શ્વાસને,
ખળ ખળ નદીનું વ્હેણ જુઓ કેવું સ્થિર છે !

એમાં જુઓ વણતો રહું છું રંગ સૃષ્ટિના,
મારી ગઝલના પોતમાં મારો કબીર છે.

કેવી મઝાથી ઝબકી રહી વીજ આભમાં,
પોતે ખુદાના હાથમાં જાણે લકીર છે !

મંગળવાર, ઑક્ટોબર 21, 2008

ગઝલ - ધ્વનિલ પારેખ

હાથતાળી રોજ આપી જાય છે સપનું,
એક ચહેરો સાવ ભૂંસી જાય છે સપનું.

દોસ્ત ! એને પામવાનો છે સહારો તું,
હું લગોલગ છું ને નાસી જાય છે સપનું.

કાચ જેવા આંસુનું દર્પણ બનાવીને,
કેટલાં પ્રતિબિંબ તોડી જાય છે સપનું.

આંખ જેવા સાંકડા મેદાનમાં યુદ્ધો,
એટલે તો દોસ્ત ! હારી જાય છે સપનું.

રોજ તારી આંખમાં આવીને શું કરવું ?
દોડતાં ક્યારેક હાંફી જાય છે સપનું.

સોમવાર, ઑક્ટોબર 20, 2008

રવિવાર, ઑક્ટોબર 19, 2008

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત- ઉદયન ઠક્કર

અધવચ્ચે ઉભેલી સ્ત્રીનું ગીત- ઉદયન ઠક્કર


કવિતા એ ફક્ત અમુક જ વિષય વસ્તુને ધ્યાનમાં રાખીને કરવામાં આવતો સાહિત્ય પ્રકાર નથી. કોઇ પણ વિષયને લઈને એમાં જો કાવ્ય તત્વ સિધ્ધ થતું હોય તો એમાં કવિતા લખાવી જ જોઈએ. પછી ભલેને એ Extra Marital Affair - લગ્નેત્તર સંબંધ અને તેમાંય પરણેલી સ્ત્રીનો વિષય કેમ ના હોય, પણ જો સિધ્ધહસ્ત કવિ હોય તો આ વિષયમાંથી પણ કાવ્ય નિપજાવશે જ. અને કદાચ આ જ કવિની કલમની કસોટી છે અને આ ગીતમાંથી પસાર થાવ અને નક્કી કરો કે ઉદયન ઠક્કરની કલમે આ કસોટી પણ સુપેરે પાર પાડી છે. એક એવી પરણેલી સ્ત્રીની વાત જેને પતિ તો ખૂબ ગમે છે, તો ય મન ક્યાંક બીજે અટવાય છે. કારણ પણ ગીતમાં મળે છે- પતિ મીઠ્ઠો પણ સરવર જેવો છે અને સ્ત્રીની સાથે તાલ મીલાવી વહી શકતો નથી.....



મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.

મારા પૈણાજી કેરી હું સોડમાં સૂતી, ને મુઆ તારા ચ્હેરાને કાં ભાળું?
કશું કાંઠાઓ ભાંગીને આવે છે, હું એને રેતીના ઢૂવાથી ખાળું.
જો કે પૈણાનું સરવરિયું મીઠું, પણ વ્હેવાની ટેવ પડી ગઈ છે જાણે:
મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.

હું તો આ એ આંગણનું સાવ પાળેલું પંખી, ને પૈણાનાં દાણ ચણું, મીઠાં,
ને બૉલ પાછલે પરભાતે મેં ટહુકાઓ રીતસર હારબંધ ઊડતા દીઠાં !
કેમ પાંખ્યું ફફડે છે ? મેં તો માન્યું કે સહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે...
મને અધવચ્ચે ઉભેલા રહેવાની ટેવ શી પડી ગઈ છે જાણે.

શનિવાર, ઑક્ટોબર 18, 2008

ગઝલ- ગુંજન ગાંધી

આપણે તો ક્યાં કદી એ કોઈ પણ ધોરણ હતું?
તું કહે તો વાદળું ને તું કહે તો રણ હતું.

પૂજવા કાયમ હજારો સૂર્ય હો હાજર છતાં,
આગિયાને પૂજવાનું આમ ક્યાં કારણ હતું?

સુખ જેવો તો શબ્દ લખવાની ય કંઈ સગવડ નથી,
ચોતરફથી ભાગ્યને જોયા પછી તારણ હતું.

આ જગતથી હારવું એ રોજની બાબત હતી,
જાત સામે હારવાનું દર્દ સાધારણ હતું.

મેં ઉદાસીની ઇમારત એમ શણગારી હતી,
બારણે એના લટકતું યાદનું તોરણ હતું

શુક્રવાર, ઑક્ટોબર 17, 2008

પારિજાતનું ઝાડ- ભગવતીકુમાર શર્મા

વૃક્ષમાં ભગવાન જોઈને ભગવતીદાદા જ્યારે ભજન બનાવે ત્યારે કેવી સુંદર વાત બને છે!


હરિ તમે પારિજાતનું ઝાડ......
રહું છાંયડે ઊભો ને હું ઝીલું તમારા લાડ....હરિ.

શ્રાવણમાં આકાશ ઝરેને તમેય ટપટપ વરસો;
સુગંધભીની બાથભરી મુંને ચાંપો છાતી સરસો.

તમે ઊજળું હસો, મુંને તો વ્હાલપનો વળગાડ......હરિ.

ઓરસિયા પર બની સુખડ હું ઘસું કેસરી દાંડી;
ચંદન તિલક કરું તમને: મેં હોડ હોંશથી માંડી.

તમે મ્હેક થઈ કર્યો ટકોરો; ઊઘડ્યાં હૃદય-કમાડ.


હરિ તમે પારિજાતનું ઝાડ...........

ગુરુવાર, ઑક્ટોબર 16, 2008

ક્યાં વંચાય છે?- નીતિન વડગામા

મનોજ ખંડેરિયાના સાહિત્ય ખેડાણ પર ઉંડો અભ્યાસ કરનાર આ કવિ નીતિન વડગામાની ખુદની કલમની તાકાત તો જુઓ. અને એમનો મા પરનો શેર તો ખરેખર અદભૂત થયો છે.


પગ તળેથી સામટો આધાર સરકી જાય છે
એ જ ક્ષણથી આપણો આ દેહ ઢગલો થાય છે

શોધ યુગોથી સતત જેની અહીં કરતા રહ્યા
છેવટે એ તત્વ પાછું ક્યાં જઈ સંતાય છે?

પુસ્તકો કે પંડિતો પણ જે ન સમજાવી શક્યાં,
એક પળમાં આખરે એ ફિલસૂફી સમજાય છે.

ઝંખીએ સઘળું અહીં ભૂલી જવાના શાપને,
તોય પાછી એક ઘટના એમ ક્યાં વિસરાય છે?

કેદ કરવાની મથામણ માણસો કરતા રહે,
શ્વાસનું પંખી કદી ક્યાં પિંજરે પુરાય છે?

આંખની સાથે જ સમજણ પણ જરૂરી હોય છે
આ શિલાલેખો અમસ્તા એમ ક્યાં વંચાય છે? @



@ સદગત માતુશ્રીને........